અંતિમ વ્યાખ્યાન – રેન્ડી પાઉશ, કુમારપાળ દેસાઈ

(આજનો પ્રસ્તુત લેખ શ્રી કુમારપાળ દેસાઈના સુંદર પુસ્તક ‘જીવી જાણનારા’માંથી સાભાર લેવામાં આવ્યો છે. પુસ્તકપ્રાપ્તિની વિગતો લેખને અંતે આપવામાં આવી છે. રીડગુજરાતીને આ સુુંદર પુસ્તક મોકલવા બદલ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ આભાર)

એકાએક ભયાવહ, પ્રાણઘાતક રોગથી ઘેરાઈ ગયેલા માનવી પાસે અતિશય અલ્પ આયુષ્ય બચ્યું હોય, ત્યારે એ શું કરે?

સુખ અને સમૃધ્ધિની પારાકાષ્ડાએ પહોંચેલી જિંદગી પર એકાએક મોતનો કાસદ બારણે ટકોરા મારે, ત્યારે એ શું કરે?

સંપત્તિ અને પ્રસિધ્ધિ પામ્યા પછી જીવનમાં જાહોજલાલીભર્યો સમય ઘરમાં પ્રવેશ કરતો હોય અને એની સાથોસાથ જીવનનો અંત સમય પણ ચોરીછૂપીથી ઘરમાં પ્રવેશતો હોય, ત્યારે શું થાય?

૪૭ વર્ષના અમેરિકાની વિખ્યાત કાર્નેગી મેલન યુનિવર્સિટીના કમ્પ્યૂટર ઈન્ટરેક્શન જેવાં ક્ષેત્રોના નિષ્ણાંત પીએચ.ડી પદવીધારી રેન્ડી પાઉશને એની કામગીરી માટે કેળવણી અને કમ્પ્યૂટર સાયન્સના કેટલાક એવોર્ડો પ્રાપ્ત થયા હતા. ‘કાર્લ રી કાર્લસ્ટ્રોમ આઉટસ્ટેન્ડિગ એજ્યુકેશન એવૉર્ડ’ અને ‘ એવૉર્ડ ફોર આઉટસ્ટેન્ડિગ કોન્ટ્રિબ્યૂશન ટુ કમ્પ્યૂટર એજ્યુકેશન’ અને ‘ફેલો ઓફ ધી એ.સી.એમ’ જેવાં સન્માનો રેન્ડીને પ્રાપ્ત થયાં હતાં કમ્પ્યૂટર સાયન્સના આ અધ્યાપકે એલિસ સોફ્ટવેર પ્રોજેક્ટનું સર્જન કર્યું, તો તેની સાથોસાથ ડિઝની ઈમેજિન્સ સાથે વર્ચ્યુઅલ રિઆલિટી રિસર્ચનો પ્રોજેક્ટ કર્યો. આ વર્ચ્યુઅલ રિઆલિટીની નવી ટૅકનોલોજી ઉપર કરેલા સંશોધનથી પ્રસિધ્ધિ પામનાર રેન્ડી પાઉશે વોલ્ટ ડિઝની જેવી અનેક કંપનીઓના રોમાંચક અને આધુનિક જગતને મંત્રમુગ્ધ કરતા કાર્યક્રમો શક્ય બનાવ્યા હતા.

રેન્ડી પાઉશની એનાં સંશોધનો માટે સર્વત્ર ખ્યાતિ હતી અને એવે સમયે ૪૭ વર્ષના રેન્ડી પાઉશને ૨૦૦૬ના સપ્ટેમ્બરમાં જાણ થઈ કે તેમને પૅન્ક્રિયાસનું કેન્સર થયું છે. આને માટે એણે સારવાર લીધી, પરંતુ બીમારી વધતી ચાલી.૨૦૦૭ના ઑગસ્ટમાં તો આ કુશળ અધ્યાપકને ડૉક્ટરોએ કહ્યું કે તમારા લીવરમાં દસ જેટલી જીવલેણ ગાંઠ છે અને તમારી આયુષ્યમર્યાદા ત્રણથી છ મહિના સુધીની છે.

