રીડગુજરાતી : ચૌદમા વર્ષમાં મંગલ પ્રવેશ – સંપાદક

આજના આ શુભ દિવસે, યોગિની એકાદશીના મંગલ પ્રભાતે આપ સૌ વાચકમિત્રો, સર્જકો, સહયોગીઓ, વડીલો તથા સર્વ મિત્રોને મારા પ્રણામ. આજે તેર વર્ષ પૂરા કરીને રીડગુજરાતી ચૌદમા વર્ષમાં પ્રવેશી રહ્યું છે એનો અપાર આનંદ છે. સાહિત્ય સાથેની આ યાત્રામાં દર વર્ષે ઘણું બધું ઉમેરાતું જાય છે અને સાથે સાથે નવું નવું અમારી અંદર ઊગતું પણ જાય છે! સેંકડો પુસ્તકો-લેખોમાંથી પસાર થવાનું બને છે અને અનેક સર્જક મિત્રોને, નવું લખવા થનગનતા ઉત્સાહી દોસ્તોને રૂબરૂ – ફોન – વોટ્સએપ – ઈમેલ દ્વારા મળવાનું પણ થતું રહે છે. આથી, વર્ષના આ ‘મધ્યે મહાભારતમ’ જેવા દિવસે જ્યારે આ લેખ લખવાનો હોય ત્યારે મનમાં અપાર વાતો ઘોળાતી હોય છે. એમાંથી થોડીક વાતો વહેંચીએ..

સોશિયલ મિડીયાના પ્રભુત્વનો આ જમાનો છે. સોશિયલ મિડીયામાં હિટ તો બધે ફિટ એવી માન્યતા ઘર કરતી જઈ રહી છે, ત્યારે સોશિયલ મિડીયાના અનેક હકારાત્મક પાસા અને સામે પક્ષે અનેક નકારાત્મક બાબતો પણ સહજ ઉપસીને આવી છે. ફેક ન્યૂઝના ભયંકર ફેલાવાનો અને અણગમતા લોકોને ટ્રોલ કરવાનો શિરસ્તો સામાન્ય થઈ પડ્યો છે. વોટ્સએપમાં આવેલો કોઈ પણ સંદેશ જોયા વગર અનેક ગૃપમાં, અનેક લોકોને ફોરવર્ડ કરવાની ટેવ અનેક લોકોમાં વસી છે. નકારાત્મક વાતો અને સતત ઠલવાતા બિનજરૂરી માહિતીના મહાસાગરમાં ડૂબી રહેલી આપણી વાંચનવૃત્તિ ભયજનક વાતાવરણ ઉભું કરે છે. આજે આપણે એવા સમયમાં છીએ કે જેમાં વ્યક્તિનું સઘળું મૂલ્યાંકન એની સોશિયલ મિડીયાની છાપ પરથી સમાજમાં પ્રસરે છે. અને સોશિયલ મિડીયા બીજી બધી વાતોની સાથે આર્થિક સમૃદ્ધિ દેખાડવાનું એક માધ્યમ પણ બની રહ્યું છે. અને આ બધા છતાં એ અવસરનો મહાસાગર છે. સર્જકો, વાચકો, ધંધાદારીઓ, ગ્રાહકો અને સમાજના લગભગ બધા જ વર્ગને સોશિયલ મિડીયાથી અનેક લાભ પણ છે. વ્યક્તિનો પોતાનો સારાસારનો વિવેક એના સોશિયલ મિડીયાના વપરાશની દિશા નક્કી કરે છે.

આ સમયમાં રીડગુજરાતી આજે પણ અડીખમ; એની શરૂઆતથી જે નેમ હતી એ જ હેતુને લઈને આબાલ વૃદ્ધ માણી શકે એ પ્રકારના સાહિત્યનો પ્રસાર કરવાનું માધ્યમ બની રહ્યું છે એ વાતનો આનંદ છે. હવે લેખ પ્રસિદ્ધ કરવાનું કાર્ય ફરી નિયમિત કરી રહ્યાં છીએ અને રોજે આવતી અધધધ ક્લિક્સમાં રીડગુજરાતીના અલાયદા વાચકવર્ગની પરિપક્વતા સતત દેખાઈ આવે છે એ સંતોષ અદ્રુત છે.. ચૌદ વરસથી અડીખમ ઉભી રહેલી આ વેબસાઈટે સાબિત કર્યું છે કે એ હવે કોઈ વ્યક્તિવિશેષની ગેરહાજરીમાં પણ પોતાના હેતુની જીવંતતાના પ્રતીકરૂપ સતત ધબકતી રહેશે, આજે હું છું તો પણ અને કાલે કદાચ હું નહીં હોઉં તો પણ.. સ્વ. મૃગેશભાઈ આજે હયાત હોત તો એમનો પણ જન્મદિવસ આપણે ઉજવી રહ્યાં હોત, પણ એમની હયાતી રીડગુજરાતીમાં કાયમ નિહિત છે જ.

સોશિયલ મિડીયા પર રીડગુજરાતીને પણ પૂરતો પ્રસાર મળી રહે અને વાચક વર્ગ વિવિધ સોશિયલ મિડીયા દ્વારા અહીં સંકળાયેલ રહી શકે એ માટે રીડગુજરાતીના ફેસબુક પેજ અને ટ્વિટર ખાતાને ફરી સક્રિય કરી તેને વેબસાઈટ સાથે સાંકળ્યાં છે. સર્વે વાચકમિત્રોને એ દ્વારા વેબસાઈટ સાથે જોડાઈ રહી લેખો સરળતાથી મેળવી અને વહેંચી શકાય એ માટે આમંત્રણ છે. રીડગુજરાતીનુંં ફેસબુક પેજ છે..

