સંચાર કરો સકલ કર્મ શાંત તોમાર છંદ – નમ્રતા દેસાઈ

“સંચાર કરો સકલ કર્મ શાંત તોમાર છંદ”

કવિવર શ્રી રવીન્દ્રનાથ ઠાકુરની આ પંક્તિ વાંચવાથી અને સાંભળવાથી આપણું મન ખરેખર સ્વસ્થતા અને શાંતિ ભણી ગતિ કરવાનું નક્કી કરે છે પણ ઘોંઘાટ અને અવાજમાં ક્યાંય ચેન નથી. અને જ્યાં ચેન નથી ત્યાં આપણે સહુ શાંતિ શોધવાના મિથ્યા પ્રયાસોમાં ડૂબેલા રહીએ છીએ.

આપણામાંથી મહદઅંશે ઘણીબધી વ્યક્તિઓના મનમાં કોલાહલ આસન જમાવીને બેસી જાય એટલે, સતત બોલબોલ કરવાની વૃત્તિ વકરતી જાય છે. ત્યારે માણસ ફક્ત બોલવા ખાતર જ બોલતો હોય એવું લાગે. તો વળી ક્યારેક આ બોલબોલ કરવાની આદત પાછળ આત્મવિશ્વાસનો અભાવ પોતાની ઓળખ માટેના વલખાં અને અહમ સતત એની ફરતે ગાળિયો કસતો રહે. ત્યારે સતત બોલતો માણસ ક્યારેય કોઈની વાત શાંતિથી સાંભળી ન શકે અને જે સાંભળી ન શકે એ ક્યારેય બીજા ને સમજી જ ન શકે!

પોતાની હાજરીની નોંધ લેવાય એ બધાને જ ગમે! પણ આ ટેસ્ટી વાતોનાં વડાંને પચાવવાની તકલીફ જ્યારે સામેવાળાએ ઉઠાવવી પડે એ કરુણતા કહેવાય. કારણ કે કોઈ આપણી સાથે વાત કરતું હોય ત્યારે ખરેખર આપણે ત્યાં મનથી હાજર રહીએ છીએ ખરા?

માણસ ધ્યાન બહેરો થઈ જવા માંડ્યો છે. સામેવાળાની વાતને પચાવવા જેટલા આપણે સતર્ક હોતા નથી. આપણી ભીતર એટલી જ ઉતાવળ અને ખળભળાટ વધ્યો છે જે આપણી શ્રવણ કરવાની વૃત્તિને જ મારી પરવારે.

સવારના પહોરમાં જાગીએ ત્યારથી મનની અંદર અને બહાર કોલાહલ શરૂ થઈ જાય. અખબાર, રેડિયો, મોબાઇલ, ફેરિયા, ટીવી, વાહનવ્યવહાર, મંદિર, મસ્જિદ, ક્રિકેટ અને શ્વાન. આ બધાના અવાજો આપણી અંદર કોલાહલ અને ઘોંઘાટ ઉત્પન્ન કરે એટલે માણસને શાંતિ મેળવવાની ઝંખના ઊભી થાય પણ જાયે તો જાયે કહાં! લડાઈ, ઝઘડા, મારામારી, મોટે મોટેથી બોલવાની આદત બહાર પણ આપણને ક્યાં જંપવા દે છે.

આ ધ્વનિ પ્રદૂષણને કારણે 60 ટકા લોકોની યાદશક્તિ નબળી પડવી, હાઇ બ્લડપ્રેશર, ઉન્માદ, બહેરાશ, ડિપ્રેશન જેવા રોગો આપણો ભરડો લેવા માંડ્યા છે. સતત કોલાહલ આપણને ચીડિયાવૃત્તિ તરફ ધકેલે છે.

માણસ એકલો હોય ત્યારે પણ મનમાં ને મનમાં સતત કશુંક ગૂંથતો રહે છે. પણ આ ગૂંથણ કોલાહલને લઈને ગૂંચવણભર્યું બની જાય ત્યારે એનો સ્વભાવ કરૂપ થઈ જાય.

આપણા દેશના લોકો ગુસ્સો, ફરિયાદ અને કંટાળો પ્રગટ કરવાના મામલે સમગ્ર વિશ્વમાં બીજા ક્રમે આવે છે. કારણ કે આપણે હંમેશાં ઊંચા અવાજનો જ ઉપયોગ વધારે કરીએ છીએ. એટલે શિષ્ટાચાર વિરુદ્ધના વર્તનથી શાંતિ નથી મેળવાતી.

