એક હાસ્ય લેખ – જસ્મીન ભીમણી

(રીડ ગુજરાતીને પ્રસ્તુત હાસ્યલેખ પાઠવવા બદલ શ્રી જસ્મીન ભીમાણીનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો jasminbhimani@gmail.com અથવા ૯૯૧૩૬૬૮૯૮૦ પર સંપર્ક કરી શકો છો. લેખનક્ષેત્રે તેમને અઢળક શુભકામનાઓ.)

એક દિવસની વાત છે. મંગળાચરણ વીત્યું હતું, સવારનું સપનું ઈન્ટવેલ પૂરું કરી ક્લાઈમેક્સ તરફ ધીમેધીમે આગળ વધતું હતું, ત્યાં મારા ફોનની ઘંટડી વાગી. ઉંદરડો ખેતરના ઊભા મોલમાં ખાંખાખોળાં કરે તેમ મેં મારા રંગતઢોલિયા પર ફોન શોધ્યો. ઊંઘરેટી આંખે ફોનનું લીલું બટન દબાવ્યું. સામેથી મીઠડો અવાજ આવ્યો કે, “હેલ્લો, પરમના ડેડી બોલે છે?”

ગર્વથી છલોછલ વાણીમાં મેં જવાબ આપ્યો: “હા બોલું છું.”

તે મીઠો અવાજ વધુ મીઠો થઈ બોલ્યો: “સર, હું જ્ઞાનની સરવાણી સ્કૂલમાંથી બોલું છું.” સવારે જ્ઞાનની દેવી અહીં કયાં સલવાઈ એવું હું મનોમન બોલ્યો. ઊંઘમાં મને સ્કૂલની જગ્યાએ કતલખાનું સંભળાયું.

“સર આર યુ લિસનીંગ ના?” મીઠો અવાજ લગીર કડક થયો. “ઓહ…હા મેડમ ઓળખી ગયો. સમજી ગયો. મેડમ પરમની સ્કૂલ ફી હું આવતા મન્ડે ચોક્કસ ભરી દઈસ. સુ છે કે બજારમાં મંદી ચાલે છે એટલે મારો ચેક આવ્યો નથી. આ સોમવારે સોયે સો ટકા પાક્કુ. હવે તમારે ફોન કરવો નહી પડે.”

પુત્ર પરમની ચાલુ સત્રની ફી તેના ચોપડા અર્ધા ફાટી ગયા તેટલો સમય વીત્યો હોવા છતા મેં ભરી નહોતી, તેના માટે સ્કૂલેથી અવારનવાર ફોન આવતા માટે મીઠો અવાજ આગળ પૂછે તે પહેલા જ મેં ખુલાસો કર્યો.

“અરે સર…તમારી ફી હજુ બાકી છે!?” મીઠો અવાજ થોડો ફાટ્યો. પછી જેના માટે તેને પગાર મળે છે તેવો અવાજ કાઢી તે બોલી: “હું એકાઉન્ટ સેક્શનમાં મેસેજ કન્વે કરી આપીશ, તેના માટે ત્યાંથી તમારા પર ફોન આવશે.”

મેં બાફ્યું હતું તેની મને ખબર પડી. હવે આ ઉઘરાણીનો તો ફોન નથી જ એવું જણાતા મેં જરા કડક થઈ કહ્યું: “તો તમે ક્યાં સેક્શનમાંથી બોલો છો? સવારમાં તમને લોકોને મારું શું કામ પડ્યું?”

“હું પ્રિન્સીપલ મેડમની પ્રાઈવેટ સેક્રેટરી બોલું છું.” મીઠા અવાજમાં મધુરપ ભળે તે પહેલા મેં વચ્ચે જ ડબકું મૂક્યું: “આલે…લે! મેડમ સેક્રેટરી રાખતા થઈ ગયા! જબરી આવક છે તમારે લોકોને. ફરમાવો હું તમારી શું સેવા કરી શકું?”

“મેડમ, તમને અમારા સરે …ઓફહોહોહો” મીઠો અવાજ ગોટે ચડ્યો, વાક્ય સુધારી એક એક શબ્દ કાળજીપૂર્વક છૂટા પાડી મીઠા અવાજે કહ્યું: “સર, પ્રિન્સીપલ મેડમે તમને તાત્કાલિક સ્કૂલે બોલાવ્યા છે. તમારા પુત્રની ફરિયાદની કશી મેટર છે માટે. નાવ યુ ગોટ ઈટ?”

