અનુવાદના પડકારો – સુમંત વિદ્વાંસ, અનુ. હર્ષદ દવે

સુમંત વિદ્વાંસ

ભાષા આપણાં જીવનનું સહુથી વધારે મહત્વનું પાસું છે. તે માણસો વચ્ચે પરસ્પર સંવાદનું મૂળભૂત માધ્યમ છે. ભાષાનો વૈજ્ઞાનિક અભ્યાસ ભાષા-વિજ્ઞાન કહેવામાં આવે છે. ભાષાનો હેતુ આંતરિક વિચારો અને લાગણીઓને વ્યક્ત કરવાનો, જટિલ અને ગૂઢ વિષયોને સમજાવવાનો, બીજા લોકો સાથે સંવાદ સ્થાપિત કરવાનો, પોતાની ઈચ્છાઓ અને જરૂરિયાતોને પૂરી કરવાનો વગેરે છે. ભાષાનાં મૌખિક, શારીરિક, સાંકેતિક જેવાં ઘણાં રૂપો છે.

એક ધારણા પ્રમાણે વિશ્વમાં લગભગ ૫ થી ૭ હજાર ભાષાઓ છે. તેથી એ સ્વાભાવિક છે કે આ બધી ભાષાઓ શીખવી અને સમજવી કોઈ પણ વ્યક્તિ માટે અસંભવ છે. પણ એકબીજા સાથે સંપર્ક કરવો અને સંવાદ કરવો એ તો બધા માણસો માટેની પ્રાથમિક જરૂરિયાત છે. એટલે કોઈ એવી રીત હોવી જોઈએ કે જેના દ્વારા એકબીજાની ભાષા ન સમજવાવાળા લોકો પણ એકમેક સાથે સંવાદ કરી શકે અને અન્ય ભાષાઓમાં લખેલા પત્રો, સાહિત્ય વગેરેને પણ વાંચી શકે. આ જ છે અનુવાદની ભૂમિકા.

અનુવાદ બે ભાષાઓને જોડતા પુલ જેવો છે અને તેની મદદથી લોકો બીજી ભાષાઓની સામગ્રીને પોતાની ભાષામાં મેળવી શકે છે. અનુવાદ કોઈ એક ભાષામાં લખાયેલી અથવા બોલાયેલી વાતોને બીજી ભાષામાં બદલવાની પ્રક્રિયા છે. અનુવાદ માનવ-જીવનના લગભગ પ્રત્યેક કાર્યક્ષેત્રમાં બહુ વધારે મહત્વ ધરાવે છે અને ભાષા-વિજ્ઞાન, વેપાર, શિક્ષણ, કાયદો, ધર્મ, સાહિત્ય, સંચાલન, વહીવટ, સરકારી કામકાજ વગેરે અનેક ક્ષેત્રોમાં તેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. પણ અનુવાદ કરવો એ ફક્ત એક ભાષાના શબ્દોને બીજી ભાષામાં બદલવા જેટલું મર્યાદિત કાર્ય નથી. હકીકતમાં તો તે અનુવાદનો માત્ર એક ભાગ છે. અનુવાદમાં ઉપયોગમાં લેવામાં આવતા શબ્દોની પસંદગી કરવી, વ્યાકરણના નિયમોનું પાલન કરવું અને સાંસ્કૃતિક સંદર્ભોનું ધ્યાન રાખવું પણ જરૂરી હોય છે. અનુવાદ ભૂલ વગરનો અને સ્પષ્ટ હોવો જોઈએ જેથી વાચકોને તે સમજવામાં મુશ્કેલી ન પડે અને જે કહેવાનો હોય તે સંદેશ સ્પષ્ટપણે વ્યક્ત થાય તેવો હોવો જોઈએ.

