સાચી દોલત – નીરજ શાહ

સૂર્યના પ્રકાશ જેવો એ પ્રકાશ મારી આંખોની સામેથી અદ્રશ્ય થયો એટલે મને જોવા મળ્યું કે હું એક પતંગની જેમ હવામાં વિચરી રહ્યો છું. મારી આજુબાજુ કોઈપણ પ્રકારના ઘર, રહેઠાણ, વૃક્ષો કે માનવીની બનાવેલી બીજી કોઈપણ વસ્તુઓ નથી પરંતુ જાણે કે સફેદ રંગની રૂની પૂણી જેવા વાદળો અને મંદ મંદ વહેતો ઠંડો પવન તેમજ પવનમાં રહેલા પાણીના ટીપાંમાં ગણગણાટ અને એક આહલાદક અનુભૂતિ હતી.

કદાચ ઘણા લાંબા સમય પછી મને એવું લાગી રહ્યું હતું કે હું મારી જિંદગી અને સમયને માણી રહ્યો છું. મારી જિંદગીમાં ફક્ત સવારે ઊઠીને કામ કરવા માટે ઓફીસ જવા સિવાય બીજો કોઈ નિત્યક્રમ નહિ હતો. રોજ સવારે ઉઠીને એ જ ઓફિસમાં જવું અને રોજ મીટીંગો કરવી નવા-નવા કામો શોધવા નવા-નવા કોન્ટ્રાક્ટ સાઇન કરવા અને એ કોન્ટ્રાક્ટને પૂરા કરવામાં પૂરી મહેનત થી લાગી નથી જવું કે જેનાથી વધુમાં વધુ ઊંચાઈ ઉપર જઈ શકાય અને વધુમાં વધુ પૈસા કમાઇ શકાય. એના સિવાય કોઈપણ પ્રકારનો વિચાર લગભગ ઘણા લાંબા સમયથી મેં મારી જિંદગીમાં કર્યો ન હતો.

થોડો વખત એ સુંદર વાતાવરણ અને માણ્યા બાદ અચાનક જ મને કોઈકના રડવાનો અવાજ સંભળાયો. એ રડવાનો અવાજ એક વ્યક્તિના રડવાનો અવાજ હતો અને તેમાંથી અચાનક ઘણા બધા વ્યક્તિઓ એક સાથે રડી રહ્યા હોય તેવો અવાજ સંભળાવા લાગ્યો. હું વિચારી રહ્યો હતો કે આ મારી સાથે શું થઇ રહ્યું છે અને મને કેમ કશું યાદ નથી. મેં યાદ કરવાની યાદ કરવાની કોશિશ કરી કે તરત જ મારી ગતિ પહેલાં કરતાં દસ ગણી થઈ ગઈ અને પલક ઝપકમાં જ હું ફરી પાછો મારા જ ઘરમાં પહોંચી ગયો.

ઘરમાં જે દ્રશ્ય મને જોવા મળ્યું એ જોઈને એક ક્ષણ માટે તો સ્તબ્ધ થઇ ગયો. સર્વપ્રથમ મેં મારી પોતાની જાતને જોયો કે જેને જમીન પર સુવડાવી દેવામાં આવ્યો હતો અને એના પર સફેદ રંગનું કપડું ઓઢાડી દેવામાં આવ્યું હતું. એ ક્ષણે મને ખબર પડી ગઈ કે એ હું નથી ફક્ત મારું નિર્જીવ શરીર છે. મારી લાશની આજુબાજુ મારી પત્ની અને મારા બે બાળકો દીકરો અને દીકરી વિલાપ કરી રહ્યા હતા. મારા માતા અને પિતા એમના વૃદ્ધત્વને કારણે ખુરશી પર બેઠા હતા. મારા પિતા જાણે કે એકદમ ગુમસુમ થઇ ગયા હતા અને મારી માતા કોઈ બહુ મોટા આઘાતમાં સરી પડી હોય એવું લાગતું હતું. એમના થી થોડે દુર મારા મિત્રો અને સગા-સંબંધીઓ પણ આંખમાં આંસુ સાથે ઉભા હતા. હવે મને ખબર પડી કદાચ મારા મનના આનંદનું કારણ અને મારી મુક્તિની અનુભુતી નું કારણ મારું મૃત્યુ હતું. ક્ષણ-બે ક્ષણ તો મને ખૂબ જ વિલાપ થયો ખૂબ જ દુઃખ થયું કે હું મારા પરિવારથી વિખૂટો પડી ગયો છું અને હવે કદાચ મારા પછી મારા પરિવારને સાચવવા વાળું કોઈ નહિ હશે.

