પપ્પા ખોવાઈ ગયા! – તોરલ રાજપૂત

સાંજનો સમય હતો, આકાશમાં સંધ્યાના રંગો રેલાઈ ગયા હતા. મનસ્વી પોતાના ચાના કપ સાથે અગાશીમાં ગોઠવાઈ ગઈ હતી. તેને આ રોજની આદત થઈ ગઈ હતી. આકાશ જોવું, સંધ્યાના રંગોમાં ખોવાઈ જવું, પક્ષીઓના કલરવ કરતાં ઝુંડને ઉડતા જોયા કરવું.આખા દિવસનો થાક જાણે આ દૃશ્યો અને ચાના એક પ્યાલા સાથે ઉતરી જતો.

સાંજનો સમય તે પોતાને ફાળવતી. તેના મગજમાં ઘણા વિચારો ચાલતાં, જેમ કે ઓફિસમાં કાલે કયો પ્રોજેક્ટ આવવાનો છે, કે પછી ઓફિસેથી રજા લઈ મમ્મીની સાથે વેકેશન માટે ક્યાં જવું. પણ આજે વિચારોની દિશા ભૂતકાળ તરફ દોરી રહી હતી.

પપ્પાને ગુજરી ગયાને આજે ચાર મહિના થઈ ગયા હતા. મનસ્વી સ્વભાવે તો શાંત અને હસમુખી, પણ પપ્પા સાથેનો વ્યવહાર મસ્તી, રમૂજ અને શરારતભર્યો રહેતો. અને કેમ ન હોય! મનસ્વી પપ્પાની લાડલી હતી, તો સામે મનસ્વી માટે પણ જાણે પપ્પા જ એનું નાનકડું અલાયદું વિશ્વ હતા. પપ્પાની યાદો આજે મનસ્વીને ચારેબાજુથી ઘેરી વળી હતી.

બાળપણના અમુક કિસ્સાઓ એવા હોય છે કે જે તમે આખી જિંદગી ભૂલી નથી શક્તા. મનસ્વીની આંખો સામે પણ બાળપણનો એક કિસ્સો ભજવાઈ રહ્યો હતો. એની ઉંમર ત્યારે આઠ-નવ વર્ષની હશે. પપ્પા ઓફિસેથી વહેલા ઘરે આવી ગયા હતા, હોમવર્ક પૂરુ કરીને મનસ્વી પપ્પા અને દીદી સાથે બગીચામાં ગઈ. લગભગ રાત પડવા આવી ત્યાં સુધી મનસ્વી, પપ્પા અને દીદી દોડપકડ, થપ્પો અને કઈ કેટલુંય રમ્યા.

પપ્પાએ મનસ્વીને કહ્યું, ’માનુ, ચાલ હવે ઘરે જઈએ, અંધારુ થવા આવ્યું છે.’ પણ મનસ્વીનું મન રમવામાં જ મગ્ન હતું. ’પપ્પા, હું થોડા હીંચકા ખાઈ લઉ..’ મનસ્વીએ કહ્યું.

પપ્પાએ સંમતિમાં ડોકુ ધુણાવ્યું. ’સારુ, હું અને દીદી આઇસ્ક્રીમ લેવા જઈએ છીએ, હમણાં જ આવીએ. તું અહી જ રહેજે..’પપ્પાએ કહ્યું.

મનસ્વી હીંચકા ખાવામાં એટલી મશગૂલ હતી કે પપ્પાની વાત સાંભળી નસાંભળી કરી. ભરપેટ હીંચકા ખાધા પછી મનસ્વીએ જોયું તો બગીચામાં પપ્પા અને દીદી ક્યાંય ન દેખાયા.

મનસ્વીએ બે-ત્રણ જણને પૂછી પણ જોયું, ’મારા પપ્પાને તમે જોયા?’ કોઈએ પૂછ્યું ખરું, ’બેટા, તારા પપ્પાનું નામ શું છે? તું ક્યાં રહે છે?’ મનસ્વીના માસૂમ મન પર ત્યારે વિચારોનું વંટોળ પાછું ચાલ્યું, પપ્પાનું નામ… પપ્પાને તો હું પપ્પા જ કહું છું અને ત્યાં જ મનસ્વીને મમ્મીની એક સલાહ પણ યાદ આવી ગઈ જે દર વખતે મમ્મી મનસ્વીને સ્કૂલ જતા પહેલા કહેતી, ’માનુ, બહાર અજાણ્યા લોકો સાથે બહુ વાત નહીં કરવાની..’ વળી બગીચો મનસ્વીના ઘરથી બહુ નજીક, એટલે મનસ્વી જાતે જ રડતાં રડતાં ઘરે પહોચી ગઈ.

ઘરે આવતી મનસ્વીને જોતાં જ મમ્મીએ પૂછ્યું, ’અરે માનુ, આટલું બધું રડે છે શું કામ? તમે તો બગીચામાં ગયા હતા ને? પપ્પા અને દીદી ક્યાં ગયા?’

આટલા બધા સવાલોનો માત્ર એક જ જવાબ આપી શકી મનસ્વી, ’પપ્પા ખોવાઈ ગયા!’

ત્યાં બીજી તરફ પપ્પા અને દીદી લગભગ બધે જ મનસ્વીને શોધી વળ્યા. થાકી હારીને પપ્પા જ્યારે ઘરે આવ્યા ત્યારે મનસ્વીને સોફા પર બેઠેલી જોઈ. પપ્પાના ચહેરા પરના ભાવ મનસ્વી ત્યારે બરાબર ઉકેલી શકી હતી, ઉદાસીમાંથી રાહતની અને રાહતમાંથી ગુસ્સાની રેખાઓ પપ્પાના ચહેરા પર ઉપસી આવી હતી. તે દિવસે મનસ્વીને ઠપકો તો સારો એવો મળ્યો, પણ પપ્પા ક્યાં મનસ્વીથી વધારે સમય દૂર રહી શક્તા હતા? જમી પરવારીને બધા જ્યારે બેઠકરૂમમાં બેઠા હતા ત્યારે મનસ્વી હજીય નીચું મોઢું રાખીને બેસી રહી હતી. ત્યારે પપ્પાએ પ્રેમથી મનસ્વીના માથા પર હાથ મૂકતા કહયું, ’માનુ, મેં તને કહ્યું નહોતું કે હું અને દીદી હમણાં જ આવીએ છીએ? હવે ફરીથી મને છોડીને આમ ન જતી, મારી ડાહી દીકરી છે ને!’ અને જવાબમાં મનસ્વી માત્ર પપ્પાને વળગી પડી.

ત્યાં જ મમ્મીનો અવાજ આવ્યો, ’સાડા સાત થવા આવ્યા માનુ, આજે શું અગાશીમાં જ બેસી રહેવાનો પ્રોગ્રામ છે?’

ભૂતકાળના વિચારો પર પૂર્ણવિરામ મૂકી મનસ્વી ખુરશી પરથી ઊભી થઈ. આકાશ તરફ નજર ફેરવી તો સંધ્યાના રંગોનું સ્થાન ધીમે ધીમે અંધકાર લઈ રહ્યું હતું. વિચારોની ગતિ તો થંભી ગઈ પણ મનમાં પોતાનો જ સંવાદ ગૂંજી રહ્યો હતો, એ મનસ્વી ગણગણી ઉઠી, ’સાચે જ, પપ્પા ખોવાઈ ગયા!’

– તોરલ રાજપૂત

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

16 thoughts on “પપ્પા ખોવાઈ ગયા! – તોરલ રાજપૂત”

Copy Protected by Chetan's WP-Copyprotect.