આવી આઘાતજનક હકીકત રેન્ડી પાઉશે જાણી, તોપણ એ લાચારીથી ઝૂકી ગયો નહીં. જીવલેણ બીમારીના ભયથી ઘેરાઈ ગયો નહીં. કારકિર્દીની ટોચે થયેલા વ્રજાઘાતથી નાસીપાસ થવાને બદલે એણે એક જવાંમર્દની માફક સીમિત આયુષ્યમર્યાદા સ્વીકારતાં કહ્યું,

“અરે, હું કેટલો ભાગ્યશાળી છું, મને ખયાલ છે કે હું કેટલું જીવવાનો છું અને આથી જ મને મારા શેષ આયુષ્યનાં આયોજન કરવાની અણમોલ તક મળી છે. હવે હું મારા જીવનની પ્રત્યેક પળનો પૂરેપૂરો, યથાર્થ
ઉપયોગ કરીશ.”

જિંદગીની જીવલેણ ઘટનાને આ સંશોધક-અધ્યાપકે આનંદભર્યા પડકાર રૂપે સ્વીકારી અને વિચારવા લાગ્યો કે દીર્ઘ આયુષ્ય ભોગવવા કરતાં તમે તમારા આયુષ્યકાળમાં અન્યને માટે કેટલું ઉપયોગી અને લાભદાયી જીવન જીવ્યા છો, તે મહત્વનું છે. રેન્ડી પાઉશે ક્ષણનાય વિલંબ વિના પોતાના જીવનનું આયોજન કરવા માંડ્યું.

ત્રણ બાળકોના પિતા એવા રેન્ડી પાઉશે જિંદગીની આ અગ્નિપરીક્ષા સમયે ચાર કઠોર નિર્ણય કર્યા. એક તો અત્યારે પોતે જે કાર્નેગી મેલન યુનિવર્સિટીમાં અધ્યાપન-કાર્ય કરે છે, તેમાંથી હવે નિવૃતિ લેશે. આ જ યુનિવર્સિટીમાંથી રેન્ડી પાઉશે ૧૯૮૮ના ઑગસ્ટમાં કમ્પ્યૂટર સાયન્સમાં પીએચ.ડી.ની પદવી મેળવી હતી. એ પછી લાંબા સમય સુધી અધ્યાપનકાર્ય કર્યું અને હવે અલવિદા કરવાનો વિચાર કર્યો.

એણે બીજો નિર્ણય એ કર્યો કે નૉરફોકની નજીક વર્જિનીયાના ચેસપિકમાં એની પત્નીના સગાંઓ વસતાં હતાં, એમની નજીક વસવાનું વિચાર્યું. એણે આ બે નિર્ણયો એની જીવનવ્યવસ્થા ગોઠવવા માટે કર્યા અને બાકીનાબે નિર્ણયો જગતને કશુંક આપવા માટે કર્યા. એનો ત્રીજો નિર્ણય એ હતો કે પૅન્ક્રિયાસના કેન્સરનું સંશોધન કરતી કોઈ પ્રયોગશાળા કે હોસ્પિટલને પોતાના પર પ્રયોગો કરવાની છૂટ આપવી. એના આ નિર્ણય સામે એનાં સ્વજનોએ જ નહીં, બલ્કે ડૉક્ટરોએ પણ અસંમતિ દાખવી. આનું કારણ એ હતું કે કેન્સરને માટે કૅમોથેરાપીની સારવાર ખૂબ પીડાજનક હતી. એની આડઅસર એટલી બધી થતી કે દર્દી હતાશ કે નાસીપાસ થઈ જાય અને જિંદગીથી સાવ કંટાળી પણ જાય.

આવે સમયે પોતાના શરીર પર કોઈ નવી શોધ, ઔષધ કે સારવાર માટે પ્રયોગો કરવા, એ તો વળી સામે ચાલીને નવી ઉપાધિ વહોરનારું પાગલપન જ કહેવાય! સાથોસાથ ડૉક્ટરોએ એવી ચેતવણી પણ આપી હતી કે આવા પ્રયોગો કોઈ ગંભીર પરિણામ લાવી શકે અને એમ કરવા જતાં તત્કાળ મૃત્યુ પણ થાય. એનું કેન્સર વધતું જતું હતું અને છતાં એ પોતાના નિશ્ચયમાંથી સહેજ ડગ્યો નહીં. એણે પોતાના રોગની કોઈ ફિકર કર્યા વગર બીજાને મદદરૂપ થવા માટે આ નિર્ણય કર્યો હતો.

જિંદગીના આખરી તબક્કામાં સમાજને ઉપયોગી થવાનો સંતોષ મેળવવા એ ચાહતો હતો, આથી બેફિકર બનીને એણે કેન્સરનાં રોગ પરનાં સંશોધકોને પ્રયોગ કરવા માટે પોતાની જાતને સોંપી દીધી.