“હમમમ…નાવ આય ગોટ ઈટ.” હું રંગતઢોલિયામાં બેઠો થયો અને આગળ કહ્યું: “આટલા વર્ષમાં પુત્રના તોફાનમાં પહેલી વખત મને બોલાવ્યો! હમણા જ હું તૈયાર થઈ આવું છું.” મેં જવાબ આપ્યો. સામેથી મીઠો અવાજ ઓલવાઈ ગયો.

સવારના પહોરમાં આવા ફોન આવે તે મને બિલકૂલ પસંદ નથી. દસ વાગ્યે કંઈ સવાર ન કહેવાય એવું કહેતા લોકોને મારો શ્રાપ છે કે આજ પછી તેઓ ફેસબૂકમાં ફોટા, વીડિયો અપલોડ નહીં કરી શકે. આ શ્રાપના પ્રભાવથી મારી પત્ની તો તરત જ કહેવા લાગી કે, “મારા ફોટા, વીડિયો ફેસબૂકમાં કેમ અપલોડ નથી થતા? જોઈ દયો તો.” હવે કેટલાં વાગ્યે સવાર પડે તે બાબતે તમારે શું કહેવું તે તમે લોકો નક્કી કરી લેજો.

ચા-નાસ્તો પતાવી, આજ મેં ઘસીઘસીને દાઢીય કરી. થોડોક તૈયાર થવામાં વધુ સમય લીધો. પત્નીએ ફોનવીતી સાંભળી હતી એટલે તે અકળાઈ, “હવે આ છોરાએ શું ઉપાડો લીધો હશે? શું કરવું મારે આ છોકરાનું! પ્રિન્સીપલ મેડમે કોઈ દિ નહિ ને આ વખતે તમને કેમ બોલાવ્યા હશે?”

મેં મારા મોજામાંથી હાઉકલી કરતા અંગુઠાને સંતાળી બૂટ પહેરતા તેને જવાબ આપ્યો: “પ્રિન્સીપલ મેડમે મને ઊભી ખો રમવા તો ન જ બોલાવ્યો હોય. આપણા જણે લખ્ખણ જરકાવ્યા હશે માટે બોલાવ્યો હશે. જો છોકરા તો તોફાન કરે. સ્કૂલની ટીચર ફી એટલા માટે જ આપીએ છીએ કે તે લોકોનેય થોડું કામ મળે. આ ઉંમરે છોકરાઓ તોફાન નહિ કરે તો ક્યારે કરશે? તું ચિંતા ન કર હું બધું થાળે પાડી આવીશ.” પત્ની વધુ સલાહો આપે તે પહેલા હું ઘરની બહાર નીકળી ગયો.

ગુજરાતીમાં એક કહેવત છે કે ‘બાપ બતાવ કે શ્રાદ્ધ સાર’. જેનો મતલબ એવો થાય કે તારા બાપને દેખાડ નહીં તો ટકો કરી એની પાછળ શ્રાદ્ધ કરાવીને ખાતરી કરાવ કે તેઓ પહેલી લોકલ બસ પકડી નરકમાં ઉપડી ગયા છે. આ કહેવતનો ઉપયોગ આજની સ્કૂલમાં છૂટા હાથે થાય છે. નાની નાની ફરિયાદમાં માતા-પિતાને સમન્સ પાઠવે. છોકરાવે નાનકડું લેંચુ માર્યું હોય તો આપણને સ્કૂલ સુધી લાંબા કરે!

આજકાલના શિક્ષકોને ખબર જ નથી કે ભગવાને બે હાથ વિદ્યાર્થીઓને મારવા આપ્યા છે. અમારા જમાનામાં સ્કૂલનો મતલબ જ એ હતો કે બાપા મારીમારીને થાકે એટલે કહે કે, “જા હવે નિશાળે. હું થાકી ગ્યો હવે તને તારા માસ્તર મારશે. મને થોડોક વિસામો ખાવા દે.” હોશિયાર વાચકોના મનમાં પ્રશ્ન થતો હશે કે તમને નિશાળે માસ્તર મારે તે સમજ્યાં તો પછી માસ્તરના છોકરાને કોણ મારતુ હશે? તો કહી દઉં કે માસ્તરના છોકરા પર અમે હાથ સાફ કરતા. “ઊભો રે કનિયા… હવે મારો વારો, આજ એના બાપાએ પિલુડીની સોટીએથી મને બોવ માર્યો. ભરોડ ઉઠાડી દીધી.” મેથીપાકના આ મહાયજ્ઞમાં ફૂલ નહિ તો ફૂલની પાંખડીનું યોગદાન માસ્તરોને મળવું જોઈએ એ તર્કને લીધે જ નિશાળનો આવિષ્કાર થયો હતો.

