એમ. કરુણાનિધિ, તમિલ સિનેમા અને રાજનીતિ – નિલય ભાવસાર

તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને ડીએમકે પાર્ટીના અધ્યક્ષ એમ. કરુણાનિધિનું તારીખ ૭ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ નિધન થયું, તેઓ ૯૪ વર્ષના હતા. તેઓ કુલ પાંચ વખત તમિલનાડુના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને ૧૩ વખત વિધાનસભાની ચૂંટણી લડીને તે તમામ ચૂંટણીમાં તેઓ વિજેતા બન્યાં છે. કરુણાનિધિને લોકો પ્રેમથી કલાઇગ્નર એટલે કે કલાકાર તરીકે સંબોધતા હતા. તમિલનાડુને સામાજિક અને આર્થિકરીતે પ્રગતિશીલ રાજ્ય બનાવવામાં તેઓનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે, ભારતીય રાજનીતિમાં પણ તેઓનું યોગદાન અતુલનીય છે. મુથુવેલ કરુણાનિધિને બાળપણથી જ લેખનકાર્યમાં રુચિ પેદા થઇ ગઈ હતી. પણ, જસ્ટિસ પાર્ટીના નેતા અલાગિરીસામીના ભાષણોએ તેમનું ધ્યાન રાજનીતિ તરફ કેન્દ્રિત કર્યું. કરુણાનિધિએ તેમની કારકિર્દીની શરૂઆત એક કુશળ ફિલ્મલેખક તરીકે કરી હતી અને તેમણે સૌપ્રથમ તમિલ ફિલ્મ ‘રાજકુમારી’ માટે સંવાદ લખ્યા હતા, ફિલ્મક્ષેત્રે તેમણે લખેલા સંવાદોમાં સામાજિક ન્યાય અને પ્રગતિશીલ સમાજની વાત રજૂ થતી હતી. તેમણે વર્ષ ૧૯૪૭થી લઈને વર્ષ ૨૦૧૧ સુધી એટલે કે લગભગ ૬૪ વર્ષ સુધી ફિલ્મ્સ માટે લેખનકાર્ય કર્યું છે અને તે સિવાય તેઓ ટેલિવિઝન માટે પણ લેખનકાર્ય કરી ચૂક્યા છે. તમિલ ફિલ્મ ‘પરાશક્તિ’ (૧૯૫૨)માં કરુણાનિધિએ ફિલ્મના સંવાદો થકી અંધવિશ્વાસ, ધાર્મિક કટ્ટરતા અને તે સમયની સામાજિક વ્યવસ્થા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. પોતાના વિચારોનો મોટાપાયે પ્રચાર કરવા માટે કરુણાનિધિએ મુરાસોલી નામના એક અખબારનું પ્રકાશન પણ શરૂ કર્યું હતું, આ અખબાર બાદમાં DMK પાર્ટીનું મુખપત્ર બન્યું હતું.

મલાઈકલ્લન, મનોહરા જેવી અનેક ફિલ્મ્સમાં પોતાના શાનદાર સંવાદલેખન થકી કરુણાનિધિ તમિલ ફિલ્મ ઉદ્યોગમાં સૌથી મોટા સંવાદ લેખક બની ચૂક્યા હતા. લેખક અને પત્રકાર તરીકે તેમનું યોગદાન અસાધારણ રહ્યું છે. તેમણે લગભગ ૨ લાખ કરતા પણ વધારે પાનાંનું લેખનકાર્ય કર્યું છે. કરુણાનિધિ ફિલ્મ કથા, પટકથા અને સંવાદ લેખક હોવાની સાથે-સાથે ગીતકાર પણ હતા, તેમણે તમિલ ફિલ્મ્સ માટે ૧૦થી ૧૫ જેટલા ગીતો પણ લખ્યા છે. જે પૈકી વર્ષ ૧૯૬૬માં આવેલી તમિલ ફિલ્મ મરાક્કા મુદીયામા (How Can We Forget?) ફિલ્મમાં તેમણે લખેલા ગીતના શબ્દો કંઇક આ પ્રમાણે હતા, “ગરીબોને રહેવા માટે કોઈ જગ્યા નથી, મંદિરમાં કોઈ ભગવાન નથી”. કરુણાનિધિ ફિલ્મ લેખનના ક્ષેત્રમાંથી રાજનીતિમાં કેવી રીતે આવ્યા તે જાણવાનો આપણે અહીં પ્રયાસ કરીશું. વર્ષ ૨૦૧૪માં પ્રકાશિત લેખક એમ. માધવ પ્રસાદના CINE-POLITICS Film Stars and Political Existence in South India નામક પુસ્તકના દ્વિતીય પ્રકરણ MGR and the Roots of Cine-Politicsમાંથી કેટલીક વિગતો અહીં રજૂ કરવામાં આવી છે.

