કબૂતર જા જા જા… – સ્વાતિ મેઢ

પાર્ટીનો માહોલ જામેલો છે. માલિનીબહેન અને નિખિલભાઇએ ખાસ્સા રૂપિયા ખર્ચીને ત્રણ શયનખંડવાળો ફ્લેટ ખરીદ્યો છે અને ખુશાલીમાં મિત્રો, સંબંધીઓ અને જૂના પાડોશીઓને આમંત્ર્યા છે.

પહેલાં થોડા વર્ષો ભાડાનાં ઘરોમાં પછી નાના ફ્લેટમાં અને હવે મોટા ફ્લેટમાં શહેરની ભીડથી દૂર નવા બંધાયેલા અતિઓમશાંતિ એપાર્ટમેન્ટ સંકુલમાં આઠ નબરના બ્લોકમાં બીજે માંળે ફ્લેટ નંબર ૮૦૪. નવો ફ્લેટ. માલિનીબહેનના હરખનો પાર નથી.

સપનું સાકાર થયું. મોટું મજાનું ઘર, વિશાળ દિવાંખાનું. એમાં એક તરફ જમવાનું ટેબલ ગોઠવવાની જગ્યા. એની પાછળ કબાટ બનાવી શકાય એવો કોલો. રસોડામાં છેક ઉપર સુધી ટાઇલ્સ જડેલી, ચમક ચમક થતું પ્લેટફોર્મ, રસોડાનો સામાન ગોઠવવાના ખાનાં, ઝગમગ ઝગમગ થતો પાણી ભરવાનો નળ.  શયનખંડોમાં બાથરૂમો. એમાં ય દિવાલમાં છેક છત સુધી ટાઇલ્સ જડેલી.  બેત્રણ ચમકતા નળ, વોશબેસીનો, બહારના નળો ઉપરાંત દિવાલમાં છૂપાયેલા નળો ખોલવા-બંધ કરવાનાં ગોળ હેન્ડલો, એ ખોલો એટલે અવનવાં ઠેકાણેથી પાણી વરસે. ત્રણ તરફ ગેલેરીઓ, એક તરફ સ્ટોરરૂમ. આખા ફ્લેટમાં ઠેકઠેકાણે વિશાળ બારીઓ. આ બધામાં છોગા જેવી સગવડ રસોડામાં, શયનખંડ અને ગેલેરીમાં પણ માળિયા. વધારાનો સામાન ઉપર ચડાવી દઈએ, પત્યું.

લે આ તો જાણે સોનામાં સુગંધ ભળી. આમે ય તે આ જમાનામાં આવડો મોટો ફ્લેટ ગેલેરીઓ અને માળિયાવાળો મળે છે ક્યાં? તે ય આ ભાવે? નસીબ જોઈએ નસીબ! આવા નસીબવંતા માલિનીબહેન ખુશ હતાં. નિખિલભાઈ પણ ખુશ અને બે છોકરાં રીન્કુઅને પીન્કુ પણ ખુશ.

‘બહુ જગ્યા છે નહીં?’ મહેમાન ગૃહિણીઓ આટલી બધી જગ્યા જોઈને પ્રભાવિત થઈ ગઈ. ચેતનાબહેને કહ્યું, ‘લો માળિયા ય છે. વેરી ગુડ.’ ચેતનાબહેને એમના પતિ અને બાળકોને બોલાવીને માળિયા દેખાડયા. રીન્કુ-પીન્કુ અને બીજાં કેટલાક બાળકોએ રસોડાના પ્લેટફોર્મ પર ચડીને માળિયાની અંદર જોવા પ્રયત્ન કર્યા. ‘બારીઓ પણ ખાસ્સી મોટી છે નહીં?’ ચેતનાબહેને લીનાબહેનને કહ્યું. લીનાબહેને કહ્યું, ‘હં છે તો મોટી.’ લીનાબહેને હોંકારો ભણ્યો પણ ખાસ રાજીપો ન દેખાડ્યો. માલિનીબહેનનું એ વાત પર ધ્યાન ગયું. ‘એ તો છે જ એવા. કોઈ વાતે રાજી ન થાય.’ એમણે એ વાત બહુ વિચારી નહીં.

