બાપ એટલે જ બાપ – અર્જુનસિંહ કે. રાઉલજી

(‘જનકલ્યાણ’ સામાયિક ના નવેમ્બર-ડિસેમ્બર,૨૦૧૭ના અંકમાંથી સાભાર)

બારણું ખોલતાંની સાથે જ ચાર-પાંચ ગુંડા મંગેશ ઉપર તૂટી પડ્યા. હકીકતમાં મંગેશ ઓફિસ જવા તૈયાર થયો હતો અને બહાર નીકળવાની તૈયારી જ કરતો હતો ત્યાં ડોરબેલ વાગ્યો,મંગેશે બારણું ખોલ્યું તે સાથે જ ચાર-પાંચ જણા તેના ઉપર તૂટી પડ્યા. ગડદાપાટુ, ધોલધપાટ, લાતમલાત… મારી મારીને અધમૂવો કરી નાંખ્યો તેને, કવિતા વચ્ચે પડી તો તેને પણ હડસેલો મારીને દૂર ફેંકી દીધી. મંગેશ બૂમો પાડતો રહ્યો- તમે કોણ છો અને શા માટે મને મારો છો? … તો પણ કોઈ તેની વાત સાંભળવા તૈયાર નહોતું, એને મારતા જ રહ્યા. તેનાં કપડાં ફાટી ગયાં, મોંઢામાંથી લોહી નીકળવા લાગ્યું, હાથ છોલાઈ ગયા. છેવટે એ લોકો થાક્યા ત્યારે મોટી મૂછોવાળો પડછંદ ગુંડો – કદાચ તે આ બધાયનો લીડર હતો તે બોલ્યો – નાનજી શેઠને તો ઓળખે છે ને? જેની પાસેથી તું આ ફ્લેટ લેવા પાંચ લાખ રૂપિયા દોઢ વરસ પહેલાં લાવ્યો હતો? અમે તેમના જ માણસો છીએ… આજદિન સુધી તેં એક પણ પૈસો ચૂકવ્યો નથી અમે તને પંદર દિવસની મુદત આપીએ છીએ.., જો પંદર દિવસમાં તેં પાંચ લાખ રૂપિયા વ્યાજ સાથે નથી ચૂકવ્યા તો યાદ રાખજે ફ્લેટની બહાર કાઢી મૂકીશું. મારી મારીને અધમૂવો કરી નાખીશું અને આ તારી રૂપાળી બૈરી તેને તારી નજર સામે પીંખી નાખીશું. નાનજી શેઠ નાગજી બની જશે, તને એવો ડંખ મારશે કે તું પાણી પણ નહીં માંગે…! હવે નાનજી શેઠે તારો કેસ અમને સોંપી દીધો છે અને અમને તેનો ચપટી વગાડતાં ફેંસલો કરતાં આવડે છે. માટે આ ચેતવણી ગણે તો ચેતવણી જ છે… અને તું જોઈ શકે છે કે અમે ધારીએ તે કરી નાખનારા માણસ છીએ. જો પંદર દિવસમાં અમને પૈસા ના મળ્યા તો તારી બૈરીને કબૂતરીની જેમ પીંખી નાખતાં અમને આવડે છે માટે આજથી જ દિવસો ગણવાનું શરૂ કરી દે.

ધમકી આપીને ગુંડાઓ જતા રહ્યાં, પાછળ રોતા-કકળતા રહ્યાં મંગેશ અને કવિતા. ખરી આફત આવી પડી હતી તેમના ઉપર. પણ હવે તેનો કોઈ ઉપાય તેમને દેખાતો નહોતો. પંદર દિવસમાં આટલી મોટી રકમ લાવવી ક્યાંથી? કવિતા પાસે દાગીના પણ નહોતા કે જે વેચીને થોડા પૈસા મેળવી શકાય. તેમણે તો પ્રેમલગ્ન કર્યા હતાં.  કવિતાના બાપને તેમનો આ સંબંધ પસંદ નહોતો. તેમને મંગેશની નાત સામે વાંધો હતો. નામ તો મંગો હતું પણ તેમાંથી મંગેશ કરાવ્યું હતું. તેઓ હલકી જ્ઞાતિના હતા. અને કવિતા અનાવિલ બ્રાહ્મણ…! કવિતાના પપ્પાતો આ લોકોને ગાળ દઈને જ વાત કરતા… ‘સા…’ જ્ઞાતિસૂચક ગાળ દેતા. તેના બાપાની ના હોવા છતાં કવિતાએ મંગેશ સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં – કદાચ ભાગીને લગ્ન કર્યાં હતા.  અને લગ્ન પછી માબાપના આશીર્વાદ લેવા ગયાં તો કવિતાના પપ્પાએ તેમને ધક્કા મારીને બહાર કાઢી મૂક્યાં હતાં, ઉપરથી કહ્યું હતું કે – હવે જો આ ઘરમાં પગ મૂક્યો તો બંનેના ટાંટિયા તોડી નાંખીશ અને આ ઘર તરફ નજર કરી તો આંખો ફોડી નાખીશ. તું અમને ભૂલી જજે અને અમે તને ભૂલી જઈશું. અમે તો તું ઘર છોડીને ભાગી ગઈ ત્યારથી જ તારા નામનું નાહી  જ નાખ્યું છે.