તમિલ રાષ્ટ્રવાદી રાજકારણની વાર્તામાં દ્રવિડ મુન્નેત્ર કઝાગમ કેન્દ્રસ્થાને રહેલ છે. વર્ષ ૧૯૪૯માં સી.એન.અન્નાદુરાઈ, એમ.કરુણાનિધિ તથા અન્ય બૌદ્ધિકો-કાર્યકરો દ્વારા DMK (દ્રવિડ મુન્નેત્ર કઝાગમ) પાર્ટીની શરૂઆત કરવામાં આવી હતી. આ પૂર્વે તેઓ DK (દ્રવિડ કઝાગમ) નામની પાર્ટી સાથે જોડાયેલા હતા, કે જેના નેતા ઈ.વી.રામાસ્વામી ઉર્ફે પેરિયાર હતા. પેરિયાર એક સમયે કોંગ્રેસી હતા અને મહાત્મા ગાંધીના અનુયાયી હતા, અને જ્યારે પેરિયારને લાગ્યું કે સુધારાના કાર્ય કરવામાં સ્થાનિક નેતાગીરી અડચણરૂપ બની રહી છે ત્યારે તેમણે કોંગ્રેસ પાર્ટીનો સાથ છોડ્યો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પેરિયારે પાર્ટીના પ્રમુખ તરીકે એક અલગ તમિલ રાષ્ટ્ર માટેની ઝુંબેશ પણ ચલાવી હતી, અને વર્ષ ૧૯૪૪માં તેમણે સ્વતંત્ર પાર્ટી DK (દ્રવિડ કઝાગમ)ની સ્થાપના કરી હતી. આ પાર્ટીએ તમિલનાડુમાં મોટાપાયે સામાજિક સુધારા માટેની ચળવળ ચલાવી હતી. DK પાર્ટીની સ્થાપનામાં પેરિયારના સૌથી નજીકના સહાયક સભ્ય અને લેખક એવાં અન્નાદુરાઈએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો, અને બાદમાં તેઓ DMK પાર્ટી તરફથી તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે ચૂંટાઈ આવ્યા હતાં. તે સમયે DMK (દ્રવિડ મુન્નેત્ર કઝાગમ) પાર્ટીના નેતાઓ કુશળ વક્તા, સાહિત્યકાર, નાટ્યલેખક અને કવિઓ હતા. પોતાની પાર્ટીનો પ્રચાર કરવાના હેતુસર DMKના નેતાઓએ સિનેમાના માધ્યમમાં ઝંપલાવ્યું હતું. એવું કહેવાય છે કે સોવિયેતના અનુભવોથી આકર્ષાઈને તેઓએ આ નિર્ણય લીધો હતો. પણ, આ ક્રાંતિકારી નેતાઓએ જનતા માટે કોઈ નવા પ્રકારના સિનેમાનો વિચાર નહોતો કર્યો પરંતુ, પોતાની પાર્ટીનો પ્રચાર અને વિચાર જનતા સુધી પહોંચાડવા માટે તેઓ સિનેમા ક્ષેત્રમાં પ્રવેશ્યા હતા. આમ, તે સમયે રજૂ થયેલી અને ‘DMK ફિલ્મ્સ’ તરીકે ઓળખાતી ફિલ્મ્સમાં સામાજિક મુદ્દાઓ નાટકીયઢબે રજૂ કરવામાં આવતા હતા.