‘અહીં બહુ શાંતિ છે,’ નિખિલભાઈએ કહ્યું. ‘હાસ્તો ભૈસા’બ પેલા ફ્લેટમાં તો બસ અવાજ, અવાજ, અવાજ.’ માલિનીબહેન ઉવાચ.

‘હવે માલિનીને બપોરે નિરાંતે ઊંઘવા મળશે.’ નિખિલભાઈ બોલ્યા.

‘હું કંઇ બપોરે ઊંઘતી નથી.’ માલિનીબહેને વિરોધ દર્શાવ્યો. બપોરે ઊંઘી શકાય એવી સુખદાયી પરિસ્થિતિ વિષે ગૃહિણીઓ હમેશા વિરોધ દર્શાવતી હોય છે, ‘હું કંઇ બપોરે ઊંઘતી નથી’. એવું કેમ? શી ખબર. આ વિધાનનું મનો-સામાજિક વિશ્લેષણ ન કરવું જોઈએ?

‘બસ હવે લેન્ડલાઇન ટેલિફોન આવી જાય એટલે બધું વ્યવસ્થિત.’ ચેતનાબહેને કહ્યું. એ માલિનીબહેનનાં સારા બહેનપણી. ચેતના બહેન એમના સરકારી અધિકારી પતિના હોદ્દાની રૂએ મળતા ટેલિફોનનો પૂરો લાભ લે. એમને એમની બધી બહેનપણીઓને ત્યાં લેન્ડલાઇન ફોન હોય તે ગમે.

ભોજન સરસ હતું. સ્વિટડીશ લાજવાબ હતી. રંગેચંગે પાર્ટી પૂરી થઈ. ફરી એકવાર અભિનંદન આપીને મહેમાનો વિદાય થયાં. માલિનીબહેનને આનદ હતો કે હવે ઘર બદલવું નહીં પડે. થોડા દિવસ પછી જરુરી સગવડો કરાવીને સામાન ખસેડયો. નવા સરનામે  ટપાલ કુરિયર આવે એવી વ્યવસ્થા થઈ ગઈ. દૂધવાળો,છાપાવાળો,ઘરકામ સેવક નક્કી થઈ ગયા. રીન્કુ-પીન્કુને નજીકની સારી શાળામાં પ્રવેશ મળી ગયો. લેન્ડલાઇન ફોન પણ આવી ગયો. માલિનીબહેનને નિરાંત થઈ. અહીં ત્યાં જેવો ઘોંઘાટ નહીં. એ ફરીથી નિશ્ચિંત થયાં. અતિઓમશાંતિ એપાર્ટમેન્ટ સંકુલ, બ્લોક આઠ, બીજે માળે ચાર નંબરનો ફ્લેટ એટલે કે ૮૦૪, નવા ઘરનું સરનામું.

નિત્યક્રમ શરૂ થઈ ગયો. માલિનીબહેન કુશળ ગૃહિણી હતાં. વેળાસર પરવારી જાય. બપોર પડે હાથમાં સામયિક કે છાપું લઈને વાંચે. એકાદ સિરિયલ જુએ, બહેનપણીઓ સાથે નવાજૂનીઓ આપલે કરે, ઘડીક આડે પડખે થાય, આંખ મળી જાય ત્યાં બપોર પૂરી. ફરી પાછું ચક્કીએ ચડવાનું. સૂવાનું તો બસ ઘડીકવાર. આમે ય તે આ અતિઓમશાંતિ એપાર્ટમેન્ટ સંકુલમાં શાંતિ એવી સરસ કે હાશ નિરાંત લાગે છે. આમ તો એ બપોરે ઊંઘતા નથી. આ તો બસ થોડી વાર.