પોતે જે સંસ્થામાં વિદ્યાર્થી તરીકે ભણ્યો અને અધ્યાપક તરીકે કામ કર્યુ એ સંસ્થાને કઇ રીતે અલવિદા કરવી? સંસ્થાનો એ શિરસ્તો હતો કે અધ્યાપક આ યુનિવર્સિટીમાંથી વિદાય લેતા હોય, ત્યારે પોતાના અનુભવના નિચોડ સમું પ્રવચન આપે. એ અધ્યાપક પોતાના જીવનમાંથી મળેલી મહત્વની બાબતોની વાત કરે અને સાથોસાથ જાણે ‘કાલ્પનિક રીતે’ પોતાનું છેલ્લું પ્રવચન હોય એ રીતે તમે આ જગતને કયો અનુભવ, ડહાપણ કે વિચાર તમે આપવા માગો છો, તેની વિગતે વાત કરે.

આજ સુધી બીજા અધ્યાપકો તો ‘કાલ્પનિક રીતે’ અંતિમ પ્રવચન માનીને પ્રવચન આપતા હતા,પણ રેન્ડી પાઉશને માટે આ કલ્પના કરતાં સત્ય વધુ હતું. બાયોપ્સીના અહેવાલો કહેતા હતા કે એમનો રોગ ખૂબ ઝડપથી વધી રહ્યો છે અને હવે એમના જીવનનો દીપ બુઝાવાની તૈયારીમાં છે. રેન્ડી પાઉશની પત્ની જેઈ પણ રેન્ડી આવું પ્રવચન આપે તેમ ઇચ્છતી ન હતી. આનું કારણ એ હતું કે રેન્ડીનું શરીર હવે વિશેષ શ્રમ કરી શકે તેમ નહોતું. કૅમોથેરાપી, અન્ય સારવાર, હૉસ્પિટલના ધક્કા અને તબિયતની સતત રાખવી પડતી તકેદારી આ બધી દોડાદોડમાં રેન્ડીને પ્રવચનની તૈયારી કરવાનો સમય ક્યાંથી મળે?

વળી, રેન્ડીનું શરીર પણ ધીરે ધીરે અશક્ત થતું હતું. આ પ્રવચનની તૈયારી માટે એને ખૂબ જહેમત ઉઠાવવી પડે તેમ હતી, કારણકે એમાં એને એના જીવન-અનુભવ અને જીવન-સંદેશનું નવનીત અર્પવાનું હતુ. વળી, હવે એ વર્જિનિયામાં વસવા આવ્યો હતો અને આ પ્રવચન માટે પિટ્સબર્ગમાં આવેલી પોતાની યુનિવર્સિટીમાં જવું પડે તેમ હતું. વર્જિનિયાથી પિટ્સબર્ગની મુસાફરીનો શ્રમ એનું શરીર સહન કરી શકશે કે નહીં, એ પણ મૂંઝવતો સવાલ હતો. એની પત્ની જેઈ ઈચ્છતી હતી કે હવે રેન્ડી પોતાનો આ અંતિમ સમય એની સાથે અને ડિલન, લોગન અને ચોઈ- એ ત્રણ સંતાનો સાથે વ્યતીત કરે.

‘લાસ્ટ લેક્ચર’ આપવાના પોતાના નિર્ણયમાં રેન્ડી પાઉશ મક્ક્મ હતા. એમની પત્ની જેઈની ભાવના સમજતા હતા. એ જાણતા હતા કે કુટુંબ સાથે ગાળેલી પ્રત્યેક ક્ષણ એને માટે અત્યંત મુલ્યવાન હતી, પરંતુ બીજી બાજુ રેન્ડી પાઉશ પોતાના મિત્રો, વિદ્યાર્થીઓને મળીને ૠણમુક્ત થવા ચાહતા હતા. પોતાનાં કુટુંબીજનોની જેમ એ સહુએ રેન્ડીને આજ સુધી હૂંફાળો સાથ આપ્યો હતો. એમનેય કેવી રીતે વિસરાય?

અધ્યાપક રેન્ડીના મનમાં વિચારોનો જુવાળ ચાલતો હતો. પોતાની સમગ્ર જિંદગી પર નજર ઠેરવીને બેઠેલો રેન્ડી આવતી પેઢીને જીવન-પાથેય આપવા અતિ આતુર હતા. પોતાના આ ઘૂંટાયેલા અનુભવો જો આપી શક્શે નહીં, તો પોતે મિત્રો, વિદ્યાર્થીઓ અને સમાજ પ્રત્યે કૃતજ્ઞી ગણાય. પોતાના કુટુંબીજનો સમક્ષ એમની લાગણીના સ્વીકારની સાથે રેન્ડીએ એક એવી દલીલ કરી કે જેનો કુટુંબીજનોને સહર્ષ સ્વીકાર કરવો પડે.

