ડમડમ બન્યો સ્પાઈડરમેન – ભારતીબેન ગોહિલ

એક નાનકડું ખાબોચિયું. તેમાં પાણી થોડું ને કાદવ વધું. આ ખાબોચિયાંમાં નાના-મોટા ઘણા જ દેડકા રહે. ડ્રાઉં… ડ્રાઉં… કરે. તેમાંનો એક દેડકો. એનું નામ ડમડમ. ડમડમ દેડકો તેના પરિવાર સાથે રહે. સ્વભાવે રમતિયાળ અને વળી ભારે મોજિલો. આખો દિવસ કૂદાકૂદ કર્યા કરે.

થોડું ખાય ને વળી કૂદે.
પાણી પીવે ને વળી કૂદે.
જીવજંતુ ભાળે ને વળી કૂદે.
થોડો ખુશ થાય ને કૂદે.

એને કૂદતા જોઈને બાકીના દેડકા પણ મોજમાં આવી જાય ને તે પણ કૂદાકૂદ કરે. કૂદીકૂદીને થાકે ને પાછા ચૂપચાપ બેસી જાય!

ઉનાળાના દિવસો ગયા. ચોમાસું આવી પહોંચ્યું. આકાશમાં કાળાં કાળાં વાદળાં ચડી આવ્યાં ને વરસવા લાગ્યા. દેડકાને તો પાણી ખૂબ ગમે. બધાં દેડકાં ખુશ થતાં થતાં ફરવા નીકળી ગયા. ડમડમ શાનો બાકી રહે! તે પણ ચાલવા લાગ્યો. મસ્તીમાં ને મસ્તીમાં કેટલું ચાલી ગયો તેની ખબર પણ ન રહી ને તે તો ખૂબ આગળ નીકળી ગયો.ત્યાં એક મો…ટું મકાન આવ્યું. ને તે મકાનની અંદર ઘૂસી ગયો. જેવો અંદર ગયો એવાં બારણાં બંધ! લાઈટો બંધ! બસ અંધારું જ અંધારું! ડમડમ વિચારવા લાગ્યો કે આ ક્યાં આવી પહોંચ્યો? તેણે જોયું તો અહીં ઘણી બધી ખુરશીઓ હતી. તે તો સલામત જગ્યા જોઈ એક ખુરશીની નીચે બેસી ગયો.

વાત એમ હતી કે એ મોટું મકાન એક સિનેમાઘર હતું ને તેમાં ‘સ્પાઈડરમેન’ નામની ફિલ્મ આવી હતી. થોડીવાર થઈ ત્યાં તો ફિલ્મ શરૂ થઈ. ડમડમ દેડકાએ તો ક્યારેય ફિલ્મ જોઇ ન હતી.. તેને તો ફિલ્મ જોવાની મજા પડી ગઈ. ટગર ટગર જોયા જ કરે.. તેણે જોયું કે….

સ્પાઈડરમેન તો આકાશમાં ઊડે-
સ્પાઈડરમેન તો મકાન પર ચડે-
સ્પાઈડરમેન તો ઊંચા ટાવર પર ચડે-
સ્પાઈડરમેન તો ભૂંગળા પર ચડે-
ને.. સ્પાઈડરમેન  ખૂબ ઊંચેથી સરરરર નીચે પડે.
એને કંઈ ન થાય..જેવો પડે એવો પાછો ભાગે !

ડમડમ ને તો ભરોસો ન પડે! આંખો ચોળે! એમ જ થાય કે આ ક્યાંક સપનું તો નથી ને!

આમ ને આમ તેણે આખું પિક્ચર જોયું. તેને તો સ્પાઈડરમેનનું એટલું ઘેલું લાગી ગયું કે તેને એમ જ થવા લાગ્યું…સામાન્ય દેડકો રહેવામાં શું નવાઈ? બસ કૂદવું ને ઠેકવું. મારે થવું તો હવે સ્પાઈડરમેન જ થવું..બાકી કંઈ નહીં!