કવિતાના પપ્પા પૈસેટકે ઘસાતું ઘર હતું છતાં કહ્યા કરતા કે – મારી કવિતા માટે તો હું રાજકુમાર શોધી કાઢીશ, પછી ભલે દહેજમાં આપવા દેવું કરવું પડે…! પણ તેને રાજરાણીની જેમ રાખે તેવો છોકરો જ શોધી કાઢીશ…! આર્થિક સ્થિતિ સારી નહોતી છતાં કવિતાનાં લગ્ન ધામધૂમથી રંગેચંગે કરવાના તેમના અરમાન હતા. કવિતાના જન્મ પછી તેમણે ફેમિલી પ્લાનિંગ કરી નાંખ્યું હતું. તેના પપ્પા તો કહેતા કે મારે હવે બીજા કોઇ સંતાનની જરૂર નથી. કવિતા એકલી જ બહુ છે. મોંઘવારીના આ જમાનામાં એક સંતાનનો સારી રીતે ઉછેર કરવાનું અઘરું છે, ત્યાં બીજા સંતાનનું શું કામ છે? આ જમાનામાં તો દીકરીઓ દીકરાની સમોવડી તો થઈ ગઈ છે, પણ… માબાપની લાગણી કરવાની બાબતમાં તો દીકરાઓ કરતાં પણ આગળ નીકળી ગઈ છે. મારી કવિતા એ મારી દીકરી નહીં પણ દીકરો જ છે, તેને હું ખૂબ ભણાવીશ અને ધામધૂમથી પરણાવીશ.

ઘણા અરમાનો અને સપનાં સજાવી રાખ્યાં હતાં એમણે કવિતા માટે, પણ કવિતાએ પ્રેમલગ્ન કરીને તેમના બધાં જ અરમાનો ઉપર પાણી ફેરવી નાખ્યું. બાકી તેમણે તેના ઉછેરમાં કોઈ કચાશ રાખી નહોતી. તેને કોલેજ કરાવવાનું, કોલેજનો ખર્ચ કાઢવાનું તેમનું ગજું નહોતું, છતાં પણ તેમણે દેવું કરીને પણ તેને ભણાવી હતી. તેને હોમ સાયન્સ કરવું હતું તો હોમ સાયન્સમાં મૂકી. પેટે પાટા બાંધીને પણ તેની બધી જરૂરિયાતો તેમણે પૂરી કરી હતી. પણ કવિતા પોતાના બાપાને ઓળખવામાં થાપ ખાઈ ગઈ. તે તેના બાપને આધુનિક માનતી હતી આથી જ પ્રેમમાં પડ્યા પછી તેણે સામા પાત્રની નાતજાતનો વિચાર કર્યો નહોતો, પણ તેના બાપા ઓર્થોડોક્સ નીકળ્યા. તેમના માટે તો પોતાની નાત જ સર્વશ્રેષ્ઠ હતી. તેઓ તેને નાતમાં જ પરણાવવા માગતા હતા. પણ… કવિતાએ એક નીચી જ્ઞાતિના યુવકને પસંદ કર્યો અને માબાપની ઉપરવટ જઈ તેની સાથે ભાગીને લગ્ન કર્યાં, તેનો તેમને જબરો આઘાત લાગ્યો હતો. સાંભળ્યું હતું કે તેમને એટેક પણ આવી ગયો હતો,પણ પહેલાં થયેલા અપમાનના કારણે પપ્પાની ખબર લેવા જવાની તેની અંતરની ઇચ્છા હોવા છતાં તેનો પગ ઉપડ્યો નહોતો. પ્રેમ થતાં તો થઈ ગયો પણ તેનું આટલું મોટું વળતળ તેણે ચૂકવવું પડશે, તેની તો તેણે સપનેય કલ્પના કરી નહોતી. પણ હવે પસ્તાવાથી શું વળે? સંબંધ કપાઈ ગયો હતો. તેને પોતાનાં માબાપ યાદ આવતાં હતાં પણ…તેનાં માબાપના મનમાં તેમના પ્રત્યે માત્ર નફરત અને નફરત જ ભરેલી હતી, ઝેર ભરેલું હતું, તેઓ કોઈ પણ કાળે,  કોઈપણ સંજોગોમાં કવિતા અને મંગેશનો સ્વીકાર કરે એમ નહોતાં. એટલે  આ કટોકટીના સમયમાં માબાપ પાસેથી આશા રાખવી નકામી હતી. અને આમેય તેમની હાલત એવી ક્યાં હતી કે રાતોરાત તેને પાંચ લાખ રૂપિયા જેટલી મોટી રકમ આપી શકે…! મંગેશના બાપાની હાલતતો તેનાં કરતાં વધારે ખરાબ હતી. તેઓ તો કોઇક કંપની માં સ્વીપર તરીકે નોકરી કરતા હતા, કદાચ આટલી મોટી રકમ તેમણે જિંદગીમાં એક સાથે જોઈ પણ નહીં હોય..! એમની પાસેથી તો આશા રાખવી નકામી હતી.