રેન્ડીએ જેઈ અને સ્વજનોને કહ્યું, “અત્યારે મારાં આ બાળકો નાનાં છે, એ મોટા થશે ત્યારે એમની પાસે પિતાની કેવી યાદગીરી હશે? તેઓ બીજા પાસેથી જે કંઈ સાંભળશે, તેનાં આધારે જ મને ઓળખશે. મારા આ અંતિમ પ્રવચનની સીડી અને મારી જીવનયાત્રાના સમગ્ર અર્કસમું પ્રવચન એમને મારે વિશે સ્પષ્ટ, પ્રત્યક્ષ અને સચોટ ખ્યાલ આપશે. હું મારે વિશે એમને કંઈક કહીશ, તેના કરતાં વધારે ઊંડી અસર આ સીડી પરના પ્રવચન દ્વારા થશે. મારાં આ બાળકો પોતાના પિતા કેવા હતા, તેનો નિર્ણય પોતાની જાતે જ કરી શકશે, આ કેટલી મોટી વાત ગણાય.”

રેન્ડી પાઉશના આ લાગણીભર્યા તર્ક અંગે પરિવારજનો સંમત થયા અને પત્ની જેઈએ હસતે મુખે પિટ્સબર્ગ જવાની સંમતિ આપી.

Randy Pausch

યુનિવર્સિટીએ રેન્ડી પાઉશના ‘લાસ્ટ લેક્ચર’ માટેની તૈયારી આરંભી દીધી. ૨૦૦૭ની ૧૮મી સપ્ટેમ્બરનો દિવસ નક્કી કરવામાં આવ્યો. આને માટે રેન્ડી પાઉશના સ્વાસ્થ્યને જોતાં અને સમારંભમાં પહોંચવાની અનુકૂળતાને જોતાં ૧૭મી સપ્ટેમ્બરે પિટ્સબર્ગ પહોંચી જવું જરૂરી હતું. પરંતુ આ ૧૭મી સપ્ટેમ્બર એ તો રેન્ડી પાઉશની પ્રિય પત્ની અને એનાં ત્રણ સંતાનોની વહાલસોયી જનની જેઈનો જન્મદિવસ હતો. પોતાનાં બાળકો વિના આ જન્મદિવસની ઉજવણી થાય તે કેવું? વળી, પતિ-પત્ની બંને જાણતાં હતાં કે જન્મદિવસ સાથે ઊજવવાનો એમને માટેનો અંતિમ અવસર હતો.

આવે સમયે રેન્ડી પાઉશ કુટુંબથી દૂર હોય તે કેમ ચાલે? આવે દિવસે પોતાનાં સંતાનોને એકલાં મૂકીને જેઈ રેન્ડીની સાથે પિટ્સબર્ગ જાય, તે પણ સંભવ નહોતુ. હવે કરવુ શું? અંતિમ પ્રવચનમાં આવેલા આ અવરોધનું નિવારણ કરવા માટે રેન્ડી અને જેઈએ ભારે મથામણ કરી અને છેવટે એવું નક્કી કર્યું કે ૧૭મી તારીખે સહુએ સાથે મળીને જેઈના જન્મદિવસની ઊજવણી કરવી અને ૧૮મી તારીખે વર્જિનિયાથી નીકળી પિટ્સબર્ગ સીધા પ્રવચનના સ્થળે જ પહોંચી જવું અને એ જ દિવસે પાછા ફરવું.

રેન્ડી પાઉશે મુશ્કેલીમાંથી માર્ગ શોધી કાઢ્યો, કારણ એટલું જ હતું કે સાથીઓ, મિત્રો અને વિદ્યાર્થીઓ વચ્ચે ‘લાસ્ટ લેક્ચર’ આપીને સહુની સ્નેહભરી અલવિદા લેવી હતી.

બીજા અધ્યાપકોને માટે આ નિવૃતિ સંદેશ બનતો , કિંતુ રેન્ડીને માટે આ અંતિમસંદેશ હતો. રેન્ડીની તબિયત અત્યંત ક્ષીણ થઈ જતી હતી અને પરિવારજનો પણ એ વર્જિનિયાથી પિટ્સબર્ગની કાર્નેગી મેલન યુનિવર્સિટીમાં જઈને પોતાનાં સ્વજનો,સાથીઓ અને વિદ્યાર્થીઓ સમક્ષ અંતિમ વ્યાખ્યાન આપવાનો શ્રમ લે નહીં તો સારું એમ માનતા હતાં. પરંતુ આ અધ્યાપકે તો પોતાના ‘અંતિમ વ્યાખ્યાન’(લાસ્ટ લૅક્ચર)ની તૈયારી આસંભી દીધી.

