કેરીની રસદાયક કથા – રતિલાલ બોરીસાગર

(‘વિનોદના વૈકુંઠમાં…’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

આ સીઝનમાં ઉપરાઉપરી ત્રણચાર વાર કેરી નબળી આવી – સબળા ભાવની હોવા છતાં, અને હું ખરીદવા નહોતો ગયો છતાં ! ત્રણ-ચાર વરસ પહેલાં સ્વયંસ્ફુરણાથી ઊંચા ભાવની કેરી, હૃદયના એથીય ઊંચા ભાવથી હું ખરીદી લાવ્યો હતો અને તે પણ થોડીઘણી નહિ – ત્રીસ કિલો. પણ બહુ દિવસ સુધી કેરીનાં પાકવાનાં કોઈ ચિહ્નો જણાયાં નહિ એટલે પાકવાની આશા છોડી દઈ કાપવાની શરૂ કરી. એ દરેક કેરી ફેંકી દેતી વખતે મારા અણઘડપણા પર, મારા ઉડાઉપણા પર જે પસ્તાળ પડી હતી એનું વર્ણન થઈ શકે એમ નથી. કવિ સુરેશ દલાલના શબ્દોમાં કહીએ તો મારા પર માછલાં નહિ, મગરમચ્છ ધોવાયા. એટલે મેં તત્કાળ જ કેરીની ખરીદીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી, કશાય કામનો નહિ એવો કારકુન વી.આર.એસ. લઈ લે અને બૅન્ક મૅનેજર તથા અન્ય અધિકારીઓ એને હૃદયના ખરા ઉમળકથી વધાવી લે એમ મારી સ્વૈચ્છિક નિવૃત્તિની જાહેરાતને ઘરના સર્વ સભ્યોએ હૃદયના ખરા ઉમળકાથી વધાવી લીધી. ત્યારથી મારા મનમાં એક બીક પેસી ગઈ છે કે કદાચ હું સંન્યાસી થઈ જવાની જાહેરાત કરું તોય ઘરનાં સૌ કદાચ રાજીના રેડ થઈ જાય ! ભગવાં પકડાંનો ખર્ચ ઘરનાં સૌ હોંશેહોંશે વહેંચી લે એવું મને સૌના ઉત્સાહ પરથી લાગ્યું હતું. પણ આ વખતે તો ખરીદીમાં નિષ્ણાત ગણાતા સભ્યો કેરી ખરીદી લાવ્યા હતા અને તોય કેરી સારી નહોતી નીકળી. સૌ મૂંઝાઈ ગયાં. સૌની મૂંઝવણ જોઈ હું ફરી ઉશ્કેરાઈ ગયો. રીડ પડ્યે જેમ રજપૂત છૂપે નહિ એમ કેરીની ખરીદીની ભીડ પડ્યે હું પણ મારો ઉશ્કેરાટ છુપાવી શક્યો નહિ.

‘આ વખત હું કેરી લઈ આવીશ.’ મેં ઘોષણા કરી.

મારી અણધારી ઘોષણાથી સૌ ચમકી ગયા. મારા પર વાક્બાયણો છૂટ્યાંઃ ‘તમે? તમે કેરી લાવશો?’

‘આનાથી વધુ ખરાબ કેરી લાવવાનું શક્ય છે એ તમે પુરવાર કરવા માગો છો?’

‘આનાથી વધુ ખરાબ કેરી લાવી તમે અમારી પતિષ્ઠા વધારવા માગો છો?’

– આમ છતાં, ‘જગત સ્તુતિ કરે કે નિંદા કરે, શ્રેષ્ઠ મનુષ્યો પોતાના સંકલ્પમાંથી ચલિત થતા નથી.’ એ સુભાષિત યાદ કરી હું કેરી લેવા જવાના મારા સંકલ્પમાં અડગ રહ્યો.