અનુવાદ વિષે કેટલીયે ભ્રામક ધારણાઓ પ્રચલિત છે. ઘણા લોકો એમ વિચારે છે કે એક ભાષામાંથી બીજી ભાષામાં કોઈપણ વિગતનો અનુવાદ કરવા માટે એટલું જ પૂરતું છે કે વ્યક્તિ એ બંને ભાષા જાણતી હોય. બીજી ભ્રામક ધારણા એ છે કે અનુવાદમાં કેવળ એક ભાષામાં લખેલા શબ્દોને બીજી ભાષાના એ જ અર્થવાળા શબ્દોની સાથે બદલી નાખવાની જ જરૂર હોય છે, માટે કોઈપણ વ્યક્તિ કેવળ એક શબ્દકોશની (ડીક્ષનરીની) મદદથી કોઈપણ ભાષામાં અનુવાદ કરી શકે. એવી જ એક બીજી એવી ભ્રામક ધારણા છેલ્લા થોડા સમયથી પ્રચલિત છે કે ઈન્ટરનેટ ઉપર પ્રાપ્ય કોઈપણ મશીન ટૂલની મદદથી તરત જ એકમાંથી બીજી ભાષામાં અનુવાદ થઇ શકે છે, એટલે હવે અનુવાદ કરવા માટે માણસોની જરૂર નથી રહી. હકીકતમાં જે લોકો એવી ભ્રામક ધારણાઓ પર ભરોસો રાખે છે તેમને અનુવાદના મહત્વ અને અનુવાદ-પ્રક્રિયાની જટિલતાઓ અને પડકારોનો અનુભવ નથી. આવો આપણે એ પડકારો વિષે સવિસ્તર ચર્ચા કરીએ. તમારી સગવડતા માટે આપણે આ પડકારોને મુખ્ય બે વિભાગોમાં વહેંચી શકીએ છીએ: ભાષાને લગતા પડકારો અને ટેકનિકલ પડકારો.

ભાષાનો હેતુ સંવાદ સ્થાપિત કરવાનો છે. જો તે જ નિરર્થક થઇ જાય તો ભાષા નકામી બની જાય. એક સારા અનુવાદક માટે એ જરૂરી છે કે જે બે ભાષાઓનો ઉપયોગ કરીને તે અનુવાદ કરે છે તે બંને ભાષાઓને બોલવાવાળા લોકોની સંસ્કૃતિ, ઈતિહાસ અને માન્યતાઓ વગેરેથી પણ તે સુપરિચિત હોય. જો અનુવાદક એ બંને ભાષાઓમાં કુશળ નહીં હોય તો એવી સંભાવના વધારે રહે છે કે તે અભિપ્રેત સંદેશાને પોતાના અનુવાદના માધ્યમથી વ્યક્ત કરવામાં સફળ નહીં થઇ શકે. પ્રત્યેક ભાષાની પોતાની અનોખી રચના હોય છે. ભાષાની રચનાની અસર અનુવાદની સચોટતા અને સરળતા પર પણ થાય છે. જો ભાષા સરળ હોય તો તેનો અનુવાદ કરવો પણ એટલો જ સરળ થઇ જાય છે.

દાખલા તરીકે અંગ્રેજીનું એક સરળ વાક્ય જોઈએ: ‘They eat fruits.’ જો આનો ગુજરાતીમાં અનુવાદ કરવો હોય તો, શબ્દોનો ક્રમ બદલાઈ જશે અને આપણે આ રીતે લખવું પડશે: ‘તેઓ ફળ ખાય છે.’ પરંતુ જો કોઈ વ્યક્તિ કેવળ શબ્દકોશ અથવા મશીન ટૂલની મદદથી અંગ્રેજી શબ્દોને ગુજરાતીમાં બદલી નાખે તો તેનો અનુવાદ : ‘તેઓ ખાય ફળ.’ થઇ જશે, જે વ્યાકરણની દૃષ્ટિએ પણ ખોટું છે અને વાંચવામાં પણ અસ્પષ્ટ છે. કલ્પના કરો કે જો તમે કોઈ નવલકથા ખરીદી હોય અને તેમાં આ રીતનો અનુવાદ કરેલાં વાક્યો જ લખેલાં હોય તો તમને કેવું લાગશે? એવા અનુવાદમાં ભાષાનું સૌન્દર્ય નહીં જળવાઈ શકાયું હોય અને તમને તેનો અર્થ પણ બરોબર નહીં સમજાઈ શક્યો હોય.