પિકચર પૂરું થયું.લાઈટો શરૂ થઈ.દરવાજા ખૂલ્યા. ડમડમ બહાર નીકળ્યો. પણ અંદર ગયેલા ને બહાર નીકળેલા દેડકામાં બહુ ફેર પડી ગયો હતો. તે હવે સીધોસાદો દેડકો રહ્યો ન હતો પણ બની ગયો હતો સ્પાઈડરમેન…ને તે ચાલતો ચાલતો ગણગણવા લાગ્યોઃ

“સ્પાઈડરમેન…. સ્પાઈડરમેન…. ડમડમ બને સ્પાઈડરમેન…”

એમ કરતાં કરતાં તે પોતાના ખાબોચિયાં પાસે આવી પહોંચ્યો. તેને જોતાવેંત જ તેની માએ કહ્યું, “અલ્યા ડમડમ.. ક્યાં હતો તું?” ડમડમ તો જવાબ આપવાને બદલે બે પગે ઊંચો થયો ને થોડું ચાલી રોફ્ભેર બોલ્યો..

“સ્પાઈડરમેન….સ્પાઈડરમેન…. ડમડમ બને સ્પાઈડરમેન…”

માને તો નવાઈ લાગી. વિચારે છે કે ડમડમને થયું છે શું? ક્યાં ગયો હતો? શું બન્યું? જવાબ આપવાને બદલે એક જ વાત કર્યા કરે છે….. સ્પાઈડરમેન…. સ્પાઈડરમેન..

થોડીવાર થઈ. ડમડમના મિત્રો એકઠા થયા. ડમડમને કહે, “કેમ છે દોસ્ત? શું ચાલે છે?” દેડકાએ તો કાંઈ જવાબ ન આપ્યો.. દોડતો દોડતો બાજુમાં પડેલા પાઈપ પર ચડી ગયો ને અલગ અદાથી બોલવા લાગ્યો,

“સ્પાઈડરમેન.. સ્પાઈડરમેન.. ડમડમ બને સ્પાઈડરમેન…”

મિત્રો પણ નવાઈ પામ્યા.જોતા જ રહ્યા. ને પછી તો ધીમે ધીમે કરતાં અહીંયા ને ત્યાં બધી જ જગ્યાએ ડમડમની વાતો થવા લાગી. પડોશીઓ પણ તેની માને ફરિયાદ કરે છે કે આપણું કામ તો કૂદવાનું ને ઠેકવાનું… આ તમારો ડમડમ જ્યાં ત્યાં ચડવાને રવાડે ક્યાંથી ચડ્યો? ને હા.. તે આમ ને આમ વર્તન કર્યા કરશે તો તેની બીજા દેડકા પર ગંભીર અસર પડશે…

આ સાંભળીને ડમડમની મા કહે, “હું તેને કેટલોય સમજાવું છું પણ કોણ જાણે કેમ મારું માનતો જ નથી.” પછી તો બધાં પડોશીઓએ નક્કી કર્યું કે જ્યાં સુધી ડમડમ પહેલા જેવું વર્તન ન કરે ત્યાં સુધી કોઈએ તેની સાથે બોલવું નહીં. ડમડમને તો નવાઈ લાગી. તેને સમજાતું ન હતું કે સ્પાઈડરમેન બનવામાં ખોટું શું હતું ?