આવી જ એક શાંત બપોરે માલિનીબહેન પરવારીને હાથમાં એક સામયિક લઈને પથારીમાં પડ્યાં. થોડું વાંચ્યું ત્યાં આંખ ઘેરાવા લાગી અને આંખ મળી ત્યાં… વાંસળી વાગી? ના રે ના એવું તો કા’નગોપીના ગીતમાં થાય. અહીં તો શયનખંડની બારીની બહાર અવાજ આવ્યો. ઘૂઘૂઘૂઘૂઘૂ… એક કબૂતર બેઠું હતું બારી પાસે.

માલિનીબહેનની આંખ ખૂલી ગઈ. એમણે બાજુમાં પડેલું સામયિક લઈને જોરથી પછાડ્યું. છૂછ કર્યું. કબૂતર ઊડી ગયું. વીસેક મિનિય પછી બીજી બારીએથી ઘૂઘૂઘૂઘૂઘૂ…. માલિનીબહેને ફરી એ જ ક્રિયા કરી. પરિણામ પણ એ જ મળ્યું. એકાદ મિનિટ થઈ હશે અને ગેલેરીમાંથી એ જ અવાજ સંભળાયો. ઘૂઘૂઘૂઘૂઘૂ. ચોમેર શાંતિ, નિર્જનતા અને કબૂતર મંદ્ર સપ્તક્ના સાનો લાંબો આલાપ લેતું હતું.

માલિનીબહેનની ઊંઘ ઊડી ગઈ. એમને ખીજ ચડી. એ ધસમસતાં ગેલેરીમાં ગયાં અને કબૂતરને ઉડાડી મૂક્યું. કબૂતર સામેના મકાનની બંધ બારી પર જઈને બેઠું. ત્યાં એને એક સાથીદાર મળ્યું. હવે મંદ્ર સપ્તકના ‘સા’માં યુગલગાન શરૂ થયું. અવાજ થોડે દૂરથી આવતો હતો પણ સંભળાતો હતો. શાંતિ હતી ને? માલિનીબહેનને લાગ્યું હવે ઊંઘવાનો અર્થ  નથી. એમણે અકળાતાં અકળાતાં ટીવી ચાલુ કર્યું.. જે દેખાતું હતું એમાં મન પરોવવા પ્રયત્ન કર્યો. થોડા સમય પછી બપોર પૂરી. હવે તો આ રોજનું થયું. અતિઓમશાંતિ એપાર્ટમેન્ટ સંકુલના મકાનો, ગેલેરીઓ, બારીઓમાંથી વહેલી સવારે, સૂરજ આથમવા  ટાણે શાંત બપોરોએ અને ક્યારેક તો મધરાતે પણ સંભળાય ઘૂઘૂઘૂઘૂઘૂ. સાથે સંભળાય પાંખોના ફફડાટો. ક્યારેક સોલોમાં ક્યારેક ડ્યુએટમાં તો ક્યારેક કોરસમાં એકધારું બિલકુલ સ્થિર ગાયન ઘૂઘૂઘૂઘૂઘૂઘૂઊઊઊ….