આ જ રીતે સંયુક્ત શબ્દોનો સાચો અર્થ સમજવો એ પણ અનુવાદનું એક મહત્વનું પાસું છે અને એનો અનુવાદ કરવો એ પણ એક પડકાર છે. સંયુક્ત શબ્દ બે અથવા વધારે શબ્દોનો મળીને બનેલો શબ્દ હોય છે, પરંતુ તેનો અર્થ સામાન્યપણે તેમાંના કોઈ પણ શબ્દોના અર્થ કરતાં જુદો હોય છે. દાખલા તરીકે અંગ્રેજીમાં એક શબ્દ છે ‘bookworm’ અથવા ગુજરાતીમાં ‘પુસ્તકીય કીડો’. પરંતુ તેનો આશય કોઈ પુસ્તક કે કીડા સાથે નથી, પરંતુ એ એવી વ્યક્તિ માટે વાપરવામાં આવે છે જેને પુસ્તકો વાંચવાનો જબરો શોખ હોય. આ રીતે અંગ્રેજી શબ્દ ‘deadline’ નો અર્થ કોઈ મૃત વ્યક્તિ કે રેખા અથવા પંક્તિ વિષે નથી પરંતુ ‘કોઈ પણ કાર્ય માટે સ્વીકાર્ય હોય તેવી અંતિમ તારીખ’ અથવા ‘સમય મર્યાદા’ એવો થાય છે. બીજું એક ઉદાહરણ જોઈએ : ‘butterfly’ નો અર્થ પતંગિયું થાય છે, માખણ (butter) કે માખી (fly) નહીં. એ જ રીતે જયારે આપણે ”ગુલાબ જાંબુ’ કહીએ છીએ ત્યારે તે એક મીઠાઈના સંદર્ભમાં કહીએ છીએ, ત્યારે આપણે તેમાં ગુલાબનું ફૂલ અથવા જાંબુના ફળની વાત નથી કરતા હોતા.

રૂઢિપ્રયોગો અને કહેવતોનો અનુવાદ કરવો કદાચ સહુથી મુશ્કેલ કાર્ય છે. તેનો અનુવાદ કરવા માટે એ ભાષા સાથે જોડાયેલી સંસ્કૃતિથી પરિચિત હોઈએ તો તેથી વધારે મદદ મળે છે. એ ધ્યાન રાખવું પણ જરૂરી છે કે તેનો અનુવાદ શબ્દશઃ કરવામાં નથી આવતો, તેને બદલે અનુવાદકે બીજી ભાષામાં એ જ અર્થવાળો કોઈ રૂઢિપ્રયોગ કે એને મળતી કોઈ કહેવત શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ. દાખલા તરીકે અંગ્રેજી કહેવત ‘A bad workman blames his tools.’ નો શબ્દશઃ અનુવાદ કરીને તેને ‘એક અણઘડ કારીગર પોતાના ઓજારોનો વાંક કાઢે છે.’ લખવામાં આવે તો તેમાં મૂળ ભાવના જ વ્યક્ત નહીં થઇ શકે અને અનુવાદ નિરર્થક બની જશે. એટલે ગુજરાતીમાં તેનો અનુવાદ કરતી વખતે ‘નાચ ન જાને આંગન ટેઢા’ (નાચવું ન હોય તો આંગણું વાંકુ) રૂઢિપ્રયોગનો ઉપયોગ કરવો જોઈએ.

