ઉત્તર-રાયણ – મિતિ ઠાકોર (વિજેતા હાસ્ય વાર્તા)

(મૌલિક વિચારવા અને રચનાત્મક લખવા માટે બાળકોને પ્રોત્સાહિત કરવા યોજેલ વાર્તાલેખન સ્પર્ધાના પ્રથમ અને સુખદ અનુભવમાંથી પ્રેરણા લઈ આ વર્ષે થોડા ફેરફાર કર્યા, હિંમત કરી હાસ્ય વાર્તાલેખનનો થોડો અઘરો વિષય રાખ્યો અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પણ આ સ્પર્ધામાં સામેલ કર્યાં. આ વર્ષે પણ રીટી ફ્લેક્ષપેક લિમિટેડ – વડોદરા, આત્માન ફાઉન્ડેશન – ગાંધીનગર, વિચારવલોણું પરિવાર – અમદાવાદ અને દર્શાબેન કિકાણીએ યોજેલી બાળ વાર્તાસ્પર્ધાનાં વિજેતા વાર્તાઓ ‘વાર્તામેળો’ ના નવા વિભાગમાં રીડગુજરાતી પર ક્રમશઃ પ્રગટ થઈ રહી છે. સ્પર્ધાની વધુ વિગતો આ કડી પર મૂકી છે. ‘વાર્તામેળો’ અંતર્ગત પ્રસ્તુત છે મિતિ ઠાકોરની  વિજેતા વાર્તા ઉત્તર-રાયણ.)

વાર્તાનું શીર્ષક : ઉત્તર-રાયણ

સર્જકનું નામ : મિતિ ઠાકોર

શાળા : શ્રેયસ પ્રતિષ્ઠાન

* * *

“બસ, હવે કંટાળ્યા આનાથી.” મંજરી બોલી.

“કોનાથી?” માલતીએ પૂછયું.

“મેઘાથી! ક્યારની પાછળ પડી છે. રિસેસમાં આપણી પાસેથી નિબંધ લખાવવો છે.” મંજરીએ જવાબ આપ્યો.

“આજે પણ નથી લખ્યો એણે?”

“ના રે ના. ક્યારે લખે છે?”

“હા, દરવખતે આપણે જ લખાવીએ છીએ.”

“આ વખતે નથી જ લખાવવો.” મંજરી બોલી.

દરવેળા આ બિચારી પરોપકારી છોકરીઓ મેઘાને તેનું ગૃહકાર્ય રિસેસમાં પૂરું કરાવે, ને બીજી વખત ઘરેથી પૂરું કરી લાવવાનું કહે, પણ મેઘાબહેન ન સુધરે. તે લોકોને એક યુક્તિ સુઝી.

“આ વખતે તો તેને ઉંધો-ચત્તો નિબંધ લખાવીએ. સબક તો મળશે એને..”

તેમણે તોફાનમાં થોડુંક કહીને જતા રહેવું, ને શું થાય છે તે જોવાનો નિર્ણય કર્યો. રિસેસ પડી.

“આ ઉત્તરાયણના નિબંધની શરૂઆત ક્યાંથી કરું?” મેઘાએ પૂછ્યું.

“એ તો ઉત્તરાયણ શું છે, તેનાથી જ ચાલુ થાય; જે ઋતુમાં રાયણના પાંદડાં ઉત્તર દિશામાં જાય તે ઋતુના ઉત્સવને ઉત્તરાયણ કહેવાય.” કહી મંજરીએ મોઢા પર હાથ મૂકી પોતાનું હાસ્ય દબાવવા ખૂબ પ્રયત્ન કર્યો.

“પણ આ સૂર્ય ઉત્તર દિશામાં જવા બાબતે નો’તું?” મેઘાએ પૂછ્યું.

“તારે જે લખવું હોય તે લખ. આવડે છે તો પછી પૂછે છે કેમ?” માલતીએ ગુસ્સાવાળું મોં બનાવી કહ્યું. પછી તે બોલી, “સૂર્ય તો પૂર્વથી પશ્ચિમ જાય. ઉત્તર દિશામાં કદી જતો ભાળ્યો છે?”

“હા – હા” કહી મંજરી ઊંધી ફરી, તેણે માલતીનો હાથ ખેંચ્યો, ને પાછળ જઈ બંને બેઠાં.

“મારે હિસાબે આ બન્નેની વાત સાચી છે. તેમની વાત માનવી જોઈએ.” મધુ બોલી. સાથે માલાએ પણ તેની હામાં હા મિલાવી. તે બોલી, “પરીક્ષામાં પણ આ બંન્નેના ખૂબ જ સારા ગુણ આવે છે.” જાણે યુક્તિ સમજી ગયા હોય તેમ અન્યોએ પણ ગોળો ગબડાવ્યો.

