મૂર્ખાઓનું ગામ – સવિતા પટેલિયા (વિજેતા હાસ્ય વાર્તા)

(મૌલિક વિચારવા અને રચનાત્મક લખવા માટે બાળકોને પ્રોત્સાહિત કરવા યોજેલ વાર્તાલેખન સ્પર્ધાના અમારા પ્રથમ અને સુખદ અનુભવમાંથી પ્રેરણા લઈ આ વર્ષે થોડા ફેરફાર કર્યા, હિંમત કરી હાસ્ય વાર્તાલેખનનો થોડો અઘરો વિષય રાખ્યો અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પણ આ સ્પર્ધામાં સામેલ કર્યાં. આ વર્ષે પણ રીટી ફ્લેક્ષપેક લિમિટેડ – વડોદરા, આત્માન ફાઉન્ડેશન – ગાંધીનગર, વિચારવલોણું પરિવાર – અમદાવાદ અને દર્શાબેન કિકાણીએ યોજેલી બાળ વાર્તાસ્પર્ધાનાં વિજેતા વાર્તાઓ ‘વાર્તામેળો’ ના નવા વિભાગમાં રીડગુજરાતી પર ક્રમશઃ પ્રગટ થઈ રહી છે. સ્પર્ધાની વધુ વિગતો આ કડી પર મૂકી છે. ‘વાર્તામેળો’ અંતર્ગત અંધ કન્યાશાળા, અમદાવાદના સવિતા પટેલિયાની વિજેતા વાર્તા ‘મૂર્ખાઓનું ગામ’ પ્રસ્તુત છે.)

વાર્તાનું શીર્ષક – મૂર્ખાઓનું ગામ

સર્જકનું નામ – સવિતા પટેલિયા

શાળા – અંધ કન્યાશાળા, અમદાવાદ

* * *

એક સંઘરી નામનું મૂર્ખાઓનું ગામ હતું.

તેમાં બધાં જ મૂર્ખાઓ રહેતાં હતાં, ને બધાં જ લોકો હંમેશાં મૂર્ખાઈવાળા કામ કરતાં હતાં.

આ ગામમાં એક ઝૂલેલાલ કરીને મૂર્ખ રહેતો હતો. ઝૂલેલાલ પોતે મૂર્ખ છે, પણ ગામમાં બધાં લોકો તેને જ્ઞાની સમજે છે. ઝૂલેલાલની મૂર્ખતા આપણે જોઈ શકીએ છીએ. ઝૂલેલાલ બધાંને સલાહ આપતા કે પાણીનો બચાવ કરવો જોઈએ. પરંતુ ઝૂલેલાલ ટબમાં બેસીને નહાતા અને એ પાણીને ટાંકીમાં નાંખી દેતા. લ્યો કરો વાત આ તો પાણીનો બચાવ કહેવાય કે મૂર્ખાઈ ! હા હા હા.

એક દિવસની વાત છે. આ મૂર્ખાઓના ગામમાંથી એકવાર ઊંટ પસાર થયું. આ ઊંટના પગલાં જોઈને આખા ગામના લોકો ભેગાં થયાં અને વાતો કરવાં લાગ્યાં. આ મોટા મોટા ભયાનક પગલાંવાળું કોણ હશે? ક્યાંથી આવ્યું હશે? બધાં વિચાર કરવાં લાગ્યાં. કારણ કે બધાં લોકો મૂર્ખ એટલે કરે શું? એકબીજાને પૂછવા લાગ્યા. એમાંથી એક મૂર્ખ બોલ્યો કે ગામમાં ભૂત આવ્યું હશે. બીજો મૂર્ખ બોલ્યો કે કોઈ ભયાનક રાક્ષસ આવ્યો હશે. આમને આમ બધા મૂર્ખાઓ અંદરોઅંદર ઝઘડવા લાગ્યા. એટલામાં એક મૂર્ખ બોલ્યો, “એ ચાલો, આપણે ઝૂલેલાલ પાસ જઈએ.” એમ વિચારી બધા મૂર્ખાઓ ઝૂલેલાલ પાસે ગયા અને સમસ્યા કહી સંભળાવી.

મૂર્ખ ઝૂલેલાલ તો ફૂલાયો અને કહેવા લાગ્યો, “તમે બધા શા માટે ચિંતા કરો છો? ગભરાશો નહીં. ચાલો, આપણે તે પગલાં પાસે જઈએ.” ઝૂલેલાલ અને બધાં પગલાં પાસે પહોંચ્યાં. ઝૂલેલાલ દુરબીનથી જોવા લાગ્યા. બરાબર જોઈને મૂર્ખ ઝૂલેલાલે કહ્યું, “આ તો ડાકણના પગલાં છે.” ત્યારે બધા મૂર્ખાઓ ડરવા લાગ્યા. ઝૂલેલાલ ફરી બોલ્યા, “આ ડાકણ કોઈ માણસને ઘસડીને લઈ ગયું લાગે છે.” આ સાંભળી બધા મૂર્ખાઓ કોઈ મહાન માણસ બોલ્યું હોય તેમ તેમની જય બોલાવા લાગ્યા.