કવિતા અને મંગેશ બંને મૂંઝાઈ ગયાં હતાં. ખરેખર તો ભૂલ એમની જ હતી, નાનજી શેઠ પાસેથી પૈસા લાવ્યે દોઢ વરસ થઈ ગયું હતું, અને તેમણે ફૂટી કોડી પણ જમા કરાવી નહોતી. એવું પણ નહોતું કે તેમણે બચત કરી નહોતી અને જેમ આવે તેમ પૈસા ઉડાડ્યા હતા પણ… વચ્ચે થોડા પૈસા ભેગા થયા હતા તે બાઈક લેવામાં વપરાઈ ગયા.. ત્યાર પછી થોડા પૈસા ભેગા થયા હતા તો તે સુજલની સ્કૂલમાં એડમિશનમાં ભરી દીધા. હવે પાંચ લાખ રૂપિયા અને તેનું વ્યાજ… આટલી મોટી રકમ પંદર દિવસમાં ક્યાંથી લાવવી…??? એ કાંઈ રમત વાત નથી. એ કાંઈ રમત વાત નથી. એવું કોઈ નજીકનું સગું કે ભાઈબંધ-બહેનપણી પણ નહોતાં કે જે આવા અણીના સમયે તેમની સાથે ઊભાં રહે અને મદદ કરે….! એવી કોઈ મોટી મિલ્કત પણ નહોતી કે જે વેચવાથી કે ગીરો મૂકવાથી આટલી મોટી રકમ ભેગી કરી શકાય. એક આ ફ્લેટ હતો પણ તે પણ ગીરો મૂકી શકાય કે વેચી શકાય તેમ નહોતું કારણકે મકાનનો દસ્તાવેજ તો નાનજી શેઠ પાસે ગીરો હતો અને નાનજી શેઠ પૂરા પૈસા ચૂકવ્યા સિવાય એ આપે તેમ નથી. ખરેખર તો મંગેશ અને કવિતા ફસાઈ ગયાં હતાં. નાનજી શેઠનું શરાફી વ્યાજ પણ તેમની કમ્મર તોડી નાખે તેટલું થઈ ગયું હશે…! જો નાનજી શેઠને પંદર દિવસમાં પૈસા નહીં મળે તો મકાનની હરાજી તો કરી જ નાખશે પણ સાથે સાથે કવિતાને પણ ઉપાડી જશે. તેને પીંખી નાંખવાની ધમકી ગુંડાઓએ આપી હતી એટલે કદાચ એના ઉપર બળાત્કાર પણ કરે…! પોલીસની મદદ લેવી હોય તો પણ કેવી રીતે લેવી? પોલીસ તો બધા ફૂટેલા જ હોય અને નાનજી શેઠ ભલભલા ઓફિસરોને ખરીદી લેવાની તાકાત ધરાવે છે…  શું કરવું તેની કવિતા કે મંગેશ બેમાંથી કોઈને પણ ખબર પડતી નહોતી, પોતાના આ દુઃખનાં રોદણાં કોની પાસે રડીને દિલ હલકું કરવું તેની પણ એ લોકોને સમજ પડતી નહોતી.

