વાસ્તુશાસ્ત્ર – મૃગેશ શાહ

(સ્વ. મૃગેશભાઈની પુણ્યતિથિએ આજે તેમને યાદ કરીએ તેમના જ એક હાસ્યલેખ દ્વારા..)

“ઓ… રાજેશ” મેં ચાલુ સ્કુટીએ જ મારો કૉલેજ મિત્ર દેખાતાં બૂમ મારી અને પછી સ્કુટીને રોડની સાઈડ પર ઊભું કર્યું. રાજેશને પહેલાં તો ખબર ના પડી પણ પછી તરત પોતાનું બાઈક વળાવીને મારી પાછળ આવ્યો.

રાજેશ : “ઓહોહો… શાહસાહેબ તમે?”

“અલ્યા સાહેબ કેમ કે’ છે?”

“યાદ નથી. કૉલેજમાં અમે તને બધાં સાહેબ જ કહેતાં.”

“એ બધું છોડ. આમ આટલા વર્ષ ક્યા પરદેશ જઈ આવ્યા કે શું?”

“ના… ના. હું તો ચેન્નઈ ગયો હતો ત્યાં પછી એમ.કોમ. કર્યું અને પછી એક વર્ષનો વાસ્તુશાસ્ત્રનો કોર્ષ કર્યો. વળી, વાસ્તુશાસ્ત્રમાં ગોલ્ડમેડલ પણ મેળવ્યું.”

“શું વાત છે. હવે તો બધાં શાસ્ત્રો તને આવડી ગયા. મારા મિસિસને વાસ્તુશાસ્ત્રનું બહુ ઘેલું છે. ચાલ ઘરે આવ.”

“અત્યારે નહિ. સાંજે પાકું. હમણાં એક જણનું ઘર જોવા જવાનું છે.”

“કેમ ખરીદવાનું છે?”

“ના હવે આ જ વાસ્તુશાસ્ત્રના કામથી જ સ્તો.”

“પણ સાંજે ચોક્કસ આવજે.”

મને થયું જે જાણવા મળ્યું એ. આપણે ક્યાં બધી તોડફોડમાં પડવું છે. પણ આ તો શ્રીમતીજી ઘણા વખતથી પાછળ પડ્યાં’તાં એટલે એમ કે કોઈને બોલાવી લઈએ. હું મારા કામે વળગ્યો.

સાંજ પડી. મેં ઘરે જઈને શ્રીમતીજીને વાત કરી.

“મારો એક કૉલેજનો મિત્ર રાજેશ આવવાનો છે. જરા ચા-નાસ્તાનો પ્રબંધ કરજો.”

“પાછો ભાઈબંધ. આ શું માંડ્યું છે. ઘર છે કે હોટલ? જેને હોય એને પકડી લાવો છો ગયા અઠવાડિયે તમારા ત્રણ ભાઈબંધો નાસ્તો ઝાપટી ગયાં.”

“પણ આ તો વાસ્તુશાસ્ત્રનો નિષ્ણાત છે. ગોલ્ડમેડલ મળ્યું છે.”

“તો એમ પુરું બોલોને. શું વાત છે વળી, તમારા જેવાને વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતો મળી ગયાં.”

“તને ક્યાં ખબર છે. મારી તો બહુ ઊંચે સુધી પહોંચ છે.”

“બેસો, બેસો બહુ ચણાના ઝાડ પર જવાની જરૂર નથી.” ત્યાં તો ડોરબેલ રણકી.

“આવ… આવ રાજેશ. આ તારાં ભાભી. આ નાન છે અને આ નેન્સી.” મેં બધાંની ઓળખાણ આપી.

“નમસ્તે”

“તારું ફેમેલી ક્યાં?” મેં પૂછ્યું.

“અહીં જ છે. એક માત્ર પુત્ર છે. બારમામાં છે.”

“તો બધાને લઈને આવવું હતું ને.” શ્રીમતીજી બોલ્યાં.