ધીમેધીમે તે તો સાવ એકલો પડી ગયો.આમ ને આમ થોડા દિવસ પસાર થયા.એક દિવસ એવું બન્યું કે આજુબાજુના નાના નાના દેડકા રમી રહ્યા હતાં. ત્યાં ઊડતાં ઊડતાં એક બગલાભાઇ આવી ચડ્યા..ને ડફ કરતું એક દેડકું પોતાની ચાંચમાં લઈ ભાગ્યા ને ઝાડની એક ઊંચી ડાળ પર બેસી ગયા. બાકીના દેડકા તો ડ્રાઉં…ડ્રાઉં…કરવા લાગ્યા. આ સાંભળતા જ આજુબાજુના બધાં દેડકાં એકઠાં થઈ ગયા. એક બચ્ચાંને બગલાએ ઉપાડી લીધું એમ ખબર પડતા સૌને ચિંતા થવા લાગી.બચ્ચાની મા તો “કોઈ બચાવો.. કોઈ બચાવો..” કરતી રડવા લાગી. પણ કોણ બચાવે? ઝાડ પર તો ચડતા કોઈને ન આવડે.

ડમડમ આ બધું જોઈ રહ્યો હતો. તેણે ઝાડ પર ફરી એક નજર કરી. બગલો હજુ ત્યાં જ બેઠો હતો. ડમડમ તો લપાતો લપાતો ઝાડ પર ચડ્યો અને ઘડીકમાં તો બગલો બેઠો હતો ત્યાં પહોંચી ગયો.બગલો હજુ તો કાંઈ સમજે તે પહેલા ડમડમે પાછળથી તેનો પગ પકડી લીધો ને જેવો પગ પકડ્યો એવું જ બચ્ચું છટક્યું ને આવ્યું નીચે! ત્યાં તો ઘણા બધા દેડકા હતા… સૌએ થઈ ને તેને ઝીલી લીધું!

બચ્ચાંની મા તો ખુશ ખુશ થઈ ગઈ ને બચ્ચાંને વહાલ કરવા લાગી. તેને થયું કે ડમડમ  જો ઝાડે ચડ્યો ન હોત તો આજે આ મારું બચ્ચું જીવતું ન હોત. તેણે તો ડમડમની માને બોલાવી અને બધી વાત કરી.પછી સૌએ નક્કી કર્યું કે ડમડમ સાથે આપણે બધાએ બોલી જવાનું છે.

આ બધું ચાલતું હતું ત્યાં તો ડમડમભાઈ સરરર કરતા ઝાડ પરથી નીચે ઉતર્યા… ને જેવા ઉતર્યા એવા જ સૌએ તેને ચારે બાજુથી ઘેરી લીધા ને કૂદતાં કૂદતાં ગાવા લાગ્યા….

“સ્પાઈડરમેન…. સ્પાઈડરમેન…. ડમડમ બને સ્પાઈડરમેન…”

ને પછી તો બચ્ચાંની મા ખુશ ખુશ થઈ ગઈ કેમ કે તેને તેનું બચ્ચું પાછું મળ્યું.

ડમડમની મા ખુશ ખુશ થઈ ગઈ કેમ કે ડમડમે બચ્ચાંને બચાવ્યું.

ડમડમ પણ ખુશ ખુશ થઈ ગયો કેમ કે તેને તેનાં બધાં મિત્રો પાછા મળ્યાં!!

– ભારતીબેન ગોહિલ


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous વાસ્તુશાસ્ત્ર – મૃગેશ શાહ
દારૂએ તો દાટ વાળ્યો – ગિરિરાજ ચૌહાણ Next »   

4 પ્રતિભાવો : ડમડમ બન્યો સ્પાઈડરમેન – ભારતીબેન ગોહિલ

 1. વાહ વાહ… ખૂબ સરસ બાળવાર્તા. કંઈક સારું શિખી અને સમાજને તેનાથી ભલું થાય તે શિખ આ બાળવાર્તા દ્વારા સહજતાથી સમજાવી.

  • ભારતીબેન ગોહિલ says:

   આભાર ગોપાલભાઈ..
   બાળકોની દુનિયા સાચે જ મજાની!

 2. ketan says:

  વાર્તા ખરેખર ખુબ મજાનેી ચ્હે. અભિનન્દન્

 3. prashant gohil says:

  બોધ્વર્તા ખુબ સરસ મજની

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.