ઈતિહાસ ગવાહ છે કે ઈમરજન્સી પછીના બે દસકાના છોકરાઓ ખૂબ આજ્ઞાંકિત હતા, નમાલા નહોતાં. ખબર છે બાપા અમને લોકોને મારવા માટે ચપ્પલ મંગાવે છે તો ય અમે હરખભેર દોડીને ફળિયામાંથી ચપ્પલ લાવીને તેના હસ્તકમળમાં મૂકતા. બાપાના હાથમાંથી મારતા મારતા ચપ્પલ છૂટીને નીચે પડતું તો અમે ઉઠાવીને પાછું તેમના હાથમાં સોપતા. તે સમયે મા તો કશું બોલી જ ન શકતી. ભ્રષ્ટાચારમાં સજા પામેલ મંત્રીના પરિવારના સભ્યો જેવી હાલત અમારા સમયે માતાઓની હતી.

પ્રિન્સીપલ નહીં પણ માસ્તરો એટલા બધા મારતા કે ગાલ ફુલીને દડો થઈ જતા. પાછા ઘેર આવીને આવા ગાલ જોઈ મમત્વથી મા પૂછે કે, “આ તારા ગાલ કેમ હોજી ગ્યાં.” તો જવાબ એમ જ આપવાનો કે એ તો એકલા એકલા આંબલી ખાધી એમા ગાલપચોળિયા થયા છે. બાપાના માથે ચોટલી તો તે જમાનામાંય નહોતી છતા સહાનુભૂતિના શબ્દો સાથે છોકરાને પાવલુ આઠ આના આપવા પડશે, ગંભીર આર્થિક પરિસ્થિતિમાં આપણને લેવાદેવા વગરની ચોંટશે. એવું વિચારી આંખ આડા કાન કરતા. અમારા ખુલાસાનો સહર્ષ સ્વીકાર થતો. વરસાદમાં ભીંજાવાની અને બાપાના મારવાની ફરિયાદ કોઈને કરી શકાતી નથી.

અમારા જમાનામાં અમારા બાપા કયારેય સ્કૂલનું પગથિયું ચડ્યા નહી. આજકાલની શિક્ષણ વ્યવસ્થા જ એવી થઈ ગઈ છે કે ના છોકરાને ટીચર ટીંચે, ના માતાપિતાને ટીચરની હાથચાલાકી ગ્રાહ્ય છે! ટેભા તોડી નાંખે એવડી ફી ભરતા ભરતા આપણી મરણમૂડી શમી સાચવી રાખેલી એફ.ડી.ઓ તૂટી જાય! છતાં સરવાળે મીંડું જ મળે. આવું વિચારતો વિચારતો હું પુત્રની સ્કૂલ પાસે પહોંચ્યો.

અદ્યતન બિલ્ડીંગની બહાર પ્રિન્સીપલ મેડમની સફેદ કલરની મર્સિડીઝ પડી હતી. તેની બાજુમાં મેં મારા બાઈકની ઘોડી ચડાવી, મર્સિડીઝના કાચમાં જોઈ મેં મારા વાળ વ્યવસ્થિત કર્યા. દરવાજા અંદર દાખલ થયો. દરવાજા પાસે જ મને પોખવા ઉભેલા સિક્યુરીટીવાળાને મારા આગમનનું પ્રયોજન કહ્યું. થોડી રકઝક પછી મને અંદર જવાની સહમતિ આપી. ઓફિસમાં જતાં લાંબી પરસાળ વટાવતાં મને બેક ગ્રાઉન્ડમાં અપ્સરાઓ નૃત્ય કરતી દેખાઈ, ગંધર્વો જુદાજુદા વાઘો વગાડી ગાન કરતાં દેખાયા. રીસેપ્શન પર બેસેલી ફૂટડી યુવતીને મારું નામ જણાવ્યું. તે પરિચિત મીઠા અવાજે મો મચકોડી પ્રિન્સીપલને ઇન્ટરકોમથી માહિતી આપી. સામેથી પરવાનગી મળી હશે એટલે મને તેણે આંગળીથી જ પ્રિન્સીપલ મેડમની કેબીન બતાવી જવા ઈશારો કર્યો.