આ રીતે વ્યંગ્યોક્તિનો (કટાક્ષ/વક્રોક્તિ) અનુવાદ કરવો એ પણ આવો એક પડકાર જ છે. વ્યંગ્ય એવી ટીકા કે ભાવ વ્યક્ત કરવાની ધારદાર રીત છે કે જેમાં સામાન્યપણે જે કહેવામાં આવી રહ્યું હોય તેનાથી ઉલટો જ અર્થ વ્યક્ત થતો હોય છે. જો વ્યંગ્યનો પણ શબ્દશઃ અનુવાદ કરવામાં આવે તો તેનો અર્થ માર્યો જાય છે કારણ કે અનુવાદ દ્વારા જે સંદેશો અભિવ્યક્ત થશે તેનો અર્થ જે કહેવાનું હોય તેનાથી ઉલટો જ હશે. આવો જ પડકાર પદ્યના અનુવાદમાં પણ ઊભો થાય છે કારણ કે કાવ્યમાં મોટેભાગે શબ્દોનો ક્રમ ગદ્ય કરતાં જુદો જ હોય છે અને ઘણીવાર તેમાં ગર્ભિત અર્થ (અધ્યાહાર) પણ હોય છે. એ સ્વાભાવિક છે કે કોઈપણ મશીન ટૂલ વાસ્તવિક અનુવાદકની મદદ વગર સચોટ અનુવાદ ન કરી શકે. ટૂંકમાં, આપણે એમ કહી શકીએ કે અનુવાદમાં ફક્ત શબ્દાર્થ ઉપર જ નહીં, પરંતુ ભાવાર્થ પર પણ ધ્યાન આપવું જરૂરી હોય છે.

અનુવાદ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખવું પણ જરૂરી છે કે જુદા જુદા સંદર્ભોમાં એક જ શબ્દના એકથી વધારે અર્થ થઇ શકે છે. એટલે સંદર્ભને સમજવો અને તે મુજબ સહુથી વધારે બંધબેસતો હોય તેવા યોગ્ય અર્થની પસંદગી કરવી એ મહત્વની બાબત બની જાય છે, નહીં તો અર્થનો અનર્થ થઇ શકે છે. ઉદાહરણ તરીકે અંગ્રેજી શબ્દ ‘leave’ નો અર્થ ‘છોડવું’ અથવા ‘રજા’ બંને થઇ શકે છે, ‘left’ શબ્દ માટે ‘ડાબું’, ‘બચેલું/છાંડેલું/ત્યજેલું/વામમાર્ગી’ વગેરે જુદા જુદા અર્થો છે અને ‘Quarter’ શબ્દનો ઉપયોગ ‘પા’ ચોથો ભાગ’ ‘રહેઠાણ’ ‘ત્રિમાસી’ વગેરે અનેક અર્થોમાં થઇ શકે છે. જો અનુવાદક સંદર્ભનું ધ્યાન રાખ્યા વગર આ શબ્દોના કોઈપણ અર્થનો ઉપયોગ કરે તો અનૂદિત વાક્ય આખે આખું ખોટો સંદેશો આપી શકે અથવા તો તે નિરર્થક પણ બની શકે છે.

અનુવાદ કરતી વખતે એ વાતનું પણ ધ્યાન રાખવું જરૂરી છે કે અનુવાદ કયા વય-જૂથના લોકો, વ્યાવસાયિક વર્ગના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. તેના આધારે યોગ્ય શબ્દોની પસંદગી અને શૈલીની પસંદગી કરવી એ મહત્વની બાબત છે. બાળકોને લગતાં કોઈ પુસ્તકનો અનુવાદ કરતી વખતે જે શૈલીનો ઉપયોગ કરવામાં આવે તે કોઈ કાયદેસરના દસ્તાવેજના અનુવાદની શૈલી કરતાં જુદી જ રહેશે તે જ રીતે કોઈ નવલકથા કે કવિતાનો અનુવાદ કરતી વખતે જે શૈલીનો ઉપયોગ કરવામાં આવે તેના કરતાં કોઈ ઉત્પાદનના ઉપયોગને લગતી સૂચનાઓનો અનુવાદ કરવાની શૈલીનો ઉપયોગ અલગ જ રહેશે.

આ વાતોનો વિચાર કરવાથી એ સ્પષ્ટ થઇ જાય છે કે ઉપર આપણે અનુવાદ વિષે જે પ્રચલિત ધારણાઓની ચર્ચા કરી હતી તે કેટલી ભ્રામક છે અને તેના પર ભરોસો કરવો હકીકતમાં કેટલો નુકસાનકારક સાબિત થઇ શકે છે. આવો હવે ટેકનિકલ પડકારોની ચર્ચા કરીએ.

