અણમોલ ભેટ – ડૉ. સનત ત્રિવેદી

વીસમી સદીના છઠ્ઠા દાયકાની આ વાત છે. પાંચ વર્ષનો તબીબી અભ્યાસક્રમ પુરો કરીને હું સરકારી નોકરીમાં જોડાયો હતો. મારી નિમણુંક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં થઇ હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ગ્રામીણ પ્રજાની આરોગ્ય જરુરિયાતો ધ્યાનમાં લઇને યુનિસેફ અને વિશ્વ આરોગ્ય સંસ્થાના સહયોગથી સ્થાપવામાં આવ્યા હતા. આવા આરોગ્ય કેન્દ્રો દ્વારા ગ્રામવાસીઓને સર્વાંગી આરોગ્ય સેવાઓ પુરી પાડવામાં આવતી હતી. તે જમાનામાં ગામડાહ્મં આરોગ્ય કેન્દ્રો સિવાય અન્ય કોઇ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ ન હતી.

આવા કેન્દ્રોમાં તબીબી અધીકારી ઉપરાંત કમ્પાઉન્ડર, નર્સ, સેનીટરી ઇન્સ્પેક્ટર અને સોશ્યલ વર્કર વગેરેની નિમણુંંક થતી જે તબીબી અધિકારીને વિવિધ આરોગ્ય સેવાઓ માટે સહકાર આપતા. આ પ્રમાણે આરોગ્યની આ ટીમ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ આપવામાં આવતી હતી.

પ્રસૂતિના દર્દી તેમજ અન્ય ગંભીર પ્રકારના દર્દીને સવલત આપી શકાય તે હેતુથી કેન્દ્રમાં છ પથારીની પણ સગવડ રહેતી. જેમા જરુર મુજબ દર્દીઓને ઇન્ડોર સેવાઓ માટે દાખલ કરવામાં આવતા હતા.

તબીબી શિક્ષણ પુરુ કરીને આ ક્ષેત્રમાં કાર્ય કરવાનો મારો આ પ્રથમ અનુભવ હતો. દરરોજના આશરે ૧૫૦-૨૦૦ દર્દીઓને આઉટડોરમાં સારવાર આપવામાં આવતી હતી. આ ઉપરાંત મહિનામાં ૩૦-૩૫ પ્રસૂતિ કરાવવામાં આવતી હતી. નવો નવો તબીબ હોવા છતાં હું આત્મવિશ્વાસથી દર્દીઓની સારવાર કરતો. પ્રભુ કૃપાથી મને જશ પણ મળતો. આજુબાજુના ગામડાઓમાં પણ એક સારા ડોક્ટર તરીકે મારી છાપ હતી. આથી દૂર દૂરના ગામડાઓમાંથી પણ દર્દીઓ સારવાર માટે મારા કેન્દ્રમાં આવવાનુ પસંદ કરતા.

આરોગ્ય કેન્દ્રના કંપાઉન્ડમાં જ તબીબી અધીકારી અને અન્ય સ્ટાફને રહેવાના ક્વાટર હતા. જેથી ગંભીર દર્દીઓને આકસ્મિક સેવાઓનો પણ લાભ મળતો. તદઉપરાંત આજુબાજુના ગામડાઓને પણ સેવાઓ આપી શકાય તે હેતુથી સરકારે એક વાહન પણ આપ્યુ હતુ.

બધુ ઠીકઠાક ચાલતુ હતુ. કામના આનંદમાં દિવસો પસાર થતા હતાં. સેવામાં જોડાયાને છ-એક માસ પસાર થયા હતા. એક રવિવારના દિવસે હું મારા ક્વાર્ટર પર આરામ કરતો હતો. ત્યાં સાંજે ચારેક વાગે, પટાવાળો મને બોલવવા આવ્યો. કહે, “સાહેબ, એક ગંભીર દર્દી આવી છે અને નર્સ બહેન આપને બોલાવે છે.”

કપડા બદલીને તાત્કાલિક હું દવાખાનામાં ગયો. ત્યાં જઇને જોયુ તો દવાખાનાના મુખ્ય દરવાજા પાસે એક હાથ લારીમાં એક સ્ત્રી દર્દી સૂતી હતી. સ્ટ્રેચરમાં સુવાડીને તેને તાત્કાલિક દવાખાનામાં લઇ ગયા.