કોઈ પણ ચીજવસ્તુ ખરીદવા અંગેની મારી એક ચોક્કસ ‘મોડ્સર ઑપરૅન્ડી’ (લૅટિન ભાષાનો આ એક જ શબ્દ મને આવડે છે, જેનો અર્થ ‘કામ કરવાની રીત’ એવો થાય છે.) હોય છે એક તો બુદ્ધિનું સર્વ અભિમાન છોડી, દુકાનદારને શરણે થઈ જવું – એ જે આપે, જેવું આપે, જેટલું આપે તે-તેવું-તેટલું લઈ લેવું અને બે – જે-તે ચીજના બધા નમૂનાના ભાવ પૂછી, મોંઘામાં મોંઘી જાત ખરીદવી. ભાવ વધુ હોય એટલે વસ્તુ સારી જ હોય એ અંગે હું ખાતરીપૂર્વક કહી શકતો નથી, પણ વેચનાર પર સંપૂર્ણ વિશ્વાસ મૂક્યા પછી છેતરાવાના પ્રસંગો ખાસ આવ્યા નથી. આમ છતાં, આ વખતે કેરી ખરીદવામાં હૃદય કરતાં બુદ્ધિનો ઉપયોગ કરવાની દુર્બુદ્ધિ મને સૂઝી. અને આ માટે કેરી લેવા દૂર-સુદૂર જવાનો મેં વિચાર કર્યો; કારણ કે, નજીકની દુકાનવાળા તો જાણે છે કે ફ્રૂટ કે શાકભાજી ખરીદવામાં મને કશી ગતાગમ પડતી નથી. બધી ભાજીઓ કે બધાં ફળોને હું જોયે ઓળખી પણ શકતો નથી. (એક વાર મેથીની ભાજી ધારીને જેનો મેં ભાવ પૂછ્યો હતો તે કોથમીર છે એવી માહિતી દુકાનદારે આપી હતી!)

ખિસ્સામાં પૂરતા પૈસા લઈ, સ્કૂટર પર સવાર થઈ, શહેરના પશ્ચિમ વિસ્તારના જાહોજલાલીવાળા મેઈન રોડ પર પહોંચ્યો. આમ-તેમ જોતાંજોતાં હું ધીમે-ધીમે સ્કૂટર ચલાવી રહ્યો હતો. એકાએક મારી નજર સામેની સાઈડ પર કામચલાઉ ધોરણે ઊભા કરવામાં આવેલા કેરીના માંડવા પર ગઈ. રસ્તાની વચ્ચે પથ્થરની રેલિંગ હતી પણ અર્જુનની જેમ મારી આંખ માત્ર ને માત્ર લક્ષ્ય પર જ સ્થિર થઈ જતી હોય છે એટલે મને દૂરનો કેરીનો માંડવો દેખાયો, પણ નજીકની પથ્થરની પાળ ન દેખાઈ. હું જમણી બાજુ સ્કૂટર વાળતો જ હતો ને બે મોટરવાળા ને ત્રણ સ્કૂટરવાળાએ જોરજોરથી હૉર્ન માર્યાં ને એકદમ હું અર્જુન મટી ગયો. પછી શાંતિથી દૂર સુધી જઈ, ચાર રસ્તા પરની બત્તીની રજા લઈ, સ્કૂટર ઘુમાવી હું માંડવે પહોંચ્યો. વર્ષો પહેલાં ઘોડા પર બેસી લગ્નના માંડવે જઈને ઊભો રહ્યો હતો એ વખતના રોમાંચ કરતાં આજે સ્કૂટર પર બેસી કેરીના માંડવે જઈ ઊભો રહ્યો એનો રોમાંચ નિઃશંક વધુ હતો. મારા પૂર્વજોને કેરીના મોટા-મોટા બગીચા હોય ને કેરીનું જ્ઞાન મેં વારસામાં મેળવ્યું હોય એવી છટાથી મેં જુદીજુદી પેટીઓમાં મૂકેલી કેરીઓનું અવલોકન કરવા માંડ્યું. મારી ઘ્રાણેન્દ્રિય અત્યંત નબળી છે. મારું નાક સૂંઘવા કરતાં છીંકો ખાવામાં વધુ કામ આવે છે. આમ છતાં, જુદી-જુદી ત્રણચાર પેટીમાંથી કેરી લઈ સૂંઘી જોઈ. આટલી પરીક્ષા પર્યાપ્ત છે એમ માની એક પેટી પર હાથ મૂકી મેં કહ્યું, ‘આ કેસર કેરીનો શો ભાવ છે?’