ત્યાર પછી લગભગ આખો દિવસ હું મારી અંતિમ ક્રિયામાં થતાં દરેક રીતી રીવાજોને જોતો રહ્યો અને વિચારતો રહ્યો કે માણસની જિંદગી કેટલી નાની છે એની શરૂઆત અને અંત થતા કોઈ ખાસો સમય લાગતો નથી. જે વ્યક્તિ જીવતો જાગતો હતો લોકો સાથે વાત કરતો હતો એ વ્યક્તિ ક્ષણભરમાં જ એક મડદું બનીને રહી જાય છે. હું એ પણ મથામણ અનુભવી રહ્યો હતો કે મારા મૃત્યુને કારણે મારી પત્ની, મારા માતા-પિતા, અને મારા દીકરા દીકરી ને કેટલું દુઃખ પહોંચ્યું હશે. હું વિચારી રહ્યો હતો કે જો મને કોઈ દસ મિનિટ પણ એમને મળવા દે એમની સાથે વાત કરવા દે અને છેલ્લી વાર એમને ભેટી લેવા દે તો એના માટે હું મારા જીવનભર કમાયેલી બધી જ સંપત્તિ આપવા તૈયાર હતો. વિચિત્ર વાત એ હતી કે જે સંપત્તિ માટે જે ધન માટે હું આખી જિંદગી એક જાનવરની માફક દોડાદોડી કરી રહ્યો હતો એ જ ધન અને સંપત્તિની હું છોડવા માટે આજે તૈયાર હતો અને જેની સામે મને ફક્ત મારા પરિવાર સાથે દસ મિનિટનો સમય જોઈતો હતો.

આમને આમ સવારની સાંજ પડી ગઈ હતી. ધીરે ધીરે બધા મિત્રો અને સગા-સંબંધીઓ પોતપોતાના ઘરે જવા લાગ્યા હતા. મેં મારી નજર સામે જ મારી ચિતાને સળગતી જોઈ હતી. અંતિમ ક્રિયા પત્યા બાદ મારો પરિવાર ઘર પરત ફર્યો. કોઈએ એ દિવસે ભોજન લીધું નહીં. મારા માતા-પિતા પત્ની અને બાળકો ઘરના હોલમાં બેઠા હતા અને હજીયે તેમની આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી. મારી પત્ની કે જે અત્યંત મજબૂત મનોબળ ધરાવતી સ્ત્રી હતી એ દરેક જણા ને સમજાવી રહી હતી અને હિંમત આપી રહી હતી. પરંતુ હું એને ઓળખતો હતો. હું એ વાતનો અનુભવ કરી શકતો હતો કે એ પોતે અંદરથી કેટલી તૂટી ગઈ હતી પરંતુ એ રડીને મારા બાળકો અને મારા વૃદ્ધ માતા-પિતાને વધારે નબળા કરવાં માંગતી નહીં હતી. મારી પત્ની દરેક જણને સમજાવ્યા અને પોતપોતાના રૂમમાં જઈને થોડો આરામ કરવા માટે મનાવી લીધા. મારા માતા-પિતા અને સંતાનો પોતપોતાના રૂમ તરફ આગળ વધ્યા. મેં વિચાર્યું કે મારે મારા સંતાનો સાથે જીવતેજીવ નહીં તો મરણોપરાંત થોડો સમય વિતાવવો જ જોઈએ. આ વિચાર થી મારા પગ પણ મારા બાળકોના રૂમ તરફ વળી ગયા.