દર્દીની તપાસ કરતા જણાયુ કે તે ગર્ભવતી હતી અને તેનો ગર્ભ લગભગ સાતેક મહિનાનો હતો. વધુ તપાસ કરતા જણાયુ કે તેના બન્ને પગે અને શરીર પર સોજા ચડેલા હતા. બ્લડ પ્રેશર ખુબ ઉંચુ હતુ. તેના પેશાબની તપાસ કરતા જાણ થઇ કે તેના પેશાબમા આલબુમીનનુ પ્રમાણ પણ ઘણુ વધારે હતુ. તેના લોહીમાં હીમોગ્લોબીનનુ પ્રમાણ ઓછુ હતુ. મારા મત મુજબ આ પ્રિ-એક્લેમ્સીયાનો કેઇસ હતો.

પ્રસૂતી દરમિયાન આવો રોગ થવો તે ઘણી ગંભીર સ્થિતી કહેવાય. તેની યોગ્ય સારવાર કરવામાં ન આવે તો દર્દીને આંચકી આવવાની શરુઆત થાય. દર્દીની સ્થિતી વધુ બગડે અને દર્દીનુ મૃત્યુ પણ થાય. આવા રોગની સારવાર મોટી હોસ્પિટલમાં તેના નિષ્ણાંત ડોકટર દ્વારા જ થઇ શકે. રોગની ગંભીરતા સમજીને મે દર્દીને તાત્કાલિક નજીકના શહેરની મોટી હોસ્પિટલમા મોકલવાનુ નક્કી કર્યુ.

તેના પતિને બોલાવીને તેને રોગની ગંભીરતા વિષે સમજણ આપી. અને કહ્યુ કે દર્દીને તાત્કાલિક નજીકની મોટી હોસ્પીટલમાં દાખલ કરવી પડશે. તેના પતિનો પ્રતિભાવ મારી ધારણા કરતા જુદો હતો. તે કહે, “સાહેબ, હું બહુ ગરીબ માણસ છું. મારી સ્થિતી આને શહેરમાં લઇ જવા જેવી નથી.”

મે તેને સમજાવ્યુ કે “સરકારી દવાખાનામાં સારવારનો કોઇ ખર્ચ નહી થાય. વળી તારી પત્નિને હું સરકારી વાહનમાં મોકલવાની વ્યવસ્થા કરીશ તેથી તેનો પણ ખર્ચો નહી થાય.”

“સાહેબ, સારવાર તો મફત થાય પણ તેને ખવડાવે કોણ?” તેણે પોતાની દલીલ ચાલુ રાખી.

“ખાવાનુ પણ ત્યાંથી જ મળશે. તેનો કોઇ ચાર્જ આપવો નહી પડે.” મેં તેને સમજાવ્યું.

“સાહેબ, એનો કોઇ ખર્ચો ન થાય, પણ હું શહેરમાં કયાં રહુ અને મને કોણ ખવડાવે?”

“તારુ કોઇ સગું ત્યાં નથી?” મે પૂછ્યુ?

“સાહેબ, અમારું આ દુનિયામાં કોઇ નથી.”

મે એને એમ પણ કહ્યુ કે યોગ્ય સાધનોના અભાવે દર્દીનુ મોત પણ થઇ શકે. આમ છતાં તે તેની પત્નિને શહેરની મોટી હોસ્પિટલમા લઇ જવા સંમત ન થયો. તેનું કહેવું એ જ હતું કે, “અહીં જ મારી પત્નિની સારવાર કરો. ભગવાન રાજી હશે તો બધા સારા વાના થઇ જશે.”

મારા માથે ધર્મસંકટ હતુ. પ્રિ-એક્લેમ્સિયાના દર્દીને આટલા નાના દવાખાનામાં સારવાર કરવી ખુબ જ જોખમકારક હતુ. આમ હોવા છતાં તેનો પતિ તેને મોટી હોસ્પિટલમાં લઇ જવા તેયાર ન હતો. તેના પતિએ તો છેલ્લે કહી દીધું, “સાહેબ, તમે આને દાખલ નહીં કરો તો હું મારે ઘેર લઇ જઇશ. ભગવાનની મરજી હશે તેમ થશે.”

મારી પાસે આ દર્દીને દાખલ કરીને સારવાર કરવા સિવાય કોઇ છૂટકો ન હતો. દર્દીને દાખલ કરવામાં આવી. તેના ગંદા કપડા કાઢીને તેને દવાખાનાના સ્વચ્છ કપડા પહેરાવવામાં આવ્યા. દર્દી માટે એક જુદો કમરો તૈયાર કર્યો. ચેપ ન લાગે માટે નર્સે સ્પંજ કરીને તેના ગંદા શરીરને સાફ કર્યુ. તેને એક સ્વચ્છ પથારીમાં સુવાડી.