“ના, ભાભી, હમણાં ઘરનું થોડું કામ ચાલે છે એટલે નીકળાય એવું હતું નહીં પછી બધાં શાંતિથી આવીશું. આ તો આજે અમારા શાહસાહેબ રસ્તામાં મળી ગયાં અને તમને રૂચિ છે એમ જાણ્યું તેથી હું જોવા જ આવેલો.”

“હા… હા કેમ નહિ. થોડો ફેરફાર કરવાથી જો લાભ થતો હોય તો આપણાં ખીસ્સાં તો જરા ભારે થાય.”

ત્યાર પછી અમારા રાજેશે મારા ઘરની આખી પરિક્રમા કરી. પોતાનાં સલાહ સુચનોનો વરસાદ વરસાવ્યો.

“જો આ બેડરૂમ છે ને એ તારો ખૂબ ખોટી જગ્યાએ છે. આને ફેરવીને જ્યાં સ્ટોરરૂમ છે ને ત્યાં બેડરૂમ કર. અને સ્ટોરરૂમનો બધો સામાન અહીંયા લાવી દો. આ તારા બાથરૂમ સંડાસના બારણા તોડાવીને ઊંધી દીશામાં કરી નાખ તો ધનનો નાશ થતો બચી જશે. પછી આ રસોડાનું પ્લેટફોમ સાવ જ ઊંધી જગ્યાએ છે. એનાથી અન્ન ટકે નહીં. છોકરાઓના સ્ટડીરૂમમાં ટેલબની ઉપર જે ચોપડીઓના કબાટ લગાયેલાં છે. તેને સામેની બાજુએ લગાવી દે. તીજોરીને કંઈ દક્ષિણમાં રખાતી હશે ! એને સામે ઉત્તરમાં ફેરવી નાખ. તારા ઘરના નૈૠત્ય ખૂણામાં વજન વધારે હોવું જોઈએ એટલે ઘઉં ના પીપ ત્યાં મૂકી દો.”

આખા ઘરનો નકશો ફેરવવાના સલાહ સૂચન આપીને રાજેશ તો જતો રહ્યો પણ ત્યાં અમારાં શ્રીમતીજીએ જિદ્દ પકડી કે આપણે એકવાર ફેરફાર કરી જોઈએ.

“કરાતો હશે ? આ તો જાણવાનું. બે ઘડી જ્ઞાન વધે. આખી આપણી પેઢીઓની પેઢીઓ જીવી ગઈ ત્યારે બધું ક્યાં ગયું’તું?”

“પણ કરવામાં શું વાંધો છે. આ લક્ષ્મી દેવી કાયમ આપણા પર રીસાયેલા રહે છે એ તો પ્રસન્ન થાય. ચાન્સ લેને મેં ક્યા જાતા હૈ.”

“અહીંયા ચાન્સ લેવામાં ટાંટિયા તૂટી જાય. આખું ઘર ખસેડવાનું થાય. આટલી બધી તોડફોડ કરવાના પૈસા છે? આપણે તો ચાદર લેવા જઈએ અને ટુવાલ લઈને આવવું પડે એવી તો પરિસ્થિતિ છે.”

“એટલે તો કહું છું કે એકવાર કરી જોઈએ. તોડફોડ નથી કરવી પણ જરા સામાન હલાવવામાં શું જાય છે? કાલે આમ પણ રવિવાર છે. નહીં ફાવે તો પાછું બધું એમનું એમ કરી દઈશું.”

“એટલે મારો રવિવાર ગયો એમ ને !”

હવે વાત બહુ ભાવનાશીલ ને લાગણીની બની ગઈ હતી એટલે મને થયું ચલો કરી જોઈએ. જે થાય તે ખરૂં. થોડો શારીરિક શ્રમ થશે અને વજન ઓછું થશે બીજું શું?”

સરસ મજાની રવિવારની સવાર પડી.

મજૂરો મજૂરીએ નીકળી પડે એમ અમે બંને જાણે અમારા સ્ટોરરૂમ બાજુ મજૂરીનું કામ શરૂ કર્યું.

