જેમ્સ આઈવરીનો ભારતીય પ્રેમ – નિલય ભાવસાર

મૂળ અમેરિકન એવાં ફિલ્મ દિગ્દર્શક, નિર્માતા અને લેખક જેમ્સ આઈવરી (James Francis Ivory)ને આ વર્ષે યોજાયેલાં ૯૦માં અકાદમી એવોર્ડ સમારંભમાં ફિલ્મ ‘call me by your name’ માટે શ્રેષ્ઠ એડપ્ટેડ સ્ક્રીનપ્લેની શ્રેણીમાં ઓસ્કર એટલે કે અકાદમી એવોર્ડ પ્રાપ્ત થયો છે. અકાદમી એવોર્ડના ઈતિહાસમાં તેઓ અત્યાર સુધીમાં સૌથી વધુ (૮૯ની) વયે એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ વ્યક્તિ છે. જેમ્સ આઈવરી અગાઉ ભારતીય મૂળનાં ઈસ્માઈલ મર્ચન્ટની સાથે ભાગીદારીમાં (મર્ચન્ટ આઈવરી પ્રોડક્શન્સ) અભિનેતા શશી કપૂરને લઈને ઘણી ફિલ્મ્સ પ્રોડ્યુસ અને ડીરેક્ટ કરી ચૂક્યા છે. જેમાં શશી કપૂર સ્ટારર ધ હાઉસહોલ્ડર (૧૯૬૩), શેક્સપિયર વાલાહ (૧૯૬૫), બોમ્બે ટોકી (૧૯૭૦), ઇન કસ્ટડી (૧૯૯૩) વગેરે ફિલ્મ્સનો સમાવેશ થાય છે. સાથે આ તમામ ફિલ્મ્સ આંતરરાષ્ટ્રીયસ્તરે પણ ખ્યાતિ પ્રાપ્ત કરેલ છે. ફિલ્મ સમીક્ષક અસીમ છાબરા તેમનાં એક લેખમાં જેમ્સ આઈવરી વિશે વિસ્તૃતમાં વાત કરતાં જણાવે છે કે ૧૯૫૦ના દાયકાનાં અંતિમ વર્ષોમાં જેમ્સ આઈવરી એક વખત સાન ફ્રાન્સિસ્કો સ્થિત કળા સંલગ્ન ચીજવસ્તુઓ વેચનાર એક દુકાનદારને ત્યાં ગયાં હતાં તે સમયે તેઓ યુનિવર્સીટીમાં સિનેમાનાં વિદ્યાર્થી તરીકે કાર્યરત હતાં. તે દુકાનમાં તેમણે કેટલાંક ભારતીય લઘુચિત્રો જોયા અને તેમણે તરત જ નક્કી કરી લીધું કે તેઓ નજીકનાં જ ભવિષ્યમાં ક્લાસિકલ ઇન્ડિયન આર્ટ આધારિત એક ડોક્યુમેન્ટરી ફિલ્મનું નિર્માણ કરશે, અને બાદમાં વર્ષ ૧૯૫૯માં તેમણે The Sword and The Flute નામની એક ફિલ્મનું નિર્માણ કર્યું કે જેમાં ભારતીય અભિનેતા સઈદ જાફરીએ પોતાનો અવાજ આપ્યો હતો.

ત્યારબાદ સઈદ જાફરી થકી જેમ્સ આઈવરીની મુલાકાત ઈસ્માઈલ મર્ચન્ટ (૨૫ ડિસેમ્બર ૧૯૩૬થી ૨૫ મે ૨૦૦૫)ની સાથે થઇ. તે વખતે ઈસ્માઈલ મર્ચન્ટ આંતરરાષ્ટ્રીય દર્શકો માટે ભારતમાં ફિલ્મ બનાવવા માંગતા હતાં. આ બંનેની મુલાકાતથી જાણે અમેરિકન સ્વતંત્ર સિનેમાનો ચહેરો જ બદલાઈ ગયો અને તે મુલાકાતની સાંજે આઈવરી અને મર્ચન્ટે એક કાફેમાં લાંબી વાતચીત કરી. ત્યારબાદ તે બંને ગાઢ મિત્રો, પ્રેમી અને મર્ચન્ટ-આઈવરી પ્રોડક્શન્સ નામની કંપનીના ભાગીદાર પણ બન્યાં. આ કંપનીને અત્યારસુધીમાં કુલ ૩૦ અકાદમી એવોર્ડ નોમિનેશન મળ્યાં છે અને તે પૈકી તેઓએ કુલ છ એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. આ વર્ષે અકાદમી એવોર્ડ સમારંભમાં એવોર્ડ લેતી વેળાએ આપેલાં ભાષણમાં જેમ્સ આઈવરીએ ઈસ્માઈલ મર્ચન્ટને યાદ કર્યા હતાં અને સાથે ભારતીય આર્કિટેક્ટ સાથે લગ્ન કરનાર મૂળ જર્મન લેખિકા રૂથ પ્રવર ઝાબવાલા (7 મે ૧૯૨૭થી ૩ એપ્રિલ ૨૦૧૩)ને પણ યાદ કર્યા હતાં. આ લેખિકા મર્ચન્ટ-આઈવરી પ્રોડક્શનની કુલ 23 ફિલ્મ્સ લખી ચૂક્યા છે જેમાં શશી કપૂર સ્ટારર દિલ્હી આધારિત ફિલ્મ ધ હાઉસહોલ્ડરનો પણ સમાવેશ થાય છે અને આ ફિલ્મ લેખિકાની પોતાની નવલકથા પર આધારિત હતી, શ્રેષ્ઠ લેખન માટે તેમને કુલ 2 વખત અકાદમી એવોર્ડ મળ્યાં છે. મર્ચન્ટ-આઈવરી પ્રોડક્શન્સમાં કુલ બે ભારતીય એક્ટર્સ મહત્ત્વનો ભાગ ભજવી ચૂક્યા છે કે જે પૈકી શશી કપૂર કે જેઓ તેમની કુલ 7 ફિલ્મમાં કામ કરી ચૂક્યા છે અને પ્રખ્યાત પાકશાસ્ત્ર લેખિકા મધુર જાફરી પણ અભિનેત્રી તરીકે આ કંપની સાથે કાર્ય કરી ચૂકેલ છે.