હવે આજ મૂર્ખાઓના ગામમાં બીજી ઘટના બની. ગામમાં એક મૂર્ખ ગરીબનું ઘર હતું. તેને એક છોકરો હતો. તે થાંભલો પકડી ગોળ ગોળ ચકરડી ફરતો હતો. આ જોઈ તેની મા ખૂબ હરખાઈ અને ઘરમાં જઈ બોર લઈ આવી. માએ કહ્યું, “લે બેટા, બોર ખાઈ લે.” છોકરાએ થાંભલો છોડ્યા વગર હાથના ખોબામાં બોર લઈ લીધા. છોકરોબોર ખાવા ગયો તો થાંભલો વચ્ચે આવ્યો અને તેના નાક પર વાગ્યું. છોકરાના ખોબામાં બોર હતા. ખોબો છોડે તો બોર નીચે ઢોળાઈ જાય. એમ વિચારી છોકરો જોરજોરથી રડવા લાગ્યો અને જોરજોરથી ચીસો પાડીને કહેવા લાગ્યો, “મને થાંભલાએ પકડી લીધો છે. મને થાંભલાએ પકડી લીધો છે.” અરે! આ તો મૂર્ખાઓનું ગામ એટલે બધાંના કામ મૂર્ખાઈવાળા જ હોય ને… ! માતા પણ છોકરાને જોઈને રડવા લાગ્યા.

આ લોકોની ‘બચાવો બચાવો’ની બૂમ સાંભળી ગામવાળા ભેગાં થઈ ગયાં. પરંતુ કોઈને પણ છોકરાને છોડાવતા આવડ્યું નહીં. ત્યારે તે મૂર્ખામાંથી એક બોલ્યો, આપણે ઝૂલેલાલ પંડિતને બોલાવવા જોઈએ. એ સારા જાણકાર છે. તે જરૂર રસ્તો બતાવશે. ઝૂલેલાલને બોલાવવામાં આવ્યો. ઝૂલેલાલે બધું જોઈને કહ્યું, “ગંભીર સમસ્યા છે. થાંભલાએ છોકરાને પકડી લીધો છે. છોકરાને બચાવવાનાં બે જ ઉપાય છે. એક ઉપાય એ જ છે કે, થાંભલા ઉપર જે પતરું છે તેને કાઢી લેવું. અને છોકરાને થાંભલેથી છોડાઈ લેવો”. ત્યારે છોકરાના પિતા બોલ્યા, “જ્ઞાની પુરુષ હું ખૂબ જ ગરીબ માણસ છું. જો છાપરું તોડીએ તો હું રહીશ શેમાં? મૂર્ખ ઝtલેલાલ બોલ્યા, “બીજો ઉપાય એ છે કે છોકરાના હાથ કાપી બહાર કાઢો.” ત્યારે છોકરાની માતા બોલી, “ના, ના, હું મારા છોકરાના હાથ નહીં કાપવા દઉં.” માતા પણ બૂમો પાડીને બોલવા લાગી. મૂર્ખાઓના ઉપાયો મૂર્ખા જેવા જ હોય ને. ઝૂલેલાલ બોલ્યા, “તમારા છોકરાને થાંભલામાંથી છોડાવવો નથી કે શું? ત્યારે છોકરાના માતા-પિતા જોર જોરથી રડવા લાગ્યા. સાથે બધાં જ મૂર્ખાઓ હં.. હં.. હં.. કરી રડવાં લાગ્યાં.

બાજુના ગામમાંથી એક સ્ત્રી પસાર થતી હતી. તેને આ બધું જ જોયું અને મૂર્ખાઓ પાસે જઈને પૂછ્યું, “તમે બધાં કેમ રડી રહ્યાં છો?”

મૂર્ખ છોકરાની માતાએ કહ્યું, “મારા દીકરાને થાંભલાએ પકડી લીધો છે. તેથી તે રડી રહ્યો છે. તો તેને તમે છોડાવી આપો ને.” ત્યારે તે સ્ત્રીએ કહ્યું, “તમે બધાં રડશો નહીં. હું છોડાવી આપું છું તમારા દીકરાને.” સ્ત્રી પેલા છોકરા પાસે ગઈ અને કહ્યું, “તારા ખોબામાં જે બોર છે, તે મારા ખોબામાં નાંખી દે અને તારા બંને હાથને તારા પેટ આગળ લાવી દે.” છોકરાએ તરત જ એમ કર્યું. છોકરાના હાથ છૂટી ગયા. છોકરો થાંભલામાંથી બચી આવ્યો.

છોકરો આનંદમાં આવી હા હી કરવા લાગ્યો. બધાં મૂર્ખાઓ પણ આનંદ કરવા લાગ્યા. પરંતુ આપણા મૂર્ખ ઝૂલેલાલ બહુ ગુસ્સે થયા અને માતા-પિતાને કહ્યું, “તમે મારા ઉપાયો ન અજમાવ્યા તેથી હું તમને હવે ક્યારેય સલાહ નહીં આપું.” એમ કહી રીસાઈને ચાલવા લાગ્યા.

– સવિતા પટેલિયા


Email This Article Email This Article · Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ઉત્તર-રાયણ – મિતિ ઠાકોર (વિજેતા હાસ્ય વાર્તા)
રીડગુજરાતી : ચૌદમા વર્ષમાં મંગલ પ્રવેશ – સંપાદક Next »   

7 પ્રતિભાવો : મૂર્ખાઓનું ગામ – સવિતા પટેલિયા (વિજેતા હાસ્ય વાર્તા)

 1. મનસુખલાલ ગાંધી says:

  સરસ વાર્તા છે.

 2. Sunil says:

  jigo:pappa,have ૧ bike lavi apo.

 3. Kana sevara says:

  સુંદર પ્રયાસ, અભિનંદન !

 4. બાળકોનો પ્રયાસ સરાહનીય છે. તેમની સર્જનક્ષમતાને સલામ.

 5. નયના.મંકોડી says:

  સરસ ને સરળ

 6. દર્શાબહેન અને રીડ ગુજરાતીના આભાર સાથે… બાળકો માટેના બ્લોગ પર આ વાર્તા વાપરી…
  http://e-vidyalay.blogspot.com/2018/07/blog-post_354.html

  સવિતા દીકરીને આવી સરસ વાર્તા લખવા માટે અભિનંદન

 7. Ekta says:

  સરસ્

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.