અત્યંત ઊછળકૂદ અને મસ્તી કરતા મારા સંતાનો આજે પોતાના રૂમના એક ખૂણામાં બેઠાં હતાં કે જેમની આંખો માંથી આશું રોકાવાનું નામ નહીં લેતા હતા. હું મારા બાળકોને ઘણું ખરું કહેવા માંગતો હતો હું એમને સમજાવવા માંગતો હતો કે દીકરા-દીકરી એવા પિતા માટે શું કામ અશ્રુ વહાવી રહ્યા છો જે પિતાએ જીવતેજીવ તમને કોઈપણ પ્રકારનો પ્રેમ જ નથી આપ્યો. મારો દીકરો પોતાના હાથમાં કોઈ ચિત્ર ને પોતાના છાતીએ ચાંપીને રડી રહ્યો હતો. એ ધીમેથી મારી દીકરી પાસે ગયો અને એને ચિત્ર મારી દીકરીને બતાવ્યું અને કહ્યું, “ જો બહેન, મેં આ પપ્પાનું ચિત્ર બનાવ્યું છે. આ ચિત્ર હું એમને જન્મદિવસની ભેટ તરીકે આપવા માંગતો હતો. હું એમને આ ચિત્ર બતાવવા માટે એમના જન્મદિવસની સવારે એમની પાસે ગયો હતો; પરંતુ પપ્પા પોતાની ઓફિસના કામમાં ઘણા બીઝી હતા એટલે એમણે મારું ચિત્ર જોયું નહીં હતું અને કહ્યું હતું કે જે પણ હશે એ તેઓ સાંજે જોઈ લેશે. હવે એ સાંજ ક્યારે આવશે કે જ્યારે હું પપ્પા પાસે જઇને આ ચિત્રને બતાવી શકીશ અને એમને કહી શકીએ કે તેઓ મારા આદર્શ છે અને હું મોટો થઈને એમના જેવો જ બનવા માંગું છું. બહેન, મને કહે ને કે પપ્પા ક્યારે પાછા આવશે? ” મારા દીકરાના લાગણીથી ભરેલા આ શબ્દો સાંભળીને મને મારા પર શરમ આવવા લાગી. હું મારા મન સાથે વાત કરી રહ્યો કે “અરેરે મેં મારા દીકરાની લાગણીઓને ક્યારેય સમજવાની કોશિશ નથી કરી. જે દીકરો મને આદર્શ માનતો હતો એવા દીકરા સાથે વિતાવવા માટે મારી પાસે કોઈ સમય જ ન હતો. મારા દીકરાને કહી રહ્યો કે મને માફ કરી દે મારા દીકરા તારા આટલા પ્રેમને લાયક પિતા હું બની શક્યો નહિ.”

મારી દીકરી, કે જે જ્યારે જન્મી ત્યારે મને આ દુનિયાની સૌથી અમુલ્ય ચીજ મળી ગયાનો અહેસાસ થયો હતો, એ મારા નાનકડા દીકરાને સમજાવી રહી હતી અને કહી રહી હતી કે “પપ્પા એક લાંબી યાત્રા પર ગયા છે અને એક દિવસ આપણે બંને પણ પપ્પાને યાત્રાના રસ્તા પર જ ફરી પાછા મળીશું ત્યારે તું આ ચિત્ર પપ્પાને જરૂર બતાવજે. પપ્પા આપણને છોડી કશે જ ગયા જ નથી એ તો હંમેશા આપણી સાથે જ હતાં અને હજી પણ આપણી સાથે જ છે. પરંતુ જેમ આપણે હવા ની લહેરને જોઈ નથી શકતા એમ આપને પપ્પાને ખાલી જોઈ શકતા નથી. પરંતુ આપણે હંમેશ એમને અને એમના પ્રેમને અનુભવી શકશું.” બહુ પ્રેમથી સમજાવીને અને મારા દીકરાને સુવડાવી દીધો.

મારી નાનકડી દીકરી કે જે મારી આંગળી પકડીને હજી તો ચાલતા શીખી હતી એ આજે કેવી સમજદારીની વાતો કરતી હતી. મને અત્યાર સુધી લાગતું હતું કે હું એક સફળ વેપારી છું કેમકે મેં દરેક વેપાર માં નફો જ કમાયો હતો. આજે મને પેહલીવાર અનુભવ થયો કે આર્થિક નફો કમાતા કમાતા મેં જીવનનો અમુલ્ય એવો સમય ગુમાવી દીધો હતો. પરંતુ કદાચ હવે મોડું થઇ ગયું હતું.

જેવો મારો દીકરો સુઈ ગયો મારી દીકરી એનો રડમસ ચેહરો જોઇને ભાંગી પડી અને મારા ચિત્ર પર હાથ ફેરવતી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. જે દીકરીના જન્મ સમયે, એની આંખમાં આંસુ નહિ આવવા દેવાના મનોમન કસમ ખાનારો બાપ આજે પોતાની દીકરીના આંસુનું કારણ હતો અને કશુ જ કરી શકવાની હાલત માં ના હતો.