૨૦૦૭ની ૧૮મી ડિસેમ્બરે રેન્ડી પાઉશ ‘અંતિમ વ્યાખ્યાન’ આપવા આવ્યો અને વ્યાખ્યાનનો વિષય હતો ‘બાળપણનાં સ્વપ્નની સાચેસાચી સિધ્ધિ’, જિંદગીના અંતે એ બાળપણ ના સ્વપ્નની વાતો કહેવા ચાહતો હતો! બાળપણમાં આંખોમાં આંજેલા સ્વપ્નો સાર્થક કરવામાં કેવાં કેવાં વિધ્નો અને અવરોધો આવ્યાં અને તેને કઈ રીતે પાર કર્યાં તેની આપવીતી પોતાના અંતરંગ માણસો સમક્ષ વ્યક્ત કરવી હતી અને એ રીતે એ સ્વપ્નસર્જનની સાથોસાથ જીવનસાફલ્યની કેડી બતાવવા ચાહતો હતા.

રેન્ડી પાઉશને બાળપણમાં ફૂટબૉલના ખેલાડી થવાની ભારે હોંશ હતી. માત્ર નવ વર્ષની વયે ફૂટબૉલ ખેલવાની તાલીમ આપતી સંસ્થામાં એ જોડાયા હતા. પોતાની પ્રિય રમત ફૂટબૉલ શીખવા માટે એ મેદાન પર ગયો, ત્યારે એને પારાવાર આશ્ચર્ય એ વાતનું થયું કે ફૂટબૉલના કૉચ પાસે જ ફૂટબૉલ નહોતો. આ જોઈને એક બાળકે કૉચને પ્રશ્ન કર્યો, “અમારે ફૂટબૉલની રમત શીખવી છે, પણ ફૂટબૉલ છે ક્યાં? એના વિના કઈ રીતે ફૂટબૉલ ખેલતાં શીખીશું?”

કૉચ માથાફરેલો હતો. એણે એ બાળકને વળતો પ્રશ્ન કર્યો, “ફૂટ્બૉલના મેદાનમાં કેટલા ખેલાડીઓ ખેલતા હોય છે?”

“એક જ ખેલાડી પાસે.” બધાં બાળકોએ ભેગા મળીને ઉત્તર આપ્યો.

“જો એક જ ખેલાડી પાસે ફૂટબૉલ હોય, તો બાકીના બધા ખેલાડીઓ ત્યારે શું કરે છે?” કૉચે પોતાની વાત સ્પષ્ટ કરતાં કહ્યું, “ જુઓ, જે એક ખેલાડી પાસે ફૂટ્બૉલ છે એની નહીં, પરંતુ જે એકવીસ ખેલાડીઓ પાસે ફૂટ્બોલ નથી, એમની મારે તમને વાત કરવી છે. એકવીસ ખેલાડીઓ કેવી રીતે રમે છે એ હું તમને પહેલાં શીખવીશ.”

રેન્ડી પાઉશે એના પ્રવચનમાં કહ્યું કે ફૂટબોલ ખેલાડી બનવાનું એનું બાળપણનું સ્વપ્ન સાકાર થયું નહીં, પરંતુ એને પરિણામે એ કોઈ હતાશા અનુભવતો નથી કે એને એની નિષ્ફળતા ગણતો નથી. આ વિચિત્ર કૉચ પાસેથી એને જાણવા મળ્યું કે કોઈ પણ વિષય કે પ્રશ્નના મૂળ સુધી આપણે પહોંચવું જોઈએ. વળી, કોઈ એક સમયે ફૂટબૉલ કોઈ એક જ ખેલાડી પાસે હોય છે. આ બાવીસ ખેલાડીઓમાંથી કોઈ એક ખેલાડીની કુશળતા ઓછી હોય તો ટીમ પરાજિત થાય. કૉચ પાસેથી એમને સંઘભાવના , ખેલદીલી, ખંત, ધીરજ અને માપક દ્રષ્ટિએ વિચારવા કરવાની ક્ષમતા સાંપડી.

