ઘીનો દીવો – ડો. ચંદ્રકાન્ત મહેતા

(‘જનકલ્યાણ’ સામાયિકના નવેમ્બર-ડિસેમ્બર,૨૦૧૭ના અંકમાંથી સાભાર)

‘શુદ્ધિ, મારાં કપડાં બદલવામાં મને મદદ કર, હમણાં વર્ચસ્વ આવી પહોંચશે, કપડાં નહીં બદલું તો મારી અને તારી ખેર નથી.’

‘અને બેટા, રેઝર, ક્રીમ અને અરીસો મને આપ. હું દાઢી કરી લઉં, વર્ચસ્વ આવશે તો મારે છણકા ખાવા પડશે’ અને પલંગના ગાદલાની ચાદર પણ બદલી નાખ, નહીં તો વર્ચસ્વને વળી પાછું વઢવાનું બહાનું મળી જશે.’ ધ્રૂજતા હાથે કપડાં બદલતાં યશોદત્તે કહ્યું.

‘પપ્પાજી, હું તમારી પુત્રવધૂ છું અને દીકરી પણ. વર્ચસ્વને આટલો બધો રુઆબ કરતાં જો તમે પહેલેથી જ નાથ્યો હોત તો આવા દિવસો ન આવત. સહનશીલતાની અને ક્ષમાની એક હદ હોય છે. હું આદર્શોનો વિરોધ નથી કરતી, પણ આદર્શો માણસને નિર્માલ્ય બનાવી દે ત્યાં સુધી તેનો પ્રયોગ જીવનમાં ન થાય, પપ્પાજી.’ શુદ્ધિએ કહ્યું.

યશોદત્તે મૌન ધારણ કર્યું… એમની સમક્ષ ભવ્ય ભૂતકાળનાં સ્મરણો તાજાં થવા માંડ્યાં. એમને યાદ આવ્યું આસિસ્ટંટ સ્ટેશન માસ્તર તરીકેનું નાનક્ડું ક્વાર્ટર!

ઘરની સામે જ પીપળો, સાંધાવાળા શ્યામની પત્નીએ મૂકેલું તુલસીકૂંડું… વહેલી સવારે એક બાજુ ટ્રેનની વ્હીસલ સંભળાય અને પ્રાતઃકાળે જાતે વહેલી ઊઠી ગયેલી કોયલનો ટહુકાર! યશોદત્ત સ્વાવલંબી જીવડો. સવારનો નાસ્તો અને ચા જાતે બનાવે! સવારના નાસ્તા સાથે જ બપોરનું ભોજન પણ તૈયાર કરી નાખે. ડ્યૂટી બદલાતી રહે અને સાંજનો સમય ફ્રી હોય ત્યારે રામજી મંદિર પહોંચી જાય. આરતી પોતે જ ગવડાવે અને હાર્મોનિયમ પર ભજન કીર્તન! ગામના લોકો ખુશખુશાલ થઈ જાય!

એક વાર એક નાનકડી દીકરીએ પૂછ્યું, ‘હેં અંકલ, તમે કુંવારા છો? તમારા ઘરના લોકો ક્યાં છે? તમે જાતે ખાવાનું બનાવો તે મને પસંદ નથી. મારી મમ્મીને કહું, તમારું ટિફિન બનાવે? મારા પપ્પા કહે છે કે ભલા માણસની સેવા એટલે ભગવાનની સેવા!’

એ નાનકડી દીકરી જવાબ જાણવા અધીર હતી.

યશોદત્તે એક ઠંડો નિસાસો નાખતાં કહ્યું ‘દીકરી, મારું પણ ઘર છે, તારાં કાકી અને એમના બે દીકરા ત્યાં રહે છે. એમને મોટા શહેરમાં જ રહેવું ગમે છે એટલે હું એકલો રહું છું. બેટા, તારી લાગણી માટે આભાર, ભગવાન તારું ભલું કરે.’