અનુવાદના ક્ષેત્રના પડકારોમાં એક મહત્વનું પાસું ટેકનિકલ પડકારો સાથે સંકળાયેલું છે. કમ્પ્યૂટર, સોફ્ટવેર, ઈન્ટરનેટ અને તેની સાથે જોડાયેલી ટેકનિકલ પ્રક્રિયાના વિકાસ અને વિસ્તારને કારણે હવે અનુવાદની પરંપરાગત પદ્ધતિમાં ઘણા મોટા મોટા પરિવર્તનો થયા છે. હવે અનુવાદનું કામ પહેલાંની જેમ કાગળ અને કલમથી નહીં પણ કમ્પ્યૂટરની મદદ વડે કરવામાં આવે છે. પરંપરાગત શબ્દકોશોનું સ્થાન હવે ઓનલાઈન શબ્દકોશ લઇ લેવા લાગ્યા છે, કમ્પ્યૂટર અસીસ્ટેડ ટ્રાન્સલેશન (CAT) જેવાં સાધનો અથવા સોફ્ટવેરનો ઉપયોગ પણ થવા લાગ્યો છે. ચોક્કસપણે, પરંપરાગત સાધનો અને પદ્ધતિઓની સરખામણીમાં તેના પોતાના લાભ છે, પરંતુ એ પણ છે કે એની સાથે જોડાયેલા કેટલાક ટેકનિકલ પડકારોનો સામનો કરવાનો આવે છે જે પરંપરાગત અનુવાદ પદ્ધતિમાં ન હતા.

કમ્પ્યૂટર અસીસ્ટેડ ટ્રાન્સલેશન (CAT) અનુવાદ કરવાની એવી રીત છે જેમાં વાસ્તવિક અનુવાદક (માણસ) એક કમ્પ્યૂટર સોફ્ટવેરની મદદથી અનુવાદ કરે છે, એટલે કે મશીન પોતે અનુવાદ નથી કરતું, પરંતુ તે અનુવાદ કાર્યમાં માણસની મદદ કરે છે. કમ્પ્યૂટર અસીસ્ટેડ ટ્રાન્સલેશનમાં (CAT) પ્રમાણિત શબ્દકોશ અને વ્યાકરણને લગતા સોફ્ટવેર હોઈ શકે છે. તેની સાથે, તેમાં ટ્રાન્સલેશન મેમરી (અનૂદિત વાક્યોની સ્મૃતિ) પણ હોય છે, જેમાં સ્રોત ભાષાનું પ્રત્યેક વાક્ય અને અનુવાદક દ્વારા થનારા તેના અનુવાદનો સંગ્રહ કરી લેવામાં આવે છે જેથી આગળ ઉપર જયારે ક્યાંય પણ તે સ્રોત વાક્યનો અનુવાદ કરવાનો આવે ત્યારે અનુવાદકે ફરીને તેનો અનુવાદ ન કરવો પડે. તેને બદલે ટ્રાન્સલેશન મેમરી જાતે જ તે અનુવાદ કરી આપે. આથી અનુવાદની ઝડપ વધે છે, પરંતુ તેને કારણે મુશ્કેલી ત્યારે આવી શકે કે જયારે એક જ શબ્દ કે વાક્ય જુદા જુદા અર્થોમાં આવતું હોય. તેથી જ અનુવાદકોએ તેની મદદ તો લેવી જોઈએ પરંતુ તેના પર સંપૂર્ણપણે આધારિત ન થઇ જવું જોઈએ.
એ સ્પષ્ટ છે કે કમ્પ્યૂટર અસીસ્ટેડ ટ્રાન્સલેશન (CAT) ટૂલ ઝડપથી અને સારી ગુણવત્તાવાળો અનુવાદ કરવામાં માણસોની મદદ કરે છે પરંતુ વાસ્તવમાં આ ઉપકરણ જાતે અનુવાદ નથી કરતું. કોઈ સોફ્ટવેર દ્વારા કરવામાં આવતો અનુવાદ મશીન ટ્રાન્સલેશન કહેવાય છે. આ પ્રક્રિયામાં એક કમ્પ્યૂટર પ્રોગ્રામ સ્રોત ભાષાની વિગતનું વિશ્લેષણ કરે છે અને સૈદ્ધાંતિક રીતે, માણસના હસ્તક્ષેપની આવશ્યકતા વગર લક્ષ્ય ભાષામાં તે વિગતનો અનુવાદ કરી આપે છે. જો કે ઉપર આપણે જે જે ભાષાકીય પડકારો (વાક્યની રચના, રૂઢિપ્રયોગો, સંયુક્ત શબ્દો, અનેકાર્થી શબ્દો વગેરે) ની ચર્ચા કરી છે તેને લીધે કોઈપણ સોફ્ટવેર અથવા મશીન હજુ સચોટ અનુવાદ કરી શકવા માટે સક્ષમ કે સમર્થ નથી. એટલા માટે આવા બધા મશીન અનુવાદોને માણસો વડે તપાસવાની અને સંપાદિત કરવાની જરૂર પડે છે.

