ઘર – ફિરોઝ મલેક

“અરે રિયા! તું તો આખ્ખી ભીંજાઈ ગઈ ને! બહાર બહું વરસાદ પડે છે કે શું?” સામેવાળા ફ્લેટને દરવાજે ડોરબેલ વગાડતી રિયા હજી હમણાં જ કોલેજથી આવી ઊભી હતી. પાણીથી લથબથ શરીર ઠંડીથી ધ્રૂજી રહ્યું હતું. ઠંડીથી ફફડતાં હોઠે તો કશો પ્રતિભાવ આપ્યો નહિ, પરંતુ ભાવવિહીન રુક્ષ ચહેરાએ હકારમાં માથું હલાવી ઉત્તર વાળ્યો. દરવાજો ખૂલતાં જ રિયા ફ્લેટમાં ખેંચાઈ ને દરવાજો ધડામ કરી પછડાયો. જાણે દરવાજો સનતભાઈના આત્મા સાથે પછડાયો. દરવાજા અને રિયાના તિરસ્કૃત વર્તનનો હૃદય પર એવો ધક્કો લાગ્યો કે ધ્રૂજારી આખા શરીરમાં ફેલાઈ ગઈ. સનતભાઈ, એમના પત્ની રંજનબેન કે પુત્ર અને પુત્રવધુ માટે આવી ઘટના કંઈ નવી ન હતી. ફ્લેટમાં આમ પણ સ્વાર્થવૃત્તિ, એકલવાયુ જીવન, કૂપમંડૂક માનસિકતા અને ઔપચારિક વ્યવહાર સાથે જ સંબંધો સચવાતા હોય છે. એમાં રિયાનો કે બીજા કોઈનો પણ વાંક શા માટે કાઢવો?

’ઘર’ છોડી ‘ફ્લેટ’માં આવ્યાને આજે બે વરસ ઉપરનો સમય થવા આવ્યો હતો. શરૂઆતમાં બધું અજુગતુ લાગતું હતું. પરંતુ સમય જતાં બદલાયેલા વ્યવહાર માળખામાં સમગ્ર પરિવાર ફીટ થતો ગયો. થવું જ પડે એમ હતું. સનતભાઈને હજીયે યાદ હતું કે વરસો પહેલા બા ના દાદા-પરદાદાનું જૂનું મકાન વારસાઈમાં પડતા પોતાને ભાગે આવેલી રકમ લઈ બા-બાપુજીએ અહીં કોઈકના વાડાની જમીન લઈ તેના પર ઘર બાંધ્યું હતું. પોતાનાથી નાના એક ભાઈ અને એક બહેન સાથે સનતભાઈનો પરિવાર રૂખી-સૂકી ખાયને પણ ખુશીથી જીવન પસાર કરતા હતા. ‘ઘર’. પોતાનું ‘ઘર’. પરમ શાંતિનો એહસાસ કરાવતું ‘ઘર’. બાળપણાની નિર્દોષ રમતો, ભાઈ-બહેન સાથેની ગમ્મતો, નિર્દોષ રુસણા – મનામણા, દોડાદોડી, સંતાકૂકડી, સાતતાળી, ગીલ્લીદંડાની રમત, લખોટી-લખોટાની રમત, લંગડી દાવ, ક્રિકેટની કાચીપાકી રમત કે પછી મિત્રો સાથે સીમમાં કેરી, આંબલી, જમરૂખ પાડવા કે શેરડી તોડવા ગયેલાને; મોડે સુધી ઘરે ન પહોંચતા બા હાથમાં લાકડી લઈ દોડી આવતી; ખીજાતી, લડતી-વઢતી અને પછી દુલારતી ઘરે લઈ જતી, અને રમત-ગમત અને ધીંગા મસ્તીને કારણે અભ્યાસને અન્યાય થયો હોય એની જાણ કરતું, સાધારણ દેખાવની ઓળખ આપતું પરિણામપત્રક જ્યારે બાપૂજીના હાથમાં આવતું, ત્યારે માર પણ ખાવો પડતો. બાપૂજીના રૌદ્ર સ્વરૂપ આગળ ભયથી પગમાં અને હૈયે ધ્રૂજારી ચઢી જતી. એ સૌ યાદો ભૂલી શકાય એમ ક્યાં હતી? એ બધું જ ઘરના પર્યાય તરીકે સ્મૃતિમાં અકબંધ હતું.