મેં કેબીનનું અડધું બારણું ખોલી આખું ડોકું ઘુસાડી, “મેડમ, અંદર આવું?” એવો પ્રશ્ન ફેંક્યો. તમે લોકો વોટ્સઅપ વાપરતા જ હશો. તેમાં મેસેજ સેન્ડ કર્યા પછી સામેવાળી પાર્ટી વાંચે એટલે બ્લુ ટીકનું નિશાન આવે. બસ એમ જ પ્રિન્સીપાલ મેડમે મારી સામે જોયું પણ કશું બોલ્યાં નહી. જેને હું તેની પરવાનગી સમજી ઓફિસમાં અંદર ઘુસ્યો.
એક ગરીબને મહિના દિવસનો ઘરખર્ચો નીકળી જાય એટલો બધો મેકઅપ ચોટાડી એ બેઠા હતા. અડધી સદીએ પહોચેલી એની ઉંમર હશે, કોઈ પક્ષના માર્ગદર્શક-મંડળમાં આસાનીથી સમાવી શકાય તેવો એનો દીદાર હતો. મેં તેમની સામેની મોંઘીદાટ ખુરશી પર કહ્યાં વગર પ્રાણપ્રતિષ્ઠા કરી. ઓફિસની દીવાલોમાં ઘણા મહાનુભાવોના ફોટા તેમજ જાતજાતના અંગ્રેજીમાં સુવાક્યો લખ્યાં હતા. પ્રિન્સીપલ મેડમના માથા પર જ અસંખ્ય ટ્રોફીઓ કાચના કબાટમાં પડી હતી. વાતાનુકુલ ચેમ્બર સુગંધથી મધમધતી હતી. મેડમ અત્યાર સુધી ગંભીર મુખમુદ્રા ધારણ કરી એક ફાઈલમાં કશું લખી રહ્યાં હતાં. થોડીવારમાં ફાઈલના કાગળિયાં પર નીચેની જગ્યાએ સિક્કો મારી મોંઘીદાટ પેનથી સહી કરી, એક ખૂણામાં મૂકી.

“યસ મિ. ભીમાણી, વેલકમ.” સ્મિત સાથે તેણે નમ્ર અવાજે મને આવકારો આપ્યો.

“થેંક્યુ મેડમ.” ચારેબાજુ જોઈ મેં વાતડાહ્યાં થઈ કહ્યું: “ઓફિસ સરસ છે, સારું સંકુલ તમે બનાવ્યું છે. ગ્રીન, આધુનિક. થોડું મેદાન નાનું છે. બાકી બધું બરાબર છે.”

“ઓહ….યસ, યસ. શિક્ષણની બાબતમાં અમે કોઈ બાંધછોડ ક્યારેય નથી કરતાં.” તેને પોતાના કેમ્પસના વખાણ સાંભળીને મજા આવી. લાઓત્સે કહ્યું છે કે, “માનવી પ્રસંશામાં રહેલું જૂઠ અને ટીકામાં રહેલા સત્યને ઓળખી નથી શકતો.” મને એ ક્વોટ યાદ આવી ગયું!

“સો…વોટ યુ ડુ મિ. ભીમાણી?” પ્રિન્સીપલ મેડમે મારી કુંડળી કાઢવાનો પ્રયાસ કર્યો.

“મેડમ આય એમ એન્જીનીયર બાય મિસ્ટીક એન્ડ ડીડ વર્ક, વોટ એબાઉટ યુ?”

મારો પ્રતિપ્રશ્ન સાંભળી તે થોડા ગુસ્સે ભરાયા. આપણો ધંધો તે લોકો જાણી લે ને પોતાનો ના કહે એવું થોડું ચાલે! તે લોકો કતલખાનું ચલાવે છે તે એમને જાણ હોવી જ જોઈએ. સરકારી નિયમો અવગણી તોતિંગ ફી થકી કરોડો કમાઈ લે છે.