‘એ બધું તો બરાબર, પણ આજે તો તમારે મારા ઘેર જમવા આવવું જ પડશે! હું દરેક વડીલને પિતા સમાન ગણું છું અને વડીલ સ્ત્રીને માતા માનું છું. હવે તમારે ‘ના’ નથી કહેવાની. મારી મમ્મી કહે છે કે દિલ ચોખ્ખું રાખીએ તો દુઆ મળે, હજુ તો હું સાતમા ધોરણમાં ભણું છું… મોટી-મોટી વાતો મારી સમજ બહારની છે.’ દીકરીએ કહ્યું.

‘બેટા, તારું નામ તો તેં મને કહ્યું નહીં!’

‘મારું નામ મારાં ફોઈબાએ પાડ્યું હતું. ફોઈબાએ ‘શુદ્ધિ’ નામ સૂચવ્યું ને ઘરનાંને એ પસંદ પડી ગયું હશે!’ શુદ્ધિએ કહ્યું.

‘શાબાશ બેટા! તારાં ફોઈબાને દૂર રહે રહે મારાં પ્રણામ. જેવું નામ એવા જ ગુણ!’ યશોદત્તે કહ્યું.

‘હવે ચાલો, આપણે જઈએ. તમે સવારે નાસ્તો કર્યો હશે, પણ જમ્યા નહીં હો. જાતે ખાવા બનાવવાનો કંટાળો તો આવે ને!’ શુદ્ધિ યશોદત્ત અંકલનો હાથ પકડી પોતાના ઘરના રસ્તે આગળ વધી. યશોદત્ત સાથે શુદ્ધિને આવતી જોઈ એના પપ્પાજીએ કહ્યું, ‘બેટા, દરરોજ એક અતિથિને જમાડવાનો નિયમ આજે તૂટી જાત પણ તેં એ નિયમને તૂટતાં બચાવી લીધો. આજે કોઈ અતિથિ આપણા આંગણે ફરક્યો નથી. આવો, સ્ટેશન માસ્તર સાહેબ પધારો. મારા આ નાનકડા ઘરને પાવન કરો. તમારા સમયપાલન, કર્તવ્યપરાયણતા અને ભક્તિભાવની પ્રશંસા મેં સાંભળી હતી. આજે મારું આંગણું પાવન કર્યું એટલે હું ખુશખુશાલ થઈ ગયો છું!’

‘શુદ્ધિની વાતો સાંભળીને જ મને લાગતું હતું કે આપનો પરિવાર એક ‘સંસ્કાર મંદિર’ છે. દીકરીનું ઘડતર તમે એવી રીતે કર્યુ છે કે એનાં વખાણ માટે મારી પાસે શબ્દો નથી.’ યશોદત્તે કહ્યું.

‘હું માનું છું કે સંસ્કાર સંપન્ન દીકરી કે દીકરો સમાજના ચરણે ધરવો એ પણ એક પ્રકારની સમાજસેવા છે!’ દીકરીને કરિયાવરમાં આપવા જેવી કોઈ કીમતી વસ્તુ હોય તો તે છે સંસ્કાર!’ – શુદ્ધિના પપ્પા ભાવવિભોર થઈ ગયા હતા.

ભોજનની સૂચના આપવા શુદ્ધિના પપ્પા રસોડા તરફ વળ્યા અને શુદ્ધિ અંકલને ભેટ આપવા માટે ભગવાનનો ફોટો તૈયાર કરવામાં પરોવાઈ એટલે વળી પાછી યશોદત્તની સ્મરણયાત્રા આગળ વધી.

પોતે કરકસરથી જીવતા એટલે પગારની રકમ મનીઓર્ડરથી ઘેર મોકલી આપતા. તેઓ માનતા કે પત્ની રસીલાને કોઈની સમક્ષ હાથ લાંબો કરવાનો વારો ન આવે.

