Archive for May, 2018

સાચી દોલત – નીરજ શાહ

સૂર્યના પ્રકાશ જેવો એ પ્રકાશ મારી આંખોની સામેથી અદ્રશ્ય થયો એટલે મને જોવા મળ્યું કે હું એક પતંગની જેમ હવામાં વિચરી રહ્યો છું. મારી આજુબાજુ કોઈપણ પ્રકારના ઘર, રહેઠાણ, વૃક્ષો કે માનવીની બનાવેલી બીજી કોઈપણ વસ્તુઓ નથી પરંતુ જાણે કે સફેદ રંગની રૂની પૂણી જેવા વાદળો અને મંદ મંદ વહેતો ઠંડો પવન તેમજ પવનમાં રહેલા પાણીના ટીપાંમાં ગણગણાટ અને એક આહલાદક અનુભૂતિ હતી.

કદાચ ઘણા લાંબા સમય પછી મને એવું લાગી રહ્યું હતું કે હું મારી જિંદગી અને સમયને માણી રહ્યો છું. મારી જિંદગીમાં ફક્ત સવારે ઊઠીને કામ કરવા માટે ઓફીસ જવા સિવાય બીજો કોઈ નિત્યક્રમ નહિ હતો. રોજ સવારે ઉઠીને એ જ ઓફિસમાં જવું અને રોજ મીટીંગો કરવી નવા-નવા કામો શોધવા નવા-નવા કોન્ટ્રાક્ટ સાઇન કરવા અને એ કોન્ટ્રાક્ટને પૂરા કરવામાં પૂરી મહેનત થી લાગી નથી જવું કે જેનાથી વધુમાં વધુ ઊંચાઈ ઉપર જઈ શકાય અને વધુમાં વધુ પૈસા કમાઇ શકાય. એના સિવાય કોઈપણ પ્રકારનો વિચાર લગભગ ઘણા લાંબા સમયથી મેં મારી જિંદગીમાં કર્યો ન હતો.

જેમ્સ આઈવરીનો ભારતીય પ્રેમ – નિલય ભાવસાર

મૂળ અમેરિકન એવાં ફિલ્મ દિગ્દર્શક, નિર્માતા અને લેખક જેમ્સ આઈવરી (James Francis Ivory)ને આ વર્ષે યોજાયેલાં ૯૦માં અકાદમી એવોર્ડ સમારંભમાં ફિલ્મ ‘call me by your name’ માટે શ્રેષ્ઠ એડપ્ટેડ સ્ક્રીનપ્લેની શ્રેણીમાં ઓસ્કર એટલે કે અકાદમી એવોર્ડ પ્રાપ્ત થયો છે. અકાદમી એવોર્ડના ઈતિહાસમાં તેઓ અત્યાર સુધીમાં સૌથી વધુ (૮૯ની) વયે એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ વ્યક્તિ છે. જેમ્સ આઈવરી અગાઉ ભારતીય મૂળનાં ઈસ્માઈલ મર્ચન્ટની સાથે ભાગીદારીમાં (મર્ચન્ટ આઈવરી પ્રોડક્શન્સ) અભિનેતા શશી કપૂરને લઈને ઘણી ફિલ્મ્સ પ્રોડ્યુસ અને ડીરેક્ટ કરી ચૂક્યા છે. જેમાં શશી કપૂર સ્ટારર ધ હાઉસહોલ્ડર (૧૯૬૩), શેક્સપિયર વાલાહ (૧૯૬૫), બોમ્બે ટોકી (૧૯૭૦), ઇન કસ્ટડી (૧૯૯૩) વગેરે ફિલ્મ્સનો સમાવેશ થાય છે.

સંચાર કરો સકલ કર્મ શાંત તોમાર છંદ – નમ્રતા દેસાઈ

“સંચાર કરો સકલ કર્મ શાંત તોમાર છંદ”

કવિવર શ્રી રવીન્દ્રનાથ ઠાકુરની આ પંક્તિ વાંચવાથી અને સાંભળવાથી આપણું મન ખરેખર સ્વસ્થતા અને શાંતિ ભણી ગતિ કરવાનું નક્કી કરે છે પણ ઘોંઘાટ અને અવાજમાં ક્યાંય ચેન નથી. અને જ્યાં ચેન નથી ત્યાં આપણે સહુ શાંતિ શોધવાના મિથ્યા પ્રયાસોમાં ડૂબેલા રહીએ છીએ.

આપણામાંથી મહદઅંશે ઘણીબધી વ્યક્તિઓના મનમાં કોલાહલ આસન જમાવીને બેસી જાય એટલે, સતત બોલબોલ કરવાની વૃત્તિ વકરતી જાય છે. ત્યારે માણસ ફક્ત બોલવા ખાતર જ બોલતો હોય એવું લાગે. તો વળી ક્યારેક આ બોલબોલ કરવાની આદત પાછળ આત્મવિશ્વાસનો અભાવ પોતાની ઓળખ માટેના વલખાં અને અહમ સતત એની ફરતે ગાળિયો કસતો રહે. ત્યારે સતત બોલતો માણસ ક્યારેય કોઈની વાત શાંતિથી સાંભળી ન શકે અને જે સાંભળી ન શકે એ ક્યારેય બીજા ને સમજી જ ન શકે!

કૃષિ પર્યાવરણમાં પક્ષીઓની અગત્યતા – ડો. એચ. એસ. વર્મા અને ડો. આર. એમ. પટેલ

પૃથ્વી પર ભાગ્યે જ એવી કોઇ જગ્યા હશે જયાં પક્ષીઓની વસ્તી જોવા ન મળે એટલે જ માનવજીવન સાથે પક્ષીઓનો ઘનિષ્ઠ સબંધ રહેલો છે. કુદરતી સંતુલન જાળવવામાં પક્ષીઓ અગત્યનો ભાગ ભજવે છે. માનવી પ્રવૃત્તિઓની ચહલપહલ સાથે પક્ષીઓએ પણ અનુકુલન સાધી લીધું છે. પોતાના સુંદર રંગો અને વિવિધતાસભર સ્વરો દ્વારા અલૌકિક આકર્ષણ ઉભું કરે છે જેને નિહારતા, સાભળતાં અને સમજવાનો પ્રયત્ન કરતાં આપણને તે પ્રકૃતિની નજીક લઇ જાય છે એટલે જ પ્રકૃતિના વિવિધ પાસાઓ પૈકી પક્ષીઓ સૌથી આપણી નજીક હોય છે.

Copy Protected by Chetan's WP-Copyprotect.