તે સમયે ‘DMK ફિલ્મ્સ’માં સામાન્યપણે પ્રચલિત માન્યતાઓનું ખંડન કરનાર વિચાર રજૂ કરતા દ્રશ્યો, સમતાવાદી સિદ્ધાંતોનું નાટ્યાત્મક આલેખન, પ્રગતિશીલ સૂચનોની વ્યાપકરીતે ભજવણી, અને સાથે-સાથે ફિલ્મમાં ક્યાંક પાર્ટીના નેતાઓનું ડોક્યુમેન્ટરી ફૂટેજ રજૂ કરીને પાર્ટીનો પ્રચાર કરવામાં આવતો હતો. આ સિવાય ‘DMK ફિલ્મ્સ’માં પાર્ટીનો ધ્વજ અથવા તેના રંગ દર્શાવવા તથા પાર્ટીનું ચૂંટણી ચિહ્ન દર્શાવવું, આ સિવાય કેટલીક ફિલ્મ્સમાં પાર્ટીનો મૌખિક ઉલ્લેખ કરીને પાર્ટીનો મતપ્રચાર કરવામાં આવતો હતો. વર્ષ ૧૯૫૨માં રજૂ થયેલી તમિલ ફિલ્મ ‘પરાશક્તિ (દેવી)’એ DMKની સૌથી વખણાયેલી ફિલ્મ હતી અને આ ફિલ્મના લેખક મુથુવેલ કરુણાનિધિ હતા. આ ફિલ્મના મુખ્ય અભિનેતા સિવાજી ગણેસન હતા, કે જેઓ DMK પાર્ટીના સ્થાપક સભ્ય હતા અને અભિનેતા MGR (એમ.જી.રામચંદ્રન)ના હરીફ હતા. ‘પરાશક્તિ’એ DMKની સફળ ફિલ્મ હતી. આ ફિલ્મમાં લંપટ પૂજારીનું નિરૂપણ અને તેના કલોપકારક સંદેશાની વાત રજૂ કરવામાં આવી હતી. પરંતુ, તે કહેવું પણ થોડું મુશ્કેલ છે કે પરાશક્તિ ફિલ્મ થકી તેઓએ પોતાની પાર્ટીનો પ્રચાર કેવી રીતે કર્યો હશે.