આ સમયના પોતાના એક અનુભવનો ઉલ્લેખ કરતાં રેન્ડી પાઉશે કહ્યું કે એની રમતથી કૉચ નારાજ થાય, ત્યારે એ રેન્ડી પાઉશને સખત સજા ફ્ટકારતા હતા. આને પરિણામે રેન્ડી પાઉશ ઉદાસ થઈ જતો, ત્યારે કૉચ એને એક સોનેરી શિખામણ આપતા. એ કહેતાં, “જ્યારે તારું પરિણામ ખરેખર ખરાબ હોય અને કોઈ વ્યક્તિ એની સહેજય ટીકા કરે નહીં, ત્યારે સમજવું કે કોઈને તારામાં સહેજેય રસ નથી અને તારે માટે કોઈ આશા પણ નથી. કોઈ આપણા તરફ સહેજ ધ્યાન પણ ન આપે, એ અવગણના એ સખતમાં સખત ટીકા કરતાં વધુ ખરાબ છે.” બાળપણની આ ઘટનાને કારણે રેન્ડી પાઉશના હ્રદયમાં એક સૂત્ર જડાઈ ગયું , “આપણા ટીકાકાર આપણા સૌથી મોટા હિતેચ્છુ છે.”

ફૂટ્બૉલના મેદાનનો અનુભવ એમને એમના શિક્ષણમાં ઉપયોગમાં આવ્યો. એમને પોતાના સાથીઓ અને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જગાડવાનો કીમિયો ફૂટ્બોલની રમતે આપ્યો. આઠ વર્ષના રેન્ડી પાઉશ ડિઝનીલૅન્ડમાં ફરવા ગયા, ત્યારે ત્યાંના અત્યંત આશ્ચર્યજનક કાર્યક્રમ જોઈને આ નાની ઉંમરે એમનામાં આવા કાર્યક્રમો ઘડવાના મનોરથો જાગ્યા. આવા કાર્યક્રમ ઘડનારને “Imagineer” કહે છે. ‘ઇમેજિનેશન’ અને ‘એન્જિનિયર’ એ બંને શબ્દનું સંયોજન કરીને આ નવો શબ્દ સર્જવામાં આવ્યો છે. વિખ્યાત યુનિવર્સિટીના પીએચ.ડી. ધારક રેન્ડી પાઉશે ડિઝનીલૅન્ડમાં આવા “Imagineer”ની જગા માટે અરજી કરી અને મનમાં મુસ્તાક હતા કે એમને તો ચપટીમાં નોકરી મળી જવી જોઈએ. પરંતુ એમાં જાકારો મળતાં વાસ્તવિક ધરતી પર આવી ગયા. એ પછી એમણે વર્જિનિયા યુનિવર્સિટી અને ત્યાર બાદ કાર્નેગી મૅલન યુનિવર્સિટીમાં ‘વર્ચ્યુઅલ રીઆલીટી’માં સંશોધન ચાલુ રાખ્યું અને ડિઝનીલૅન્ડ સાથે જોડાયેલા જોન સ્નોડી સાથે કામ કરવાની તક ઝડપી લીધી. એમની સાથે કામ કરવા માટેના એમના પ્રસ્તાવને યુનિવર્સિટીમાં માંડ માંડ પાસ કરાવી શક્યા, પરંતુ આ ઘટનાએ એમના જીવનમાં સહકાર અને પ્રોત્સાહનનું મહત્વ શીખવ્યું.

એક સમય એવો આવ્યો કે ડિઝનીલૅન્ડે રેન્ડી પાઉશને કાયમી ધોરણે કામ કરવાની દરખાસ્ત આપી, ત્યારે રેન્ડી પાઉશે એનો અસ્વીકાર કર્યો, કારણકે તેઓ યુનિવર્સિટીમાં રહેવા ઇચ્છતા હતા. આ અંગે અતિ આગ્રહ થતાં એમણે અઠવાડિયામાં એક દિવસ ડિઝનીલૅન્ડમાં સલાહકાર તરીકેની કામગીરી બજાવવાની જવાબદારી સ્વીકારી. આમ અનેક વિધ્નો પાર કરીને રેન્ડીએ બાળપણનું સ્વપ્ન સાકાર કર્યું.