“તેં એમ લખ્યું કે આ પર્વને મકરસંક્રાંતિ પણ કહેવાય?” બોલતા બોલતા મીના તેનો ડબ્બો લઈ વર્ગખંડમાંથી બહાર નાઠી. એની પાછળ મોંમાં મમરા મૂકતી માધવી પણ બહાર નીકળી ગઈ.

“હા હા, ફટફટ લખી લે.” મધુ બોલી.

“ઠીક, પણ મકરસંક્રાંતિનો અર્થ શું?”

“એ તો તારે આમને જ પૂછવું જોઈએ.” કહી તેણે મંજરી અને માલતી તરફ ઇશારો કર્યો. ફરી તોફાની ટોળીએ મઝાનો જવાબ વિચારી લીધો.

“મગરને સંસ્કૃતમાં ‘મકર’ કહે છે, તો આ ઉત્સવ કાંઈ મકરને જોડાયેલો લાગે છે.” માલતી બોલી.

“પણ એ તો મકર રાશિ જેવું સાહેબ કહ્યું’ તું ને?” મેઘાએ પૂછ્યું.

“અમારી વાત ન સાંભળ. તારે જે લખવું હોય તે લખ. આમેય તારી પાસે વધારે સમય નથી.” મંજરી બોલી.

“ના રે ના. તમે જ મારા પરોપકારી પરમેશ્વર છો.” કહી મેઘાએ નોટમાં મોં ઘાલ્યું.

“પણ મગરને શા લેવા-દેવા આ ઉત્સવ સાથે?” સૂઝ્યું એટલે મેઘાએ જ પૂછ્યું.

“બકરીઈદ, તેમ મકરસંક્રાંતિ. રે ગાંડી છોકરી!” મોહિની હસતાં હસતાં બોલી.

“પણ બકરી ઈદમાં બકરીનો વધ થાય.” મુનીશાએ કહ્યું.

“તો મકરસંક્રાંતિમાં મગરનો વધ થાય. લખી નાખ ને એમ.” મોના હસતા-હસતા બોલી. તેણે મંજરી માલતીની સામે જોઈ આંખ મીચકારી અને તેમની સાથે ત્રીજી ખુરશી લઈ બેસી ગઈ.

રિસેસની પંદર મિનિટ પતી ચૂકી હતી. બહાર દોડપકડ રમીને થાકેલા મોહન અને માનિલ અંદર આવ્યા. વાત સાંભળી તેઓ હસવા લાગ્યા. મોનાએ તેમને ચૂપ રહેવા ઇશારો કર્યો.

“આપણે સાબરમતીમાં મગર નથી, પણ માતાજીને તો પહેલાના સમયમાં બલિ ધરાવતા હતા ને!” મોહન બોલીને ઊંધો ફરી હસવા લાગ્યો.

“બરાબર વાત છે. નાનપણમાં હું યાત્રાએ ગયો’તો ત્યારે મેં જોયું’તું કે ગંગાજીનું વાહન જ મગર છે.” માનિલે ઉમેર્યું પછી ડબ્બો દફ્તરમાં મૂકી મોહન સાથે બહાર નીકળીને ખડખડાટ હસવા લાગ્યો. મેઘાએ પોતાની રીતે આ નોંધ પણ લંબાણપૂર્વક કરી લીધી.

“પણ તો પતંગનું શું?” મેઘાએ પૂછ્યું.

“ખબર નહી.” કહીને મોતીએ મોના, મંજરી અને માલતીની તોફાની ત્રિપુટીને પૂછ્યું, “કાંઈ કહેવું છે આ વિશે?”

“હાસ્તો ત્યારે! જેમ મગર તેના શિકાર સામે ધ્યાન કરે તેમજ આપણે આપણા પતંગની સામે ધ્યાન કરીએ ને બીજાના પતંગનો શિકાર બનાવીએ.”

“બરાબર.” કહી મેઘાએ સમજ્યા – વિચાર્યા વગર બધું નોટમાં ઉતારી લીધું.

ડહાપણ કરનારા મનોજે અંદર આવી પૂછ્યું, “પણ આપણે ગાયને ઘાસ ખવડાવીએ તો તેને મકરસંક્રાંતિ કેમ કહેવાય? ગૌસંક્રાંતિ કહેવી જોઈએ ને!”

“ડહાપણ કર માં ને! ચૂપ રહે.” કહી મનિષે તેને તાલી આપી ને હસવા લાગ્યો.

“પણ મગરને જૂના જમાનામાં કાંઈ આપતા હશે, હવે ગાયને આપે છે.” કહી મૃદુલાએ મનોજ સામે આંખ કાઢી, “હવે સાબરમતીમાં મગર નથી ને!” તે બોલી.

હમણાં હમણાં નાસ્તો પતાવીને આવેલી મદનમંજરીએ આવી દફતરમાંથી ચોપડીઓ કાઢતા કહ્યું, “ખાવાના પરથી યાદ આવ્યું. તલની ચીકી વિશે કાંઈ લખ્યું?” તેની બહેન મદનલેખા બોલી, “તેને તલ-સાંકળી કહેવાય.”

