ફરક તો પડશે.. – બિમલ રાવલ

‘રાઠોડ સાહેબ ગમે તે કરો પણ રોહન વિરુદ્ધ કોઈ કેસ દાખલ ન થવો જોઈએ, પૈસાની ફિકર નહિ કરતાં કોઈનું પણ મોઢું બંધ કરવા. જે રકમ કહેશો તે મળી જશે પણ તમે મેનેજ કરી લેજો.’ સોહનલાલના અવાજમાં એક અહંકાર હતો પણ ક્યાંક ને ક્યાંક ઝીણી કંપારી પણ હતી. ઇન્સ્પેક્ટર રાઠોડ તેમના ખાસ મિત્ર હતા, તેમણે કહ્યું, ‘જુઓ સોહનલાલ, હજી સુધી કોઈ કંપ્લેન કરવા આવ્યું નથી અને આમ પણ તે સમયે ત્યાં અંધારું હતું એટલે કોઈએ રોહનને જોયો પણ ન હોય, આ તો અમારો એક ટ્રાફિક કોન્સ્ટેબલ ડ્યૂટી પતાવીને નીકળતો હતો, ને તેણે રોહનની કારને પેલી છોકરી સાથે ટક્કર મારી ભાગતા જોઈ લીધી, ને નંબર પણ નોટ કરી લીધો.

કોન્સ્ટેબલ પેલી છોકરીને દવાખાને એડમિટ કરી સીધો પોલીસસ્ટેશન આવ્યો ને તેણે આ ઘટના વિષે મને જાણ કરી. તેણે નોટે કરેલા કાર નંબર પરથી તપાસ કરતાં ખબર પડી કે આ ગાડી તો તમારી છે એટલે હું સીધો અહીં દોડી આવ્યો. મારા ટ્રાફિક કોન્સ્ટેબલની તમે ચિંતા ન કરતા એને હું સંભાળી લઈશ. પણ હા, દવાખાનેથી ડૉક્ટરનો ફોન હતો કે તે છોકરીની હાલત ગંભીર છે, જો તેને કઈં થઇ ગયું તો પરિસ્થિતિ વણસી શકે છે. વળી કોન્સ્ટેબલના કહેવા મુજબ છોકરીના પહેરવેશ પરથી કોઈ મોટા ઘરની હોય તેવું તેને લાગે છે, જો ખરેખર એવું નીકળ્યું, અને તેના ઘરનાએ કેસ કરી દીધો તો ગમે તેટલા પૈસા ખર્ચશો, રોહનને બચાવવો મુશ્કેલ થઇ પડશે.’

એ.સી.ની ઠંડકમાંય સોહનલાલને કપાળે પરસેવો વળી ગયો, ‘રાઠોડ સાહેબ, એ હું કઈં ન જાણું, બસ ગમે તેમ કરીને રોહન આ કેસમાં ન ફસાવો જોઈએ. એ છોકરીનું જે થવું હોય તે થાય એના પરિવારવાળા ગમે તે હોય, આપણે તેમને રૂપિયાથી તોલી દઈશું પછી શું છે.’

ઇન્સ્પેક્ટર રાઠોડ ખામોશ રહ્યા, ગુસ્સો તો તેમને એટલો ચડ્યો હતો કે સોહનલાલની જગ્યાએ બીજું કોઈ હોત તો સણસણાવીને એક લાફો ઝીંકી દીધો હોત ને એકજ ઝાટકે પૈસાની આ ગરમી ઉતારી દીધી હોત પણ વર્ષો જૂની મિત્રતાએ તેમના હાથ રોકી લીધા. તેમણે પોલીસ સ્ટેશન ફોન કરી પૂછ્યું કે છોકરી કોણ છે તેની કઈં ખબર પડી કે નહિ? સામે છેડેથી હેડકોન્સ્ટેબલે કહ્યું, ‘સાહેબ, હજી સુધી કઈં ખબર નથી પડી, તેનું પર્સ કે મોબાઈલ કશું મળ્યું નથી. એકસિડન્ટની જગ્યા પર પણ જઈને તપાસ કરી પણ કઈં મળ્યું નહિ, કદાચ કોઈના હાથમાં આવ્યું હોયને ઉડાવી ગયું હોય તેવું લાગે છે.’

‘ઠીક છે, હોસ્પિટલના સંપર્કમાં રહેજો અને મને રજે રજની માહિતી આપતા રહેજો.’ કહી ઇન્સ્પેક્ટર રાઠોડે ફોન કટ કરી દીધો.

