- ReadGujarati.com - http://www.readgujarati.com -

સ્વ. મૃગેશ શાહને શબ્દ અંજલી – સોનિયા ઠક્કર

આજે ફરી એ જ તારીખ આવીને ઉભી રહી જેણે ચાર વર્ષ પહેલા આપણી ભાષા પાસેથી એનો અદનો ચાહક, સ્વયંસેવક અને સમર્પિત દીકરો ઝૂંટવી લીધેલો. સાહિત્યના નામે જ્યારે આજે અસંખ્ય સર્જકો અને પ્લેટફોર્મ ઊભા થયા છે, જે ગમે તે બધું જ સાહિત્યને નામે પીરસાય છે ત્યારે સાચા દિલથી પોતાની બધી જ ઈચ્છાઓ અને અપેક્ષાઓને સાહિત્યને અર્પણ કરી, ફક્ત અક્ષરની ધૂણી ધખાવનાર એની યાદ આવી જ જાય. એડીટીંગ, ટાઈપિંગના નામ પર પગારમાત્ર લઈ સાહિત્યને લોકો સુધી પહોંચાડવાની વાત કરનાર અસંખ્ય લોકો માટે મૃગેશ શાહ એક આદર્શ છે, હતા અને રહેશે…

ફેસબુક ઘણા સમયથી જૂની યાદોને વાગોળે છે, ત્યારે થોડા સમય પહેલા લોકોએ શેર કરેલા અનેક ફોટાઓ એક સજ્જનના કાર્યની પીઠ થાબડે છે. ખોટ તો કદી પૂરાશે નહિ પણ મિત્ર હોવાનો ગર્વ આજે પણ થાય છે. બધા જ એમને શ્રેષ્ઠ મિત્ર તરીકે આજે સ્મરે છે ત્યારે પુણ્યતિથિએ ફરી તેમનું સ્મરણ કરી લઈએ. પણ અમુક શ્રધ્ધાંજલિ શબ્દોમાં સમાતી નથી, આ શબ્દઅંજલીમાં ઘણું સમાવી શકાતું નથી.

યોગ્ય લેખની પસંદગી, ટાઈપિંગ, પ્રૂફ, પોસ્ટ, વાચકો અને સર્જકોના ઈ-મેઈલના નિયમિત જવાબ, વાચકો તથા લેખકો સાથે જીવંત સબંધ, વેબસાઈટનું સતત ઓપરેટિંગ – આ બધી જ કામગીરી એકલાહાથે કરવી આજના સમયમાં જરાય સહેલું નથી. હાલમાં અનેક લોકો વિવિધ કામગીરી સંભાળી સાઈટને ધબકતી રાખવા મથે છે ત્યારે એકલા હાથે સાત કોઠા વીંધતો અભિમન્યુ યાદ આવી જ જાય. સાતમા કોઠે જેમ એ પરાજિત થયો એમ સાહિત્યનો અભિમન્યુ હાર્યો… પણ તેણે કરેલું કાર્ય આજે પણ ટોચ પર છે. મેસેજ, ફોન, ઈમેલ તથા ફેસબુકથી યાદ કરતા ભાવકો તથા લેખકોએ આજ દિન સુધી પુણ્યાત્માને સ્મરીને વંદન કર્યા છે. આજે પણ એ જ દિવસ છે, એણે પોતે ખપી જઈને પણ સાહિત્યની પોતાની ધગશ જીવતી રાખી છે, અનેકોને એમનું કાર્ય ધબકતું રાખવા પ્રેર્યા છે.

અંતમાં એટલું જ કહેવું છે કે વ્યક્તિની ખોટ પૂરાતી નથી પણ તેના કાર્યોની સુવાસ કદીયે ઓછી થતી પણ નથી. આજે પણ ધનંજયકાકા નિયમિત લેખ પસંદ કરી ફોન કરે છે, પુસ્તકોમાંથી યોગ્ય સાહિત્ય ચયન કરે છે. રીડ ગુજરાતી નામના પ્રગટેલા દીપમાં તેલ રેડે છે. જીજ્ઞેશભાઈ અનેક મોરચે યુદ્ધ લડીને પણ સાઈટ અપડેટ રાખી, પોસ્ટ મૂકી એના સપનાને જીવંત રાખે છે.

‘મૈત્રીનો સૂર્ય’ પુસ્તકમાં મરીઝનું એક વાક્ય છે, ‘જેનો પતિ મરી જાય એને વિધવા કહેવાય, જેની પત્ની મરી જાય એને વિધુર કહેવાય, જેનાં માબાપ મરી જાય એને અનાથ કહેવાય, પરંતુ જેનો મિત્ર મરી જાય એને શું કહેવાય? આ પ્રશ્નનો જવાબ આપવામાં વિશ્વની તમામ ભાષાઓ એકસરખી રીતે નિષ્ફળ નીવડી છે.’ એક મિત્રને ગુમાવ્યાનો અફસોસ આંખમાં રહેશે પણ એમના મિત્ર હોવાનો ગર્વ ગરદન ટટ્ટાર કરશે.

પુણ્યતિથિએ ફરી એક વાર આંસુભીના સ્મરણ સાથે રજા લીધા વિના ગયેલા મિત્રની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના…

મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે…

– સોનિયા ઠક્કર