‘સાહેબ, એ કેસર નથી’ (પછી કંઈક નામ કહ્યું, પણ અત્યારે એ નામ ભૂલી ગયો છું.) કેરીના માલિકે મારા અજ્ઞાન પર પ્રહાર કર્યો, પણ ‘સાહેબ’ કહીને પ્રહાર કર્યો એટલે મને ખાસ ખરાબ ન લાગ્યું. પછી એણે એક પેટી બતાવી અને એ કેરી લઈ જવાની ભલામણ કરી. પણ આજે સ્વાવલંબનનું ભૂત મારા પર સવાર થયું હતું. વળી મેં પેટીઓ આમ-તેમ જોઈ – કેટલીક પેટીઓ પર ‘એક્સપૉર્ટ ક્વૉલિટી’ (પરદેશ મોકલવા-યોગ્ય ગુણવાળી કેરી) એવુ લખાણ જોયું. ફળ મોટું હતું; દેખાવ સરસ હતો. આટલાં બાહ્ય પ્રમાણોને આધારે મેં એ પેટીની કેરીનો ભાવ પૂછ્યો. એણે ભાવ કહ્યો. ભાવ મને ઘણો વધારે લાગ્યો. પણ ‘ઊંચા ભાવની કેરી ખરીદવાની મારી શક્તિ નથી’ એવી હું એને ખબર પડવા દેવા નહોતો માગતો એટલે એ કેરી મેં ખરીદી. કોઈ વીરપુરુષ મનગમતી કન્યાનું અપહરણ કરી મારતે ઘોડે ઘરે આવે એવા ઉત્સાહથી હું, અલબત્ત, ધીમા સ્કૂટરે ઘરે આવ્યો.

-પણ નિયતિ ! નિયતિ ! મારો સઘળો ઉત્સાહ એળે ગયો. મારો સઘળો પુરુષાર્થ નિરર્થક થયો. ત્રણ-ચાર દિવસ પછી કેરી કાઢી તો બધી કેરી ઘણી ખરાબ નીકળી. ફરી મારા પર મોટી સાઇઝનાં માછલાં ધોવાયાં. એના એ જ વાક્યો ફરી લખી હું તમને કંટાળો આપવા નથી માગતો. પણ આ વખતે હું ફરી ઉશ્કેરાયો. ત્રણ-ચાર કેરી સિવાયની બાકીની કેરી અકબંધ હતી. મેં પેટી ઉપાડી ને બધાં સમજી ગયાં કે હું કેરી પાછી આપવા અથવા બદલાવવા જાઉં છું.

‘હવે ત્રણ દિવસ પછી કોઈ કેરી બદલી ન આપે.’

‘એક વાર તો પેટ્રોલ બાળ્યું, અત્યારે જીવ બાળીએ છીએ, પછી વધારાનું પેટ્રોલ બાળવા ને કેરી ન બદલી આપે તો પાછો જીવ બળે એવું કરવા શા માટે જાઓ છો?’

આવાં-આવાં નવાં વાક્યો મને કહેવામાં આવ્યાં પણ કશું ગણકાર્યાં વગર સ્કૂટર પર સવાર થઈ હું કેરી બદલાવવા ઊપડ્યો.

કેરી બદલી આપશે કે નહિ બદલી આપે એ અંગે મારા મનમાં શંકા-કુશંકા થતી હતી. જો ન બદલી આપે તો કેરી એમને એમ પાછી આપી દઈ મારા બે નંબરના પૈસામાંથી કેરીની રકમ જેટલાં નાણાં ઘરમાં આપી દેવાનો મેં નિશ્ચય કર્યો. (બે નંબરના પૈસાના ઉલ્લેખથી વાચકોએ ગેરસમજ ન કરવી. પૅન્શનની રકમમાંથી મને અંગત ઉપયોગ માટે વાપરવા મળેલી રકમમાંથી બચાવેલા પૈસાની અહીં વાત છે.) આ રકમ મારે માટે ઘણી કામની છે. પણ ઘરનાંનો કકળાટ દૂર થતો હોય તો એટલી રકમ કુરબાન કરી દેવા હું તૈયાર થયો.

મેઇન રોડ પર તો પહોંચી ગયો. પણ કેરીનો માંડવો ક્યાંય નજરે ચડ્યો નહિ. એક શાયર (નામ ભૂલી ગયો છું)નો શેર છે :

લે આયી ફિર કહાં પર કિસ્મત હમેં કહીં સે,
યહ તો વહી જગહ હૈ ગુજરે થે હમ જહીં સે !