“હું કઈ ટ્રેનના ડબ્બાની અજાણી મુસાફર છું કે મને ય તમે સેમ કવેસ્ચન પૂછો, હું પ્રિન્સીપાલ છું એ તમને ખબર જ છે.” મેડમ ઊંચા અવાજે બોલ્યા.

“સોરી સોરી…મારો કહેવાનો એ મતલબ નહોતો. મારી અંગ્રેજી થોડી કાચી છે.” મેં વાત વાળવાનો પ્રયાસ કર્યો.

“જુઓ મારી પાસે સમય ઓછો છે એટલે આપણે મૂળ મુદ્દા પર આવીએ.” તે અચાનક ગંભીર થઈ બોલ્યાં.

“હા હા જરૂર.” મેં કહ્યું.

“તમારા છોકરાની રોજ ફરિયાદો આવે છે, છેવટે કંટાળીને મારે તમને અહી બોલાવાની ફરજ પડી.” શુકદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથા સંભળાવતા હોય તેમ મેડમે પ્રવચનની શરૂઆત કરી. શુકદેવજી મહારાજ તો પરીક્ષિત રાજામાં જ્ઞાન-વૈરાગ્ય જાગૃત કરી ભક્તિ રસ ઉત્પન્ન કરાવવા માટે મહેનત કરતાં હતાં. મારે તો કમને પ્રિન્સીપલ મેડમની વાગ્ધારા ઝીલવાની હતી, કારણ કે શિક્ષણ વિષે મારા અને પ્રિન્સીપલ મેડમના વિચારોમાં જમીન આસમાનનો ફરક હતો! શું થાય? જમાના સાથે કદમ મિલાવાની લાહ્યમાં મેં મારા પુત્રને કોચવાતા મને ઈંગ્લીશ મીડિયમમાં ભણાવા અહીં બેસાડ્યો હતો.

મેં નવાઈ પામતા કહ્યું, “ઓહ..એવું છે?”

“હા..હું કઈ ખોટું બોલું? ચાલુ પીરીયડમાં વાતો કરે, ટીચર વાળને ઝટકા મારે એવી સ્ટાઈલ કરી તેની જેમ બોલી તેના ચાળા પાડે, એક છોકરાની પેન્સિલ બીજા છોકરાના કમ્પાસમાં મૂકી દે, વોશરૂમમાં ચિત્રો દોરે, ક્રિકેટ રમતા ટ્યુબલાઈટ તોડી નાંખે, કાચ તોડે. કલાસરૂમમાં સીસીટીવી પર રૂમાલ ઢાંકીને તોફાનો કરે. છોકરીયોની ચોટી ખેંચે. વિષય બહારના અવનવા પ્રશ્નો પૂછી ટીચરોને મૂંઝવી નાંખે.” પ્રિન્સીપલ મેડમે ધારદાર અવાજમાં કથા ચાલુ કરી. અચાનક તેને યાદ આવતા બેલ મારી પટ્ટાવાળાને બોલાવ્યો. શુકદેવજી મહારાજે ગણેશજીનું આહવાન કથા પહેલાં જ કર્યું હતું! આ મેડમે ચાલુ કથાએ પટાવાળાનું આહવાન કરી અમારા માટે પાણી મંગાવ્યું. થોડીવાર શાંતિ છવાયેલી રહી. પાણી પીધા પછી મેં ખોખારો ખાઈ જવાબ આપતા કહ્યું: “મેડમ, પ્રશ્નો પૂછવા એ તો જિજ્ઞાસુ બાળકોની નિશાની છે. હા સહમત, તોફાનો ન કરવા જોઈએ, તેના માટે હું તેને ખીજાઇશ.”

“પણ ઉટપટાંગ સવાલો? દરેક ટીચર તેનાથી નારાજ છે.”

