(મૌલિક વિચારવા અને રચનાત્મક લખવા માટે બાળકોને પ્રોત્સાહિત કરવા યોજેલ વાર્તાલેખન સ્પર્ધાના પ્રથમ અને સુખદ અનુભવમાંથી પ્રેરણા લઈ આ વર્ષે થોડા ફેરફાર કર્યા, હિંમત કરી હાસ્ય વાર્તાલેખનનો થોડો અઘરો વિષય રાખ્યો અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પણ આ સ્પર્ધામાં સામેલ કર્યાં. આ વર્ષે પણ રીટી ફ્લેક્ષપેક લિમિટેડ – વડોદરા, આત્માન ફાઉન્ડેશન – ગાંધીનગર, વિચારવલોણું પરિવાર – અમદાવાદ અને દર્શાબેન કિકાણીએ યોજેલી બાળ વાર્તાસ્પર્ધાનાં વિજેતા વાર્તાઓ ‘વાર્તામેળો’ ના નવા વિભાગમાં રીડગુજરાતી પર ક્રમશઃ પ્રગટ થઈ રહી છે. સ્પર્ધાની વધુ વિગતો આ કડી પર મૂકી છે. ‘વાર્તામેળો’ અંતર્ગત પ્રસ્તુત છે મમતા રાજપૂતની વિજેતા વાર્તા કીડી અને હાથી.)
વાર્તાનું નામ – કીડી અને હાથી
નામ – મમતા રાજપૂત
શાળા – અંધ કન્યા પ્રકાશ ગૃહ, અમદાવાદ
એક જીવજંતુ નામનું ગામ હતું. તે ગામમાં ઘણાં બધાં પ્રાણીઓ રહેતાં હતાં. તેમાં કીડી અને હાથી પણ રહેતાં હતાં. તે બંને ખૂબ જ પાકા મિત્ર હતાં. તેઓ સાથે રમતાં, ફરતાં અને શાળાએ પણ સાથે જ જતાં. કીડી હાથી માટે સરસ મજાનો નાસ્તો બનાવીને લાવતી. બંને સાથે મળીને ગૃહકાર્ય કરતાં. કીડી અને હાથી એકબીજા વગર રહી શકતાં ન હતાં.
એક દિવસ બંનેએ વહેલી સવારે મંદિર જવાનું નક્કી કર્યું. બંને ઘરની બાજુમાં આવેલા ડાયનાસોર બગીચામાં ભેગાં થયાં. કીડીબહેને પોતાનું સ્કૂટી ચાલુ કર્યું. હાથી પાછળ બેસી ગયો. હજુ તો અધવચ્ચે પહોંચ્યા હતા ત્યાં જ પાછળના ટાયરની હવા ફૂસ કરતી નીકળી ગઈ. સ્કૂટીને પંચર કરાવવા મૂકવી પડી. કીડી અને હાથી પગપાળા મંદિર પહોંચ્યાં. તેમણે પોતાના ચંપલ બાજુમાં મૂક્યાં. દર્શન કરતાં કીડી બોલી, “હાથી જરા જલદી કરજે, નહીંતર કોઈ ચંપલ લઈ જશે !” હાથી કહે, “જો ઉતાવળ કરીશ નહીં. ચાલ, આપણે અહીં થોડીવાર બેસીએ.” હાથી પણ કીડીને મનોમન પ્રેમ કરતો હતો. હાથી કીડીને પૂછે છે, “શું હું તને ગમું છું? આપણા લગ્નની વાત ઘરમાં કરવી છે?” કીડી કહે, “મારા માતા પિતા પાસે સમય જ નથી. તેઓ આખો દિવસ ખાવાનું એકઠું કરવામાં જ વ્યસ્ત હોય છે. પણ તું ચિંતા ન કર. લગ્ન તો હું તારી સાથે જ કરીશ. મને પણ તું બહુ જ ગમે છે.”
‘હાથીડા રે હાથીડા,
રૂડારૂપાળા હાથીડા,
હું છું રૂપાળી
નાની નાની કીડી.’