જૂના ફલેટના ઘોંઘાટોથી દૂર શહેરની ભીડથી દૂર આ નવા એપાર્ટમેન્ટ સંકુલ નામે અતિઓમશાંતિમાં અતિશાંતિ અનુભવવાની અપેક્ષા હતી માલિનીબહેનને. એમણે ક્યારે ય કલ્પના નહોતી કરીકે કબૂતરો, ભોળાં ભલાં પારેવડાં આવી તકલીફ આપી શકે. આમે ય તે એ  કાંઇ એમણે પિયરને પીપળેથી આવેલું પારેવડું તો નહોતું કે એને જોઈને એ ‘એને કોઈ ના ઉડાડશો કોઈ ના ઉડાડશોઓઓઓઓ…’ એવું ગીત ગાય.  એ તો એમ ઇચ્છતા હતાં કે એ ગાય, ‘એને કોઈ તો ઉડાડો, અરે કોઈ તો ઉડાડોઓઓઓઓ…’ એમને ક્યાં ખબર હતી કે આ તો હજી શરૂઆત છે. બારી પાસે બેસી રહેતા કબૂતરને કાઢવા માલિની બહેને કંઇ કેટલાં ય વાનાં કર્યાં. સાવરણી ઉછાળે, કપડાં ફેંકે, ચોપડીઓ ફંગોળે. કબૂતરને વાગે નહીં. જરા ઝટકો લાગે અને બારી પાસેથી ઊડી જાય.. થોડી વાર સુધી ન આવે. પછી અહીંથી ઊડીને ત્યાં બેસી જાય. તરત શરૂ કરે ઘૂઘૂઘૂઘૂઘૂઘૂ. ક્યારેક શાંત બેસે પણ કબૂતર એક થોડું હતું? વસાહત હતી આખી. એક કબૂતર શાંત બેઠું હોય તો બીજું બોલે. બીજાને સાંભળીને ત્રીજું સાદ પુરાવે. માલિનીબહેન કંઇ હીટ હિન્દી ફિલ્મની નાયિકા નહોતાં કે એ કહે, ‘કબૂતર જા, જા, જા’ ને કબૂતર જતું રહે! એ તો ન જાય.

માલિનીબહેનના અતિઓમશાંતિ ફ્લેટસંકુલના ઘરમાં સોનાના સુખમાં થોડી મેખ દેખાવા માંડી. કબૂતર બારીએ બેસીને ગાય. કોયલ જેવું નહીં, કાબર જેવું ય નહીં છતાં ય કહીએ ગાય. ટેવાઈ જવાય. અનુકૂલનશીલ ભારતીય નારી શેનાથી નથી ટેવાતી? પણ ગેલેરીના ખુલ્લા બારણાંમાંથી, બારીના ખુલ્લા કમાડમાંથી કબૂતર ઘરમાં ય આવી જાય. ગેલેરીમાં તો ખાસ બેસે. આહારપાચન પછી દરેક સજીવને થતી ક્રિયા તો થાય જ. ગેલેરી ગંદી થાય. ઘરકામસેવકને ગેલેરી ધોવી ગમે નહીં. ’આમ રોજરોજ ગેલેરી ધોવાનું તો ના પોસાય.’ ફલેટના માળિયા ખુલ્લા. બિલ્ડર માળીયા કરાવી આપે એને કમાડ થોડા કરાવી દે? એ માળિયા કબૂતરોની નવી પેઢીના સર્જનની કર્મભૂમિ. થોડા થોડા મહિને કબૂતરોની નવી ટુકડી બહાર આવે અને ઘૂઘૂઘૂઘૂગાયન સમૂહસંગીતના ગાયક સભ્યો વધે. જાણે કેન્દ્ર સરકારની કેબિનેટ.

માલિનીબહેન કંટાળવા માંડ્યાં. એકદમ નવા દીવાલો પર ડાઘાડૂઘી વિનાના, સલામત, સાજા નળો-લાઈટો, ચમકતી ટાઈલ્સોવાળા ફ્લેટમાં રહેવાનો એમનો હરખ ઑસરવા માંડ્યો. એમણે આઠ નંબરમાં રહેવા આવેલા બીજા કુટુંબોને પૂછ્યું. સમદુખિયા હતાં સૌ કબૂતરોના ત્રાસથી. જોકે આખા સંકુલમાં હજી ઘણાં ઘરો ખાલી હતાં પણ એકંદરે વસ્તી સારી. એમણે ઉપરવાળા પુષ્પાબહેનને પૂછ્યું, ‘શું કરો છો તમે આ કબૂતરોનું?

