શમા ઝૈદી: ભારતનું ગૌરવ – નિલય ભાવસાર

આજે એકવીસમી સદીમાં આપણા દેશમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાનું મોખરાનું સ્થાન બનાવી રહી છે અને સોશિયલ મીડિયાના માધ્યમ થકી પોતાનો અવાજ પણ ઉઠાવી રહી છે ત્યારે સિનેમાનાં ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર મહિલા એવાં શમા ઝૈદી અને તેમનાં કાર્ય વિશે આપણે અહીં વિગતે ચર્ચા કરીશું.

ભારતીય લેખિકા (કથા, પટકથા અને સંવાદ), કોસ્ચ્યુમ (પોશાક) ડીઝાઇનર, આર્ટ ડીરેક્ટર, કળા વિવેચક, ડોક્યુમેન્ટરી ફિલ્મમેકર, સંશોધક તેમજ રંગભૂમિના ક્ષેત્રે પણ મહત્ત્વનું યોગદાન આપનાર એવાં બહુમુખી પ્રતિભા ધરાવતાં શમા ઝૈદીનો જન્મ ૨૫ સપ્ટેમ્બર, ૧૯૩૮ના રોજ ઉત્તરપ્રદેશના રામપુરમાં થયો હતો. તેઓ દેશનાં એક સમયનાં જાણીતા રાજકારણી અને શિક્ષણવિદ બશીર હુસૈન ઝૈદીના પુત્રી છે. શમા ઝૈદીનાં માતા નાટ્યકાર હબીબ તન્વીરની સાથે દિલ્હીમાં નાટકોમાં કામ કરતાં હતાં એટલે શમા ઝૈદી બાળપણથી જ ઉર્દૂ ભાષા સાથે સંકળાયેલા છે અને ભાષા પ્રત્યેનો આ પ્રેમ તેઓને માતા તરફથી વારસામાં પ્રાપ્ત થયો છે. શમા ઝૈદીનાં માતાપિતા દેશમાં જે-તે સમયે શરૂ થયેલી સામ્યવાદી વિચારધારાની ચળવળ સાથે જોડાયેલાં હતાં અને તેમનો ઉછેર પણ ડાબેરી વિચારધારા ધરાવતાં વાતાવરણમાં થયો છે. દિલ્હી યુનિવર્સીટીમાંથી અંગ્રેજી વિષયની સાથે સ્નાતક થયા બાદ તેઓ ઉચ્ચ અભ્યાસ માટે લંડન ગયાં હતાં. તેઓ જ્યારે દિલ્હીની મિરાન્ડા હાઉસ કોલેજમાં અભ્યાસ કરી રહ્યાં હતાં ત્યારથી જ તેઓને કોસ્ચ્યુમ ડીઝાઇન અને આર્ટ ડીરેક્શનમાં રસ પડ્યો હતો અને ત્યારથી જ તેમણે થિયેટર ક્ષેત્રે કાર્ય કરવાનું શરૂ કરી દીધું હતું. ત્યારબાદ તેમણે લંડનની Slade School of Artsમાંથી ડીપ્લોમા ઇન સ્ટેજ ડીઝાઇનનો અભ્યાસ કર્યો. ત્યાંથી પરત દિલ્હી આવીને તેમણે હિન્દુસ્તાની થિયેટર માટે કોસ્ચ્યુમ્સ ડીઝાઇન કરવાનું શરૂ કર્યું અને વર્ષ ૧૯૬૫માં તેઓ મુંબઈ સ્થળાંતરિત થયાં. મુંબઈમાં તેઓ Indian People’s Theatre Association (IPTA) સાથે જોડાયા. તેઓ તેમની કારકિર્દીનાં પ્રારંભમાં એક પત્રકાર તરીકે દિલ્હીથી પ્રકાશિત થતાં સમાચારપત્રો અને સામયિક માટે એક કળા વિવેચક તરીકે લેખનકાર્ય પણ કરી ચૂક્યા છે. પરંતુ, તેમનું સૌથી મહત્ત્વનું યોગદાન અને ઉત્કૃષ્ટ કાર્ય દેશમાં એક સમયે શરૂ થયેલી સમાંતર સિનેમા અથવા અર્થપૂર્ણ સિનેમાની ધારા તરીકે પ્રચલિત ફિલ્મ્સમાં જોવા મળે છે. તેઓએ સૌથી વધુ કાર્ય દેશનાં જાણીતા દિગ્દર્શક શ્યામ બેનેગલની સાથે કર્યું છે અને આ સિવાય સત્યજીત રાય, એમ.એસ.સથ્યુ જેવા આર્ટહાઉસ સિનેમા સાથે જોડાયેલાં દિગ્દર્શક સાથે તેઓ કાર્ય કરી ચૂક્યા છે. તેઓના લગ્ન દિગ્દર્શક એમ.એસ.સથ્યુ સાથે થયાં છે અને વર્ષ ૧૯૭૩માં એમ.એસ.સથ્યુએ ‘ગર્મ હવા’ નામની ક્લાસિક હિન્દી ફિલ્મ બનાવી હતી અને આ ફિલ્મમાં શમા ઝૈદીએ લેખિકા તેમજ કોસ્ચ્યુમ ડીઝાઇનર તરીકેની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ લેખિકા ઈસ્મત ચુગતાઈની એક ટૂંકી વાર્તા પર આધારિત હતી.

