ત્રણ લઘુકથાઓ- શૈલેષ કાલરિયા ‘દોસ્ત’

(રીડ ગુજરાતીને પ્રસ્તુત લઘુકથાઓ પાઠવવા બદલ શ્રી શૈલેષ જે.કાલરિયા ‘દોસ્ત’ (મોરબી)નો ખૂબ ખૂબ આભાર તેમના બાળવાર્તાના ચાર પુસ્તકો પણ પ્રકાશિત થયેલા છે. આપ તેમનો shailesh.j.kalariya@gmail.com અથવા ૯૮૨૫૬ ૪૩૬૨૩ પર સંપર્ક કરી શકો છો. સાહિત્યના ક્ષેત્રમાં કાર્યરત તેમની કલમ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી હાર્દિક શુભકામનાઓ.)

૧. વારસો

સાસુએ વહુને હાકલ મારી, ‘તેલની તવી ઊંધી વળી ગઈ! આંધળી છો? ભડકો થયો હોત તો! મારો દીકરો ગમે એટલું કમાય તોય આમાં પૂરું ક્યાંથી થાય?’

રીમાના હોઠ ઊંચા નીચા થયા હતા, પણ દિક્ષિતે હોર્ન વગાડતા તે દરવાજો ખોલવા ગઈ. આમ વગર તેલે ભડકો થતાં થતાં રહી ગયો.

રીમા અને દીક્ષિત જાણતા હતા છતા આંખ આડા કાન કરી દેતા. દીક્ષિત જાણતો હતો કે પિતા ગુજરી ગયા પછી માનું ધ્યાન રાખવાની જવાબદારી પોતાની હતી. રીમા પણ સમજતી હતી કે એક તરફી કકડાટ કેટલી વાર ચાલે?

દીક્ષિત ઑફિસે જતો રહે પછી ઘરમાં રીમાને નાનકડાં મુન્નાનો સાથ મળી રહેતો. દાદા-દાદીને પણ તે વહાલો હતો, એમ કહેવું ખોટું નથી કે મુન્નો દાદી અને મમ્મીને સાચવતો !

ઘરમાં વાસણ ખખડે તે સાંભળવાની ટેવવાળા સાસુને શાંતિ ખાવા દોડતી. ચડા-ઊતરી કર્યા વગર તેઓને ખાવું ભાવતું નહીં. રીમા ક્યારેક એમની ઈચ્છા પૂરી કરતી. વળી ક્યારેક વધારે ઓક્સિજન મળી જતા આગની જવાળા દીક્ષિત સુધી પહોંચતી.

દીકરો માને સમજાવે પણ ખરો! પણ મા તે મા! તેઓ જૂની યાદો દીકરા પાસે વાગોળી વહુની ઈર્ષા કરતા. તેઓ કહેતાં કે, ‘અમારે વહેલાં ઊઠવું પડતું, ભાત કરી વાડીએ જવું પડતું. આખા દિવસ ખેતરનું કામ, સાથે ઘરનું અને ઢોરનું કામ તો ખરું જ! આજ કાલની વહુને તો જલ્સા છે જલ્સા! તારી દાદીમા મને ઉતેળી નાંખતા સમજ્યો!’

દીક્ષિત કહેતો, ‘મમ્મી, જૂની વાતો જવા દો ને! આજે જમાનો બદલાઈ ગયો છે. મારે પપ્પાએ વારસામાં આપેલા ધંધામાં સારું છે. ખાઈ પીને આનંદ કરો ને!’

મમ્મીથી અનાયસે બોલાઈ ગયું, ‘જો બેટા, હું તમારા ભલા માટે જ ચિંતા કરું છું. તારા પપ્પાએ તને વારસામાં આપ્યું તેમ મારે પણ મારી વહુને…’

દીક્ષિત નિરુત્તર રહ્યો.

૨. વીમો

ફૅકટરીની ઑફિસમાં આજે મજૂરોની લાઈન લાગી હતી. એક પછી એક મજૂર અંદર જતા અને ફૉર્મ પર સહી કરી પરત આવતા. શા માટે સહીઓ લેવામાં આવી છે એ જાણવા કોને પૂછવું? શેઠનો બોલ કોણ ઉથાપી શકે! વળી આ પહેલાં મજૂરોને શેઠે ઘણુ આપેલું હતું, રહેવા ઓરડી, પીવા પાણી, લાઈટ ,દવા વગેરે…

ઊંડે ઊંડે સૌને એવું લાગતું કે શેઠ જે કાંઈ આપે એમાં શેઠનો સ્વાર્થ હોય જ. છતાં કશું બોલતાં નહીં. આજે એવો જ કાર્યક્રમ હતો, મજૂરના અકસ્માત વીમા ઊતારવામાં આવતા હતા. દુનિયામાં કોઈ પણ જગ્યાએ શેઠ અને મજૂરના સ્વભાવ સરખા જોવા મળે એ એક ચમત્કાર જ કહી શકાય.