પપ્પાની ગેરહાજરીમાં સંતાનોને ઓછું ન આવે એટલા માટે રસીલાદેવી બંને દીકરાને છૂટથી પૈસા આપતાં. મોટો પુત્ર વર્ચસ્વ હાથનો છૂટો અને ફેશનઘેલો હતો. નવાં-નવાં વસ્ત્રો, મોંઘા ગોગલ્સ અને મોંઘી મોટરબાઈક! રસીલાબેનના અંધ પુત્ર પ્રેમને કારણે વર્ચસ્વ અક્ક્ડ, ઘમંડી અને છેલબટાઉ બનતો જ ગયો! મોટરબાઈક પર જતાં કોઈને ટક્કર મારે તો ‘સોરી’ કહેવા કે ભોંય પટકાયેલાને ઊભા કરવા માટે ન રોકાય. મોજશોખ પોષવા એ મમ્મી પાસેથી મળે તેટલા પૈસા લેવા ઉપરાંત વ્યાજે પણ પૈસા લે!

નાના ભાઈ સર્વસ્વને મોટા ભાઈ વર્ચસ્વની આ બધી કુટેવોની ખબર હતી પણ મમ્મીને દુઃખ થશે એમ માને એ મૌન ધારણ કરતો. એણે પપ્પાને ફોનમાં વારંવાર કહ્યું હતું કે તમે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ ઘરનાં સૂત્રો સંભાળી લો, પણ યશોદત્ત કહેતાઃ ગૃહસંચાલનનું કામ ગૃહિણીની છે. તારી મમ્મીના કારોબારમાં હું દખલ દેવા માંગતો નથી! અને આમેય મને દુનિયાદારીની વાતોમાં રસ નથી! વર્ચસ્વ કમાતો થઈ જાય પછી તો બસ, આરામ જ આરામ! મેં મોકલેલા પૈસા તારી મમ્મીએ બચાવ્યા હશે અને મારું પેન્શન આવશે એટલે ભવિષ્યની કશી ચિંતા નથી! તું તારું ધ્યાન અભ્યાસમાં પરોવ. તું કહેતો હતો કે સિવિલ એન્જિનિયર બનવાનું તારું સ્વપ્ન છે એ સ્વપ્ન પૂરું કર દીકરા, મારા તને આશીર્વાદ છે! અને પપ્પાની વાત્સલ્યભર વાતો સાંભળી સર્વસ્વ ગદ્દગદ થઈ જતો!

વર્ચસ્વ હવે કન્સ્ટ્રકશનના ધંધામાં ઝંપલાવ્યું હતું. એક-બે સોદામાં પાસાં સીધાં પડ્યાં એટલે એ માલામાલ થઈ ગયો, પણ પોતાની કમાણીનો એક પણ રુપિયો એ ઘરમાં આપતો નહીં! પૈસાને કારણે એની બોલબાલા વધી ગઈ હતી.

યશોદત્તબાબુને યાદ આવે છે નિવૃત્ત થઈને ઘેર ચાલવાનો પ્રસંગ. શુદ્ધિને યશોદત્તદાદાની નિવૃત્તિની જાણ થતાં તે એમના ગામ દોડી ગઈ હતી. ઘરના સહુ સમક્ષ એમની મહાનતાની ભરપેટ પ્રશંસા કરી હતી.

ઘરના લોકોને ન’તો કોઈ વિશેષ આનંદ કે ન હતો એમને આવકારવાનો ઉત્સાહ. માત્ર સર્વસ્વ અને જાતે મહેમાન બની ગયેલી શુદ્ધિનાં આનંદની કોઈ સીમા નહોતી.

પોતાના સામાન સાથે યશોદત્ત ઊતર્યા એટલે સર્વસ્વ અને શુદ્ધિએ એમના ચરણસ્પર્શ કર્યા… એમના લલાટે તિલક કરી આરતી ઉતારી અને મોં મીઠુ કર્યું… એટલામાં વર્ચસ્વ આવી પહોંચ્યો. પપ્પાને નમસ્તે કહીને પોતાના શયનકક્ષમાં ચાલ્યો ગયો. યશોદત્તને પણ આશ્ચર્ય થયું. કયાં લાગણીના દરિયા જેવો સર્વસ્વ અને ક્યાં શુષ્ક હૃદયનો વર્ચસ્વ!

