દારૂએ તો દાટ વાળ્યો – ગિરિરાજ ચૌહાણ

ડેભોલ નદીને કિનારે એક નાનકડું ગામ આવેલું હતું. આ ગામ ખૂબ જ રળિયામણું લાગતું હતું. ગામની અંદર પ્રવેશ કરતા ત્રણ રસ્તા પડતા અને ત્રણે રસ્તાઓ પર તો ધૂળ ગોટેગોટ ઉડતી, આકાશ આંબી જતી હતી. આ કાચા રસ્તે તો નાના છોકરાં, કુતરાં, ગધેડાં, ઢોર, બળદગાડાં, ઉંટગાડી બધાની અવરજવર પર વૈશાખી વાયરો મન મૂકીને ફૂંકાતો રહેતો કે જાણે આગલા જન્મારાનું વેર કાઢવા બેઠો હોય. રસ્તાની ડાબી બાજુ રામાપીરનું સોહામણું મંદિર આવેલું હતું, જેની ઉપર લહેરાતી લાંબી ધજાપવન સાથે બાથંબાથ કરી રહી હતી. મંદિરમાં રામાપીરની આરતી સવાર–સાંજ નિયમીત થતી અને ઢોલ નગારાંના નાદ બાજુના ગામ સુધી સંભળાય એવા જોરશોરથી વાગતા. ભક્તો મોડી રાત સુધી ભજનકીર્તન કરે, તેમાં લોકો મોડી રાત સુધી તબલાં મંજીરા અને પખાવજ સાથે ભગવાનના ભજન ગાવામાં લીન બનતાં.

રામાપીરના મંદિરની નજીક મહાકાય વડલો ચોતરફ ગામનો મોભી બનીને ઉભો હતો. વડલાની ફરતે પથ્થરનો વિશાળ ઓટલો પથરાયેલો હતો કે જેને ગામના લોકો પ્રેમથી ચાંળો તરીકે ઓળખતા.

હજી તો ભરબપોર થઈ નથી, તોય સૂરજદાદા બધાને શેકી નાખવાની જાણે તૈયારી ન કરતા હોય એવો ગરમાટો ફેલાયો છે. ફળીયાનાં નાનાં છોકરાની કિકિયારી અને ગમાણમાં બાંધેલા પાડોરાંની બૂમરાણથી ગામના મનોરમુખી કંટાળીને રાડ પાડીને કહે, ‘અલ્યા, આમનું મોં તો બંધ કરાવો! આના માવીતરાં કયાં ખોવાયા છે? તેમને જલદી શોધી લાવો ને! બિચારા આ જીવોને એમના ભાગનું ખવડાવો તો કકળાટ ઓછો વરતાય. અરે, હવે તો આ ફળિયામાં રહેવું ભારે થઈ પડ્યું છે.’

‘અહીં શાંતિ મળવાની નથી, તો ચાલો પગે થઈએ.’ મુખીબાપાએ તો શરીરે સફેદ ખમીસ ને માથે ફાળિયું વીંટ્યુ. પગમાં ગલબા ડોસાના હાથે બનાવેલી કાળી મોજડી પહેરી, હાથમાં લાકડી ઝાલીને ગામની ભાગોળનો રસ્તો પકડ્યો.

મનોર મુખીની નજર આકાશ તરફ પડવા જતી હતી પરુંતુ તેમની આંખ ઝળહળતા તાપથી મીંચાઈ જતી હતી. મનમાં વિચારતા કે કુદરતે આ શું ધાર્યુ છે, માંડમાંડ ચૈત્રથી છૂટ્યા ત્યાં વૈશાખ વેર લઈને બેઠો છે. અરે, બિચારા અબોલ જીવની શું દશા થતી હશે? એમ મનમાં વિચારતા આગળ ચાલ્યા.

રસ્તામાં સામેથી આવતો ભીખો ભવાયો બીડી ફૂંકતો મળ્યો ને અણિયાળી નજરે બોલ્યો, ‘મુખીબાપા, રામરામ.’

મુખી કહે, ‘રામરામ ભાઈ, પણ અલ્યા, તમને ઉનાળાની બપોર નડતી નથી? આવી કાળઝાળ ગરમીમાં ઘરેથી શું કામ નીકળી પડો છો?’

