- ReadGujarati.com - http://www.readgujarati.com -

ગરમ ગરમ સાંભાર મેં ડુબે ઈડલી – પંકિતા ભાવસાર

‘ગયા જનમમાં જરૂર તું સાઉથ ઈન્ડિયન હોઈશ.’ એવું મને ઘણાંએ કહ્યું છે. મારા સાઉથનાં વ્યંજનો પ્રત્યેનો પ્રેમ જોઈને જ મારા મિત્રોએ મને આવું કહ્યું છે. એમાં પણ ઈડલીનું નામ આવતાતો હું સઘળું ભૂલી જઊં.

બચપણથી મને ઈડલી-સાંભાર ખૂબ જ ભાવે. મારી શાળામાં એક બહેન બપોરની રીસેસમાં ઘરનો બનાવેલો ગરમ અને સૂકો નાસ્તો લઈને આવતા. કોઈ દિવસ એ ગરમ નાસ્તામાં ઈડલી પણ લાવતા. અને તે દિવસે આપણે એ ઈડલીતો ખાવાની જ. એના માટે હું હંમેશા પૈસા બચાવીને રાખતી. ૨ રૂપિયામાં નાની સ્ટીલની ડીશમાં ઈડલી અને ગુજરાતી તીખી દાળ આપતા. આજે પણ જ્યારે હું ઈડલી-સાંભાર ખાઉં છું ત્યારે એ દાળને અચૂક યાદ કરું છું.

મારી મમ્મી પણ રસોઈકળાની નિષ્ણાંત, ઉપરથી મારા એક માસી તમિલનાડુમાં રહે છે. તેથી મમ્મીનો ઈડલી-ઢોસામાં હાથ જામી ગયેલો. એટલે મહિનામાં એકાદવાર ઈડલી-સાંભાર-ચટણી તો અચૂક જ ખાવા મળે.

વળી મારું મોસાળ મુંબઈમાં અને મામાની દુકાન પ્રાર્થનાસમાજ પાસે. જ્યારે પણ અમે નવસારીથી મુંબઈ જઈએ એટલે ફ્લાઈંગ રાણીમાં પહેલા બોમ્બે સેન્ટ્ર્લ ઉતરીને મામાની દુકાન પર જ જવાનું. મામા પણ અમે જેવા પહોંચીએ તેવા બાજુની ઉડીપીમાંથી ઈડલી – સાંભાર જ મંગાવે. ખરેખર મુંબઈની ઉડીપી હોટેલોમાં મળતી ઈડલી – સાંભારની મજા જ કંઈ અલગ છે.

મારા આ ઈડલી પ્રેમનાં લીધે જ કદાચ નસીબ મને હૈદરાબાદ અને ત્યારબાદ ચૈન્નઈ લઈ ગયું. હૈદરાબાદની રામોજી ફીલ્મ સીટીમાં આવેલી ઈટીવીની અનેક ચેનલોની હેડ ઓફિસમાં આશરે હજારેક માણસો કામ કરે. સાઉથ ઈન્ડિયન લોકોની એક આદત મને સૌથી વધારે ગમે તે સવારે ગરમ-ગરમ નાસ્તો કરવાની. ઈટીવીની કેન્ટિન સવારે સાડા પાંચ વાગ્યાથી શરૂ થઈ જતી. મોર્નિંગ શિફ્ટમાં જ્યારે અમે ઓફિસ પહોંચીએ ત્યારે સવારે સાત વાગ્યે પંચ ઈન કરીને સીધું કેન્ટીનમાં જવાનું. ગરમ-ગરમ ચા અને નાસ્તો કરીને પછી જ દિવસની શરૂઆત કરવાની.. અને સવારનાં નાસ્તામાં અડધા દિવસ તો આપણી ફેવરિટ ઈડલી જ મળતી હતી.

ત્યારબાદ હું નોકરી કરવા ઈડલી – ઢોસાનાં સ્વર્ગ એવા ચેન્નઈ પહોંચી. મારી વર્કીંગ વુમેન હોસ્ટેલમાં બ્રેકફાસ્ટ-લંચ-ડીનર બધું જ ઓથેન્ટીક સાઉથ ઈન્ડિયન મળતું. આપણે તો ભાવતું હતું ને વૈદે કીધુ જેવુ થયું. હા પણ રોટલી-શાક્ની ખોટ તો મને ઘણી વાર જ સાલતી. ચેન્નઈમાં જ મેં પ્રથમવાર રવા ઈડલી, મસાલા ઈડલી, ઈડલી મંચુરીયન જેવી અલગ અલગ ઈડલી વેરાઈટી ચાખી અને આપણો ઈડલી પ્રત્યેનો પ્રેમ બમણો થઈ ગયો.

ચેન્નઈમાં જ મને જાણવા મળ્યું કે જ્યારે કોઈ વ્યક્તિ બિમાર હોય ત્યારે તેણે ફક્ત ઈડલી જ ખાવાની, આપણે જેમ ખીચડી ખાઈએ એમ. ઈડલી બધા રોગોને સારા કરે. ત્યાં મને ઈડલી માટેની પાવડર ચટણી પણ જાણવા મળી. જે શેકેલા ચણાની દાળ, અડદની દાળ, લાલ મરચું, હીંગ, મીઠુંને વાટીને બનાવવામાં આવતી. જ્યારે સાંભાર કે નાળિયેર ચટણી બનાવવાનો સમય ન હોય ત્યારે આ પાવડરમાં ઘી કે તેલ નાંખીને તેને ચટણી જેવી બનાવી એમાં ઈડલી બોળીને ખાવાની. આ ચટણી પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. આજે પણ ચેન્નઈની મારી હોસ્ટેલની એ ઈડલી-સાંભાર-ચટણીનો સ્વાદ હું ભૂલી નથી શકતી.

ઈડલી પરનાં ખાસ્સાં રિસર્ચને લીધે મને જાણવા મળ્યું કે તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને કેરાલ, આ બધા જ રજ્યોમાં ઈડલી-સાંભાર બનાવવાની રીતમાં પણ થોડો ફેરફાર હોય છે. અને સાથેની ચટણીમાં તો વિપુલ વૈવિધ્ય હોય છે.

મારા પતિને પણ મેં સાઉથનાં વ્યંજનો અને ખાસ કરીને ઈડલી-ઢોસાનું ઘેલું લગાડ્યું છે. અહીં દોહા-કતારમાં કેરાલાનાં લોકોની સંખ્યા ઘણી હોવાથી ઠેર-ઠેર સાઉથ-ઈન્ડિયન રેસ્ટોરન્ટ જોવા મળે. મારા મલયાલમ સહકર્મચારીઓ સાથે મળીને અમે ઘણીવાર સવારે નાસ્તામાં ઈડલી-વડા મંગાવીએ અને સાથે અમારા ગોરા બોસને પણ ખવડાવીએ. વળી અહીંની ગ્રોસરીશોપમાં પણ તાજું-તૈયાર ઈડલીનું ખીરૂં મળે છે.

ભગવાનની ખરેખર મારા પર અસીમ કૃપા છે, હું જ્યાં જ્યાં ગઈ છું ત્યાં ત્યાં મને ઈડલી મળી છે. અને મારો ઈડલી પ્રેમ પણ વધતો જ ગયો છે.

– પંકિતા ભાવસાર
દોહા-કતાર, Pankita.bhavsar@gmail.com