સનતભાઈને એસ.ટીમાં ક્લાર્કની નોકરી મળી ત્યારે બા બાપુજી તો એવા રાજીના રેડ કે કોઈ મોટી જંગમાં, મોટો વિજય પ્રાપ્ત કર્યો હોય એમ આસપાસમાં, અડોશ-પડોશમાં મીઠાઈ પણ વહેંચી આવેલા એ હજી યાદ હતું. આખુ ઘર ખિલખિલાટ કરતું ઝૂમી જ ઉઠેલું. અને એમાંય થોડાં સમયમાં સનતભાઈના રંજનબેન સાથે લગ્ન થયા ત્યારે તો ચાર ચાર દિવસની દોડાદોડી અને ઉત્સવ એવો ઉજવાયો હતો કે ઘર ‘ઘર’ ન રહ્યું, ઝગમગતો આલિશાન મહેલ બની ગયો હતો.

ઘરના પાછળ મોટો વાડો હતો, જાણે સાક્ષાત પ્રકૃતિનો વાસ. આંબાનું મોટું ધીર ગંભીર ઝાડ, પવનને થપાટે મલકાતી, ડોલતી આંબલી અને પેલી ફૂદીનો અને કઢી-લીમડીની ક્યારી તો રીતસરની રમતી અને ઉછળતી. વાડાની એકબાજુ માટીનો ચૂલો હતો. બા વહુ રંજનને રસોઈની સમજ આપતી હતી. આ જ વાડામાં ઘણીવાર બાપુજી સવારે ખુરશી નાંખી છાપું વાંચતા. ચૂલાની પાસે જ નાનુ છાપરું બાંધ્યું હતું, તેમાં બે ચાર ભેંસ બંધાતી. ત્યાં જ દૂધ દોહાતું અને માખણ-છાશ વલોવાતા. વાડાનો વૈભવ રાજાના વૈભવ કરતાં ક્યાંય ઓછો પડે એમ ક્યાં હતો? એ વાડો હતો કે સ્વર્ગભૂમિ?

“રંજન બારી ખોલ તો! જો ને બહાર વરસાદ બહુ પડી રહ્યો છે ને? જો સામા ફ્લેટવાળી છોકરી પેલી રિયા ભીંજાઈને હમણા જ આવી.” કહેતા સનતભાઈ અંદરના રૂમમાં આવ્યા. રંજનબેને બારી ખોલી નાંખી. જોયું તો ખરેખર બહાર ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. સનતભાઈ એ કાચની ખુલ્લી બારીમાંથી હાથ બહાર કાઢી વરસાદ ઝીલ્યો. હાથ ભીંજાયો પરંતુ અંતરમન તો કોરું જ રહ્યું. સનતભાઈનું મન ફરી ‘ઘર’ તરફ ખેંચાયું.

ઘરની આગળના ભાગના ખુલ્લાં ચોગાનમાં વરસાદને ઝીલવાની, દોડીની છબછબ કરવાની, માટીની મીઠી ખુશ્બોને મન ભરી માણવાની, કીડા-મંકોડા અને મખમલ ગાય જેવા કીટકોને નિહાળવાની, શર્ટ કાઢી વરસાદને શરીરે ઝીલવાની મજા તો હવે કેમ મેળવવી? વાડામાં વરસાદથી ન્હાઈને કૃતાર્થ થતા, મલકી રહેલા વૃક્ષો જોઈ મનમાં અદમ્ય, અકલ્પ્ય શક્તિનું અને તાઝગીનું ઝરણું ફૂટી નીકળતું હતું. તો વરસાદમાં ન્હાયા પછી ચાની ચુસ્કી અને ગરમાગરમ ભજિયા હિંચકા પર બેસી ખાવાની લહેજત પણ કંઈ કમ તો નહોતી.