થોડી વાર એમ લાગતું હતું કે ત્રણ-ચાર દિવસ પહેલાં જ્યાંથી ગુજર્યો હતો એ જ આ જગ્યા છે, તો કોઈ વાર શંકા થતી હતી કે આ જગ્યાએથી તો જાણે કદી નીકળ્યો જ નથી. પણ ધીમે-ધીમે યાદ આવવા માંડ્યું. ‘યહ તો વહી જગહ હૈ ગુજરે થે હમ જહીં સે’ – એની ખાતરી થવા માંડી. પણ કેરીનો માંડવો ક્યાં? હું કેરી બદલાવવા આવીશ એ બીકે કેરીવાળાએ કેરીનો માંડવો જ સંચોડો કાઢી નાખ્યો કે શું? પણ પછી મને એટલું યાદ આવ્યું કે તે દિવસે હું આવ્યો ત્યારે મારી સામેની બાજુએ કેરીનો માંડવો હતો. એટલું જ નહિ, એક શૉપિંગ સેન્ટરની બાજુમાં જ આ માંડવો હતો. અલબત્ત, શૉપિંગ સેન્ટરની ડાબી બાજુએ હતો કે જમણી બાજુએ હતો તે અંગે કશું યાદ ન આવ્યું. પણ જાહેર માર્ગ પર આટલી નિશાનીથી માંડવો જડી જશે એ શ્રદ્ધા મારા મનમાં જન્મી. મેં સામેની બાજુએ જોયા કર્યું. શૉપિંગ સેન્ટરો તો દેખાયાં જ કર્યાં, પણ માંડવો ક્યાં? આમ કરતાં હું રસ્તાના છેડે પહોંચી ગયો. પણ લીલી બત્તી થવાની રાહ જોતો ઊભો હતો ત્યાં મારા મનમાં બત્તી થઈઃ હું તે દિવસે તો આ છેડાથી દાખલ થયો હતો. આજે બીજા છેડાથી દાખલ થયો તો સામેની બાજુએ માંડવો ક્યાંથી આવે? હું માંડવા પાસેથી જ પસાર થયો હોઈશ પણ મારું ધ્યાન તો સામેની બાજુએ હતું – માંડવો ક્યાંથી દેખાય? લીલી બત્તી થઈ ને મેં સ્કૂટર ઘુમાવ્યું – થોડી જ વારમાં સામેની બાજુએ માંડવાનાં દર્શન થયાં. ફરી આખું ચક્કર લગાવી હું માંડવા પાસે પહોંચ્યો. કેરી ખરાબ નીકળ્યાની વાત કરી. કેરી વેચનારે કશી આનાકાની વગર કેરી બદલી આપવાની તૈયારી બતાવી. મેં કહ્યું ‘હવે તમે આપો એ જ કેરી લઈ જવી છે. ઘરમાં મારી આબરૂ વધે એવું કરજો.’ એમણે હસીને એટલા જ વજન જેટલી કેરી તોળી આપી. કેરી લઈને ઘરે આવ્યો. બરાબર પાંચમા દિવસથી કેરી નીકળવા માંડી. કેરી એટલી બધી સરસ હતી કે મારો જયજયકાર થઈ ગયો. આવતી સિઝનમાં પણ મારે જ કેરી લઈ આવવી એવો સર્વાનુમતે ઠરાવ થયો.

[કુલ પાન ૧૪૪. કિંમત રૂ. ૧૩૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ચાર ગઝલો – શીતલ ગઢવી
શમા ઝૈદી: ભારતનું ગૌરવ – નિલય ભાવસાર Next »   

4 પ્રતિભાવો : કેરીની રસદાયક કથા – રતિલાલ બોરીસાગર

 1. MaldevRay says:

  રતિલાલ બોરીસાગરને કોઈ ન પહોચે

 2. વાહ .. કેરી આખ્યાનનો રસાસ્વાદ માણવાની મજા આવી.

 3. મનસુખલાલ ગાંધી says:

  કેરી આખ્યાનનો રસાસ્વાદ માણવાની મજા આવી.

 4. Bhavesh joshi says:

  Ratilalbhai, gani vakhat avu bantu hoy chhe k keri ma koi kharabi hoti nthi pan aapni ane pkvvani rit khoti hoy chhe, ana karne pan keri bagdi jay athavato pakti nthi.

  Langdo keri n pakvva mate vdhare mavjat ni jarur pdti nthi. jyare Rajapuri n kesar vdhare mavjat mangi le chhe avu mara anubhav parthi manvu chhe.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.