જોન સ્નોડી પાસેથી રેન્ડી પાઉશને મહત્વની સમજ એ મળી કે જ્યારે કોઈ વિધ્ન આવે, મુશ્કેલી ઊભી થાય, કામ અટકતું લાગે ત્યારે કોઈ વ્યક્તિ ઉપર રોષ કે દ્વેષભાવ રાખવાને બદલે ધીરજથી કામ લેવું જોઈએ. જોન સ્નોડીએ કહ્યું કે સામી વ્યક્તિ તમને સમજી શકે એ માટે એને પૂરતો સમય આપવો જોઈએ. એને જો સમય આપશો તો લાંબા ગાળે એ તમને જરૂર ન્યાય આપશે. આપણો હેતુ શુધ્ધ અને પ્રામાણિક હોય અને પૂર્વગ્રહ, ઈર્ષા, અહમ્ અને ગેરસમજૂતીથી ઊભા થયેલા અવરોધો આપણી નિષ્ઠાથી લાંબા ગાળે દૂર થશે જ. આમાંથી રેન્ડી પાઉશે તારણ કાઠ્યું કે કોઈ પણ માણસ સદંતર દુષ્ટ નથી. એનામાં કંઈક સારું તત્વ તો હોય જ છે, માત્ર તમારે એને માટે રાહ જોવી પડે, જેથી એના હ્રદયમાં પડેલા શુભ તત્વો પ્રગટ થાય. રેન્ડી પાઉશમાં પ્રત્યેક વ્યક્તિમાં નિહિત નિપુણતાને ખોળી કાઢવાની અદ્ભૂત સૂઝ હતી.

રેન્ડી પાઉશ માનતા કે પોતાના માર્ગમાં કોઈ ભીંત આડી આવે તો તે પણ કામની છે. આ ભીંત એક મોટી પરીક્ષા છે. જેનામાં પ્રગતિની અદમ્ય તમન્ના છે એને ભીંત પાર કરવાનો ઉપાય મળશે જ અને જેની નિષ્ઠા થોડીક ઓછી હશે, તે ભીંત પાસેથી પાછો ફરશે.

રેન્ડી પાઉશને એક વ્યક્તિએ એમણે મેળવેલી સફળતાનું રહસ્ય પૂછ્યું, ત્યારે એમણે કહ્યું કે તેઓ શુક્રવારે મોડી રાત સુધી ઑફિસમાં કામ કરે છે. અમેરીકામાં શનિવાર અને રવિવારના વીકએન્ડીની રજાને કારણે મોટાભાગના માણસો શુક્રવારે સાંજે જ ઑફિસમાંથી નીકળી જતા હતા, ત્યારે રેન્ડી પાઉશ મોડે સુધી કામ કરતા અને માનતા કે તક અને તૈયારીનો સંગમ થાય છે, ત્યારે જ નસીબ ખૂલે છે. એમણે એમના ‘અંતિમ વ્યાખ્યાન’માં ભાર દઈને કહ્યું કે તમારા કામમાં તમારી પૂરેપૂરી શક્તિ રેડો અને તેનું પરિણામ તમારા કર્મ પર છોડી દો.

અધ્યાપક તરીક રેન્ડી પાઉશ કાર્યક્ષમતા, સમયપાલન અને શ્રેષ્ઠતાના આગ્રહી હતા, પરંતુ આ બધી બાબતો પ્રત્યે એમનું વલણ માનવતાથી ભરેલું હતું. તેઓ માનતા કે જીવનમાં જ્ઞાનની સાથે લાગણીની ભીનાશ પણ જરૂરી છે. આને કારણે અનેક વિદ્યાર્થીઓએ એમના પ્રયાસથી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો. રેન્ડી પાઉશને એ વાતનો સંતોષ હતો કે એમણે જે વિદ્યાર્થીઓને સહાય કરી તે ઘણા સફળ પૂરવાર થયા હતા. કોઈના સ્વપ્નની સિધ્ધિમાં પોતે નિમિત્ત થતા ત્યારે પારાવાર આનંદનો અનુભવ કરતા.

પોતાના ‘અંતિમ વ્યાખ્યાન’માં રેન્ડી પાઉશે યુવાનો પરની અગાધ શ્રધ્ધા પ્રગટ કરી. એમણે કહ્યું કે એમણે જીવનભર એ વાતમાં વિશ્વાસ રાખ્યો છે કે યુવાનોને એમનું સ્વપ્ન સિધ્ધ કરવાની તક આપશો, તો તેમની શક્તિ જરૂર ખીલી ઊઠશે. આથી એમણે એમના વિભાગનાં દ્વાર યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓ માટે ખોલી નાખ્યાં. પચાસ વિદ્યાર્થીઓને પોતાની કલ્પના પ્રમાણે બે અઠવાડિયાં સુધી ‘વર્ચ્યુઅલ રિયાલિટી’ પર કામ કરવાની તક આપી અને જે વિદ્યાર્થીઓ આ વિષયથી સાવ અજ્ઞાત હતા, એમણે પણ આમાં અવનવા પ્રયોગો કર્યા અને એનું અત્યંત પ્રોત્સાહજનક પરિણામ આવ્યું.

