મારી ઓચિંતી અસવારી – દિપક બુચ

મારે ઓચિંતાનું સુરત જવાનું થયું.. કીધું’તું, પણ તોયે ‘થોડો મોડો’ ઉઠાડયો’ તેવા મનમાં, બીજાની ન થઈ હોય તો પણ; ભૂલના ભતકડાં કાઢતો અને પશ્ચાતાપના પરમાણુઓ જન્માવતો રીક્ષામાં બેઠો!

કાયમ રિક્ષાવાળા અને મુસાફર વચ્ચેના ‘એપી સેન્ટર’ જેવા અને અવિશ્વાસનું વાતાવરણ સર્જાતા મીટર તરફ, ઊંટ પાણી પીવા ડોકી નીચી કરે તેમ, ઝૂક્યો. ત્યાં રિક્ષાવાળો અમુક રકમ બોલ્યો… ‘મનના મીટર’ અને રિક્ષાના મીટર કદી ટેલી ન થાય તે મુજબ મેં કીધું “આટલા બધા ન થાય.”

તેણે કહ્યું સાહેબ ‘બોણી’ છે… પરચૂરણ ધંધાવાળા આપણને “સેન્ટિ”(મેન્ટલ) કરવા માટે દરેક આવકને “બોણી” નું ઉપનામ આપે છે તેનાથી સુવિદિત હોવાથી, સવારમાં ક્યાં લપ કરવી? તેવા તાજા જન્મેલા વિચાર સાથે ટિકિટબારી તરફ દોડ્યો…

એક લાઈનમાં ઉભો, અસ્થાને આઇનસ્ટાઈનની “થિયરી ઓફ રિલેટીવીટી” મનમાં ઝબકારો કરી ગઈ.. “લાઇન” નું લક્ષણ એ છે કે આપણે ઉભા હોઈએ તે સિવાયનો અન્ય બારીવાળો ફટાફટ કામ કરતો અને તે લાઇન ઝડપથી સરકતી દેખાય! આપણાં દેશની સંરક્ષણની હરોળ પછી હું રેલવેને, આપણાં આટલા મોટા દેશની અવ્યસ્થિત પ્રજા મધ્યે, વ્યવસ્થિત રીતે ચાલતી; સુંદર વ્યવસ્થા તરીકે જોઉં છું. ઘરમાં ટાઇલ્સ કે કોઈ વસ્તુ થોડા વપરાશ પછી પણ તૂટે છે, પણ રેલવેના ડબ્બામાં ફ્લોર કે બારીના સળિયા કે પગ મૂકી ઉપર ચડવાના પેડલ કે સળિયા; લાખો લોકોના ઉપયોગ પછી ભાગ્યે જ તૂટેલા જોયા છે.

હું પ્લેટફોર્મ પર ગયો… કીડીના ટોળાની નીચે જેમ ખાંડનો દાણો ન દેખાય તેમ અમુક બોગીના તો બારણાં જ નો’તા દેખાતા..

છેવટે એક બોગીમાં ચડ્યો.. ચાવવાના કામમાં ઉપયોગી એવી લાળ, ભીડ વચ્ચે સાપની જેમ સરકતા-સરકતા, એક્સક્યુસ મી.. એક્સક્યુસ મી… બોલવામાં જ વપરાઈ ગઈ ને એક ખાના આગળ પહોંચ્યો.

જેવો ત્યાં પહોંચ્યો ત્યાં બારીમાં ટટ્ટાર બેઠેલો માણસ, દીવાલે ટેકવેલ ઘઉંની બોરી લપસે તેમ સરકયો ને થોડો આડો થયો, વચ્ચેના બાળકને પરાણે સુવાડી તેની માતાએ પલાંઠી વાળી.. આમ કુટુંબના સંયુક્ત પ્રયત્ને હવે સીટમાં બેસવાની કોઈ જ જગ્યા નથી તેવો આભાસ ઉભો કરી બેન બોલ્યા: “ઠેઠ રાજકોટથી આવીએ છીએ, ઠેઠ મુંબઇ જવાનું છે…!”

આમ પાણીમાં તેલ તરતું રહે તેમ ઉભો રહ્યો… પણ બેસવું તો પડશે જ તેવા વિચારે, મારા જ્યોતિષ માટેના અજ્ઞાનને પ્રગટાવવાનું નક્કી કરી, સામે એક ભાઈ બેઠા હતા તેનો હાથ અને મારો હાથ પડોશી હોવાને નાતે, ભાઈને ગળગળા કરવા જ્યોતોષીનું સ્ટાન્ડર્ડ વાક્ય: “બધા માટે તમે બહુ કરો છો પણ તમને જશ મળતો નથી” ફેંક્યું ને મારું તીર નિશાના પર લાગ્યું હોય તેમ તરત જ ભાઈએ આઘા ખસી મને આગ્રહપૂર્વક બાજુમાં બેસાડી દીધો. પછી જ્યોતિષના બીજા “સ્ટાન્ડર્ડ” વાક્યોના આડાઅવળા ફટકા મારી ગાડી ગબડાવી.

થોડીવાર પછી, અમુક માટે સુગંધ અને અમુક માટે વાસ તેવી ડુંગળીની એક લહેર ડબ્બામાં પ્રસરી ગઈ. મને થયું, હું વડોદરા અપ-ડાઉન કરતો ત્યારે આવતો તે ચણાની દાળવાળો ચંદુ હશે! અને સાચે જ, થોડીવારમાં તે જ આવ્યો… મને ઓળખી ગયો, ટોપલો હેઠો મૂકી હાથ મેળવ્યા ને મને પરાણે લીંબુ-મસાલેદાર દાળનું પડીકું આપ્યું. ખૂબ આનાકાની પછી પૈસા ન લીધા તે ન જ લીધા.. શ્રી ઉમાશંકર જોશીની “નાનાની મોટાઈ જોઈને જીવું છું..” પંક્તિ મગજમાં આંટો મારી ગઈ… અને આમ આખરે સુરત પહોંચી ગયો!!

– દિપક બુચ,
અમદાવાદ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “મારી ઓચિંતી અસવારી – દિપક બુચ”

Copy Protected by Chetan's WP-Copyprotect.