ધ હાઉસહોલ્ડર ફિલ્મનાં નિર્માણ પૂર્વે જેમ્સ આઈવરી કલકત્તાની મુલાકાતે આવ્યા હતાં અને ત્યાં તેઓ ભારતીય દિગ્દર્શક સત્યજીત રાયને મળ્યાં હતાં તેમજ અન્ય બંગાળી ફિલ્મમેકર્સને પોતાની શોર્ટ ફિલ્મ પણ બતાવી હતી. આ દરમિયાન જેમ્સ આઈવરીએ સત્યજીત રાયની ફિલ્મ જલસાઘર (૧૯૫૮) જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અને બાદમાં જેમ્સ આઈવરીએ આ ફિલ્મ જોઈ અને ભરપૂરરીતે માણી પણ હતી. ભારતમાં શૂટ થયેલી મર્ચન્ટ-આઈવરીની ફિલ્મ્સમાં સત્યજીત રાયના રેગ્યુલર કેમેરામેન સુબ્રતા મિત્રાએ કુલ ચારેક જેવી ફિલ્મ્સ શૂટ કરી હતી અને આ સિવાય જેમ્સ આઈવરી તેમની ફિલ્મ ધ હાઉસહોલ્ડરનાં એડીટીંગ માટે સત્યજીત રાય અને તેમનાં રેગ્યુલર એડિટર દુલાલ દત્તાની સહાય લીધી હતી. સત્યજીત રાય વિશે જેમ્સ આઈવરી કહેતાં હતાં કે તેઓ ઊંચા કદનાં અને એક અતુલ્ય ક્રિયાશીલ વ્યક્તિ હતાં.

મર્ચન્ટ-આઈવરી પ્રોડક્શન્સની ફિલ્મ ધ હાઉસહોલ્ડરમાં કરેલી સહાય માટે સત્યજીત રાયે કોઈ પ્રકારનું મહેનતાણું નહોતું લીધું અને બાદમાં વર્ષ ૧૯૬૫માં મર્ચન્ટ-આઈવરી પ્રોડક્શન્સની ફિલ્મ શેક્સપિયર વાલાહમાં સંગીત તૈયાર કરવા માટે સત્યજીત રાયને કમિશન આપવામાં આવ્યું હતું. બાદમાં સત્યજીત રાય દ્વારા તાલબદ્ધ કરવામાં આવેલાં આ ફિલ્મના સંગીતનો દિગ્દર્શક વેસ એન્ડરસનની વર્ષ ૨૦૦૭માં આવેલી ફિલ્મ દાર્જિલિંગ લીમીટેડમાં પુનઃપ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમ્સ આઈવરીએ મર્ચન્ટ-આઈવરી પ્રોડક્શન્સની ફિલ્મ હેઠળ ભારતમાં કુલ છ ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું અને બાદમાં ઈસ્માઈલ મર્ચન્ટે કુલ બે ફિલ્મ ઇન કસ્ટડી અને કોટન મેરીનું દિગ્દર્શન કર્યું હતું. વર્ષ ૨૦૦૫માં જ્યારે ઈસ્માઈલ મર્ચન્ટનું નિધન થયું ત્યારે જેમ્સ આઈવરીએ તેમને યાદ કરીને કહ્યું હતું કે જ્યારે અમે મળ્યાં ત્યારે અમે યુવાન હતાં અને ભારતમાં ફિલ્મ બનાવવા માંગતા હતાં. જ્યારે-જ્યારે મર્ચન્ટ ખુશ થતો હતો ત્યારે તે મુમ્બૈયા ફિલ્મ્સના ગીતો ગાતો હતો અને બાદમાં જેમ-જેમ જીવનમાં ગંભીરતા આવવા માંડી તેણે આ ગીતો ગાવાની આદત પણ છોડી દીધી હતી જે જેને હું અત્યારે ખૂબ યાદ કરી રહ્યો છું. ઈસ્માઈલ મર્ચન્ટ વિના હું કશું કરી નાં શક્યો હોત કારણકે તેઓ નિર્માતા હતાં અને ભારત તેનો દેશ હતો જ્યારે મને નથી લાગતું કે હું ભારતને વધારે સારી રીતે જાણું છું.