ઇન્સ્પેક્ટર રાઠોડે સોહનલાલને પૂછ્યું, ‘રોહન અને ભાભી ક્યાં છે, દેખાતા નથી?’

સોહનલાલે કહ્યું, ‘રોહન ઘરે આવ્યો ત્યારે એકસિડેન્ટના કારણે ખુબ ગભરાયેલો હતો, અને વળી તે નશાની હાલતમાં પણ હતો, તેવામાં મને થયું કે ક્યાંક પોલીસ કમ્પ્લેન થાય અને ધરપકડ થાય તો તે નશો કરીને ગાડી ચલાવતો હતો તેવું સાબિત થઇ જાય આથી મેં તમારા ભાભીની સાથે તેને તેના મામાને ઘરે મોકલી દીધો છે.’

ઇન્સ્પેક્ટર રાઠોડને વળી પાછો ગુસ્સો આવ્યો, તેમણે કહ્યું, ‘સોહનલાલ, હું અહીં બે કલાકથી એક મિત્રના નાતે તમારા પનોતા પુત્રના પરાક્રમને છાવરવા પ્રયાસ કરી રહ્યો છું ને તમે મને અત્યારે જણાવો છો કે રોહન નશો કરેલી હાલતમાં ગાડી ચલાવી રહ્યો હતો.’

સોહનલાલ જરા ઝંખવાયા, પછી કહે, ‘હા ભાઈ હવે, આ બધા ટેન્શનમાં ભુલાઈ ગયું તમને કહેવાનું.’

ઇન્સ્પેક્ટર રાઠોડને થયું, સાલું અત્યારેને અત્યારે બાપ બેટા બંનેને પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દે. સોહનલાલ પોતાની ભૂલ થઇ છે તેવું રાઠોડના ચહેરા પરથી સમજી ગયા એટલે તેમણે વાત બીજા પાટા પર ચડાવવા નોકરને બૂમ મારી કહ્યું, ‘બે કોફી બનાવી ઝડપથી લઇ આવ.’

નોકર આવી કોફી મૂકી ગયો, કોફીની ચુસ્કી મારતા મારતા અચાનક ઇન્સ્પેક્ટર રાઠોડે પૂછ્યું, ‘સોહનલાલ તમે કહ્યું તમારી વાઈફ અને રોહન તેના મામાને ઘરે ગયા છે રાઈટ, તો પછી તમારી પુત્રી સ્નેહા ક્યાં છે? હું આવ્યો ત્યારથી એકપણ વાર મને મળવા નથી આવી.’ અચાનક સોહનલાલ પણ ચમક્યા, તેમને પણ અત્યારે જ યાદ આવ્યું કે સ્નેહા બપોરની બહાર ગઈ છે તે છેક રાતના સાડા અગિયાર થવા આવ્યા પણ હજી આવી નથી. આટલું બધું મોડું તો તે ક્યારેય કરતી નથી અને જો કોઈ કારણસર મોડું થાય તો પપ્પાને ફોન અવશ્ય કરી દે, કે તે ક્યાં છે પણ હજી સુધી તેનો ફોન પણ નહોતો આવ્યો.

‘રાઠોડસાહેબ, આ બધી દોડધામમાં મારી લાડકવાયી દીકરીને વિસરી ગયો હતો.’ તેમણે તેનો ફોન લગાડી જોયો પણ તે નોટ રિચેબલ આવતો હતો. ફરી ફરી તેમણે અને ઇન્સ્પેક્ટર રાઠોડે સ્નેહાનો ફોન જોડવાની કોશિશ કરી પણ વ્યર્થ તે દરમિયાન તેમણે તેમના પત્નીને પણ ફોન કરી પૂછી લીધું કે સ્નેહાને કદાચ તેમણે ડાયરેક્ટ પોતાની પાસે મામાના ઘરે બોલાવી લીધી હોય પણ તેમણે કહ્યું કે તે ક્યારના સ્નેહાનો નંબર ટ્રાય કરે છે પણ નથી લાગતો. હવે સોહનલાલને ચિંતા થવા લાગી કે ક્યાં ગઈ હશે આ છોકરી, આટલું મોડું તો કોઈ દિવસ નથી કરતી. સોહનલાલ ટેબલ પાર પડેલી ટેલિફોનની ડાયરીના પત્તા ઉથલાવવા લાગ્યા. તેમણે ડાયરીમાંથી શોધેલા તેની બહેનપણીઓના નંબર પર ફોન કરી લીધા પણ તે લોકોએ કહ્યું કે બપોરે આવી હતી ને સાંજે તેમનાથી છુટા પડી કઈં શોપિંગ કરી સીધી ઘરે જવાની હતી.