પોતાની જીવન ફિલસૂફી પ્રગટ કરતાં રેન્ડી પાઉશે કહ્યું કે કોઈને તેનાં સ્વપ્ન પૂર્ણ કરવાનો અવસર આપવાથી વધુ સંતોષકારક અને પ્રસન્નતાભર્યું બીજું કોઈ સત્કાર્ય નથી. ‘પ્રસન્નતાથી જીવો અને બીજાને મદદ કરો’ એ રેન્ડી પાઉશનો જીવનમંત્ર હતો. વળી એના આ વિશિષ્ટ કાર્યક્રમની સફળતાથી પ્રેરાઈને કાર્નેગી મૅલન યુનિવર્સિટી એ વિશ્વમાં પ્રથમ એવા ‘એન્ટરટેઈન્મેન્ટ ટૅક્નોલોજી’ની સ્થાપના કરી, જેને રેન્ડી પાઉશે જીવનભર દોરવણી આપી.

આધુનિક જ્ઞાનના વિસ્તારને સહાયરૂપ થવા માટે રેન્ડી પાઉશે ‘એલિસ’ નામનો કમ્પ્યૂટર પ્રોગ્રામ તૈયાર કર્યો, જેમાં વ્યક્તિ જાતે એને સહેલાઈથી વિનામૂલ્યે શીખી શકે. આનો લાખો યુવકોએ લાભ લીધો અને પોતાની શક્તિ અને સૂઝનો ક્રિયાત્મક ઉપયોગ કર્યો. આનો એક પરોક્ષ લાભ એ થતો કે ‘એલિસ’ શીખતાં શીખતાં કમ્પ્યૂટરની જાવા ભાષા પણ આવડી જાય છે.

પોતાના ‘અંતિમ વ્યાખ્યાન’ને અંતે એણે જાહેરાત કરી, “ હવે હું તમારે માટે આશ્ચર્ય રજૂ કરું છું.” અને રેન્ડી પાઉશના મિત્રો એક હાથઘાડીમાં વિશાળ કેક લઈને સભાગૄહમાં આવ્યા. રેન્ડી પાઉશની પત્ની જેઈને આ જોઈને આશ્ચર્ય થયું. રેન્ડી પાઉશે જાહેર કર્યું, “ગઈકાલે મારી પત્નીનો જન્મદિવસ હતો, તેનો જન્મદિવસ ઉજવવનો મારે માટે આ અંતિમ અવસર હતો એટલે તે એકલા ન ઊજવતાં તમને સહુને હું સામેલ કરી રહ્યો છું”

રેન્ડી આ શબ્દો બોલી રહે તે પહેલાં તો જેઈ સ્ટેજ પર દોડી ગઈ. રેન્ડી પાઉશે કેકનો એક ટૂકડો જ્યારે જેઈના મુખમાં મૂક્યો, ત્યારે આખો સભાખંડ લાગણીના પૂરમાં ખેંચાઈ ગયો અને દરેકની આંખમાં આંસુ આવી ગયાં. રેન્ડી પાઉશે એમના ‘અંતિમ વ્યાખ્યાન’નું અંતિમ વાક્ય બોલતા કહ્યું, “મારુ આ પ્રવચન હકીકતમાં મારાં ત્રણ બાળકો માટે છે.”

સભાખંડમાં બેઠેલા સહુ કોઈએ ઊભા થઈને સતત તાળીઓના ગડગડાટથી રેન્ડીનું અભિવાદન કર્યું.

ડૉક્ટરએ છ મહિનાની આયુષ્ય મર્યાદા આપી હતી, પરંતુ રેન્ડી પાઉશ બાર મહિના સુધી જીવ્યા અને ૨૦૦૮ની ૨૫મી જૂલાઈએ એક વીર યોદ્ધાની માફક હોય એમ આ દુનિયાની વિદાય લીધી.

[પુસ્તક કિંમત રૂ. ૧૫૦/-, પ્રાપ્તિસ્થાન – ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધે માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪ ૪૬૬૩]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “અંતિમ વ્યાખ્યાન – રેન્ડી પાઉશ, કુમારપાળ દેસાઈ”

Copy Protected by Chetan's WP-Copyprotect.