શશી કપૂરનાં જીવનચરિત્ર ‘ધ હાઉસહોલ્ડર, ધ સ્ટાર’નાં લેખક અસીમ છાબરા તેમનાં આ પુસ્તકમાં જેમ્સ આઈવરી વિશે લખે છે કે તેઓ વર્ષ ૧૯૬૧ના નવેમ્બર મહિનામાં અમેરિકાથી બોમ્બે આવ્યાં હતાં અને ત્યારબાદ ગુજરાતનાં એક નાનકડાં ગામડાંની મુલાકાત લેવા માટે રવાના થયાં હતાં, તેઓ માનવશાસ્ત્રી ગીતલ દ્વારા લિખિત ફિલ્મ ‘દેવગર’ને અહીં શૂટ કરવા માંગતા હતાં. પરંતુ, નાણાકીય મર્યાદાને કારણે આ ફિલ્મનું નિર્માણ ક્યારેય પણ સંભવ થઇ શક્યું નહિ. જેમ્સ આઈવરીની અભિનેતા શશી કપૂરની સાથે પ્રથમ મુલાકાત ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયાનાં એક ફિલ્મ સમારંભમાં થઇ હતી અને તે વખતે શશી કપૂર ૨૨-૨૩ વર્ષનાં હતાં. જેમ્સ આઈવરીનાં મતે શશી કપૂર તે વખતે અસાધારણરીતે રૂપાળાં લાગી રહ્યાં હતાં. MGM (મેટ્રો ગોલ્ડન મેયર)ની ભલામણથી જર્મન લેખિકા રૂથ પ્રવર ઝાબવાલાનું પુસ્તક ‘ધ હાઉસહોલ્ડર’ ઈસ્માઈલ મર્ચન્ટે વાંચ્યું અને ત્યારબાદ જેમ્સ આઈવરીને વાંચવા માટે આપ્યું. બાદમાં જ્યારે આ પુસ્તક પરથી ફિલ્મ બનાવવાનું નક્કી થયું ત્યારે લેખિકા રૂથને લાગતું હતું કે શશી કપૂર કાંઇક વધારે પડતાં જ રૂપાળા છે અને ફિલ્મનાં મુખ્ય પાત્ર માટે યોગ્ય નથી પરંતુ, બાદમાં શશી આ પાત્ર માટેની યોગ્ય પસંદગી સાબિત થયાં હતાં. જેમ્સ આઈવરી વિશે શશી કપૂર કહેતાં હતાં કે મને જિમ (જેમ્સ આઈવરી)ની સાથે કામ કરવાની ખૂબ જ મજા આવે છે કારણકે તેમણે મને મારી રીતે કાર્ય કરવા દીધું છે અને તેનાથી મારા આત્મવિશ્વાસમાં વધારો થયો છે, તેમણે મારી આવડત, બુદ્ધિ અને પાત્ર પ્રત્યેની મારી સંવેદનશીલતાનો તેમની ફિલ્મ્સમાં યોગ્ય રીતે ઉપયોગ કર્યો હતો. જ્યારે શશી કપૂરની સાથે કામ કરવા અંગે જેમ્સ આઈવરી જણાવે છે કે શશી કપૂરની સાથે કાર્ય કરવું ખૂબ જ સરળ છે, તેઓ પાત્રને યોગ્ય રીતે સમજી શકે છે અને ઘણી વખત ફિલ્મનાં જે-તે દ્રશ્યનું કેવી જુદી રીતે ફિલ્માંકન કરવું તેની પણ ચોક્કસ સૂઝ પૂરી પાડે છે. સંવાદની પસંદગી અને તેને કેવાં પ્રકારે રજૂ કરવા તે વિશે પણ શશી કપૂરની સૂઝ મોખરે છે.

– નિલય ભાવસાર

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “જેમ્સ આઈવરીનો ભારતીય પ્રેમ – નિલય ભાવસાર”

Copy Protected by Chetan's WP-Copyprotect.