વર્ષ ૧૯૭૫માં આવેલી દિગ્દર્શક શ્યામ બેનેગલની બાળફિલ્મ ચરણદાસ ચોરની લોકકથા આધારિત પટકથા લેખનનું કાર્ય શમા ઝૈદીએ હાથ ધર્યું હતું, કે જેમાં નાટ્યકાર હબીબ તન્વીરના નાટ્ય ગીતોનો આધાર લેવામાં આવ્યો હતો. વર્ષ ૧૯૭૬માં આવેલી શ્યામ બેનેગલની ફિલ્મ મંથનનું આર્ટ ડીરેક્શન શમા ઝૈદીએ કર્યું હતું, અત્રે ઉલ્લેખનીય છે કે આ ફિલ્મની આધારભૂમિ ગુજરાત હતી અને આ ફિલ્મનું શૂટિંગ ગુજરાતનાં રાજકોટ પાસેના એક ગામડાંમાં કરવામાં આવ્યું હતું. વર્ષ ૧૯૭૭માં આવેલી સત્યજીત રાયની પ્રેમચંદ મુનશીની વાર્તા આધારિત એકમાત્ર હિન્દી ફિલ્મ શતરંજ કે ખિલાડીની પટકથાના સંશોધન અને ઉર્દૂ સંવાદ લેખનનું કાર્ય શમા ઝૈદીએ કર્યું છે. વર્ષ ૧૯૭૭માં આવેલી શ્યામ બેનેગલની મહત્ત્વપૂર્ણ ફિલ્મ ભૂમિકા કે જે મરાઠી અભિનેત્રી હંસા વાડકરના જીવન પર આધારિત હતી તે ફિલ્મનું આર્ટ ડીરેક્શન શમા ઝૈદીએ કરેલું છે. આ સિવાય દિગ્દર્શક મુઝફ્ફર અલીની ક્લાસિક ફિલ્મ ઉમરાવ જાનની કથા, પટકથા અને સંવાદ તેમજ વર્ષ ૧૯૮૦માં આવેલી હિન્દી આર્ટ ફિલ્મ ચક્રની કથા, પટકથા અને સંવાદનું કામ શમા ઝૈદીએ કર્યું છે, અહીં એક વાત એ નોંધવી રહી કે આ બંને ફિલ્મની વાર્તા નવલકથા આધારિત હતી. આ સિવાય શ્યામ બેનેગલની અન્ય ફિલ્મ્સ જેવી કે આરોહણ (૧૯૮૨), મંડી (૧૯૮૩), સુસ્માન (૧૯૮૬), ત્રિકાલ (૧૯૮૬), અંતરનાદ (૧૯૯૩), સૂરજ કા સાતવાં ઘોડા (૧૯૯૪), મમ્મો (૧૯૯૫), ધ મેકિંગ ઓફ મહાત્મા (૧૯૯૬), સરદારી બેગમ (૧૯૯૭), હરીભરી (૨૦૦૦), ઝુબૈદા (૨૦૦૧), નેતાજી સુભાષચંદ્ર બોઝ (૨૦૦૪)માં શમા ઝૈદીનું કથા, પટકથા અને સંવાદ લેખિકા તરીકેનું અભૂતપૂર્વ યોગદાન રહેલું છે. અહીં મુખ્ય વાત એ છે કે શમા ઝૈદીએ લખેલી મોટાભાગની ફિલ્મ્સ કોઈને કોઈ નવલકથા અથવા તો ટૂંકી વાર્તા પર આધારિત છે અને તે દેશનાં ઐતિહાસિક તેમજ સામાજિક મુદ્દાઓ સાથે સંકળાયેલી જોવા મળે છે. આ સાથે જ શમા ઝૈદીનું લેખન કાર્ય પણ ભારતીય સિનેમાના ઈતિહાસનું એક મહત્ત્વનું અંગ છે. ફિલ્મ્સ સિવાય ટેલિવિઝનના ક્ષેત્રમાં પણ તેમનું મહત્ત્વનું યોગદાન રહેલું છે જેમાં શ્યામ બેનેગલની વર્ષ ૧૯૮૮માં આવેલી ટેલિવિઝન શ્રેણી ‘ભારત એક ખોજ’ અને વર્ષ ૨૦૧૪માં આવેલી ટેલિવિઝન શ્રેણી ‘સંવિધાન’ માટેનાં સંશોધન અને લેખન કાર્યમાં શમા ઝૈદીનો ઐતિહાસિક ફાળો રહેલો જોવા મળે છે.