શુદ્ધિ બે દિવસ રોકાઈ અને યશોદત્તદાદાનું વાત્સલ્ય માણી પોતાના ઘેર પાછી ફરી.

અને એક દિવસ શુદ્ધિના પપ્પા વિવાહનું માગું લઈને સામેથી આવ્યા. યશોદત્ત માટે તો ભાવતું’તુ ને વૈધે કહ્યું જેવી સ્થિતિ સર્જાઈ. એમની ઈચ્છા શુદ્ધિનો વિવાહ સર્વસ્વ સાથે થાય તેવી હતી પણ મોટા છોકરાને બાજુએ રાખી નાનાને પરણાવી દેવાનું એમને યોગ્ય ન લાગ્યું એટલે એમણે વર્ચસ્વનાં શુદ્ધિના પપ્પાજી આગળ વખાણ કર્યાં. રુઆબદાર વર્ચસ્વને જોઈને શુદ્ધિના પપ્પા પણ અંજાઈ ગયા. શુદ્ધિ દેખાવે અત્યંત સુંદર હતી. એને જોઈને વર્ચસ્વે તરત જ શુદ્ધિના પપ્પાનો પ્રસ્તાવ સ્વીકારી લીધો અને એક મહિનામાં બંનેનાં લગ્ન સંપન્ન થઈ ગયાં…

યશોદત્તે જોયું કે ઘરમાં વર્ચસ્વનું જબરદસ્ત વર્ચસ્વ છે. એની મમ્મી સાવ દબાઈ ગઈ છે. વર્ચસ્વની ઉદ્ધતાઈ સામે હરફ પણ ઉચ્ચારવાની કોઈની હિંમત નથી!

એણે ઘરમાં હુકમ ચલાવતા પપ્પાને ‘આચારસંહિતા’ શીખવતા કહ્યું, ‘સાંભળી લો, આ વર્ચસ્વ શેઠનું ઘર છે, હાલીમવાલીનું ઘર નથી, સમજ્યા? પ્યાલા-બરણીવાળાને આપવા જાઉં તો એક ચમચીએ ના ઉપજે એવા દરિદ્રનારાયણને શોભે તેવાં વસ્ત્રો તમારે નહીં પહેરવાનાં, તમારા પેન્શનમાંથી જ તમારે તમારો ખર્ચ કાઢવાનો!’

‘અને હા, સાધુસંત જેવી આ દાઢી મારા ઘરને શોભતી નથી! મોટા અવાજે ભજન ગાવાનાં નહીં, પડોશીઓને બોલાવી વાર-તહેવારે કથા સાંભળવા પર પ્રતિબંધ!’

‘દરરોજ નાહી-ધોઈને સ્વચ્છ કપડાં પહેરી, પલંગની ચાદર બદલાવીને સૂવા-બેસવાનું રાખવાનું, નહીં તો વૃદ્ધાશ્રમના દરવાજા તમારા માટે અને મમ્મી માટે ખુલ્લાં છે. એમાં દાખલ થાવ તો તેનો ખર્ચ પણ તમારા પેન્શનમાંથી જ કરવાનો! અને ઘરમાં તમારો નહીં, મારો હુકમ ચાલશે. વડીલશાહી ભોગવશો તો જાકારો મળશે અને ચૂપચાપ પડ્યા રહેશો તો આવકારો મળશે! રેલવેના ખખડી ગયેલા ડબા જેવું જીવતર તમને કોઠે પડ્યું હોય તો તે તમને મુબારક! પૈસાને આદત છે, પોતાની આણ વર્તાવવાની અને પોતાની મરજી મુજબ માણસને નચાવવાની! મારી પાસે અઢળક પૈસો છે. ભવ્ય બંગલો મેં ખરીદેલો છે પણ તમારા જેવા મામૂલી લોકોને એ બંગલામાં હું રાખીની મારી ઈજ્જ્ત બગાડવા નથી ઈચ્છતો!’