દર મહિને પહેલી તારીખે પણ આ જ રીતે સહીઓ લેવામાં આવતી. પગારપત્રકમાં શું લખ્યું છે એ વાંચી શકે એ મજૂર થોડો હોય! ફૅકટરીને નફો કરાવવો કે ખોટ, માલની ગુણવત્તા સુધારવી કે બગાડવી એ મજૂરોના હાથમાં હતું. શેઠ લીલા પીળા ફરતા હોય તો એમાં આ મજૂરોના લોહીનો પાકો રંગ લાગેલો હતો. આ ફૅકટરીને શ્રેષ્ઠ ફેકટરીનો રાષ્ટ્રીય એવોર્ડ મળેલો હતો.

શેઠની અનુમતિ લઈ સૌની હાજરીમાં કનુએ વીમા એજન્ટને પૂછ્યું, ‘હે સાહેબ, મકાન, વાહન, ફૅકટરી , ફર્નિચરના વીમા ઊતરે એવી રીતે માણસના કપડાં અને ભોજનના વીમા ન ઊતરે?’

વીમા એજન્ટ તો કનુના ફાટેલા ખમીસની વચ્ચેથી દેખાતા હાડપિંજર જેવાં શરીરને જોતો જ રહી ગયો.

ત્યાં ઊભેલા શેઠ અને મજૂરનેતાને પણ જાણે સાપ સૂંઘી ગયો…..!

૩. છેતરપિંડી

‘શેઠ, મને પણ એક રમકડું આપો ને!’ શેઠની ગાડી પાસે આવી એટલે એક બાળક બોલ્યો. શેઠ રમકડાં વહેંચવાનું પૂરું કરી જવાની તૈયારીમાં હતા. પુત્રની પુણ્યતિથિએ ઝૂંપડપટ્ટીના નાના બાળકોને રમકડાં આપી ખુશખુશાલ કરી દીધા. શેઠને દરેક બાળકમાં પોતાનો પુત્ર યશ દેખાતો. તેથી આ છેલ્લે આવેલા બાળક માટે રમકડું લેવા નોકરને દોડાવ્યો.

નોકર આજુબાજુમાંથી સારું રમકડું ખરીદી લાવ્યો અને પેલા બાળકને આપ્યું. પરંતુ બાળકે રમકડું લેવાની ના પાડી અને રિસાઈને કહ્યું, ‘મને પણ બીજા બાળકો જેવું જ રમકડું જોઈએ.’

શેઠે હસીને સમજાવતાં કહ્યું, ‘બેટા, અત્યારે આ લઈ લે, બધા જેવું રમકડું ખલાસ થઈ ગયું છે એટલે મંગાવવું પડશે. આવે ત્યારે એ પણ તને આપીશ બસ!’

બાળક ક્રોધાવેશમાં બોલ્યો, ‘આપવું હોય તો અત્યારે જ આપો, બે દિવસ મારે રાહ જોવી નથી. તમેય પપ્પાની જેમ મને છેતરી રહ્યા છો બરાબર ને!’

‘તને એવું શા માટે લાગે છે કે હું તને છેતરી રહ્યો છું?’ શેઠને પણ આ બોલકા છોકરા વિશે જાણવાની તાલાવેલી થઈ.

‘મારા પપ્પા પણ કહેતાં હતાં કે તારી મમ્મી ભગવાનના ઘરે ગઈ છે, હું થોડાં દિવસ પછી તેડી લાવીશ. લાવ્યાં તો ખરાં પણ હતી એવી તો ન જ લાવ્યાં.’ શેઠના પેટમાં તેલ રેડાયું. રમકડાં વહેંચીને પોતે જ પોતાની સાથે છેતરપિંડી કરતા હતા. શેઠને લાગ્યું કે જાણે યશ પોતે જ આ બાળકના સ્વરૂપે બોલી રહ્યો હતો કે તેના મૃત્યુનું કારણ તેની સાવકી મા હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “ત્રણ લઘુકથાઓ- શૈલેષ કાલરિયા ‘દોસ્ત’”

Copy Protected by Chetan's WP-Copyprotect.