આ ઉપરાંત CAT ટૂલ્સ સાથે જોડાયેલા કેટલાક બીજા ટેકનીકલ પડકારો પણ છે. અલગ અલગ કંપનીઓ દ્વારા એવા કેટલાય સોફ્ટવેર વિકસાવવામાં આવ્યા છે. મોટેભાગે તે એકબીજા સાથે સુસંગત નથી હોતા. એટલે કે એક CAT ટૂલમાં ઉપયોગ કરવામાં આવેલી ટ્રાન્સલેશન મેમરી, ટર્મબેસ (શબ્દકોશ) અને અનુવાદ માટે બનાવવામાં આવેલી સ્રોત ફાઈલ સામાન્ય રીતે ફક્ત એ જ CAT ટૂલનો ઉપયોગ કરીએ તો જ ખોલી શકાય છે, કોઈ બીજા CAT ટૂલમાં નહીં. આવી રીતે તેમની સુસંગતતા ઓપરેટિંગ સિસ્ટમ (વિન્ડોસ, મેક, લિનક્સ વ.) મુજબ અલગ અલગ રીતની હોઈ શકે છે. જુદી જુદી કંપનીઓ અને અનુવાદ એજંસીઓ પોતપોતાના અગ્રતાક્રમ અને જરૂરિયાત મુજબ પોતાના ટૂલ્સની પસંદગી કરે છે. એ બધા ટૂલ્સને ખરીદવાનો અને તેનો ઉપયોગ કરતાં શીખવાનો પણ અનુવાદકો માટે એક પડકાર હોય છે. આ ઉપરાંત વિભિન્ન પ્રકારના ફોન્ટ (યૂનિકોડ અને યૂનિકોડ ન હોય તેવા), કીબોર્ડ, લેઆઉટ વગેરે શીખવું પણ આવશ્યક બની જાય છે. એવી આશા સેવવામાં આવે છે કે ટેકનિકલ ક્ષેત્રમાં થઇ રહેલી એકધારી પ્રગતિને લીધે નજીકના ભવિષ્યમાં કદાચ આ પડકારોને સંપૂર્ણપણે પહોંચી વળી શકાશે, પરંતુ હાલ પૂરતો સહુથી શ્રેષ્ઠ ઉપાય એ જ છે કે અનુવાદક આ ક્ષેત્રમાં સહુથી વધારે લોકપ્રિય અને પ્રચલિત ઓપરેટિંગ સીસ્ટમ, CAT ટૂલ્સ, ફોન્ટ, કીબોર્ડ, લેઆઉટ વગેરે વિષે માહિતી મેળવે અને એ બધાનો ઉપયોગ કરતા શીખી લે. ભલે આ આદર્શ ઉપાય ન હોય, પરંતુ અત્યારે તો આ ટેકનિકલ પડકારોનો સામનો કરવા માટે ખપ જોગો અને હાથવગો એકમાત્ર ઉપાય આ જ છે.

ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે અનુવાદના પડકારોને પહોંચી વળવા માટે અનુવાદકમાં ઓછામાં ઓછા નીચે દર્શાવેલા ગુણ હોવા જરૂરી છે: જે ભાષામાંથી અનુવાદ કરવામાં આવી રહ્યો છે (સ્રોત ભાષા) અને જે ભાષામાં અનુવાદ થઇ રહ્યો છે (લક્ષ્ય ભાષા), એ બંને ભાષાઓમાં કૌશલ્ય.