જરુરી દવાઓ અને ઇન્જેક્શનો આપ્યા. દર્દીનુ બ્લડ પ્રેશર, પલ્સ અને તાપમાન વારંવાર ચેક કરવાની સુચના આપી. એક નર્સને સતત દર્દી પાસે રહેવાની અને કંઇ પણ અજુગતુ થાય તો તાત્કાલિક મને જાણ કરવાની સૂચના આપી હું ઘેર ગયો.

મારા મનમાં સતત ચિંતા અને ભય હતા. ઘેર જઇને જૂની ગાયનેકોલોજીની ચોપડીમાંથી આ રોગ વિષે માહિતી મેળવી. સારવારમાં કોઇ કચાશ નથી રહી ગઇ ને તેની ખાત્રી કરી. શક્ય એટલી બધી જ દવાઓ આપવામાં આવી હતી. હવે રાહ જોવા સિવાય બીજો કોઇ ઉપાય ન હતો.

દર કલાકે કલાકે હું દવાખાનામાં જતો. દર્દીની તપાસ કરતો. પણ તેની સ્થિતીમાં કોઇ ફેરફાર જણાતો ન હતો. દર્દીના બ્લડ પ્રેશરમાં અને તેની સ્થિતીમાં કોઇ સુધારો જણાતો ન હતો. કોઇ પણ ક્ષણે સ્થિતી બગડવાની સંભવના વધારે હતી. હું નિરુપાય હતો. ભગવાનને પ્રાર્થના કરવા સિવાય હું કંઇ જ કરી શકુ તેમ ન હતુ. મોડી રાત સુધી મને ઉંઘ ન આવી.

સવારના ચાર વાગે ડોરની બેલ વાગી. હું સફાળો જાગી ગયો. નર્સના કહેવાથી પટાવાળો મને બોલાવવા આવયો હતો. ઝટપટ કપડા બદલાવી હું દવાખાને પહોંચ્યો. દર્દીને પેટમાં દરદ ઉપડ્યુ હતુ. આ સુવાવડ શરુ થવાના ચિહ્નો હતા. તેને તાત્કાલિક લેબર રુમમાં ખસેડવામાં આવી. કલાકની સતત મહેનત બાદ તેને સુવાવડ થઇ ગઈ. નસીબ જોગે કોઇ અન્ય કોમ્પ્લીકેશન ન થયા. નિયમ મુજબ પ્રસૂતિ બાદની બધી ક્રિયાઓ કરવામાં આવી. સવારે સાત વાગે દર્દીને તેના કમરામાં લઇ ગયા. જરુરી દવાઓ અને સારવાર આપી હું ઘેર ગયો.

મારા માથેથી અડધો બોજો ઉતરી ગયો. કારણકે તબીબી મત મુજબ, આવા રોગમાં જો પ્રસુતિ થઇ જાય તો દર્દીને સાજા થવાની તકો વધી જાય છે. રાતના ઉજાગરા અને દર્દીની ચિન્તાને કારણે હું શારીરિક અને માનસિક રાતે થાકી ગયો હતો. સવારે બે કલાકના આરામ બાદ ફરી દવાખાને પહોંચી ગયો. પહેલુ કામ રાતના દર્દીને તપાસવાનુ કર્યુ. તે આરામથી સૂતી હતી. થોડા દુઃખાવા સિવાય બીજી કોઇ તકલીફ ન હતી. પ્રસૂતિ બાદનો રક્તસ્રાવ ઓછો હતો. નર્સને જરુરી સુચના આપી હું મારા રોજીંદા કામે વળગ્યો.

સાંજે ફરીવાર તેને તપાસવા ગયો. હવે તે જાગી ગઇ હતી. તેને મેં પૂછ્યું, ‘કેમ છે?’

“દાદા હવે સારુ લાગે છે.” (આ વિસ્તારમાં લોકો ડોક્ટરને માનથી દાદા કહેતા હતા.)

“કોઇ તકલીફ નથી ને?” મેં પુછ્યુ.

“દાદા, ભૂખ લાગી છે.”