અત્યંત દુખી અને આખા દિવસની રોકકળને કારણે મારી દીકરી થાકી ને સુઈ ગયી. હું એના રૂમથી બહાર નીકળીને મારા માતા પિતાના રૂમ તરફ આગળ વધ્યો. ત્યાં જઈને મેં જોયું તો એ બંને એમની ખુરશી પર બેઠા બેઠા મારા નાનપણના ફોટો આલ્બમને જોઈ રહ્યા હતા. મારી માતા મારા પિતાને કેહતી હતી “મેં મારા દીકરાના બાળપણના થોડાક વર્ષો સિવાય એની સાથે ક્યારેય સમય ગાળ્યો જ નથી. પેહલા એ ભણવામાં બહુ વ્યસ્ત થયો અને ત્યાર બાદ કામ-ધંધા માં. એને મને ઘણી ભેટો આપી ઘણી વસ્તુઓ અપાવી પણ એ ક્યારેય એ ના સમજી શક્યો કે એની વૃદ્ધ માતાને એના સમય સિવાય બીજી કોઈ પણ વસ્તુમાં કોઈ રસ નથી.” મારા પિતાજીએ જવાબ આપ્યો, “ સાંભળ, જો આપણે બંને આવી રીતે તૂટી જઈશું તો આ કપરી ઘડીમાં આપણી વહુનો સાથ કોણ આપશે? તારે તો હવે ખરેખર એની માતા બનીને એને સાચવવાની છે. જરા વિચાર આપણો તો દીકરો ગયો છે પરંતુ એનો તો જીવનસાથી એનાથી છીનવાઇ ગયો છે. તને નથી લાગતું કે એનું દુઃખ આપણા કરતાં ઘણી વધારે હશે?”

ફોટો આલ્બમનું એક એક પાનું જેમ આગળ વધતું હતું તેમતેમ તેમની આંખો માંથી અશ્રુઓની ધારા વધારે ને વધારે ઝડપે વેહતી જતી હતી. મારી માતા મારા ફોટોને વારંવાર ગળે લગાડતી હતી અને મારા પિતા એના ખભા પર હાથ મુકીને એને સમજાવવાનો પ્રયત્ન કરતા હતા. મારા પિતા ભલે અત્યારે શાંત લગતા હતા પરંતુ મને એનો સ્વભાવ ખબર હતો. એમને જીવનમાં ઘણી મેહનત કરી હતી અને ઘણા કડવા ઘુંટડા ગળ્યા હતા. એમનું કઠોર કાળજું આજે પીગળી ગયું હોય એમ લાગતું હતું અને એમનું દિલ ચોધાર આંસુએ રડી રહ્યું હતું એ વાત નો ખ્યાલ એમના ચેહરા પરથી જ આવી જતો હતો. હું એ બંનેની નજીક ગયો અને એમના ચરણ સ્પર્શ કરવાની કોશિશ કરી. મેં મારા જીવનમાં હંમેશા વિચાર કર્યા હતા કે એકવાર બહુ બધા રૂપિયા કમાઈ લવ ત્યાર બાદ મારા માતા પિતા ને હું આખી દુનિયા બતાવીશ. આજે એ વાતનો એહસાસ થતો હતો કે એમને આખી દુનિયા બતાવવાના સંકલ્પને મેં ફક્ત મન મનાવવા માટેની અને પોતાની માતા પિતા પ્રત્યેની ફરજની ભાવના શાંત પડવાના એક ઉપાય તરીકે ઉપયોગ કર્યો હતો. જો ખોખલા સંકલ્પો કરવાં કરતા મેં મારા માતા-પિતાને સમય આપ્યો હોત અને એમને ખરેખર ફરવા લઇ ગયો હોત તો આજે એમની પાસે એમના દીકરા સાથે વાગોળી શકાય એવી થોડીક ક્ષણ હોતે.

મારા પિતાની વાતો સાંભળી મને મારી પત્નીની યાદ આવી અને હું એના રુમ તરફ આગળ વધ્યો. ત્યાં જઈને જોયું તો મને મારી આંખો પર વિશ્વાસ ના થયો. મારી પત્ની કે જેને મેં એક મજબૂત મનોબળ ધરાવતી સ્ત્રી તરીકે જોઈ છે, એ પોતાના હાથમાં ઊંઘની ગોળીઓનું પાનું લઈને બેઠી હતી. મેં એને કહેતા સાંભળી, “ કેમ તું મને એકલો છોડીને ચાલ્યો ગયો? તે મને વચન આપ્યું હતું કે આખુ જીવન તુ મારો સાથ આપશે. આપણા પ્યારની નિશાની જેવા આપણા બે કુમળા બાળકોનો પણ તને વિચારના આવ્યો. તને શું લાગે છે કે તારા વગર હું જિંદગી જીવી લઈશ? તે આમ અણધારો મારો સાથ છોડીને મારી સાથે અન્યાય કર્યો છે. હું તારા વગર અહીં રહેવાની નથી. હું આવી રહી છું તારી પાસે.” મને સમજ નહોતી પડતી કે હું કેવી રીતે એને આ પગલું ભરતા રોકું. એ જેવી ઊંઘની ગોળી ગળવા જઈ રહી હતી ત્યાંજ જ મારો દીકરો ઊંઘમાંથી ઊઠીને એના રૂમમાં આવ્યો અને કેહવા લાગ્યો કે મમ્મી જેમ પપ્પા મને છોડીને ચાલ્યા ગયા તેમ તું પણ અમને છોડીને ચાલી તો નહિ જશે ને?. મને લાગ્યું કે જાણે ભગવાને મારી પ્રાર્થના સાંભળી લીધી અને ભગવાન મારા દીકરાના રૂપમાં ખરે સમયે આવી પહોંચ્યા હતા. મારા દીકરાનો માસુમ ચહેરો જોઈ મારી પત્નીને પોતાનો વિચાર બદલી નાખ્યો અને મારા દીકરાને એના પ્રેમ આલિંગન માં જકડીને એને સુવડાવવાનો પ્રયત્ન કરવા લાગી.