સામાન્ય રીતે પુખ્તવયના માણસની સાંભળવાની શક્તિ 20થી 25 ડેસીબલ સુધીની નૉર્મલ ગણાય. પણ આપણે તો 70થી 80 ડેસીબલનો અવાજ કરીને આપણી અને બીજાની શ્રવણેન્દ્રીય પર પ્રહાર કરતાં અચકાતા નથી. વાણી સ્વાતંત્ર્યતાનો હક્ક ભોગવામાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવવામાં આપણે મોખરે. પશ્ચિમના દેશોમાં ધ્વનિ નિયંત્રણ બાબતે જે ડિસિપ્લિન છે તે ખરેખર પ્રશંસનીય છે. આપણે જે સારું છે તેનું અનુકરણ કરવામાં શું કામ પાછળ છીએ એ વિશે ચિંતન કરવા જેવું ખરું!

આટલી બધી દોટ શું કામ? આ કોલાહલ, આ અવાજ, આ ત્રાસ શું કામ?

જીવન છે એટલે સંસાર છે, સમાજ છે, પરિવાર છે અને આપણે પોતે છીએ. આપણી જ ઇચ્છા મુજબનું સતત થયા કરવું જોઈએ એવી ઇચ્છા જ નિરર્થક છે. જરા પ્રતિકૂળ સંજોગો આપણી સામે આવી પડે એટલે અંદરથી ઘાંઘાં થઈ ઊઠવાની ઉતાવળ ઘોંઘાટને વધારે બળવત્તર બનાવે છે. ભલેને આપણે ગમે એટલું સાંભળીએ કે વાંચીએ, એ અંગે ધ્યાનસ્થ થઈને સહજ રીતે વિચારવાની ફુરસદ કેળવીએ છીએ ખરા? શાસ્ત્રોનાં પાનાંઓ ઊથલાવીએ, મંદિરોમાં પૂજા કરીએ પણ એ બધું સપાટી પરનું જ હોય.

જ્યાં સુધી કશું નક્કર નથી ત્યાં સુધી સમજણ નથી. અને જ્યાં સમજણનો અભાવ ત્યાં મૌનનો અભાવ. આચાર વિનાનું મૌન અયોગ્ય છે. કર્મયોગ જેવો મોટો યોગ કોઈ જ નથી. પણ આ કર્મ કરતી વખતે શાંત અને સ્વસ્થ રહેવું એવું ગીતાના શ્લોકમાં પણ લખ્યું છે.

આપણાં કર્મમાં આપણે પોતાના ‘સ્વ’નો શાંત ચિત્તે પ્રવેશ થાય ત્યારે ‘સંચાર કરો સકલ કર્મ શાંત તોમાર છંદ’નો મર્મ સમજાય.

ન બોલીને પણ આપણી જાતને નિરખવા જેવી છે. ધ્યાનમાંથી સમજણ પ્રગટે અને સમજણથી મૌન. મૌન આપણી વાણી, વિચાર અને વર્તન ત્રણેય પર જબરદસ્ત પ્રભાવ પાડે છે.એટલે જ ‘વિપશ્યના’ ધ્યાનનું મહત્ત્વ આપણી અંદર અમૂલ્ય ઊર્જાનું પ્રદાન કરે છે. ધ્યાનમાં બેસવાથી ઘણાને વિચારોની ચહલપહલમાં ઝાઝી શાંતિ નથી મેળવાતી. પણ જો મન , મગજ અને વાણીનું સંતુલન હોય તો અદ્ભુત શાંતિ મળે. ક્યારેક અઠવાડિયે, મહિને એકાદ દિવસ મનને શાંત અને મૌન રાખીને સહજ રહેવા જેવું છે. ખૂબ ખૂબ શાંતિ અને ચિત્તની પ્રસન્નતાનો અનુભવ થશે. જ્યારે આપણું કર્મ પણ સહજ અને શાંત હશે ત્યારે “સકલ કર્મ શાંત તોમાર છંદ નો અર્થ ખરેખર સમજાય જશે.

-નમ્રતા દેસાઈ, સૂરત – ૯૯૨૫૪ ૩૮૧૦૩

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “સંચાર કરો સકલ કર્મ શાંત તોમાર છંદ – નમ્રતા દેસાઈ”

Copy Protected by Chetan's WP-Copyprotect.