- ReadGujarati.com - http://www.readgujarati.com -

ધોરણ ૬ થી ૮ તથા ૯ અને ૧૦ના વિદ્યાર્થીઓ માટેની વાર્તાસ્પર્ધાની વિજેતા કૃતિઓ..

પરિચય :

ધોરણ ૬ થી ૮ તથા ધોરણ ૯ અને ૧૦ના વિદ્યાર્થીઓ માટે ૧૪ ફેબ્રુઆરીથી ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૮ના સમયમાં એક સુંદર હાસ્ય વાર્તાસ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું, જેમાં બંને કેટેગરીમાં પ્રથમ વિજેતાઓને ૧૧૦૦૦ રૂ, દ્વિતિય વિજેતાઓને ૭૦૦૦ રૂ, તૃતિય વિજેતાઓને ૫૦૦૦ રૂ તથા ૧૦ પ્રોત્સાહક ઈનામો ૫૦૦ રૂ. ના જાહેર કરાયેલા. ૫૦થી વધુ શાળાઓના ૪૫૦થી વધુ વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધેલો. સ્પર્ધાનું આયોજન શ્રીમતી દર્શા કિકાણી (પ્યોરીટી ફ્લેક્ષપેક લિમિટેડ-વડોદરા, આત્માન ફાઉન્ડેશન-ગાંધીનગર અને વિચારવલોણું પરિવાર-અમદાવાદના સહકારથી) દ્વારા કરવામાં આવ્યું હતું. સતત બીજા વર્ષે આ પ્રકારની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં સામાન્ય અને દિવ્યાંગ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ગયા વર્ષની વિજેતા વાર્તાઓ પુસ્તક રૂપે ‘વાર્તામેળો’ નામથી વિચારવલોણું પરિવાર તરફથી પબ્લિશ થઈ છે અને હાજર રહેલ મહેમાનોને તે ભેટ તરીકે આપવામાં આવી હતી. આ બાળકો આપણા ભવિષ્યના સર્જકો છે, તેમની કલમ વધુ નિખરે અને મા સરસ્વતીના આશીષ તેમના પર વરસતા રહે એ જ શુભકામનાઓ.

આજના માહિતી વિસ્ફોટના સમયમાં માણસ ચારેબાજુ ઊભરાતી અને છલકાતી માહિતીમાં એટલો બધો અટવાઈ ગયો છે કે મૌલિક વિચારવાનું તેણે ઓછું કરી નાખ્યું છે અને મૌલિક લખવાનું તો લગભગ બંધ થઈ ગયું છે. મિત્રો અને સગાસંબંધીઓને પોતાની સાદી પણ આત્મીય ભાષામાં પત્ર લખવાને બદલે તૈયાર SMS Forwards થી કામ પતાવી દેવાય છે. દાદીમાની રસભરી વાર્તાઓને સ્થાને Facebook હાજર છે અને રમતગમતને સ્થાને ટીવી કાર્ટૂન અને કોમ્પ્યુટર ગેઈમ્સ આવી ગઈ છે.

આવા સમયમાં જો બાળકને નાનપણથી પોતાના વિચારો પોતાના શબ્દોમાં પ્રગટ કરવા પ્રોત્સાહિત નહીં કરીએ તો મોટો થતાં તે જાતે વિચારવાની ક્ષમતા ગુમાવી બેસશે, બોલીવુડના નાટકીય ડાયલોગ્સથી પોતાની લાગણી જણાવશે તથા કાર્ટૂનપાત્રોની જેમ બિલકુલ કૃત્રિમ મશીન જેવું જીવન જીવશે. એક વિચારવિહીન સમાજની કલ્પના કેટલી ભયજનક છે? અંગ્રેજી સિવાયની માતૃભાષાના બાળકો આમાં વધુ પરેશાન થાય છે. તેઓ શુદ્ધ અંગ્રેજી બોલવામાં કાચા પડે છે અને માતૃભાષા ઉપરની તેમની હથોટી ગુમાવી બેસે છે. આવી પરિસ્થિતિમાં બાળકોને મૌલિક અને રચનાત્મક લેખન તરફ દોરી જવા જાગૃત નાગરિક તરીકેનો નમ્ર પ્રયાસ એટલે આ વાર્તાલેખન સ્પર્ધા! વિજેતાઓની જાહેરાત અને ઈનામ વિતરણ સમારંભમાં સ્પર્ધાના આયોજક શ્રીમતી દર્શા કિકાણીએ આ વર્ષે દિવ્યાંગ વિદ્યાર્થીઓને સ્પર્ધામાં ભાગ લેવા બદલ અભિનંદન આપ્યાં અને આવતાં વર્ષે વધુ સારો દેખાવ કરવાનો પડકાર આપ્યો હતો. ગુજરાતી માધ્યમની ઘણી સારી શાળાઓ આવી સ્પર્ધામાં ભાગ ન લઈ વિદ્યાર્થીઓને આવા સુંદર, મૌલિક અને સર્જનાત્મક વાતાવરણમાંથી બાકાત રાખે છે તે માટે ગમગીની બતાવી. સાથે સાથે અંગ્રેજી માધ્યમની શાળાઓમાંથી આ સ્પર્ધાને મળતા આવકાર બદલ સુખદ આશ્ચર્ય પણ વ્યક્ત કર્યું હતું! સ્પેશિઅલ કમીશનર ઓફ પોલીસ ડૉ. કે. એલ. એન. રાવ સાહેબે ગુજરાતી ભાષા વાંચવા, લખવા અને બોલવા સાથેનો તેમનો અનુભવ રોચક શૈલીમાં શેર કર્યો હતો.