હવે મને ખ્યાલ આવ્યો કે આણે ચોવીસ કલાકમાં કંઇ ખાધુ જ ન હતુ. મેં નર્સને કહ્યુ કે “એના ધણીને કહો કે તેને કંઇ ખાવાનુ આપે”. (અમારા આ નાના દવાખાનામાં બીજી મોટી હોસ્પિટલની જેમ દર્દીને ભોજન આપવાની કોઇ સગવડ ન હતી).

નર્સ મારી સામે જોઇ રહી. મેં કહ્યુ “કેમ, શું તકલીફ છે?”

“સાહેબ, એનો ધણી તો કાલ રાતનો આને અહીં છોડીને જતો રહ્યો છે.” મને ભયંકર ગુસ્સો આવ્યો. મનમાં થયુ કે દુનિયામાં કેવા માણસો હોય છે? એની પત્નિ અહીં જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે, અને એનો ધણી તેને એકલી છોડીને ભાગી ગયો. દર્દીને ભૂખી તો ન જ રખાય. મેં તરત જ મારા ઘરેથી ખિચડી, દૂધ અને શાક મંગાવ્યા અને દર્દીને ખવડાવ્યુ.

મેં જવા પગ ઉપાડ્યા તો નર્સ કહે “સાહેબ, લક્ષ્મીને રાત્રે શું દવાઓ આપવાની છે?”

હવે મને ખ્યાલ આવ્યો કે આ સ્ત્રીનુ નામ લક્ષ્મી છે. જેનુ નામ લક્ષ્મી હતુ તેની પાસે ખાવાના પણ પૈસા ન હતાં.

બીજે દિવસે પણ એનો ધણી ન આવ્યો. લક્ષ્મી હવે અમારી જવાબદારી હતી. તેનો સવારનો નાસ્તો, બપોરનુ ભોજન, ચા – દૂધ, અને સાંજના ભોજનની અમે બધા સ્ટાફે ભેગા મળીને વ્યવસ્થા કરી લીધી. તેની પાસે પહેરવાના કપડા પણ ન હતા. તેના જૂના કપડા ગંદા અને ફાટેલા હતા. તો અમે તેને બે જોડી કપડા આપ્યા. લક્ષ્મીનુ આરોગ્ય ધીમે ધીમે સુધરતું ગયું. તેના સોજા ઓછા થઇ ગયા. બ્લડપ્રેશર સામાન્ય થઇ ગયુ. પેશાબમાંનુ આલ્બુમીન જતુ રહ્યુ. હવે લક્ષ્મીને કોઇ શારીરિક ભય ન હતો.

પંદર વર્ષની છોકરી હજુ બાળક જેવી જ હતી. તે બધા સાથે કાલી કાલી ભાષામાં વાતો કરતી. વળી મસ્તી પણ કરતી. જાણે અમારા સ્ટાફને ઘડીક ગમ્મત કરવા માંટે એક રમકડુ મળી ગયુ. એક દિવસે નર્સ મારી પાસે આવી.

મને કહે, “સાહેબ, લક્ષ્મીના માથામાં ખૂબ જ જુ છે.” જુંઓ મારવાની કોઇ દવા વાપરવાનુ શક્ય ન હતુ. તેથી એક દિવસે ગામમાંથી હજામ બોલાવીને તેને માથે ટકો કરાવી નાખ્યો. લક્ષ્મીને ગમ્યું નહીં પણ મારા ડરથી કંઇ બોલી નહીં. હવે તો લક્ષ્મી હરતી ફરતી થઇ ગઇ. મન ફાવે કોઇ સ્ટાફના ઘરે પહોંચી જતી અને ઘરના માણસની જેમ હક્કથી ખાઇ લેતી.

બારેક દિવસ પછી તેનો ધણી આવ્યો. પત્નિને છોડીને ભાગી જવા માંટે મેં એને ખૂબ ધમકાવ્યો. તે મારી પાસે રડી પડ્યો. “દાદા, હું ભાગી ન હતો ગયો પણ તમારી દવાનુ અને સારવારનુ બીલ ચૂકવવાના પૈસા ભેગા કરવા ગયો હતો.”

આરોગ્ય કેન્દ્રમાં સારવાર મફત આપવામાં આવતી હતી તે એને ખબર ન હતી. મેં એને કહ્યું, “તારે કોઇ પૈસા આપવાના નથી. તારા ભેગા કરેલા પૈસામાંથી લક્ષ્મીને નવા કપડા અપાવજે, અને સારુ સારુ ખવડાવજે.”