“પ્રિન્સીપલ મેડમ, મહાન શિક્ષિકા મેડમ મોન્ટેસરી કહેતાં કે હું શિક્ષણ વિષે કશું જાણતી નથી, માત્ર મેં મારા વિદ્યાર્થીઓને ચાહ્યા છે. વિદ્યાર્થીઓને ચાહો, એને પ્રેમ આપો. આપો આપ તે સુધરી જશે. તેને ખીજાવાથી તે સુધરશે નહી.” મેં ક્યાંક સાંભળેલું ક્વોટ પ્રિન્સીપલ મેડમ તરફ ફેંક્યું. મને એમ હતું કે મેડમ મારા વખાણ કરી શાંત થશે; પણ મારા ક્વોટની તેના પર કોઈ અસર ન થઈ. એવામાં તેનો ફોન વાગ્યો. પાંચ મિનિટ સુધી તેણે હસી હસીને વાત કરી. કદાચ કિટ્ટી પાર્ટીના પ્લાનિંગ અંગે વાત થતી હતી. હું બેઠો બેઠો સમસમી ગયો. તેણે ફોન મૂકી તેની કથા આગળ ચલાવી:
“કાલ તો હદ કરી…અંગ્રેજીના ટીચરે તેના અક્ષરો સારા ન હોવાથી આખું ચેપ્ટર સારા અક્ષરે હોમવર્કમાં લખી આવવાની લાલપેને તેની ક્લાસબુકમાં નોંધ કરી. તો તમારા સને શું કર્યું ખબર છે?”

“ના…કહો જોઈએ?” મેં આશ્ચર્યથી પુત્રનું પરાક્રમ જાણવા આતુરતા બતાવી. પ્રિન્સીપલ મેડમે એક લાંબુ ફરિયાદી ફોલ્ડર અનજીપ કરતા મને આગળ કહ્યું:
“તેણે ફેસબૂકમાં ટીચરની નોંધવાળી નોટબુકનો ફોટો અપલોડ કર્યો. ફોટાની ઉપર લખ્યું કે મેડમ તમારા અક્ષર પણ સારા નથી તો તમારે પણ આજ ચેપ્ટર હોમવર્કમાં લખી આવવા વિનંતી! ફેસબૂકમાં આ પોસ્ટ વાઈરલ થઈ. બધા છોકરાઓએ તેની પોસ્ટ લાઈક કરી. છોકરાઓએ તે ટીચરને ટેગ કરી કરીને ચીડવ્યા. ટીચરના ફીયાન્સે આ પોસ્ટ ટીચરની વોલ પર વાંચી. તે ગુસ્સે ભરાયો અને ટીચર સાથે સગાઈ તોડી નાંખી. બોલો આવું કરાય?”

“ના જ કરાય ને…આવી નાની વાતમાં સગાઈ થોડી તોડાય?” મેં ભોળાભાવે ઉતર આપ્યો.

“મિ. ભીમાણી, તમને મજાક સૂઝે છે? આવું ફેસબૂકમાં લખવાની વાત કરું છું અને તમે સગાઈની વાત કરી રહ્યાં છો.”

“ઓહ…સોરી પ્રિન્સીપલ મેડમ, મને તમારો પ્રશ્ન ન સમજાયો. આખું ચેપ્ટર હોમવર્કમાં લખવાથી શું ફાયદો થાય? ટીચરે પ્રેમથી સમજાવી વિદ્યાર્થીની પાસે બેસી તેના અક્ષરો સુધારવા પ્રયત્નો કરવા જોઈએ.” મેં સલાહ આપી. મને પુત્રે ફરિયાદ કરી હતી કે ટીચર અમને પૂરતું સમજાવતા નથી, અમારામાં ધ્યાન આપતા નથી. એ યાદ હતું.

“અને હા…તમારો સન કર્સ્યુમાં લખતો જ નથી.” મેડમની ફરિયાદ આગળ વધી.

“એટલે?” મેં લબૂક દઈને પૂછ્યું. અમારા સમયે કર્સ્યુ ફર્સ્યુ હતું જ નહી, ઈંગ્લીસમાં લખો તો ય બાપા રાજી થઈ કિલો એક સફરજન લઈ આવતા.

“સચ એન અનએજ્યુકેટેડ પીપલ…” દુર્વાસા ઋષિના ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા પ્રિન્સીપલ મેડમે માથું કૂટ્યું. થોડા વધુ ક્રોધિત થઈ બોલ્યાં:
“કર્સ્યુ રાઈટીંગ એટલે બધા અક્ષરો એકબીજા સાથે ખભા મિલાવે, હાથ મિલાવે, એકબીજા સાથે જોડાયેલા હોય! એવું લખાણ, અક્ષરો છૂટાછૂટા ન હોય, અબોલા ન હોય…જોડાયેલા હોય અંડરસ્ટેન્ડ?” પ્રિન્સીપલ મેડમે એક કાગળ લઈ મને સમજાવતા થોડા કટાક્ષ ટોનમાં બોલી અટ્ટુહાસ્ય કર્યું.