બાપુજીના ગયા પછી આખા ઘરની જવાબદારી સનતભાઈ પર આવી પડી હતી. ભાઈ-બહેનના ધામધૂમથી લગ્ન અહીં જ ઉજવાયા હતા. માની અંતિમ સમય સુધીની ખડે પગે ચાકરી અને માના ગયાનો શોક પણ અહીં જ મનાવ્યો હતો. ઘરની ઈંટેઈંટમાં હર્ષ અને આંસુઓના સરવાળા બાદબાકી છૂપાયા હતા. ઘરના એ ખુલ્લા ચોગાનમાં પોતે અને પોતાના બાળકો તો ખરાં જ, પણ મોટી પૌત્રી શ્રેયા પણ રમી હતી, ફરી હતી. ખુલ્લે મને ડગલીઓ ભરી ચાલતા શીખી હતી. બાળસહજ રમતો કે જે જમીન પર રમી શકાય, એ સઘળી ખેલતા શીખી હતી. પરંતું નાની પૌત્રી કુસુમનો જન્મ તો આ નાનકડા ફ્લેટમાં આવ્યા પછી થયો. દોઢ પોણા બે વરસની આ બેબીના નસીબમાં જમીન, ચોગાન કે વાડો હતો જ ક્યાં? એ માત્ર મોબાઈલના મેનુ ખોલી યુટ્યૂબ કે ગેમ રમી શકતી. પરંતુ મોટીની જેમ ગૌરવવંતી રમતોથી એ વંચિત રહી ગઈ. દસ બાય દસના ફ્લેટના હૉલમાં તો બેબી સીધી ચાલી પણ ક્યાં શકતી હતી? જરા ચાલવાનો પ્રયત્ન કરતી એટલે દિવાલ ‘દિવાલ’ બની ઊભી થઈ જતી હતી. ચાર દિવાલની વચ્ચે બેબીનું બાળપણ રીતસરનું સંકોચાઈ રહ્યું હતું. ભીના હાથને ખંખેરી સનતભાઈએ બારીનો કાચ નિસાસા સાથે બંધ કરી દીધો.

”રંજન ચા લાવ અને પંખો ફાસ્ટ કર. આટઆટલો વરસાદ હોવા છતાં ગરમી લાગે છે” ફ્લેટના જીવનમાં કોઈ પણ ઋતુને પોતે માણી શક્યા ન હતા. પાંગરી રહેલી ત્રીજી પેઢીના ભાવિનો વિચાર સતત એમને સતાવી રહ્યો હતો. ફ્લેટમાં ન ધરતીનો સંગાથ કે ન આકાશની ઑથ. બસ રહેવા અને જીવવા ખાતરનું માત્ર એક સમાધાન જ હતું. પત્ની થોડીવારમાં ચા મૂકી ગઈ અને પંખો પણ ફાસ્ટ કરી ગઈ.

કેમે’ય કરી ફ્લેટમાં મન ગોઠતું ન હતું. બા ગયા ને ખુદના બાળકોની જેમ નાનેથી મોટા કરેલા ભાઈ અને બહેન સમજણ ન કેળવી શકયા. અને ઘરના ભાગલા પડી ગયા. એમાં ને એમાં ઘર વેચાઈ ગયું અને ફ્લેટ લેવાયો. જાણે સુખ ગયું અને સુખનો પ્રયાસ રહી ગયો.

