કૃષિ પર્યાવરણમાં પક્ષીઓની અગત્યતા – ડો. એચ. એસ. વર્મા અને ડો. આર. એમ. પટેલ

પૃથ્વી પર ભાગ્યે જ એવી કોઇ જગ્યા હશે જયાં પક્ષીઓની વસ્તી જોવા ન મળે એટલે જ માનવજીવન સાથે પક્ષીઓનો ઘનિષ્ઠ સબંધ રહેલો છે. કુદરતી સંતુલન જાળવવામાં પક્ષીઓ અગત્યનો ભાગ ભજવે છે. માનવી પ્રવૃત્તિઓની ચહલપહલ સાથે પક્ષીઓએ પણ અનુકુલન સાધી લીધું છે. પોતાના સુંદર રંગો અને વિવિધતાસભર સ્વરો દ્વારા અલૌકિક આકર્ષણ ઉભું કરે છે જેને નિહારતા, સાભળતાં અને સમજવાનો પ્રયત્ન કરતાં આપણને તે પ્રકૃતિની નજીક લઇ જાય છે એટલે જ પ્રકૃતિના વિવિધ પાસાઓ પૈકી પક્ષીઓ સૌથી આપણી નજીક હોય છે. ભારતભરની ૧૨૩૭ પક્ષીઓની જાતો પૈકી ગુજરાતમાં ૪૭૧ પક્ષીની જાતો જોવા મળી છે એ તેની વિપુલતાનું પ્રમાણ છે. પક્ષીઓ કૃષિ પર્યાવરણનું અવિભાજ્ય અંગ છે. આધુનિક વિકાસને કારણે પક્ષીઓનાં રહેઠાણ ઉપર માઠી અસર જોવા મળેલ છે જેને પરિણામે કૃષિ પર્યાવરણને જોખમમાં તો નથી મૂકી રહ્યા એ અંગે ગંભીર રીતે વિચારવાની અત્યંત જરૂરીયાત છે. કૃષિ પર્યાવરણમાં પક્ષીઓ ખુબ જ મહત્વનો ભાગ

ભજવે છે જેની આપણને અધતન જાણકારી ન હોવાને કારણે આપણે એને ધ્યાન પર લેતા નથી.

આમ કૃષિ પર્યાવરણમાં પક્ષીઓનો શું ફાળો રહેલો છે એ સમજવું જરૂરી છે.

ખેડૂતમિત્રો માટે ફાયદારૂપ પક્ષીઓ

ખેતી-પાકોમાં વિવિધ જીવાતોનું ૬૦% નિયંત્રણ કુદરતી રીતે થતું હોય છે. જેમાં કીટભક્ષી પક્ષીઓનો મહત્તમ ફાળો રહેલો છે. પક્ષીઓની કેટલીક જાતીઓને બાદ કરતાં મોટા ભાગના પક્ષીઓ કીટ ભક્ષી અને માંસ ભક્ષી હોવાને કારણે ખેતી પાકોમાં નુકસાન કરતી જીવાતો અને ઉંદરનું નિયંત્રણ કરે છે. વિવિધ ખેતી કાર્યો વખતે વધુમાં વધુ પક્ષીઓ આવતા હોય છે જેવા કે ખેતર ખેડાતું હોય ત્યારે જીવાતોના કોશેટા અને ઇયળો જમીનમાંથી બહાર નીકળતી હોય છે તેને ખાવા માટે હળ કે ટ્રેક્ટરની પાછળ ઉડતા જોવા મળે છે તેમજ પિયત, નિંદામણ અને કાપણી વખતે પણ વિવિધ જીવાતો જેવી કે મોલોમશી, ઇયળો, તીડ, તીતીઘોડા, ખડમાંકડી, ખપૈડી, પતંગિયા, ફૂદા, ઉધઈ જેવી જીવાતો ખાવા માટે જુદાં-જુદાં પક્ષીઓ આવતા હોય છે. ખેતરમાં જોવા મળતાં કીટ ભક્ષીઓમાં ઢોર બગલાં, કાળો કોશી, કાબર, વૈયા, દિવાળી ઘોડો, પીળક, દૈયડ, ચાષ, કાગડો, લેલાં, બુલબુલ અને તારોડિયા તેમજ શિકારી પક્ષીઓમાં ચીબરી, રેવી દેવી, મોટો ઘુવડ, કપાસી સમળી તથા કેટલીક જાતના બાજ ઉંદર નિયંત્રણ માટે ઉપયોગી હોય છે જેથી પક્ષીઓ ખેડુતોના ઉત્તમ મિત્ર ગણી શકાય.
પરાગનયનની ક્રિયામાં ઉપયોગી