આ સમયબિંદુ પછી MGR (એમ.જી.રામચંદ્રન) પણ DMK લેખકોના પ્રિયતમ બની ગયા હતા. લેખક અન્નાદુરાઈ અને કરુણાનિધિ દ્વારા તે સમયની ફિલ્મ્સમાં નવા પ્રકારની સામાજિક વિવેચનાનો પ્રચાર કરવામાં આવ્યો હતો, કે જેના સ્ટાર પ્રતીક સમાન અભિનેતા સિવાજી ગણેસન વર્ષ ૧૯૫૫ સુધી તેમની પાર્ટી સાથે જોડાયેલા રહ્યા હતા. ત્યારબાદ વર્ષ ૧૯૬૧માં તેઓ કોંગ્રેસ પાર્ટીની સાથે જોડાયા અને DMK પાર્ટીની સાથેનો પોતાનો ભૂતકાળ ભૂલવા માટે તેઓ ધાર્મિક ફિલ્મ્સમાં અભિનય કરવા માંડ્યા અને પોતાની છબી બદલવા માટે તેમણે કેટલીક પૌરાણિક ફિલ્મ્સમાં પણ કામ કર્યું હતું. DMK ફિલ્મ્સનો ઈતિહાસ કુલ બે તબક્કામાં વહેંચાયેલો છે. પ્રથમ તબક્કો વર્ષ ૧૯૪૮માં શરૂ થાય છે અને આગામી દસ વર્ષ સુધી તેમાં અન્નાદુરાઈ, કરુણાનિધિ અને અન્ય લેખકોનું પ્રભુત્ત્વ જોવા મળે છે. આ પ્રથમ તબક્કાનો સમય સામાજિક વિવેચનાનો હતો અને ત્યારે ફિલ્મકથામાં લેખકો પોતાનો અંગત દ્રષ્ટિકોણ રજૂ કરતા હતા. આ તબક્કા દરમિયાન ફિલ્મનો નાયક પણ સામાજિક વિવેચનાની સમજણ રજૂ કરતો હતો અને તેના પર ક્યારેય સ્ટાર તરીકેનો ભાર મૂકવામાં આવતો નહોતો. DMK ફિલ્મ્સના બીજા તબક્કામાં વર્ષ ૧૯૫૭થી ૧૯૭૭ દરમિયાન અભિનેતા MGRનું પ્રભુત્ત્વ રહ્યું. આ દરમિયાન ફિલ્મમાં સમગ્ર ચર્ચા માત્ર ફિલ્મના નાયકની આસપાસ જ વીંટળાયેલી જોવા મળતી હતી. MGRએ ફિલ્મ સ્ક્રીન પર પાર્ટીના એકમાત્ર પ્રવક્તા તરીકેનું સ્થાન જમાવ્યું અને તમામ લોકોનું ધ્યાન તેમનાં નેતૃત્ત્વ તરફ કેન્દ્રિત કર્યું. MGRએ તેમની કારકિર્દીની શરૂઆતમાં લોકકથા આધારિત ઘણી એવી ફિલ્મ્સમાં કામ કર્યું હતું, અને આ ફિલ્મ્સમાં એક્શન રજૂ કરવાની તક પણ પુષ્કળ પ્રમાણમાં હતી. લોકકથા આધારિત MGRની એક મુખ્ય ફિલ્મ મલાઈક્કલ્લન (૧૯૫૪) હતી અને આ ફિલ્મના સંવાદો કરુણાનિધિએ લખ્યા હતા, આ ફિલ્મ થકી MGRની સુપરહીરો તરીકેની છબી લોકમાનસમાં પ્રસ્થાપિત થઇ હતી.

વર્ષ ૧૯૭૧માં DMK પાર્ટીની તમિલનાડુમાં પ્રચંડ સફળતા બાદ કરુણાનિધિએ પોતાનું પદ મજબૂત કરવા માટે મોટા પ્રમાણમાં ફંડ એકત્રિત કરવાનું અને લોકોને પાર્ટીના સભ્ય બનાવવાનું શરૂ કર્યું. જેના કારણે MGRની લોકપ્રિયતા અને તેમની શક્તિને અસર થઇ રહી હોય તેવું જોવા મળ્યું. પોતાની જ પાર્ટીમાં MGRની સામે ટક્કર લેવા માટે કરુણાનિધિએ તેમના પુત્ર મુથુને ફિલ્મ ક્ષેત્રમાં ઉતાર્યો કે જેથી અભિનેતા MGRને મળતા ફિલ્મ કોન્ટ્રાક્ટ અટકી શકે. કરુણાનિધિએ રાજકીય સમાજશાસ્ત્રની સમજણ અનુસાર MGRની ઘટનાને એક એવું ઉત્પાદન ગણાવ્યું કે MGR એ એક એવી શક્તિ છે કે જે આધુનિક યંત્રોનો પ્રચાર કરે છે અને આ રીતે કરુણાનિધિએ પ્રજાના ભોળપણનો લાભ ઉઠાવ્યો. આ પ્રયાસ થકી MGRને લાગ્યું કે હવે સરકાર તેઓને ભ્રષ્ટાચારના આરોપ સહિત હાંસિયામાં ધકેલવા માંગે છે અને આ માટે MGRએ એવી માંગ ઉઠાવી કે નેતાઓ તેમની સંપત્તિ જાહેર કરે, પરંતુ, MGRને જ્યારે લાગ્યું કે હવે પાર્ટીના નેતાઓ જ તેમની શરતોને નકારી રહ્યાં છે અને તેઓને પાર્ટી વિરોધી ગણાવી રહ્યાં છે ત્યારે MGRએ પોતાની નવી પાર્ટી ADMK શરૂ કરી. હવે DMK પાર્ટીને જ્યારે એવું લાગ્યું કે MGRની નવી પાર્ટી ADMKની લોકપ્રિયતા વધી રહી છે ત્યારે DMKના નેતાઓએ MGRને પરદેશી કહેવાનું શરૂ કર્યું કારણકે તેઓ મૂળ મલયાલી હતા. અને MGR પર DMK દ્વારા એવાં આરોપો પણ લગાવવામાં આવ્યા કે તેઓ હવે તમિલનાડુને કેરાળા બનાવવા જઈ રહ્યાં છે. પણ, આ અને આ સિવાયના પણ અનેક આરોપ હોવા છતાં MGRની પ્રતિષ્ઠાને કોઈ નુક્સાન પહોંચ્યું નહિ અને વર્ષ ૧૯૭૭માં તેમની પાર્ટી AIADMK બહુમતી સાથે ચૂંટણી જીતી અને વર્ષ ૧૯૮૭ સુધી સતત ૧૧ વર્ષ રાજ કર્યું.