‘અરે, બાપા અમારે તો આ પેટ માટે વેઠ કરવી પડે, તમારા ગામના આશરે તો અમારા બૈરાં-છોકરાં જીવે છે. વળી અમારા જેવા તડકો-છાંયડો જુએ તો ખાય શું?’

મુખી કહે, ‘તારી વાત સાચી છે, પણ લ્યા, ગામની ભાગોળે કોઈ બેઠેલું દેખાયું હતું કે નહીં?

‘હા.. હા.. મુખીબાપા, પેલા ચાંળા પર શંકરજી, સાકાજી, કેશોજીને રામો રાવળ બેઠેલા જોયા હતા. એમાંય વળી વીહો બકરાનું ટોળું લઈને બૂમો પાડતો નજરે પડ્યો હતો.’

મુખીને થયું, અત્યારે છાંયડે મેદની જામી હશે, તો ઝટ ચાંળે ભાગું. ભાગોળ જવાની ઉતાવળમાં તેમની મોજડીમાં રહેલો પગ પરસેવેથી રેબઝેબ થતો હતો. હાથમાંની લાકડી ધરતી કોર નમી પડતી માટે ઝડપથી ચાલવામાં ખૂબજ તકલીફ પડતી. રસ્તાની આજુબાજુ ડોકિયું કરે તો કોઈ મને જોઈને ઉભો રાખશે તેવી નજીવી બીકે મોટા ડગલા ભરવા લાગ્યા હતા. પ્રચંડ તડકાની પરવા કર્યા વિના મનમાં રામરામ બોલતાં બોલતાં લગોલગ ચાંળે આવી પહોંચ્યા.

વડલાની નજીક આવ્યા તો બાજુમાં જ રાયકો રબારી ગાયોનું ધણ લઈ, બીજાની પરવા કર્યા વિના આરામથી હૂક્કો પીતો હતો. ગાયો પણ ઉનાળાની ગરમીથી ત્રાસીને વડલાની શીળી છાયા નીચે શાંત રહીને એકબીજા પર મોઢું મૂકી, આંખો મીચીને નિરાંતે વાગોળતી હતી. સફેદ ગાય ઉપર ઢગલાબંધ બગાઈઓ ઉડતી હતી, ગાયો બગાઈઓના ડંખથી કંટાળીને પૂંછડા વિજોડતા વિજોડતા ઉભા થવાનું વિચારતી હતી.

મુખીએ રાયકાને જોઈને કહ્યું, ‘હુક્કો મૂકીને જરા અહીં આવ, આજકાલ કેમ ચાલે છે?

રાયકો હસીને કહે, ‘મુખીબાપા હાલ તો તમારી છાયા નીચે બેઠા છીએ, કાલે જે થવાનું હોય તે થાય, પણ બાપા ગામમાં ઉનાળો કરડવા આવ્યો હોય એમ લાગે છે.

મુખી આંખ કાઢીને કહે, ‘રાયકા, તમે તો વનેરૂ છો, આવું કટુક વેણ ન નાંખો, ને હિંમત હારવાથી કશું મળવાનું નથી કે કાંઈ બદલાઈ જવાનું નથી.’

વડલાની શીતળ છાયામાં જાણે વર્ષોની રાહ હોય એમ, ઓટલા પર માથાનું ફાળીયું ઉતારીને, જમણા હાથના ટેકા વડે પગ પર પગ ચડાવીને મુખી બેઠા. કરચલી પડેલા બે હાથ માથામાં ફેરવતાં ફેરવતાં સામે બેઠેલ એક–બે પટેલ, ઠાકર, રાવળ, કુંભાર, સુથાર એમ સૌની સામે ટગરટગર જોઈ રહ્યાં ને કહે, ‘ભાઈ, તમારી સાથે બેસવા અહીં આવતા તો મારા ફળીયાથી અહીંનો રસ્તો જાણે અનંત લાંબો બની ગયો હતો. પણ તમે બધાં કેમ નિરાશ થઈને બેઠા છો? જાણે બેસણામાં બેઠા હોવ એવા લાગો છો. ભાગોળ તો ભૂંકે એવી ખૂંખાર હોવી જોઈએ. ગામના પાદરે દુઃખી થઈને ભાગોળ ન લજવાય.’ તોય કોઈએ જવાબ ન આપ્યો એટલે કહે, ‘ભાઈઓ, બીજાને મનની વાત કરવાથી ભાર હળવો થાય છે, ખરું ને કેશાજી? ને મગનાભાઈ?