પહેલા ગાદલાં હટાવ્યાં. ગાદલાની પાછળથી બે ત્રણ ગરોળી નીકળી એટલે ચારેબાજુ શ્રીમતીજીની દોડાદોડ. ત્યાં નાનકો ઊઠ્યો. બધા જ યા હોમ કરીને વાસ્તુ વ્યવસ્થા કાર્યમાં જોડાઈ ગયા. જિંદગીમાં પહેલી જ વખત સવાર-સવારમાં ૧૦૦ ગ્રામ ગાંઠિયા ખાધા વગર મજૂરીનું કામ શરૂ કર્યું. ક્યારેક-ક્યારેક તો મને થતું કે ઑફિસ કરતાં ઘરમાં કામ વધારે હોય છે. હા, ફરક એટલો જ કે પગાર નથી મળતો. ઊલટાનું ઑફિસમાં આરામ વધારે હોય છે.

નાનકો પાપડતોડ પહેલવાન. તીજોરીને પંપાળતો હોય એમ જોર કરે. શ્રીમતીજી દૂર ઊભા ઊભા એડમીની સ્ટ્રેશનનું કામ કરે. કેટલીય મહેનત પછી તીજોરીએ બે ઈંચ પ્રસ્થાન કર્યું. તિજોરીની પાછળથી અને કેટલાય સમયથી સાચવીને રાખેલી કીંમતી ધૂળના ઢગલાં નીકળ્યાં. એ ઢગલામાં મેં વિધિવત સ્નાન કર્યું નાનકાએ તો થોડી માથે પણ ચડાવી. બધાં ખો… ખો કરતાં કરતાં આ ભગીરથ કાર્યમાં જોડાયાં. અડધા કલાકે તિજોરી એની જગ્યાએ ગોઠવાઈ. આખો સ્ટોરરૂમ ધૂળ ધૂળથી એટલો ભરાઈ ગયો જેટલો લંડનમાં સ્નોફોલ થવાથી રસ્તો ઢંકાઈ જાય. ત્યાં નાનકો વળી તારથી કંઈક માળિયામાં ખસેડવાં ગયો અને ત્રણ-ચાર તપેલાં ધડામ કરતાં નીચે પડ્યાં એમાં હું માંડ બચ્યો. પેલા રાજેશયાને ગાળો દેતો દેતો હું બેડરૂમ તરફ ગયો.

હવે બેડરૂમનો વારો હતો. પલંગ અને ગાદલાં બધુ ખસેડવાનું ચાલુ કર્યું. મણ-મણનાં ગાદલાં ઊંચકીને આંખોમાં તમ્મર આવી ગયાં. પૂરા ચાર કલાકે અમારા બેડરૂમને સ્ટોરરૂમ અને સ્ટોરરૂમને બેડરૂમમાં પરિવર્તિત કર્યો. બધું ઘરમાં અજબગજબનું લાગવા માંડ્યું. ઘર એક મ્યુઝીયમ જેવુ થઈ ગયું.

“આ જો આ બધું કેવું અસ્તવ્યસ્ત થઈ ગયું. સ્ટોરરૂમમાં મચ્છરનો ત્રાસ વળી. પાછી બારી નથી. જેલમાં આવ્યા હોય એવું લાગે છે. મને તો આ બધું જરાય ગમતું નથી.” મેં ઉગ્ર સ્વરે કહ્યું.

શ્રીમતિ : “જરા થોડી વાર રાહ તો જુઓ.”

“થોડીવારમાં શું થઈ જશે. ચરુ દાટેલાં નીકળી જશે? રહેવા આવ્યા ત્યારે આપણે તો કોઈ ચરુ દાટ્યો નથી એમ તો કાંઈ ધનના ઢગલાં થતાં હશે.”

ત્યાં ડોરબેલ રણક્યો.

“જા બારણું ખોલ. મારી હાલત જોઈને કોઈ મને નોકર સમજી બેસસે.” મેં કહ્યું.

શ્રીમતીજી બારણું ખોલવા ગયાં. થોડીવારે પાછાં આવ્યાં.