લક્ષ્મી હવે સંપૂર્ણ રીતે રોગ મૂક્ત હતી. તેથી તેને ઘેર જવાની રજા આપી. નર્સોએ લક્ષ્મીને નવડાવીને તૈયાર કરી. તેને મેં મારી પાસેના દવાના સેમ્પલોમાંથી થોડી શક્તિની દવાઓ આપી. લક્ષ્મી અમારી બધાની સામે એક ઘડી જોઇ રહી, પછી ધીમે ધીમે ચાલીને હાથ લારીમાં બેસી ગઇ. અમારા બધાની સામે તેણે બે હાથ જોડ્યા. તેની આંખમાંથી નીકળતા આંસુ મને દૂરથી પણ દેખાતા હતા. અને તેનો ધણી તેની લક્ષ્મી લઇને ધીમે ધીમે દવાખાનુ છોડીને જતો રહ્યો. અમે બધા ધીમે ધીમે દવાખાનામાં પાછા ફર્યા. કોઇ રડ્યુ નહી. પણ બધાને એવુ લાગ્યુ કે જાણે તેમનુ કોઇ સ્વજન જતુ રહ્યુ ન હોય? દરેકના મનમાં સંતાપ હતો. બધા સુનમુન બેઠા હતા. કોઇને કામ કરવાનુ મન ન હતુ. દવાખાનુ સુમસામ થઇ ગયુ હતુ. દિવસભરનો કિલકિલાટ અને મજાક એકાએક અદ્રશ્ય થઇ ગયા. સંજોગો જોઇને તે દિવસે દવાખાનુ વહેલુ બંધ કરી દીધુ.

સમય તેના સ્વભાવ મુજબ વહેતો રહ્યો. હું મારા દવાખાનાના કામમાં અને અન્ય આરોગ્ય સેવાઓમાં પ્રવૃત્ત થઇ ગયો. અને ધીમે ધીમે લક્ષ્મી મારા માનસ પટ પરથી અદ્રશ્ય થઇ ગઈ.

છએક મહીના પછી દિવાળી આવી. નાના ગામમાં તહેવારોનુ બહુ જ મહત્વ હોય છે. અમારા ગામમાં પણ લોકો ઉત્સાહથી તહેવારો ઉજવતા. બેસતા વર્ષને દિવસે લોકો એકબીજાને ઘેર મળવા જાય. અને શુભેચ્છાઓ પાઠવે. નાના ગામમાં ડોકટરને લોકો બહુ માન આપે. તેથી એ દિવસે વહેલી સવારથી જ મુલાકાતીઓ આવવાના શરુ થઇ જાય.

મુલાકાતી આવે, શુભેચ્છા પાઠવે, નાના હોય એ પગે લાગે. મીઠાઇથી મોં મીઠુ કરે અને વિદાય લે. આવો ક્રમ બપોર સુધી ચાલ્યો. મુલાકાતીઓ આવતા બંધ થયા એટલે અમે જમવાની તૈયારી કરવા માંડી. વહેલા ઉઠ્યા હતા માટે બપોરે આરામ કરવાની ઇચ્છા હતી. આ જ સમયે ઘરની બેલ વાગી. આટલુ મોડુ કોણ હશે, તેવો વિચાર કરીને બારણુ ખોલ્યુ.

સામે બહુ જ સાદા વેશમાં એક સ્ત્રી પુરુષનુ જોડુ ઉભુ હતુ. મને જોતા જ બન્ને એ હાથ જોડી ને પ્રણામ કર્યા. બન્ને અજાણ્યા હતા. તેમ છતાં બન્નેને આવકાર આપી ઘરમાં બેસાડ્યા. મિઠાઇ ખવડાવી. મને મનમાં એમ થતુ હતુ કે આ બન્ને હવે જાય તો અમે જમવા બેસિયે. હું શાંત બેઠો હતો. ત્યાં સ્ત્રી ઉભી થઇ અને મારી પાસે આવીને રોવા માંડી. મને આશ્ચર્ય થયું.

“દાદા, મને ન ઓળખી?” હું તેની સામે જોઇને કોઇ જૂની ઓળખાણ શોધવા પ્રયત્ન કરતો હતો ત્યાં તો, “હું લક્ષ્મી.”

અને તાત્કાલિક મારા મગજમાં લક્ષ્મીની યાદ તાજી થઇ. હવે મેં તેને ધારીને જોઇ. શરીર પહેલા કરતા સારુ થયુ હતુ. માથે નાના વાળ ઉગ્યા હતા.