કેશાજી કહે, ‘મુખીબાપા, તમે તો સિત્તેર પહોંચવા આવ્યા છતાં ભલભલાં જુવાનીયાઓ માથું ઝુકાવે એવી તંદુરસ્તી છે, તમારે તો જીવન પાર પડવા આવ્યું પણ અમારે? જુઓને બાપા, છેલ્લા બે–ત્રણ વરસથી સારો વરસાદ વરસ્યો નથી. કાંઈ મામૂલી મજૂરી કે ધંધો મળે તેમ નથી, તો અમારા પરિવારની ચિંતા તો કરવી ને?

મુખી કહે, ‘અરે ભાઈ, હું યે પટેલનો દીકરો છું, ને હું પણ ગરીબીમાં જ ઉછર્યો છું. તમારી જેમ મેં પણ કાચુપાકું ખાધું છે વળી તમે એવું શું કામ વિચારો છો કે વરસાદની મારે જરૂર નથી? ખેતી તો આપણી સૌની જીવાદોરી છે. તમારા કરતાં તો વધારે મને તમારા બધાની ચિંતા છે, પણ એ તો મારા ભીતરના ભેરુને ખબર. મને મુખીપણામાં રસ નથી પણ આપણા ગામની ગરીબી મારા મનને કોરી ખાય છે. હવે તો અષાઢની રાહ જોવી રહી. આ વરસ કેવું આવે છે તે તો મારો રણુંજાવાળો જાણે. ધરતી પર નકામો ભાર વધી ગયો હોય તેમ લાગે છે.

પાંચ–છ નિશાળીયાઓ આ બધી વાતો કાનમાંડીને સાંભળતા હતા. મુખી તો ઉંચા અવાજે બોલ્યા, ‘છોરાં, હજી તો મૂછનો દોરો ફૂટ્યો નથી ને અમારી વાતોમાં ડૂબકીયા મારો છો? ભણવામાં નજર રાખો!’ એટલામાં નિશાળનો ઘંટ ખખડ્યો તો તરત જ જંગલના સસલાની જેમ નિશાળીયાઓએ દોટ મૂકી. છોકરાંને જોઈ હળવું હસતાં હેમોજી કહે, ‘અત્યારે ભણીગણીને શું કરવાનું? છેવટે બાજુના ગામમાં હેરુ રહીને માથે છાંણના છાબોરા ઉચકવાનાને!’

આંખ કાઢીને મુખી કહે, ‘તમારી બુદ્ધિ મરી પરવારી છે કે શું? આવા કપરા ટાણે છોકરાંને તો ભણાવવા જ જોઈએ. અહીં મારી જોડે બેઠેલા એકપણ જુવાનીયાઓ બે–ત્રણ ચોપડીથી આગળ ગયા નથી, તો પછી મોટી વાતો કરવાનું બંધ કરો. તમને મૂળજી માસ્તરનું ભણતર ભારે પડ્યું એટલે ભવનું વિચાર્યા વિના મજુરીએ વળગી ગયાં.’

વડલા ઉપરથી પસાર થઈને તડકો ઓટલાની નીચે પહોંચવા આવ્યો હતો. એવામાં સામેની શેરીમાંથી કોઈક મોટી બૂમો પાડતું પાડતું ગામની ભાગોળ તરફ આવતું હતું. મુખી કહે, ‘જરાક ઉભા થઈને જુઓ તો, કોણ રાડો પાડે છે?’