સોહનલાલે ઇન્સ્પેક્ટર રાઠોડ સામે જોઈને કહ્યું, ‘રાઠોડ સાહેબ, આ એક નવી ઉપાધિ, કઈં મદદ કરો તમે.’ સોહનલાલ ફોન પર બધી ગડમથલ કરી રહ્યા હતા તે દરમિયાન ઇન્સ્પેક્ટર રાઠોડના ગુનાશોધક મગજમાં એક અનિચ્છનીય વિચાર આવી ગયો ને તેમણે હોસ્પિટલ પર તહેનાત કોન્સ્ટેબલને સૂચના આપી કે સાંજે જે છોકરીને એડમિટ કરી છે તેનો ફોટો પાડી તાત્કાલિક મને વોટ્સઅપ પર મોકલી દે. સોહનલાલ ફરી ઇન્સ્પેક્ટર રાઠોડ સામે જોઈ મદદ કરવા વિનવી રહ્યા હોય તેમ જોઈ રહ્યા હતાં તે દરમિયાન ઇન્સ્પેક્ટર રાઠોડના મોબાઈલ પર મેસેજ ડાઉનલોડ થઇ રહ્યો હતો. ઇન્સ્પેક્ટર રાઠોડના માથા પર પરસેવો વળી ગયો, કોન્સ્ટેબલે જે છોકરીનો ફોટો મોકલ્યો હતો તે સ્નેહા હતી. તેમને આમ ગભરાયેલા જોઈ સોહનલાલે પૂછ્યું, ‘શું થયું રાઠોડ સાહેબ? તમે ઇન્સ્પેક્ટર થઇ ને આમ એક છોકરીને શોધવાની વાત સાંભળીને ગભરાય ગયા યાર.’

ઇન્સ્પેક્ટર રાઠોડે કહ્યું, ‘સોહનલાલ, તમારા માટે બે સમાચાર છે, એક સારા અને બીજા ખરાબ. કહો પહેલા ક્યા કહું?’

હવે મૂંઝવણમાં આવવાનો વારો સોહનલાલનો હતો, તેમણે પૂછ્યું, ‘એટલે શું? તમે યાર રાઠોડ સાહેબ આમ પોલીસની ભાષામાં વાત ના કરો જે હોય તે મને જલ્દીથી કહો.’

ઇન્સ્પેક્ટર રાઠોડે આંખના ખૂણે આવેલા એક અશ્રુબિંદુને લૂછતાં કહ્યું, ‘સોહનલાલ, બધાઈ હો, તમારો પુત્ર રોહન બચી ગયો અને તે પણ એક પણ પૈસો ખર્ચ્યા વગર.’

સોહનલાલતો ખુશીના માર્યા ઉછળી પડયા ને કહ્યું, ‘વાહ રાઠોડસાહેબ, દોસ્ત હોય તો તમારા જેવો…’

તેમને ઇશારાથી આગળ બોલતા અટકાવી ઇન્સ્પેક્ટર રાઠોડે કહ્યું, ‘..પણ બીજા એક માઠા સમાચાર પણ છે દોસ્ત.’

સોહનલાલે કહ્યું, ‘હવે ગમે તેવા સમાચાર હોય કહી દો મને કોઈ ફરક નથી પડતો.’

‘ફરક પડશે દોસ્ત, આ સમાચારથી તમને ફરક પડશે, કારણ કુદરતની થપાટમાં અવાજ ભલે નથી હોતો પણ દર્દ ખુબજ ભયંકર હોય છે.’

‘એટલે તમે કહેવા શું માંગો છો રાઠોડ?’ સોહનલાલનો અવાજ એકદમ ભારે થઇ ગયો.

‘એટલે એમ કે જે છોકરીને તમારા રોહનની કારે ટક્કર મારી હતી તે બીજી કોઈ નહિ પણ તમારી પુત્રી સ્નેહા હતી જે અત્યારે હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.’ ઇન્સ્પેક્ટર રાઠોડના આ શબ્દો સાંભળી સોહનલાલને અચાનક નીચેથી ધરતી અને માથેથી આભ જતું રહ્યું હોય તેવું લાગ્યું અને તે ચક્કર ખાઈને ધડામ કરતા ફર્શ પર ઢગલો થઇ બેસી પડ્યા.

– બિમલ રાવલ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

16 thoughts on “ફરક તો પડશે.. – બિમલ રાવલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.