“કોણ હતું.” મેં પૂછ્યું.

“એ તો સામેવાળા સીમાબેન. કાલે આપણે બહાર ગયા હતા એ ટાઈમે કુરિયરમાં ટેલિફોન બીલ આવેલું એ કુરિયર સામે આપી ગયેલો એટલે આપવા આવ્યા હતાં.”

“કેટલું છે જો તો જરા?”

“બે હજાર.”

“બે હજાર? લે તારા વાસ્તુશાસ્ત્રનો ફાયદો. શું કાંદા કાઢ્યાં.”

આખો દિવસ બધાં ધુંધવાયેલા રહ્યા. શ્રીમતીજી ચા બનાવીને સીધાં બેડરૂમ તરફ લઈને જાય ત્યાં જુએ તો સ્ટોરરૂમ, પછી યાદ આવે એટલે પાછાં ગોળ ફરીને સ્ટોરરૂમમાં આવે. ચોવીસકલાક લાઈટ રાખીએ ત્યારે તો દેખાય. બધાની દશા કાળીકોટડીમાં પૂરાયા હોય એવી થઈ ગઈ. અંતે છેક સાંજે આઠ વાગ્યે શ્રીમતીજી થાક્યાં ને બોલ્યાં, “નથી ગમતું.”

“શું નથી ગમતું?” મેં પૂછ્યું.

“આ આપણે ગોઠવ્યું એ.” શ્રીમતીજી.

“ના…ના વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જ છે.”

“નથી કરવું મારે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે. આ ઊંધી ઊંધી ગોઠવણી તે કંઈ થતી હશે.”

“મેં તો પહેલાં કહ્યું હતું. તમારે લોકોને ક્યાં માનવું છે. પેલો રાજેશ્યો રવિવાર બગાડી ગયો. ૫૦૦ ગ્રામ ધૂળ ફાકી એ જુદી.”

“હવે શું કરીશું?” શ્રીમતીજી.

“કરી શું? બધું પાછું હતું એમનું એમ. દોલ્તાબાદથી દીલ્હી.”

નાનકાને મેં બૂમ મારી.

“ચલ નાનકા, ઓવરટાઈમ કરવા.”

રાતનો સમય એટલે બધું તો એમનું એમ ન થયું. ખાલી પલંગોને યોગ્ય જગ્યાએ ફેરવીને અમને બેડરૂમ પાછો મળ્યાનો સંતોષ માન્યો. એક મહિનાની કસરત ભેગી એક જ દિવસમાં થઈ ગઈ. વળી પાછા બે કલાક અમે ધૂળ ફાકી ને બેઠા. રાત્રે દશ વાગ્યે જમવાનું પામ્યાં.

જમતાં જમતાં શ્રીમતીજી બોલ્યાં – “જો કે એક ફાયદો વાસ્તુશાસ્ત્રનો તો થઈ જ ગયો.”

“હવે વળી પાછો તને આમાં ફાયદો ક્યો દેખાયો?” મેં શ્રીમતીજીના મોઢાસામું કુતુહલ દ્રષ્ટિથી નીહાળ્યું.

“ધૂળ કેટલી બધી સાફ થઈ ગઈ. હવે દિવાળી સુધીની આપણે પરમ શાંતિ.” શ્રીમતીજી બોલ્યાં.

“આ હાડકાં તૂટી ગયાં એ નથી દેખાતું અને તને દિવાળીની અને મજાની પડી છે.” મેં કહ્યું.

ત્યાં નેન્સી બોલી, “પપ્પા મારો ગઈ સાલનો પ્રોજેક્ટ રીપોટ નથી દેખાતો મારે એક ફ્રેન્ડને બતાવવાનો છે. આ નાનકાએ માળિયામાં ચઢાવી દીધેલો. શોધી આપજોને પ્લીઝ.”

શ્રીમતીજી બોલ્યાં – “ચઢો માળિયે.. લો.. ત્યારે કરો મજા.”

– મૃગેશ શાહ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “વાસ્તુશાસ્ત્ર – મૃગેશ શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.