‘જારીઓ નખઈ દો બધી ગેલેરીઓમ્મો. અમીં તો નખઈ દીધી.’ પુષ્પાબહેને એમની ધરતીના લૂણની વ્યવહારુ ભાષામાં એનો ઉપાય કહ્યો. વાત વ્યવહારુ હતી. જાળીઓ હોય તો કબૂતર ઘરમાં ન આવે. ‘ન જારીઓ નખાવો તાર ડિઝાઇન એવી લેજો ક ચકલીઓ ય ના પેહી હક. ચકલીઓ ય તે મારો બનાબ્બા  તણખલા લાઇ લાઇ ન  ઘરમ્મો કચરો કરી મેલ છી.’ પુષ્પાબહેને સૂચવ્યું. એ સારા પાડોશી છે.

‘આપણે જાળીઓ કરાંવી દઈએ.’ માલિનીબહેને નિખિલભાઈને કહ્યું. ‘શું કામ? પંખીને પાંજરામાં ન પૂરાય એટલે આપણે પૂરાવાનું? ખુલ્લુ જોઈને તો આ ફલેટ લીધો છે. આમ છતાં જોઈએ સગવડ થાય ત્યારે વાત.’ હવે જ્યાં સુધી નિખિલભાઈનું અભિપ્રાય પરિવર્તન ન થાય ત્યાં સુધી કબૂતરપ્રવેશનિષેધનો ઉપાય નહોતો. ના એવું નહોતું. ઉપાય હતો. પુષ્પાબહેનની બાજુના ફ્લેટમાં યુવાન દંપતી રીમા અને પ્રતિક રહેતાં હતાં. માલિનીબહેને રીમાને પૂછ્યું, ‘કબૂતર ન ઘૂસે એ માટે તમે શું કરો છો?’

‘પ્રતિકે કહ્યું છે બારણાં બંધ રાખવાના.’ રીમાએ હસીને કહ્યું. નવી નવી પરણેલીને? એને વાતે વાતે હસવું બહુ આવે.

‘પણ એમાં તો તાપ લાગે અંધારું લાગે.’

‘તાપ માટે પંખો, અંધારા માટે ટ્યૂબલાઈટ’ રીમાએ ફરી હસીને કહ્યું.

માલિનીબહેનને થયું આમ વાતે વાતે હસવાનું શું? ને આમે ય એમને આ ઉપાય અનુકૂળ ન હતો. વેઠવું જ રહ્યું. નવા ફ્લેટમાં આવી પડેલું વણકલ્પેલું દુખ.

વળી કબૂતરો ય કેવા? લોકો કહે કબૂતરો તો ભોળાં પંખી. માલિનીબહેન આ વિધાન સાથે જરાય સહમત નથી. એક યા વધુ કબૂતરો ઘરમાં પેસે કબૂતર આવે કે માલિનીબહેન એ બારી બંધ કરી દે. વિચાર એવો કે કબૂતરને બીજે રસ્તે બહાર કાઢી મૂકવું ને પછી પ્રવેશના બધા રસ્તા બંધ કરી દેવા.પણ કબૂતર જેનું નામ. જે બારીથી પેઠું હોય એ બંધ હોય તો  બીજા બધાં  બારીબારણાં ખુલ્લાં હોય તો ય બહાર જવાનો રસ્તો શોધવા ફાફાં મારે. ઘરમાં ઊડાઊડ કરે.દરેક બારીએ જઈને પાછું આવે, જમવાના ટેબલ પર ટપરટપર નાચે, સીલિંગફેન પર ઝૂલે, કબાટ સાથે અથડાય પણ બીજે રસ્તે બહાર ન જ જાય. માલિનીબહેન છાપું, નેપકિન જે હાથમાં આવે તેનાથી ઝાપટો માર્યા કરે. છેવટે પેલી બંધ કરેલી બારી ખોલી નાખે અને કબૂતર સરરર કરતું બહાર! આવું કરે એને ભોળું કહેવાય કે બેવકૂફ?

એમ તો જો કે આપણે પણ બેવકૂફ લોકોને વિવેકમાં ભોળા જ કહીએ છીએને?

