ત્રણ અછાંદસ – રાજુલ ભાનુશાલી

૧. પ્રભુ ને

તુ કબૂલ કેમ નથી કરી લેતો કે

તે-
અહિ મોકલતા પહેલા
બધાને ‘ખુશ’ રાખવાવાળો વાઈરસ મારી અંદર ઇન્જેક્ટ કરી દીધો છે
અને એ હવે એટલી હદે ફેલાઈ ગયો છે કે..

તે-
‘મહાનતા’ની કલગી ચોંટાડીને સામે સ્વાભિમાન લખાવી લીધું!
મારા સ્ત્રી હોવાની મજબૂરીનો પૂરેપૂરો ફાયદો ઉપાડ્યો.

અહિ આવીને
મેં હાથોહાથ તારા ભાગનાં કામ ઉપાડી લીધા.
સર્જન – અનુસર્જન – પ્રતિસર્જન

હું,
પત્થર પર ફૂલ ઉગાડવાનાં પ્રયાસમાં છું,
રણપ્રદેશમાં પરબ ખોલીને બેઠી છું,
જંગલમાં ય મંગલ ઉજવતી દેખાઉં!

એવરત- મેં કર્યા..
જીવરત- મેં કર્યા..
શીતળાનાં એકટાણા ય મારે ભાગે આવ્યાં.

અરે..
કમસે કમ, વટસાવિત્રી મારા માથે ન થોપ્યું હોત
તો કદાચ
મારી ય તન-દુરસ્તી,
મન-દુરસ્તી અને લાંબા આયુષ્યની કોક તો કામના કરતું હોત!

તારું લિંગ પણ પૂજાય
ને,
મારે સેનીટરી પેડ પણ છાપામાં વીંટાળવાના!

ખેર, આખરે તું ય પુરુષ ખરોને?
પણ,
હવે તારી પોલ ખુલી ગઈ છે.

કે,
તે-
મને શા માટે અવતારી
તું પણ હવે કબુલી જ લે.

૨. લાયકાત

એની સામે અગણિત ઉત્કૃષ્ટ ઉદાહરણોનો ખડકલો હતો..

મા.. નાની.. દાદી.. ફોઈ, માસી, કાકી..
એની પોતાની મોટીબેન..
ઓછું હોય એમ
સીતા અને સાવિત્રી પણ ખરાં જ!

એ કહ્યાગરી દીકરી બની..
એને બચીઓથી ગુંગળાવી દેવામાં આવી..

એ ગુણિયલ વહુ થઈ..
એની સામે સુખનો ઢગલો ખડકી દેવામાં આવ્યો!

એ ઉત્તમ મા પણ બની.. ત્યાગની મૂર્તિ સમી!

આ આખી સફર દરમિયાન
અસંખ્ય અલ્પવિરામો અને પૂર્ણવિરામોમાંથી પસાર થવું પડ્યું.
ત્યારે જઈને એ ખરું સોનું સાબિત થઈ..

પણ,
પેલાને આમાંથી કશુંય કરવું પડ્યું નહિ..

કારણ –
એની પાસે મૂછો હતી.

૩. અંધાપો

એણે દર્પણમાં જોયું..
પોતાનું જ પ્રતિબિંબ નીહાળી એ શરમાઈ ગઈ.

ગાંધાર પ્રદેશની રાજકુમારીનો આજે વિવાહોત્સવ હતો..
એ કુરુવંશની કુળવધુ બનવા જઈ રહી હતી..
સૌંદર્વવંતી તો દેખાવું જ રહ્યું!
દાઈમાએ એના કાન પાછળ કાળું ટપકું કર્યું.
હસી પડી ગાંધારી..

સો મણ રૂની તળાઈવાળા ઢોલિયા પર એ બેઠી. સંતોષથી આંખો બંધ થઈ ગઈ
એનો રાજકુમાર સફેદ ઘોડાપર સવાર થઈ છેક પાંપણ લગી આવી પહોંચ્યો..

‘કુંવરીબા.. કુંવરીબા..’ દાસી હાંફતી હાંફતી કક્ષમાં પ્રવેશી..

‘ઘોર અનર્થ થયો છે.. ઘોર અનર્થ..’

‘કંઈક સમજાય એવું બોલો બાઈ..’ દાઈમા બોલ્યાં.
‘કુંવરીબાના વિવાહ થવાના છે એ રાજકુમાર જન્માંધ છે..!’

અને,

સુનકાર પથરાઈ ગયો.. થોડોક કક્ષમાં અને બાકીનો ગાંધારીના ચિત્તમાં..

ઓહ!

હાહાકાર વ્યાપી ગયો!

વિદાયવેળાએ માએ માથા પર હાથ ફેરવીને ‘ગાંધારની માતા’ કહીને યશોગાન ગાયાં હતાં.
અર્થાત,
માને ખબર હતી.. અને પિતાજીને પણ!

શું વિવાહની વેદી પર મારી આહુતિ ચડાવી દેવાઈ?
કુરુવંશની માંગણીની ઉપેક્ષા કરી શકે એટલું પાણી ગાંધારોમાં નહોતું.. તેથી..!

બંધુ શકુનિ.. એ પણ કદાચ ઐશ્વર્યથી અંજાયા.. એટલે જ અહિં સુધી સાથે..

એને સખત દાઝ ચડી જાત પર..
પ્રારબ્ધ પર..
ગાંધાર દેશની લાડકી રાજકુમારીનું પ્રારબ્ધ આવું? સાવ લુલું!

પિતાજી! એકવાર કહી તો જોયું હોત.. હું રાજીખુશીથી સમર્પણ કરી દેત..
હૃદય દ્રવી ઉઠ્યું!

તિરસ્કાર ઉપજતો હતો સ્વજનો પર..
કુરુવંશની કીર્તિ પર..

પરંતુ એ કશું જ કરી શકી નહિ.. કશું એના વશમાં હતું જ નહિ..

એની મીન જેવી પાણીદાર આંખો છેક થીજી ગઈ હતી..
હૃદય પથ્થર થઈ ગયું.

કશોક દ્રઢ નિર્ધાર કરી
એણે પોતાના રેશમી ઉત્તરીયની કોર ચીરી..

– રાજુલ ભાનુશાલી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “ત્રણ અછાંદસ – રાજુલ ભાનુશાલી”

Copy Protected by Chetan's WP-Copyprotect.