ખાલી કરેલા ઘરને યાદ કરતા હજી આજે’ય સનતભાઈની છાતી ભરાઈ આવતી હતી. હસતા-ખેલતા ઘરનું એકાંત ચીસો પાડી પાડી રડી રહ્યું હતું અને પેલો વાડો? વાડાના આંબા-આંબલી તો વગર વરસાદે રડી રડી બેહાલ હતા. એ છાંયડી અને એ ફળના ઝુમખાઓ એ ચૂપકીદી સેવી લીધી હતી. ઘરના એક એક રૂમ, જૂની ઢબનું રસોડું, બારસાખ, છત-દરવાજા, પણિયારું, કલ્લોલતું ચોગાન સૌના મુખે વિદાયની – વિનાશની વેદના સ્પષ્ટ દેખાતી હતી. ખાલી ઘર જાણે રડીને પોતાને છોડીને ન જવાની દુહાઈ આપી રહ્યું હતું. સનતભાઈને એ સાદ સંભળાયો હતો. પણ કાનમાં રુદનના ડૂચા મારી સનતભાઈ ઘરની બહાર નીકળી ગયા. પગલાં ભારે હતા કે હૈયું? વળીવળીને ઘરને જોતા, આગળ વધતા જતા હતા. આંખોના ખૂણા સાફ કરતા તો એમનાથી રીતસરનું ડૂસકું જ મૂકાઈ ગયું હતું.

શરત મુજબ પાંચે’ક દિવસ બાદ સનતભાઈ નવા મકાન માલિક પાસેથી દરવાજાના એન્ટિક ડાગળા કે જેના પર લટકી બાળપણ ઝૂલ્યું હતું, તે લેવા આવ્યા હતા, અર્ધતૂટેલા ઘર પર મસ મોટું બેરહેમ બૂલડોઝર ચઢી, કચડી રહ્યું હતું.એ દૃશ્ય નજરે ચઢતા તો સનતભાઈના આખા શરીરનું રક્ત સૂકાઈ ગયું હતું. સનતભાઈથી ત્યારે છૂપી ચીસ જ નીકળી ગઈ હતી. ઘર વેચાયું હતું – પારકું કર્યું હતું પણ ઘર સાથેની લાગણી થોડી પારકી થઈ હતી? સંકટમાં નાનું બાળક માવતરને પોકારે, કાકલૂદી કરે એમ ઘર સનતભાઈ સામે જોઈ કાકલૂદી કરી રહ્યું હતું. પરંતુ પોતે કેવા લાચાર હતા?નિરાધાર હતા. એ પોતાના ઘર માટે કંઈ ન કરી શક્યા. એ ભયંકર ક્ષણોને યાદ કરતા આંખો આજે પણ ભરાઈ આવતી હતી.

આજે સનતભાઈને ફરી ઘરની માયા જાગી હતી. આખો દિવસ આમ જ સૂનમૂન બેસી રહેલા સનતભાઈએ, નોકરી પરથી ઘરે આવેલા દીકરાને, જમી પરવારી લીધા બાદ પાસે બેસાડ્યો અને કહ્યું – “બેટા, જો કંઈ પણ થઈ જાય,પરંતુ જમીન સાથેનું ઘર આજે નહિ ને કાલે, પણ તારી સગવડે વસાવજે જરૂર. હું કે તારી મમ્મી હવે તો જીવીને કેટલું જીવશું, પણ તમારી મજલ લાંબી છે દીકરા. રાત્રે થાકી હારીને, સૂતી વેળા આ ધરતીમાનો ધબકાર કાને ન ઝીલાય, તે વળી ઘર હોતું હશે? એ તો આ ફ્લેટ જ હોય બેટા!” સનતભાઈની આંખો ભરાઈ આવી. ચશ્મા કાઢી સનતભાઈએ બે હથેળી વચ્ચે આંખો દાબી દીધી.