એક દિવસની વાત છે. હાથી નોકરીએ જતો હતો ત્યારે ભયંકર અકસ્માત થાય છે. તેને બાજુના ગાંડાંઓના દવાખાનામાં લઈ જવામાં આવે છે. ગંભીર ઈજા થવાથી તેને કાચની પેટીમાં રાખવામાં આવે છે. આ વાતની જાણ થતા કીડી બેબાકળી બની તરત જ દવાખાને દોડી આવે છે. કીડી ડૉક્ટર સાહેબને આજીજી કરતા કહે છે, “સાહેબ, જો લોહીની જરૂર પડે તો મને કહેજો, મારું blood group o+ છે.” સમય જતા હાથીની હાલત સુધરે છે. અને બંને જણ વોટરપાર્કમાં ફરવા જાય છે. અચાનક કીડીને ઠંડી લાગે છે. અને પાણીમાંથી બહાર આવી જાય છે. બહાર આવીને જુએ છે તો, આ શું? તેના કપડા ગાયબ થઈ ગયા છે! તે હાથીને બૂમ પાડતા કહે છે, “હાથી જરા બહાર આવ તો!” હાથી કહે, “કેમ શું થયું કીડી? મને ન્હાવા દે ને.” કીડી કહે,“પણ તું બહાર તો આવ.” કીડી હાથીને કહે છે, “તે ભૂલમાંથી મારી ચડ્ડી તો નથી પહેરી લીધી ને!” હાથી કહે, “મેં તારું કશું જ પહેર્યું નથી.” આવા હાથી અને કીડીના ઘણા યાદગાર કિસ્સા છે.
પછી હાથીના ઘરવાળા કીડી સાથે લગ્ન કરવાની ના પાડે છે. કીડી અને હાથી બંને રડવા લાગે છે. હાથીના પિતા એક શરત કરે છે. હાથીઓના ઝૂંડ અને કીડીઓના ઝૂંડ વચ્ચે યુદ્ધ કરવામાં આવે. તેમાં જે વિજેતા થાય, તેનો જ નિર્ણય માન્ય ગણવામાં આવશે. પિતાની વાત સાંભળી હાથીએ કહ્યું, “મને શરત મંજૂર છે.” હાથીઓના ઝૂંડને લાગતું હતું કે અમે જ વિજેતા બનીશું અને કીડીના ખાનદાનનું નામોનિશાન મિટાવી દઈશું. તે કીડી તેના મનમાં સમજે છે શું? અમારા ભોળા હાથીને ફસાવીને લઈ જશે. એવું તો અમે ક્યારેય નહીં થવા દઈએ. હાથી આગળ કીડીની શી વિસાત?
કીડીઓના ઝૂંડમાં એક સમજદાર કીડી પણ હતી. તે ખૂબ જ વૃદ્ધ હતી. છતાં ખૂબ હોશિયાર હતી. તેણે કીડીઓના ઝૂંડને કહ્યું, “યુદ્ધમાં જીતવાનો એક જ ઉપાય છે. આપણે આ કામ બળથી નહીં પણ કળથી કરીશું. કારણ કે આપણી પાસે બળ નથી પણ સમજદારી તો છે. એટલે આપણે હાથીઓના કાનમાં જઈ તેમને ચટકા ભરીશું.” બધી કીડીઓ હાથીઓના કાનમાં ઘૂસી ગઈ અને ચટકા ભરવા લાગી. હાથીઓનું ટોળું ત્રાહિમામ પોકારી ઊઠ્યું. અંતે હાથીઓનું ઝૂંડ હારી ગયું. કીડીઓનું ઝૂંડ જીતી ગયું. હાથીના પિતાની શરત મુજબ હાથી અને કીડીના લગ્ન થાય છે. બંને પરિવાર કીડી અને હાથીને આશીર્વાદ આપે છે. હાથી અને કીડી સુખી જીવન ગાળે છે. હા… હા… હા…
5 thoughts on “કીડી અને હાથી – મમતા રાજપૂત (વિજેતા હાસ્ય વાર્તા)”
સરસ્
ખુબ સરસ હસ્ય વાર્તા
very nice! keep it up!
મમતાબેન
બહુ સરસ વાર્તા લખી છેઃ આપે જે રીતે વિભાવના વ્યક્ત કરી છે તે ઘણી સુંદર છે જેમાં ભવાત્મકતાને બુદ્ધિપૂર્વક કેવીરીતે પરિવર્તિત કરીને સફળતા હાંસલ કરી શકાય તેની સુંદર રજુઆત કરવા બદલ ધન્યવાદ.
નરેન્દ્ર રાઠોડ
Ex. Secretary to Director General,SPIPA, Ahmedabad
9978441517
ખૂબ સરસ