અરે હા, આ તો લક્ષ્મી, જેની મેં કપરા સંજોગોમાં સારવાર કરી હતી. અને જેને ભારે હૈયે વિદાય આપી હતી. લક્ષ્મીને આવી સાજી સમી જોઇને મને ખૂબ જ આનંદ થયો. પછી તો બન્નેને પ્રેમ પૂર્વક બેસાડ્યા. પેટ ભરીને જમાડ્યા. જમ્યા બાદ બન્ને જવા માંટે ઉભા થયા. જતાં જતાં લક્ષ્મી મારી સામે જોઇ રહી. એના ધણીએ કંઇક કહ્યુ એટલે મને કહે, “દાદા, અમે ભેટ લાવ્યા છીયે.” અને પોતાની થેલીમાંથી બે નાનકડી ઢીંગલી કાઢી.

હુ નાનકડી ભેટને જોઇ રહ્યો. દર્દી પાસેથી કોઇ પણ ભેટ નહી સ્વીકારવાનો મારો નિયમ હતો. એટલે મે ભેટ સ્વીકારવાનો ઇન્કાર કર્યો.

“દાદા, અમે તો ભીખ માંગીને અમારુ ગુજરાન ચલાવીએ છે. આપે મને નવું જીવન આપ્યુ. તેથી દરરોજના અમારી ભીખની કમાણીમાંથી બે મહીના સુધી પૈસા બચાવીને આ ઢીંગલી તમારી બેબી માટે લાવ્યા છીયે.” તે આગળ બોલી ન શકી. તેની આંખના અણમોલ મોતી ગાલ પર રેલાતા હતા. એક ગરીબ લક્ષ્મી તેનુ રૂણ ચુકવવા આવી હતી. તે દિવસે મને જ્ઞાન થયુ કે લક્ષ્મી ભલે ગરીબ કહેવાય, કિન્તુ એની આ શુદ્ધ ભાવના વડે એણે અમારા બધા કરતા પણ ઉંચુ સ્થાન પ્રાપ્ત કર્યુ હતુ.

મારા ખિસ્સામાંથી મેં પંદર રુપિયા કાઢીને લક્ષ્મીના હાથમાં મૂક્યા. “લક્ષ્મી, તું અમારી દીકરી જેવી છે. દીકરીનુ અમારાથી ન લેવાય. આ પંદર રુપિયા તારી નવા વર્ષની બોણી. અને આ ઢીંગલી સાચવીને તારા ઘરે રાખી મૂકજે. તારે ત્યાં નાની લક્ષ્મી પધારે ત્યારે તારા દાદાને યાદ કરીને તેને રમવા આપજે.”

લક્ષ્મી મારી સામે જોઇ રહી. બે હાથ જોડ્યા. અને જવા માંટે પગ ઉપાડેયા. તેની આંખમાં રહેલા બે મોતી તેના ગાલ પર ખરી પડ્યા.

એક ગરીબ દંપતીની કમાણીની બચતમાંથી ખરીદેલી આ પ્રેમની ભેટ હતી. એનુ મુલ્ય કોણ કરે?

આ અણમોલ ભેટ મને જીવનભર યાદ રહેશે.

– ડૉ. સનત ત્રિવેદી

(ડૉ. સનત ત્રિવેદી મેડિકલ સર્વિસિસ (), ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ ડાયરેક્ટર છે. અત્યારે તેઓ નિવૃત્ત જીવનમાં શાસ્ત્રીય સંગીતની સાધન, ફિલસૂફીના પુસ્તકોનું વાંચન, વિવિધ વિષયો પર લેખન, સિનિયર સિટીઝન્સ માટે પ્રવૃત્તિઓનું આયોજન અને જરૂરતમંદ દર્દીઓને નિઃશુલ્ક મેડિકલ સલાહ આપે છે. પ્રસ્તુત પ્રસંગ ‘અણમોલ ભેટ’ રીડગુજરાતી પર તેમનો પ્રથમ લેખ છે. તેમની કલમે વાચકમિત્રોને આવા વધુ પ્રસંગો વાંચવા મળશે એવી શુભેચ્છા સહ રીડગુજરાતીને આ લેખ મોકલવા બદલ ડૉ. સનતભાઈનો આભાર. તેમનો સંપર્ક sanataditya@gmail.com પર કરી શકાશે.)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

13 thoughts on “અણમોલ ભેટ – ડૉ. સનત ત્રિવેદી”

Copy Protected by Chetan's WP-Copyprotect.