બંને ભાષાઓની રચના, વ્યાકરણ, સામાજિક-સંસ્કૃતિક-ઐતિહાસિક સંદર્ભોની માહિતી તથા સમજણ. એ વાતને સમજવાની ક્ષમતા કે ક્યારે શબ્દશઃ અનુવાદ કરવો જોઈએ અને ક્યારે શબ્દાર્થ કરતાં વધારે ધ્યાન ભાવાર્થ ઉપર આપવું જોઈએ. જુદા જુદા CAT ટૂલ્સ અને તેને લગતા ટેકનિકલ પાસાઓ જેવા કે ફોન્ટ અને કીબોર્ડ તથા લેઆઉટ વગેરેની માહિતી તથા તેમાં કામ કરવાનો અનુભવ.

આ જરૂરિયાતોને સંપૂર્ણપણે પૂરી કરવી એટલા માટે અનિવાર્ય છે કે અનૂદિત સામગ્રી ફક્ત અભિપ્રેત સંદેશને પૂરેપૂરો અભિવ્યક્ત કરી શકે એટલું જ નહીં પરંતુ ભાષાના સૌન્દર્યને પણ જાળવી રાખી શકે. આ પડકારો ભલે કઠીન લાગતા હોય, પરંતુ તેને પહોંચી વળવાનું અશક્ય નથી. સકારાત્મક અને વ્યાવહારિક દૃષ્ટિકોણ તથા નિરંતર પ્રયાસ દ્વારા દરેક પડકારોને પહોંચી વળવું શક્ય બને છે.

(गर्भनाल http://www.garbhanal.com ના જૂન, ૨૦૧૮ ના અંકમાંથી સાભાર)

(સુમંત વિદ્વાંસ : ૨૪ એપ્રિલ, ૧૯૮૪ માં ભિલાઈમાં જન્મ. બી.સી.એ, એમ.એસ.સી કમ્પ્યૂટર સાઈન્સ અને એમ.સી.એની પદવી પ્રાપ્ત કરી. લેખક – અનુવાદક તરીકે વિશ્વની અનેક બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કામ કર્યું. કમ્પ્યૂટર વિજ્ઞાનના એક પુસ્તકનું સહલેખન ઉપરાંત ૧૦ થી વધારે પુસ્તકોનો અનુવાદ તથા અનેક પુસ્તકો માટે સંપાદનકાર્ય કર્યું. ભારાનતા વડાપ્રધાનની જીવનગાથાના અનુવાદના કાર્યમાં પણ યોગદાન આપ્યું. સિંગાપુર, આયર્લેન્ડ, થાઈલેન્ડ, મલેશિયા, ઇન્ડોનેશિયા, માલદીવ, કમ્બોડિયા વગેરે દેશોનો પ્રવાસ કર્યો. હાલમાં ફેસબુકના મુખ્ય કાર્યાલયમાં હિન્દી લેન્ગવેજ મેનેજર તરીકે કાર્યરત તથા સનફ્રાંસીસ્કોની પાસે ફ્રિમોન્ટમાં નિવાસ કરે છે.

હર્ષદ દવે : ૩ મે, ૧૯૫૨ માં પોરબંદરમાં જન્મ. એમ.કોમ, એલ.એલ.બી, સી.એ.આઈ.આઈ.બી, રાષ્ટ્રભાષા રત્નની પદવી પ્રાપ્ત. લેખન-અનુવાદ કાર્યનો ૩૦ વર્ષથી વધુનો બહોળો અનુભવ. ૩૫ કરતાં વધારે ગુજરાતી – હિન્દી – અંગ્રેજી પુસ્તકોનો અનુવાદ પ્રકાશિત. હાલમાં બેન્કિંગ ક્ષેત્રમાંથી સેવા-નિવૃત્તિ લઇ વડોદરામાં નિવાસ.)

Leave a Reply to Harshad Dave Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “અનુવાદના પડકારો – સુમંત વિદ્વાંસ, અનુ. હર્ષદ દવે”

Copy Protected by Chetan's WP-Copyprotect.