પણ કોઈ ઉભું થાય એ પહેલા તો માથે અસ્તવ્યસ્ત વાંકડીયા વાળ, ઢળતા સૂરજ જેવી લાલચોળ આંખો, ગોરા મોં પર તલવારી મૂછો, મદમસ્ત શરીર પર તૂટેલા બે બટનવાળું ખાખી રંગનું ખમીસ, ફાટેલું પેન્ટ, દેશી દારૂના નશામાં ચાલવા જતાં એકબીજા સાથે અથડાતા અને ફુદરડી ફરતા બંને પગ, લાગે કે એ હમણાં નીચે પટકાઈ જશે.. નાના છોકરાં તો તેને જોઈને આજુબાજુ વળગી પડતાં ને બૂમો પાડતા કે ‘ગાંડો આવ્યો, ગાંડો..’ આ બધુ જોઈને ઓટલા પર બેઠેલા કોઈકે કહ્યું, ‘અરે એ તો આપણા ગામનો જ પેલો મણિયો, ચોવીસય કલાક દારૂના નશામાં જ ગાંડોતૂર હોય છે, એની તો કાયમની મોકાણ રહેવાની..’

મણિયાને કપડાની કોઈ ગતાગમ રહી નહોતી, બોલવા-ચાલવાનું ભાન ન હતું. એ તો છેવટે બેભાન બનીને ધૂળમાં આળોટવા લાગ્યો હતો. ગામના લોકો તેને જોવા ટોળે વળ્યા, મુખીની લાજ કાઢીને ગામની ભાગોળે ઉભેલી સ્ત્રીઓ અરસપરસ ધીમે અવાજે વાતો કરે, ‘આવા નફ્ફટ ધણીનો ઘરવાખરો કરવા કરતાં તો છૂટી જવું સારું..

મુખી લાલચોળ આંખે કહે, ‘અલ્યા, બાજુ ખસો નહિંતર મારી લાકડી તમારા પર છૂટી આવશે. તમે બધા વકરેલા મણિયાને જોવા ઉમટ્યા છો પણ તે પહેલા હવાડામાંથી બે–ત્રણ ડોલ તેના માથા પર રેડો એટલે કપૂત ભાનમાં આવે. શું કરીએ! આ મારાએ કણબીનું ઘર લજવ્યું, ભેગું મારું મુખીપણું પણ.. બધાં સુધરી ગયાં પણ આ ઉજળીયાત કહેવાતી કોમનુંય નામ બોળે છે. એના કરતાં મરી ગયો હોત તો ગામમાં આબરૂ રહી જાત. ગામની બધી નાતનો સુધારો થયો પણ આ કજાતનો જ જરાય ન થયો. આવા દારૂડીયાના પાપે તો વરસાદ વરસવાનું ભૂલી ગયો છે. આપણા ગામનો, ચારેય પંથકની પટલાઈ કરતો સાંકો પટેલ પણ ખરાબ દોસ્તીને લીધે દારૂની લતે ચડયો હતો, પોતાની મહેનતે વસાવેલ ઘરબાર, માલમિલ્કત, દરદાગીના બધુંય પીવામાંને પીવામાં વેચી નાખ્યું અને છેવટે જીવવાનો આરો ન સૂઝયો એટલે ઝેર ઘોળીને કમોતે જીવન ટુંકાવ્યું, આ તમને બધાંયને હાથ જોડીને કહું છું કે દારૂની સોબત ન કરતા, નહીંતર તમારાથી આ બદનસીબ અળગા નહીં થાય, છેવટે બધું ગુમાવીને ઝેર ઘોળવાનો વારો ન આવે તો મને સંભાળજો. આ મણિયો દારૂમાં કંગાળ બની ગયો છે. હવે એની પાસે બે–ચાર ગાભાં સિવાય કશુંય બાકી રહ્યું નથી. કાયમી દારૂની લતથી, તેની પાસે કાળજાની કોર જેવી જમીન હતી તે પણ ગઈ. મા અને બૈરીના દરદાગીના તો ક્યારનાય દારૂ માટે વેચી દીધા, ગામમાં માનમોભો ગુમાવ્યો ને આખાય પંથકમાં તેના પૂજાતા બાપની આબરૂય ગામતરે ગઈ. તમને બધાંયને અરજ કે આવા કપરા દુકાળમાં થોડુંઘણું કમાવવા કે મજૂરી કરવાનું વિચારજો, નહીં કે પછી વંઠેલા મણિયા જેવું..’