કવિતાને હવે પોતાની ભૂલ સમજાતી હતી. તેણે માબાપનું દિલ તોડ્યું હતું અને તેની સજા એ ભોગવી રહી હતી. તેના પપ્પા સમજદાર હતા, તેણે જો ઉતાવળ કર્યા સિવાય તેમને સમજાવ્યા હોત… ધીરે ધીરે સમજાવ્યા હોત તો કદાચ તે જરૂર સમજી જાત, તે સાવ ઓર્થોડોક્સ તો નહોતા જ…! સ્ત્રી સ્વાતંત્ર્યમાં માનતા હતા. પણ તે તો એકદમ જ છેલ્લા પાટલે બેસી ગઈ…! તડ અને ફડ કરી નાખ્યું, માબાપ સાથે ઝઘડો કર્યો અને સંબંધ તોડી નાંખવાની વાત કરી એટલે જ તેના બાપાએ પણ તેના નામનું નાહી નાંખવાની વાત કરી બાકી…અત્યારે જો માબાપ સાથે સંબંધ હોત તો બાપા અવશ્ય તેની પડખે રહ્યા હોત, પણ હવે શું? અબ પછતાવે ક્યા હોવત હૈ જબ ચિડિયા ચુગ ગઈ ખેત…! બગડેલો સંબંધ સુધારવાનું કામ તો ખૂબ કપરું છે, સંબંધ બગડતાં તો વાર લાગતી નથી , એક જ ઝાટકે સંબંધ તોડી શકાય છે પણ તેને ફરીથી જોડવાનું કામ અઘરું છે….! કવિતાએ નિસાસો નાંખ્યો અને મંગેશને દવાખાને જવાની સલાહ આપી, તે કહે તો તે પોતે પણ તેની સાથે જવા તૈયાર થઈ….

બગડેલો સંબંધ ફરીથી સુધારી ના શકાય? કવિતા વિચારતી હતી. પપ્પા પાસે જઈને બંને જણ જો પપ્પાના પગે પડે અને માફી માગે તો બાપનું દિલ અવશ્ય પીગળે… બાપ એટલે બાપ….તેની તોલે કોઈ ના આવે…! કવિતાને આ વિચાર જ યોગ્ય લાગતો હતો. એકવાર બાપા માફ કરી દે તો તો પછી પ્રશ્ન જ રહેતો નથી- બાપા કોઈપણ રીતે પૈસાની વ્યવસ્થા કરી જ નાખે અથવા આમાંથી છૂટવાનો રસ્તો તો શોધી જ કાઢે. મોબાઈલ લઈ કવિતા ફોન કરવા જ જતી હતી કે ડોરબેલ વાગ્યો. કવિતા પ્રથમ તો ગભરાઈ જ ગઈ…! તેણે ગભરાતાં ગભરાતાં બારણું ખોલ્યું તો સામે તેના બાપા ઊભા હતા, બાપને જોતાં જ તે ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડી – બાપને ભેટીને…! તેના પપ્પાએ તેના માથે હાથ ફેરવતાં કહ્યું, ‘બેટા, આટલું બધું થઈ ગયું પણ તેં મને ના જણાવ્યું… આ તો નાનજી શેઠનો પી.એ. મને ઓળખે છે, તેણે મને ફોન કરીને વાત કરી, બેટા…. હજુ તારો બાપ જીવે છે, મરી ગયો નથી અને મરી જઈશ તો પણ સ્વર્ગમાંથી પણ તારી મુશ્કેલીના સમયે તારી પડખે રહીશ… તું ચિંતા ના કરીશ, બધું થઈ રહેશે… કવિતા ફરીથી પપ્પાને ભેટીને રડી પડી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

10 thoughts on “બાપ એટલે જ બાપ – અર્જુનસિંહ કે. રાઉલજી”

Copy Protected by Chetan's WP-Copyprotect.