પીઢ ભાષા-તજજ્ઞ ડૉ. અરવિંદ ભંડારી સાહેબે એક સુંદર બાળ કાવ્ય ‘મગફળી’ રજુ કર્યું હતું અને મંગુ મંકોડાની વાર્તા તેમની આગવી બાળ ભોગ્ય શૈલીમાં રજુ કરી સૌ શ્રોતાઓને રસ તરબોળ કરી દીધાં હતા. હાસ્યવાર્તાકાર શ્રી રતિલાલ બોરીસાગરે બાળવાર્તામાં કથાન શૈલીનું મહત્વ સમજાવ્યું હતું. બાળવાર્તા લખવી એ બહુ મોટી જવાબદારીનું કામ છે એમ કહ્યું હતું. વાર્તાની ઉઠાંતરીની વાત સાથે પોતાનો અનુભવ જોડી મહેમાનોને હસાવી હસાવીને લોટ-પોટ કરી નાખ્યાં હતાં.

સામાન્ય સ્પર્ધામાં શ્રેયસ ફાઉન્ડેશનની મિતિ ઠાકોર પ્રથમ ઇનામના વિજેતા બન્યાં હતાં જયારે અંધ કન્યા ગૃહ, પ્રકાશ વિદ્યાલયના પટેલિયા સવિતા દિવ્યાંગ વિદ્યાર્થીઓની સ્પર્ધામાં પ્રથમ વિજેતા બન્યાં હતાં.

શ્રી રાજેશભાઈ કિકાણીએ નાણાંકીય સહાય માટે પોતાના મિત્ર અને વડોદરાના ઉદ્યોગપતિ શ્રી અનીલ પટેલનો આભાર માન્યો હતો. અંધશાળાના સંચાલક શ્રી ભૂષણભાઈ પુનાની, શ્રી સોની સાહેબ તથા તેમની આખી ટીમનો ખુબખુબ આભાર માન્યો હતો. તેમણે વિજેતા તથા સૌ સ્પર્ધક વિદ્યાર્થીઓનો, શિક્ષકોનો, શાળાનાં આચાર્યોનો તથા હાજર રહેલ સૌ મહેમાનોનો આભાર માન્યો હતો. આખા સમારંભનું સુંદર અને ભાવવાહી સંચાલન જાણીતાં કવિ અને વાર્તાકાર પ્રજ્ઞાબેન પટેલે કર્યું હતું.

સ્પર્ધાની વિજેતા વાર્તાઓ અને અન્ય નોંધપાત્ર વાર્તાઓ; પ્યોરીટી ફ્લેક્ષપેક લિમિટેડ – વડોદરા, આત્માન ફાઉન્ડેશન – ગાંધીનગર અને વિચારવલોણું પરિવાર – અમદાવાદ તથા આયોજક શ્રી દર્શાબેન કિકાણીના સૌજન્યથી રીડગુજરાતી પર આવતીકાલથી પ્રસ્તુત થશે. જુલાઈ આમ પણ રીડગુજરાતીના જન્મનો મહીનો છે, તો આ નવસર્જકો સાથે જન્મદિવસની ઉજાણી અનેરી રહેશે એ હેતુએ આવતીકાલથી આ વાર્તાઓ રીડગુજરાતી પર માણીશું.