શંકરજી કહે, ‘મુખીબાપા, ગામમાં આવા ચારપાંચ દારૂડીયા છે, એ મણિયાના લંગોટીયા બનીને રહે છે પણ તમારી ધાકે જાહેરમાં આવતા નથી. તેથી તમને અરજ કરીને કહું છું કે તમે ગામના મોભી છો તો દારૂડીયાઓને કડકમાં કડક સજા કરો,’

મુખી મોઢા પર હાથ ફેરવીને કહે, ‘તમે ક્યાં પરગામના છો! ગામમાં કોઈપણ યુવાન દારૂ પીતા પકડાશે તો તેને એક હજાર એક રૂપીયાનો દંડ અને પછી કાયમ માટે ગામની બહાર. સજા તો આ ધૂળમાં પડેલો પણ ભોગવશે ને હું કોઈની શરમ રાખવાનો નથી. તમારા બધાનો સહકાર જોઈએ..’ એમ કહી એ ઓટલા પર બેઠા.

ગામના બધા એક અવાજે કહે, ‘તમારા જેવા વડીલનો સંદેશ હોય કે આદેશ, એકવાર નહીં સો વાર કબૂલ છે.’

મગનલાલ માસ્તર કહે, ‘આવાને તો તિરસ્કાર આપવો જ જોઈએ. કુમળા રોપા પર આવાઓની માઠી અસર ન પડે તેનો ખ્યાલ બધાએ રાખવો પડશે.’

મુખી કહે, ‘હવે જાગ્યા ત્યાંથી સવાર, દારૂએ તો દાટ વાળ્યો, ખોબા જેવા ગામમાં આવા મણિયા જેવા કેટલાયના ઘર રસ્તે રઝળતા થઈ ગયા હશે? ગામના બધાને ફરી કહું છું, રામાપીરની આણ છે હવેથી કોઈએ દારૂ પીધો છે તો..’ પછી બંને પગ ખંખેરીને મોજડીમાં પગ મૂક્યા અને હાથમાં લાકડી પકડીને ધીમે પગલે ઘર તરફ પ્રયાણ કર્યું.

– ગિરિરાજ ચૌહાણ

ગિરિરાજભાઈ ચૌહાણ ગામ નાનાકોટડા, તા. ઈડર, જી. સાબરકાંઠામાં રહે છે, તેઓ કોલેજમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. લેખન ક્ષેત્રે અને રીડગુજરાતી પર તેમની આ પ્રથમ કૃતિ છે. તેમની કલમ હજુ વધુ નિખરે અને સાર્થક થાય એવી શુભેચ્છાઓ.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ડમડમ બન્યો સ્પાઈડરમેન – ભારતીબેન ગોહિલ
બાપ એટલે જ બાપ – અર્જુનસિંહ કે. રાઉલજી Next »   

11 પ્રતિભાવો : દારૂએ તો દાટ વાળ્યો – ગિરિરાજ ચૌહાણ

 1. મનસુખલાલ ગાંધી says:

  ખરી વાત છે, દારૂ ખરેખર દાટ વાળે છે.

 2. Viram Rabari says:

  દારૂ ખરેખર દાટ વાળે છે.એક વાર્તા તરીકે લાગણીસભર સરસ વાર્તા છે.

 3. Kotadiya Vidhya says:

  Superb…. Very nice…

 4. ખુબજ લાબુ વરણન વાચતા ધિરજ ખુટે, સન્દેશો સાવ સહજ અને સિધો સાદો !!

 5. Rajesh Patel says:

  ખરેખર ખુબજ સરસ વાર્તા છે. મનોર મુખીનો લાગણીસભર સંદેશ કે દારૂ ખરેખર દાટ વાળે છે.

 6. Mukesh Nayi says:

  Giriraj,

  Good attempt for rural atmosphere and excellent itroduction for prohibition.

 7. Janak Bhoi says:

  Very nice story in gujarati

 8. Govind shah says:

  Very nice.young generation should know about Daru thi thati barbadi Ane kutumbo no behalf.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.