વર્ચસ્વ વેધક વ્યંગ્ય બાણ છોડે જ જતો હતો, પણ ડરી ગયેલા યશોદત્તમાં એની સામે શબ્દ ઉચ્ચારવાની હિંમત નહોતી…

એટલે તેઆ દબાયા-ચંપાયા જીવતા. બ્લડપ્રેશરના કારણે લકવાની થોડીક અસર પણ વરતાતી હતી. હાથ ધ્રૂજતા હતા, પણ એ બધા સાથે વર્ચસ્વને કાંઈ જ લેવા-દેવા નહોતી.

શુદ્ધિ સ્વભાવે શાન્ત અને સંયમી હતી પણ વર્ચસ્વનું આક્રમક વર્તન એને પસંદ નહોતું… થોડાક સમય માટે તો એણે ‘પતિપરાયણ’ થઈ જીવવાનું ચાલુ રાખ્યું. પણ પિતાતુલ્ય શ્વસુર યશોદત્તદાદા સાથેનું અપમાનજનક વર્તન તેનાથી સહન થયું નહી.

એટલે એક દિવસ એણે વર્ચસ્વની સૂચના મુજબ સસરાજીને ક્લીન શેવ થવામાં મદદ ન કરી.

એટલામાં વર્ચસ્વ આવી પહોંચ્યો. એણે પપ્પાજીનો ઊધડો લેવાનો શરૂ કરી દીધું અને ચેતવણીના સ્વરમાં કહ્યું કે ફરીથી આવા લઘરવઘર નજરે પડશો તો ઘરમાંથી કાઢી મૂકીશ. રમીલાદેવી પણ મૂંગા મોઢે સાંભળી રહ્યા.

પણ શુદ્ધિએ મનોમન નક્કી કર્યું કે શોષણને તાબે નથી જ થવું એણે કહ્યું, ‘વર્ચસ્વ, હું તમને ઘરમાંથી કાઢી મૂકીશ એવી પપ્પાજીને ધમકી આપતાં તમને શરમ નથી આવતી? પરસેવો પાડીને, રાતના ઉજાગરા વેઠીને પપ્પાજીએ મમ્મીજીને પૈસા મોકલ્યા, તેમાંથી તમે તાગડધિન્ના કરતા રહ્યા છો. ઘર માત્ર હક દાખવનારનું નહીં, પણ ફરજ અદા કરનારનું હોય છે. તમે આ ઘર પ્રત્યે કશી ફરજ દાખવી નથી.’

‘એટલે તને પણ સીધી દોર કરવા માટે મારે ચમત્કાર દેખાડવો જ પડશે, એમ ને?’ વર્ચસ્વએ ક્રોધાવેશમાં કહ્યું
‘વર્ચસ્વ, હું સ્ત્રી છું, પણ અબળા નહીં… શુદ્ધ રહેવાનો અને સંયમથી વર્તવાનો મારો આદર્શ છે, પણ એ આદર્શનું ગંગાજળ હું ઉકરડે ઢોળવા ઈચ્છતી નથી! મારા પર હાથ ઉપાડી જુઓ! હાથકડી પહેરવાનો સ્વાદ હું તમને ચખાડીશ. ખબરદાર, મમ્મી-પપ્પાનું અપમાન કર્યું છે તો! આજથી એમની હું ઢાલ બનીશ.’

અને વર્ચસ્વને લાગ્યું કે જેને પોતે પાણી સમજતો હતો તે તો અગનજ્વાળા છે! એને વતાવવામાં સાર નથી! અને પગ પછાડતો એ બહાર ચાલ્યો ગયો!

અને દાદા યશોદત્તના ઘર અને વૃદ્ધાવસ્થામાં જાણે ઘીના દીવાનું અજવાળું ફેલાયું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “ઘીનો દીવો – ડો. ચંદ્રકાન્ત મહેતા”

Copy Protected by Chetan's WP-Copyprotect.