Garm Hava’s writers Shama Zaidi and Kaifi Azmi on the movie’s sets.

ફિલ્મ ‘ગર્મ હવા’ વિશે વાત કરતાં શમા ઝૈદી એક ઇન્ટરવ્યૂમાં જણાવે છે કે હું આ ફિલ્મ પૂર્વે રાજેન્દ્ર સિંઘ બેદીની નવલકથા ‘એક ચાદર મૈલી સી’ આધારિત નાટક માટેનું કાર્ય કરી રહી હતી અને તે દરમિયાન તેમણે (રાજેન્દ્ર સિંઘ બેદીએ) ફિલ્મ સ્ક્રીપ્ટ લખવા માટેનું સૂચન કર્યું, અને શમા ઝૈદીએ લેખિકા ઈસ્મત ચુગતાઈને વાર્તા લખવા માટે કહ્યું અને આ રીતે ફિલ્મ ‘ગર્મ હવા’ની વાર્તાને આકાર મળ્યો, આ ફિલ્મનું શીર્ષક ગર્મ હવા, કૈફી આઝમીની પ્રખ્યાત કવિતા ‘મકાન’ની પંક્તિ ‘આજ કી રાત બહુત ગર્મ હવા ચલતી હૈ’માંથી લેવામાં આવ્યું છે. આ ઇન્ટરવ્યૂમાં તેઓ આગળ જણાવે છે કે હિન્દી સિનેમામાં સંસ્કૃતિની ઝલક નથી જોવા મળતી અને આ ઝલક સાહિત્ય તેમજ લોકોની જીવનશૈલીમાંથી આવે છે પરંતુ, તે હવે સિનેમામાં ક્યાંય નથી. શમા ઝૈદીની ઈચ્છા લેખક શ્રીલાલ શુક્લાની નવલકથા ‘રાગ દરબારી’ આધારિત ફિલ્મ બનાવવા માટેની છે. અહીં એક વાત નોંધવી રહી કે શ્યામ બેનેગલની લેખક ધર્મવીર ભારતીની નવલકથા આધારિત ફિલ્મ ‘સૂરજ કા સાતવાં ઘોડા’ કે જેની પટકથા અને સંવાદ શમા ઝૈદીએ લખ્યાં છે તે ફિલ્મની શરૂઆતમાં જે ચિત્રો બતાવવામાં આવ્યા છે તે ગુજરાતી ચિત્રકાર ગુલામ મોહમ્મદ શૈખના છે. અમે કળાની કદર કરીએ છીએ તેવી વાત કરનાર આ દેશનાં લોકોને ક્યારેય પણ પ્રતિભાવાન એવાં શમા ઝૈદીની થોડી પણ નોંધ લેવાનું સુઝ્યું નથી કે શું? પદ્મ પુરસ્કાર અને તે સિવાયનાં પણ મહત્ત્વના એવોર્ડ મળે તેવી અમૂલ્ય પ્રતિભા ધરાવતાં શમા ઝૈદીને ભારત સરકાર તરફથી કેટલાં એવોર્ડ આપવામાં આવ્યા અને તેમનું કેટલું સન્માન કરવામાં આવ્યું તે પણ એક પ્રશ્ન છે. એવોર્ડ એ કોઈ પ્રતિભાનો માપદંડ નથી છતાં પણ બહુમુખી પ્રતિભા ધરાવતાં લેખિકા શમા ઝૈદીની અને સિનેમા ક્ષેત્રે તેમનાં ઉત્કૃષ્ટ યોગદાનની દેશ-વિદેશમાં નોંધ લેવાય તે પણ તેટલું જ જરૂરી છે.

– નિલય ભાવસાર

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

Copy Protected by Chetan's WP-Copyprotect.