એના શબ્દોમાં જે ગુસ્સો હતો જે એની વેદના વ્યક્ત કરતો હતો. મારી પ્રિય પત્ની હંમેશા પોતાનો પ્રેમ મીઠા ગુસ્સા દ્વારા મારી સમક્ષ રજુ કરતી. એના આ વાક્યો સાંભળીને હું એના દિલ પર શું વિતી રહ્યું છે એનો અંદાજ લગાવી શકતો હતો. આજે મને એ વાતનો અહેસાસ હતો કે જ્યારે હું પ્રેમ લગ્ન કરીને મારી પત્નીને આ ઘરમાં લાગ્યો હતો ત્યારે મેં એને કેટકેટલા વચનો આપ્યા હતા. પરંતુ એમાંથી લગભગ કોઈ વચન હું પૂરા કરી શક્યો ન હતો. હંમેશા એની સમય-માંગણી સામે મેં મારી વ્યસ્તતાનું બહાનું કર્યું હતું. અને એ પાગલ હંમેશા મને કહેતી કે, “તમને જો તમારા કામ કરવામાં આનંદ આવે છે તો હું તમારી અને તમારા કામની આડે ક્યારેય નહિ આવું.” એના આ વાક્ય અને બલિદાનની કિંમત હું આજે મર્યા પછી સમજી શક્યો છું. મને નથી લાગતું કે મારા જેવો અભાગીયો પતિ આ દુનિયામાં કોઈ હશે.

મારા પરિવારજનો ને મારા ગયા પછી અત્યંત વિલાપ કરતા જોઇને મારું મન ખુબજ વ્યાકુળ થઇ ઉઠ્યું હતું. મેં ઘણીવાર એવું સાંભળ્યું હતું કે માણસને મર્યા પછી કોઈપણ પ્રકારની પીડાનો અનુભવ થતો નથી પરંતુ મને તો એક જીવતા માણસ કરતાં પણ વધારે, પારાવાર વેદના થઈ રહી હતી. આ વેદનાનું કારણ મારો પસ્તાવો હતો. મારું રોમેરોમ ભગવાનને ફક્ત એક જ પ્રાર્થના કરી રહ્યું હતું કે મને હજી થોડો સમય આપ કે જેમાં હું મારી ભૂલોને સુધારી શકું. પારાવાર પસ્તાવાની આગમાં મારું રોમરોમ ભડકે બળી રહ્યું હતું. હું મારી જાત પર તિરસ્કાર અને ધિક્કારનો વરસાદ કરી રહ્યો હતો. આજે મારા જીવનની સફળતાઓ મને સૌથી મોટી નિષ્ફળતાઓ બરાબર લાગતી હતી. મને એવું લાગ્યું જાણે કે થોડીક જ વખતમાં મારું માથું ફાટી જશે. ત્યાં જ એક કર્કશ અવાજ આવવો શરૂ થયો. એ કર્કશ અવાજ મારા કાનોને ચીરી રહ્યો હતો. મારી આંખો સામે અંધારું છવાઈ ગયું. એ ક્ષણ બાદ ઝટકાથી જેવી મારી આંખ ખુલી તો મેં જોયું કે હું મારા પલંગ પર સૂતો હતો અને એક કર્કશ અવાજ બીજો કોઈ નહીં પરંતુ મારા ફોનની રીંગ વાગી રહી હતી. મેં ફોન ના ડિસ્પ્લે પર જોયું તો એ મારી સેક્રેટરી નો ફોન હતો.

મેં તરત જ ફોન ઉપાડ્યો અને કહ્યું કે મારા આ અઠવાડિયાના દરેક અપોઈન્ટમેન્ટ કેન્સલ કરી દો હું ઓફિસ આવવાનો નથી…….

– નીરજ શાહ
ઈ – મેલ : cashahniraj@gmail.com
સુરત.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “સાચી દોલત – નીરજ શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.