દિવસો વિતતા ગયા. કબુતર નિકાલ અભિયાન અતિ ઓમ શાંતિ એપાર્ટમેન્ટ સંકુલના ફ્લેટ નંબર ૮૦૪નું મહત્વનું કાર્ય બની ગયું. જમવાના ટેબલ પર ચર્ચવાનો મુદ્દો બની ગયું.  રીન્કુ-પીન્કુ કહે, ‘એક ગન લઈ આવીએ, ધનધનધનધન ધાંયધાંયધાંય.. પતાવી દઈએ.

‘ઑ જેમ્સ બોન્ડના પંખાઓ, એવું ન કરાય. બંદૂકના અવાજો સાંભળીને લોકો ભેગા થઈ જાય. આતંકવાદના ઉપદ્રવનો વખત છે.’ નિખિલભાઇએ કહ્યું.

‘તો એને પકડીને પાંજરામાં પૂરી દઈએ.’ સૂચન બીજું.

‘આ તે કંઇ ઉંદર છે તે પાંજરામાં પૂરાય? ને પાંજરામાંથી ય ઘૂઘૂ તો કરશે જ ને? એને પકડવા સામેના બ્લોકના ચોથે માળે કોણ જશે? એ બ્લોકમાં તો બે જ ઘર ખુલ્લાં છે.’ માલિનીબહેને કહ્યું.

હશે ત્યારે વેઠી લઈએ આ દુખ બીજું શું? જોજો ભૂલેચૂકે ય ચેતનાબહેનને આ ખબર પડવા દેતા નહીં નહિતર છેક અમેરિકા ઓસ્ટ્રેલિયા સુધી આ વાત પહોંચી જશે. એ તો નવરી છે ને એના વરને મળતા મફતના ટેલિફોન ઠોકયા કરે છે. માલિનીબહેને નાનકડો નિસાસો નાખ્યો. હવે સમજાયું લીનાબહેને તે દિવસે બહુ ઉમળકો નહોતો દેખાડ્યો. એમણે છ જ મહિના પહેલાં આવો જ નવો ફ્લેટ ખરીદેલો.

મનોવિજ્ઞાનીઓ કહે છે કે માણસનું મન અનુકૂલનશીલ હોય છે. ‘દર્દ હી દર્દ કી દવા હોતા હૈ’ એવું ય એક શાયરે કહ્યું છે. માલિનીબહેનને પણ એવું જ થયું. એક મધુર સવારે એમને કબૂતરોના ઘૂઘૂઘૂ સાથે ચકલીઓનું ચીંચીંચીં પણ સંભળાયું. થાંભલાને સહારે ઊંચે ચડવા મથતી ખિસકોલીઓ પણ દેખાઈ. બપોરે સૂકાયેલાં કપડાં લેતી વખતે પાસેના ઘેઘૂર લીમડા નીચે ટરરરટરરર કરતાં લેલાંનું ટોળું દેખાયું. એક રમણીય સાંજે કોયલનું કૂકૂ સંભળાયું. સામે વીજળીના તાર પર ઝૂલતી કાબરો દેખાઈ. એક રાતે એ પાણી પીવા ઉઠ્યા ત્યારે ચીબરીની તીણી ચીસ સંભળાઈ અને માલિનીબહેનને સ્ફુરણા થઈ. ‘વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી, પશુ છે પંખી છે વનોની છે વનસ્પતિ’ શાળામાં ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં ભણેલી એ કાવ્યપંક્તિઓ એમને યાદ આવી ગઈ. અચાનક જ. એમણે નક્કી કરી લીધું .કબૂતરો,ચકલી,લેલાં,કાબરો,કોયલો સૌને સ્વીકારી લેવાનું. પુષ્પાબહેન અને રીમા જ શું કામ? આ બધાં ય હતાં દોસ્તી કરવા જેવાં. એમણે એ સૌમાં રસ લેવાનું નક્કી કર્યું. સવાર સાંજ રાત નભચર,ભૂચર સૃષ્ટિ એમના રસનો વિષય બની ગઈ.ક્યારેક તો મધરાતે પણ લાગતું કે એ બધાં એમની સાથે છે અને એમને એ ગમવા માંડ્યું.