વિવિધ ખેતી પાકો તેમજ અન્ય વનસ્પતિઓમાં પરાગનયનની ક્રિયા તેના ઉત્પાદન અને તેની ગુણવત્તા માટેનું અગત્યનું પાસું હોય છે જેમાં શક્કર ખોરો, કાળિયો કોશી જેવા પક્ષીઓ ફૂલોમાંથી ઝરતા મીઠા રસ (નેક્ટર)નો પણ ખોરાક તરીકે ઉપયોગ કરતાં હોવાથી આડકતરી રીતે પરાગનયન ની પ્રક્રિયામાં ઉપયોગી છે.

વૃક્ષો અને વિવિધ વનસ્પતિઓને નવપલ્લિત કરવામાં પક્ષીઓનું યોગદાન:

વૃક્ષો પર્યાવરણને સંતુલીત રાખવામાં મહત્વનું પરિબળ ગણાય છે. માનવજીવનના આધારસ્તંભ ગણાતા આ વૃક્ષો ગ્લોબલ વોર્મીંગ કે હવામાં રહેલાં પ્રદુષણ જેવી વૈશ્વિક સમસ્યાઓ માટે સમાધાન રૂપ છે ત્યારે વિવિધ વૃક્ષોને પેદા કરવા માટે પક્ષીઓ મહત્વની ભૂમિકા ભજવે છે. ગામની સીમ, તળાવની આસપાસ કે અન્ય પડતર જમીન પર ઘણા બાવળ, વડ, પીપળા જેવા અન્ય વૃક્ષો જોવા મળે છે જે કોઈ વાવવા માટે જતું નથી પરંતુ ઘણા પક્ષીઓ જેવા કે બુલબુલ, લેલાં, ટૂકટૂક, કબુતર જેવા પક્ષીઓ વૃક્ષના ફળો ખાતા હોય છે જ્યારે આં પક્ષીઓ ચરકે ત્યારે તેની ચરક(હગાર)માં આ વૃક્ષોના બીજ હોય છે. જ્યાં આ બીજ નીચે પડે ત્યાં હગારને કારણે પૂરતું પોષણ મળી રહેતાં ચોમાસામાં ઝડપથી ઉગી નીકળી મોટા વૃક્ષોનુ રૂપ ધારણ કરે છે.

સફાઈ કામદારનું કાર્ય

જ્યારે કોઈ જંગલી પ્રાણીઓ અન્ય પ્રાણીઓનો શિકાર કરે કે કોઈ ઢોર-ઢાંખર જયારે મૃત્યુ પામે છે ત્યારે કાગડો, ગીધ અને સમડી જેવા પક્ષીઓ તેનો ખોરાક તરીકે ઉપયોગ કરી પર્યાવરણને પ્રદુષિત થતું અટકાવે છે. આમ આવા સડેલા મૃતદેહોથી ફેલાતા રોગોથી આપણને બચાવે છે.

આમ કૃષિ પર્યાવરણમાં ઉપયોગી પક્ષીઓનું જતન અને સંરક્ષણ આપણા સૌની નૈતિક ફરજ બની રહે છે.

 

 

 

– ડો. એચ. એસ. વર્મા અને ડો. આર. એમ. પટેલ
(એ.આઇ.એન.પી.વી.પી.એમ : એગ્રીકલ્ચરલ ઓર્નિથોલોજી, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ)


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ફરક તો પડશે.. – બિમલ રાવલ
સંચાર કરો સકલ કર્મ શાંત તોમાર છંદ – નમ્રતા દેસાઈ Next »   

3 પ્રતિભાવો : કૃષિ પર્યાવરણમાં પક્ષીઓની અગત્યતા – ડો. એચ. એસ. વર્મા અને ડો. આર. એમ. પટેલ

  1. માહિતી સભર લેખ. ખૂબ ખૂબ આભાર.

  2. pravin dabhi says:

    ખૂબજ સરસ..લેખ….

  3. udit says:

    બહુ સારા લેખ

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.