દીકરાએ પિતાનો હાથ હાથમાં લઈ હિંમત આપતા કહ્યું, “હા પપ્પા, મને’ય અહિયા ક્યાં ફાવે છે? હાથ હલકો થાય તો લોન કરીને પણ, જમીન સાથેનું ઘર તો હું વસાવીશ જ. ને પપ્પા આપણે હળીમળીને સૌ આમ જ સાથે રહીશું. બિલકુલ પહેલાની જેમ જ. તમે જરાયે ચિંતા ન કરો, બધું સમુંસૂતરું થઈ પડશે.”

સનતભાઈએ ઉંડો શ્વાસ ખેંચી, દીકરાને માથે હાથ ફેરવતા ગળે વળગાડી લીધો.

– ફિરોઝ એ. મલેક (ખોલવડ)


Email This Article Email This Article · Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous હસતા’ક્ષર’ – સંં. તરંગ હાથી
પાંચ લઘુકાવ્યો – પારસ એસ. હેમાણી Next »   

8 પ્રતિભાવો : ઘર – ફિરોઝ મલેક

 1. sandip says:

  ખુબ સરસ લેખ્………
  આભાર્………………

 2. bharat says:

  Firojbhai tame shabdo ekdum chivat purvak pasand karela chhe, Darek shabd undi chhap chhodi jaai chhe.

 3. આખ અને અન્તર એકિસાથે આસુ વહાવે તેવિ ખુબ જ્ સુન્દર વાર્તા!!!
  ફ્ક્ત ઘટ્ના જ અલગ બાકિ મારી વેદના આ વાર્તામા સમાયેલિ લાગિ.
  મને પણ મારા વસાવેલા ઘર માટે ખુબ જ ભારે લગાવ હતો. દાયકાઓથિ વિદેશમા સ્થયિ થતા અને પિતાજિના દેહાન્ત બાદ સગાએ બેઘર કરિ દેતા અપાર્ તમારિ જેમ જ અપાર વેદના થયેલિ.
  હુ વાવનો છુ અને ખોલવડ મ્દ્રેસામા ૫૭ થિ ૬૨સુધિ ભણેલો. સોલિ મલેક મારો સહધ્યાયિ અને અમિન મલેક જી.પ્.મા ૬૪થિ૭૧ સહ કર્મચારિ હ્તા.

 4. Ravi Dangar says:

  અદ્દભૂત……………….

  મારી આસપાસ ઘણા મિત્રો અને હું પોતે આ અનુભવમાંથી પસાર થયેલો છું.

  ગામડામાંથી શહેરમાં આવો ત્યારે ”આત્મા” તો ગામડે જ રહે છે. હું જયારે ગામડેથી શહેર પરિવાર સાથે રહેવા આવ્યો ત્યારે આવી જ લાગણી હૃદયમાં થયેલી.

  હા, હજુ ગામડે ઘર અને જમીન બધું છે એટલે રજાઓમાં ત્યાં જઈને બધાં સ્મરણો ફરીથી વાગોળી શકાય છે……

 5. SHAILENDRA SHAH says:

  very heart touching story.Remember poem in primary school Junu Ghar Khali Karta.Memories with childhood and Tenament missed lot.

 6. Kalidas V.Patel { Vagosana } says:

  મલેકસાહેબ,
  ખરેખર … ઘર એટલે … પૃથ્વીનો છેડો !
  મારા એક સોનેટની છેલ્લી પંક્તિ છેઃ
  ઈંટો ચૂનો ચણતર થકી બાંધતા સૌ મકાનો
  તે તો ભૈ ઘર થઈ જતું સ્નેહ પ્રેમે બધાંના !
  કાલિદાસ વ.પટેલ {વાગોસણા}

 7. ફિરોઝ મલેક says:

  સંદીપભાઈ, ભરતભાઈ,કરસન સાહેબ, રવિ સાહેબ, કાલીદાસસાહેબ આપ સૌના પ્રેરણાદાયી પ્રતિભાવ બદલ આભાર.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.