વર્ષમાં આ એક દિવસ એવો હતો જ્યારે મૃગેશભાઈ વાચકોને રીડગુજરાતીના પડદા પાછળ બની રહેલી ઘટનાઓ વહેંચતા. મને એ વાતનો આનંદ છે કે રીડગુજરાતીને અનેક પરિપક્વ, જાગૃત અને મૂલ્યનિષ્ઠ વાચકો મળ્યાં છે. દર વર્ષે અનેક વાચકો અને સાહિત્યકારો ઉમેરાતા જાય છે અને તેમાંથી ઘણાં મિત્રોને પ્રત્યક્ષ મળવાનું પણ બને છે, ઘણાં હજી પણ મારી સાથે મૃગેશભાઈ તરીકે જ વાત કરે છે. વડીલ સાહિત્યકારો અને મહાનુભાવોનો પ્રેમ પણ અવરિત વહેતો રહ્યો છે, સૌએ સતત પ્રોત્સાહન આપ્યું છે. અને વાચકમિત્રોનું તો શું કહેવું? તેમનો અપાર સહયોગ અને સ્નેહ સતત મળતો રહ્યો છે. ઉત્તમ પુસ્તકો રીડગુજરાતી સુધી પહોંચાડનાર સૌ પ્રકાશકોનો અને લેખક મિત્રોનો પણ એટલો જ આભાર. જેમના આશીર્વાદથી આ યાત્રા નિર્વિઘ્ને ચાલી રહી છે તે મૃગેશભાઈના પિતા શ્રી ધનંજયભાઈ, સતત ખડેપગે રહેનાર સોનિયાબેન ઠક્કર અને હવે આ સફરમાં જોડાયેલા ટાઈપમાં સ્વેચ્છાએ નિઃશુલ્ક મદદ કરનાર મિત્રોનો પણ હ્રદયથી આભાર વ્યક્ત કરું છું.

રીડગુજરાતી માટે આર્થિક મદદ કરવા અનેક મિત્રો સમયાંતરે પૂછે છે. હાલ એવી જરૂરત નથી, જૂની વેબસાઈટ ગોઠવાયેલી છે અને નવી વેબસાઈટનો ખર્ચ હું ભોગવી શકું છું. જ્યારે એવી જરૂર ઉભી થશે ત્યારે આ જ સ્થળે એ લખીને મૂકીશ. પણ એ છતાં આટલી કાળજી લઈ સતત પૃચ્છા કરવા બદલ અને ક્યારેક પૃચ્છા વગર પણ ચેક મોકલી આપવા બદલ આપ સૌ સહ્રદય મિત્રોનો આભારી છું. રીડગુજરાતીને આ યાત્રામાં આપ સૌનો સાથ સતત મળતો રહે, સાથે વિકસતા અને સમૃદ્ધ થતાં રહીએ એ જ ઈચ્છા સાથે સૌનો હ્રદયપૂર્વક આભાર.

રીડગુજરાતીના તેર વર્ષ અને અક્ષરનાદના અગિયાર વર્ષની ઉજાણી કરવા ‘અક્ષરપર્વ-૨’ હેઠળ તા. ૧૫ જુલાઈએ વડોદરામાં થઈ રહેલા એક દિવસના સાહિત્યિક કાર્યક્રમનો ઉદ્દેશ એ આખો દિવસ આપણા સાહિત્ય સાથે – વાર્તાઓ, કાવ્યો, શોર્ટ ફિલ્મો, માઈક્રોફિક્શન વગેરે સાથે ઉજવીશું.

‘જડ્યું તે લખ્યું’ વિષય અંતર્ગત ધ્રુવભાઈ ભટ્ટ,

‘પાત્રોની પરિકલ્પના’ વિષય માટે દિવાનભાઈ ઠાકોર,

‘પ્લોટ ક્યાંથી મળે?’ વિષય અંતર્ગત મીનાક્ષીબેન – અશ્વિનભાઈ ચંદારાણા,

‘વાર્તાનું એડિટિઁગ અને સંક્ષેપ’ વિષય પર હર્ષદ દવે તથા

‘માઈક્રોફિક્શનનો મુસદ્દો’ વિષય પર જીજ્ઞેશ અધ્યારૂ / હાર્દિક યાજ્ઞિક વક્તવ્ય આપશે.

આ ઉપરાંત સર્જન ગ્રુપની માઈક્રોફિક્શનનું મંચન, આપણા સાહિત્યમાંથી આવતા પાત્રો જેવા કે અમરતકાકીની તથા નર્મદાની સ્ટેજ પરથી એકોક્તિ સ્વરૂપે વાત, માઈક્રોફિક્શન પઠન અને કાવ્યપાઠનું આયોજન છે.

સર્વે સહ્રદય મિત્રો આ કાર્યક્રમ નિઃશુલ્ક માણી શકે એ માટે ખુલ્લો છે. વધુ વિગતો કે માહિતી માટે ૯૯૭૪૪ ૧૦૮૬૮૮ પર ફોન / વોટ્સએપ દ્વારા સંપર્ક કરી શક્શો.

– જીજ્ઞેશ અધ્યારૂ
સંપાદક

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

9 thoughts on “રીડગુજરાતી : ચૌદમા વર્ષમાં મંગલ પ્રવેશ – સંપાદક”

Copy Protected by Chetan's WP-Copyprotect.