મને અપમાન જેવું લાગ્યું. મારી અંગ્રેજીમાં જ લીધેલી એન્જીનિયરીંગ ડીગ્રીની મજાક ઉડાડી એવો મને ભાસ થયો. એટલે મેં અદબવાળી ખુરશીમાં જરા ટટ્ટાર થઈ સોફ્ટ અવાજમાં જ જવાબ દીધો:
“પ્રિન્સીપલ મેડમ, એમના અક્ષરો વચ્ચે આજકાલ ઝઘડો ચાલે છે, કોઈ કારણે મારામારી થઈ હતી. કિટ્ટા છે એટલે એકબીજા સાથે બોલવાનોય વહેવાર નથી. સામુય જોતા નથી. તો અડવાની વાત જ કયાં આવે.” મારી વાત સાંભળી એણે મારા સામે ડોળા તગતગાવ્યા, મેં એ અવગણી આગળ ટણી કરી: “આજ જ બધા અક્ષરોનું ગેટ ટુ ગેધર કરી નાની પાર્ટી આપી સમાધાન કરી આપું. આય પ્રોમિસ, કાલથી જોડાઈ જશે તેની હું ખાત્રી આપું છું.”

મારો જવાબ સાંભળી તે ખુરશી પર ઉછળ્યા. તોતેર મણનો તોબડો ચડાવી લમણે હાથ દઈ બોલ્યાં: “મિ. ભીમાણી, મારે એક મીટીંગમાં બહાર જવાનું છે.”

મારી રજા ચિઠ્ઠી લખાવ્યા વગર તે ઝડપથી તેની ચેમ્બરમાંથી બહાર નીકળી ગયા. એને અનુસરી હું પણ પોચા પગે બહાર નીકળ્યો.

છોકરાના તોફાનની ફરિયાદ કરવા તે લોકોએ મને બોલાવ્યો હતો. આ મીટીંગ પછી મારા છોકરાને ચેમ્બરમાં બોલાવી તેને મારી ફરિયાદ કરી!

મારા સગ્ગા પુત્રે પ્રિન્સીપલ મેડમને શાંત કરતા કહ્યું હતું કે મેડમ મારા પપ્પાનું અંગ્રેજી કાચું છે એટલે આવું બોલ્યા હશે…વગેરે વગેરે. માંડ તેના મેડમને મનાવી મામલો થાળે પાડ્યો.. હું એનો બાપ છું એનો મને ગર્વ થયો પણ પુત્રને હું એના ફાધર હોવા પર ડબલ ગર્વ થયો.

ખેર….માનવતાની રુએ મેડમે મારા વ્યંગની પ્રસંશા કરવી જોઈએ, ખોટી વાત છે મારી?

સાલ્લુ ભલાઈનો તો જમાનો જ નથી ભાયયયય…


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ડિજિટલ ડિપ્રેશન – મિલન પડારીયા
દલિત અસ્મિતાની ગર્જના ‘કાલા’ – મિહિર પંડ્યા, અનુ. – નિલય ભાવસાર Next »   

4 પ્રતિભાવો : એક હાસ્ય લેખ – જસ્મીન ભીમણી

 1. Kalidas V. Patel says:

  ભીમાણી સાહેબ,
  એક સરસ હાસ્ય લેખ આપ્યો. આભાર.
  વિધ્યાર્થી પ્રશ્ન પૂછે તો તે અવિવેકી છે તથા તોફાની છે તેવું માનતા શિક્ષકોને શું કહીશું ?
  કાલિદાસ વ. પટેલ (વાગોસણા)

  • Keyur says:

   કઇ કેહવા નુ નથી. આ તો હાસ્યલેખ છે. વાન્ચો અને મજા કરો. બાકી આ લેખ “હાસ્યલેખ” છે એમ કહી શકાય. વાહ ભઇ વાહ.

   બહુ હસાવ્યા આ હાસ્યલેખે.

 2. Ekta says:

  હા હા હા….સુન્દર્

 3. Kaushal mhetal says:

  તારક મહેતાના ટપુડ પરથેી પ્રેરિત.
  પણ હાસ્ય દરબારમા તો ચાલે. મજા કરવાનિ

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.