“તલ-સાંકળી કેમ?” માલિનીએ પૂછ્યું.

“અરે! આપણે પતંગ ચગાવવા ‘સાંકળ-૮’ની દોરી વાપરીએને એટલે!” પાછળ બેસી નાટક જોઈ રહી મંજરી બોલી ઊઠી, ને હસવા લાગી.

આ બધું સાંભળતા મેઘાએ તેની કલમ પાણીના રેલાની માફક ચલાવી. તેણે શું લખ્યું તે તો રામ જ જાણે! દર વખતે તો તેને માલતી મંજરી જ લખાવતા, તેને આવો ઉંધો-ચત્તો નિબંધ કોઈએ લખાવ્યો ન હતો. તેથી મેઘાએ બુદ્ધિના બારણા બંધ કરી બધી વિગતો ઝડપભેર ટપકાવી.

બેલ પડ્યો અને સાહેબજી અંદર આવ્યા. ઘણાં બાળકો મેદાનમાંથી રમીને પાછાં આવ્યાં. બધાં પોત-પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયાં.

“બધાંએ નિબંધ લખ્યો છે?” સાહેબે પૂછ્યું.

“હા, સા’બજી !” બધાંએ એક સાથે જવાબ આપ્યો.

“સારું, આજે બધાં પોત-પોતનો નિબંધ વાંચશે. સૌથી પહેલું કોણ વાંચશે.” સાહેબે પૂછ્યું.

ને આ વખતે મેઘાને ઘણાં બધાં લોકોએ નિબંધ લખાવ્યો હતો તેથી તેને થયું કે તેનો નિબંધ જ સૌથી સારો હશે.

“સાહેબજી હું વાંચું?” તેણે પૂછ્યું.

“હા બેટા, તુ વાંચ.” સાહેબે અનુમતિ આપી.

મેઘાબહેને પોતાના નિબંધની શરૂઆત કરી, “..૧૪મી જાન્યુઆરીએ ઊજવાતા આ પર્વનું નામ ઉત્તરરાયણ પડ્યું કારણકે આ ઋતુમાં રાયણની ડાળીઓ ઉત્તર દિશામાં જ ઊગે અને ત્યાં ખૂબ બધા પાન ઉગે….”

મેઘાના નિબંધની શરૂઆતથી અંત સુધી કોઈ જોર જોરથી હસે, કોઈ એકબીજાને તાળી આપે, તો કોઈ ટેબલ પછાડે ને કોઈ પગ પછાડે, ઘોંઘાટ સાંભળી પ્રિન્સિપલ મૅડમ તથા આખા બિલ્ડિંગના સ્ટાફ ઉપરાંત થોડા બાળકો ક્રમે ક્રમે તેમના બારણા ઉપર ધસી આવ્યા. બારીમાંથી ડોકાચિયા કરી તાળીઓ પાડવા લાગ્યા. બારી પાસે ઊભેલા, ઘોંઘાટનું કારણ જાણવા આવેલ લોકો પણ જોર-જોરથી હસવા લાગ્યા. સાહેબજી તો બિચારા હસવું, ગુસ્સે થવું, મારવું કે માથું કૂટવું તે મૂંઝવણમાં હતા, ને મેઘાનો નિબંધ ચાલતો ગયો. મેઘાએ આટલી બધી તાલીઓથી પ્રોત્સાહિત થઈ નિબંધ બુલંદ અવાજે પતાવ્યો, “..ને ઉત્તરાયણમાં આપણે સાંકળ-૮નો દોરો વાપરીએ, તેથી આ ઉત્સવમાં ખવાતી તલની ચીકીને પણ તલ-સાંકળી કહેવાય છે. સૌને મકરસંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.”

સાહેબ તો બિચારા અવાક્ બની જોઈ રહ્યા! ક્લાસમાં તો જે ધમાલ ચાલી છે, ને પ્રિન્સીપલજી તો રાતાચોળ બની બધું સાંભળી રહ્યા. બહાર ભેગું થયેલું ટોળું પણ હસાહસ કર્યા વગર બાકી રહે?

વળી, આ નિબંધનું વારંવાર પુનરાવર્તન અલગ-અલગ લોકોના મુખેથી સાંજે સાંભળ્યું.

બધાં જ મિત્રોના પરોપકારને કારણે મેઘાબહેન આખી શાળામાં પ્રચલિત થઈ ગયા, સાચી જ વાત છે. “પરોપકારાયઃ વિભાતી સૂર્યઃ..”

વાહ રે પરોપકાર વાહ!

– મિતિ ઠાકોર

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “ઉત્તર-રાયણ – મિતિ ઠાકોર (વિજેતા હાસ્ય વાર્તા)”

Copy Protected by Chetan's WP-Copyprotect.