‘બર્યું કબુતરાં ન ચકલોંમોં હું જોવું? તમાર ચેનલ આઈ જઇ?’ પુષ્પાબહેન પૂછે છે. માલિનીબહેન કમાડની પાછળ માળો બનાવતી ચકલીને જોવામાં મશગૂલ છે. હવે નથી રહી પેલી અકળામણ, પેલો ખીજવાટ કે પેલું બપોરિયું આળસ. શહેરથી દૂર, ભીડથી દૂર ખુલ્લા વિસ્તારમાં બનેલા એપાર્ટમેન્ટ સંકુલનું ઘર માલિનીબહેનને ગમવા માંડ્યું. વખત વિતતો ગયો. નિખિલભાઈને ખુલ્લામાં રહેવાનો ધરવ થઈ ગયો. એમણે ગેલેરીઓને જાળીઓ કરાવી, માળિયાને બારણાં કરાવ્યાં. સુંદર રંગેલી જાળીઓ, કારીગરીના ઉત્કૃષ્ટ નમૂના જેવા માળિયાનાં કમાડો. ચેતનાબહેનના સરકારી અધિકારી પતિએ કહ્યું, ‘હવે તમારા ફલેટની કિંમત બમણી થઈ ગઈ.

હવે આસપાસના ખુલ્લા પ્લોટોમાં પણ મકાનો બંધાવા માંડ્યા. એપાર્ટમેન્ટ સંકુલના રસ્તાઓ પર પાકી સડક થઈ ગઈ. બાકીની જગ્યાઓ પર પત્થર જડાઈ ગયા. નજીકમાં દુકાનો થઈ. બે પૈડાં, ત્રણ પૈડાં, ચાર પૈડાંવાળા વાહનોની અવરજવર વધી ગઈ. રિવર્સમાં જાય ત્યારે પ્રભુસ્મરણ કરાવતી, પશ્ચિમી સંગીતની તરજો વગાડતી, ‘ આઘા રહો વાહન પાછળ જઇ રહ્યું છે’ એવી અંગ્રેજીમાં ચેતવણીઓ વગાડતી મોટરકારોની સંખ્યા પણ વધી ગઈ સંકુલમાં. માલિનીબહેનને આ બધું ગમ્યું, ફ્લેટની કિંમત ત્રણ ગણી થઈ ગઈ. વાહનોની ભીડ, ઘણાં ફ્લેટોમાં ગેલેરીને બંધ રાખતી  જાળીઓ અને ઘોંઘાટના પરિણામે કબૂતરો,કાગડા, કોયલ, કાબર, લેલાં, ખિસકોલીઓ હવે બહુ નથી આવતાં. ચકલીઓ તો અદ્રશ્ય જ થઈ ગઈ છે. અતિઓમશાંતિ એપાર્ટમેન્ટ સંકુલમાં જોકે બપોર પડે શાંતિ હોય છે. એવી શાંત બપોરોએ માલિનીબહેનને બહુ સૂનુંસૂનું લાગે છે. ચિરપરિચિત, સહ-વાસી મિત્રો, સાથીઓથી છૂટા પડ્યાને લાગે એવું સૂનુસૂનું.

***

સરનામું : સ્વાતિ મેઢ ૧૦/૧૧૫, પરિશ્રમ એપાર્ટમેન્ટસ, વિમાનગર પાસે, સેટેલાઈટ રોડ. અમદાવાદ, ૩૮૦૦૦૧૫, ટેલિફોન નબર (૦૭૯)૨૬૭૪૫૮૩૬  મોબાઈલ ૯૭૨૪૪૪૨૫૮૬ વોટ્સએપ: ૮૯૮૦૦૦૧૯૦૪

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “કબૂતર જા જા જા… – સ્વાતિ મેઢ”

Copy Protected by Chetan's WP-Copyprotect.