આ ૧૧ વર્ષોને તમિલનાડુનો અંધકારમય સમય ગણવામાં આવે છે. DMKના ભાગલા પડ્યા તેનો રાજકીય મર્મ જણાવતા લેખક નોંધે છે કે DMK એક ક્ષેત્રિય પાર્ટી હતી કે જેમાં તમિલનાડુના ચોક્કસ વર્ગ / જાતિના પ્રશ્નોને રજૂ કરવ માટે મંચ પૂરો પાડવામાં આવતો હતો. પાર્ટીની સામાજિક સુધારણાની પૃષ્ઠભૂમિ અને પોતાના વિચારોના પ્રચાર માટે સિનેમા માધ્યમનો ઉપયોગ કરીને તેમણે અપેક્ષા કરતાં વધુ લોકોને તૈયાર કર્યા હતા. પરંતુ, તેના પર અસર ત્યારે થઇ કે જ્યારે પાર્ટીનો ખરેખરો ઉદ્દેશ કે જે પાર્ટીમાં પ્રબળપૂર્વક અસર કરી રહ્યો હતો અને પાર્ટીના બહોળા અનુયાયીઓ વચ્ચે મોટું અંતર ઊભું થયું, અને આ ગતિશીલતાના પરિણામનો સામનો કરવાનો પાર્ટીનો મનોભાવ નહોતો. તેઓ અંકુશમાં રહે તેવી રાજ્યવ્યવસ્થામાં રસ ધરાવતા હતા અને તેઓ ક્યારેય પાર્ટીને ક્રાંતિના વિષય તરીકે જોઈ શક્યા નહિ, અને પ્રજાના પણ પોતાના વિચારો હોય છે. ત્યારબાદ વર્ષ ૧૯૮૯માં MGRનું મૃત્યુ થતા કરુણાનિધિ અને DMK ફરી એકવખત રાજકીય સત્તા પ્રાપ્ત કરે છે. વર્ષ ૨૦૦૫માં કરુણાનિધિ પાંચમી વખત તમિલનાડુના મુખ્યમંત્રી બન્યા અને જૂન ૨૦૧૮માં તેમણે તેમના ૯૪મા જન્મદિનની ઉજવણી કરી..

વર્ષ ૧૯૯૭માં આવેલી દિગ્દર્શક મણીરત્નમની તમિલ ફિલ્મ ‘ઈરૂવર’ એ તમિલ અભિનેતા MGR અને લેખક કરુણાનિધિના સંબંધ આધારિત માનવામાં આવે છે. આ ફિલ્મમાં મલયાલમ અભિનેતા મોહનલાલ અને પ્રકાશરાજ મુખ્ય ભૂમિકામાં હતા.

– નિલય ભાવસાર

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

Copy Protected by Chetan's WP-Copyprotect.