અર્વાચીન પ્રશ્નોપનિષદ – ભદ્રાયુ વછરાજાની

(‘અર્વાચીન પ્રશ્નોપનિષદ : પૂછે તે પામે’ નામના પુસ્તકમાંથી અહીં ત્રણ ચિંતનસભર પ્રશ્નો લેવામાં આવ્યા છે. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

(૧) જીવનની શક્યતાઓ કેટલી?

જીવન પોતે જ એક મોટી શક્યતા છે. આપણને જીવન મળ્યું એટલે જાણે શક્યતાઓનું જબ્બર મોટું પોટલું મળ્યું. એ પોટલું ઊંચકવાનો આનંદ લઈએ તો સુખ જ સુખ અને ‘હાય રે પોટલું’ એમ સમજી રોદણાં રોઈએ તો દુઃખ જ દુઃખ. બસ, આ બે શક્યતાઓ તો પાક્કી.

થઈ શકે, કરવું હોય તો… બની શકો, જો નક્કી કરો તો… શક્ય છે, જો વિચારો તો… જીવનમાં આ જો અને તો-ની વચ્ચે જે લોલકની જેમ ઘુમ્યા કરે છે તેનું નામ ‘શક્યતા’ છે. જીવનની શક્યતાઓ અપાર, પળે પળ, ક્ષણે ક્ષણ, શક્યતા જ શક્યતા… શબ્દ જ સ્પષ્ટ છે. Possibility છે, અહીંયાં. મીઠા દૂધનો કટોરો ભર્યો પડ્યો જ છે. છપ્પન ભોગધારી ભોજનથાળ નજર સામે જ છે. ઊંચે ઊઠવાનું આકાશ અફાટ છે… બસ, તમે કટોરો ઉપાડો એટલી વાર છે; તમે કોળિયો ભરો એની રાહ છે, તમે પાંખ ફફડાવી ઊડો તેની જ પ્રતીક્ષા છે. અહીં છે, સઘળું છે, અપાર છે, અમાપ છે, માંગો તેટલું છે, ધારો તેટલું છે પણ તમે ઊઠો તો શક્યતા, ન ઊઠો તો ખાલી હાથ.

એક કહેવાય છે કે માણસ જન્મે ત્યારે ભગવાન તેના ખભ્ભે બે કોથળા મૂકે છે. એક ખભ પર Fully bag of Luck અને બીજા ખભા પર Empty bag of Experience. પ્રારબ્ધનો ભરચક્ક થેલો અને અનુભવનો ખાલીખમ થેલો. બે ખભ્ભે બે થેલા. આ બે થેલાઓ જીવનની શક્યતાઓ નક્કી કરે. જીવનભર કરવાનું શું? એવી શક્યતાઓ શોધ્યા કરવાની કે જીવન પૂરું થાય ત્યાં સુધીમાં અનુભવનો ખાલીખમ થેલો ઠાંસોઠાંસ ભરાય જાય. પ્રારબ્ધનો ભરચક્ક થેલો ખાલી થઈ જાય તે પહેલા અનુભવનો થેલો ભરી લેવાનું નામ જીવન ! ઘણા જીવો પ્રારબ્ધ ખર્ચી નાખે પણ ભાથું કશું બાંધે નહીં. એમનું જીવન શક્યતાઓથી નહીં પણ શૂન્યતાથી વીતી જાય.

જીવનની ત્રણ શક્યતાઓ તો ખરી જ ખરી. જેમ વિશ્વની કોઈ પણ ગતિ ન્યૂટનના ગતિના ત્રણ નિયમોથી બહાર નથી, તેમ કોઈનું પણ જીવન આ ત્રણ શક્યતાઓથી મુક્ત નથી. આ રહી એ ત્રણ જીવનશક્યતાઓ : (૧) Life of Survival/Struggle (સંઘર્ષની જિંદગી) (૨) Life of Success (સફળતાની જિંદગી) (૩) Life of Significance (સાર્થકતાની જિંદગી). સંઘર્ષ, સફળતા, સાર્થકતા. આ ત્રણ જીવનની શક્યતાઓ. સંઘર્ષ નથી તો જીવન જ નથી. સંઘર્ષની જિંદગી જ જીવનની બીજી શક્યતાઓનાં દ્વાર કોલે છે. જે સંઘર્ષ કરતા નથી તે સફળ થતા જ નથી. પણ સંઘર્ષ કરતાં જે થાકતા નથી તે બીજી શક્યતા નામે ‘સફળતા’ને વરે છે. સફળ થયા એટલે આગળ વધવાની શક્યતા ઊભી થઈ. જો સફળતાથી છકી ન ગયા, જો સફળતાનો અહમ્‍ મગજ પર હાવી ન થઈ ગયો તો છેલ્લે મળે ‘સાર્થકતા’ની શક્યતા. યાદ રહે – સફળ થવું સહેલું છે, પણ સાર્થક થવું કઠિન છે, અને જીવનનું શ્રેય તો સાર્થકતામાં છે. સફળતા ક્ષણજીવી નીવડી શકે. સફળ તો મહાત્મા ગાંધી પણ થયા ને સફળ તો ઓસામા બિન-લાદેન પણ થયો ! પણ ગાંધીની સફળતા બૃહદ વિશ્વ માટે સાર્થક પુરવાર થઈ તેથી તે ‘મહાત્મા’ બન્યા, અને લાદેન હત્યારો બન્યો ! સફળતા જે પચાવી જાણે તે સાર્થકાતા પામે. ગુણવંત શાહ વારંવાર ઉદાહરણ આપે છે : ‘મૅડોન સફળ છે, પણ મધર ટેરેસા સાર્થક છે.’ સફળતા તમે તમારા માટે જે કંઈ કરો તેમાં મળે છે. સાર્થકતા તમે અન્ય માટે કશુંક કરો તેમાં છે.

જીવનના બૅલેન્સશીટમાં આશાની એસેટ અને કમિટમેન્ટનું કેપિટલ હોય, ગુડવીલનું રિઝર્વ અને કરુણાનું કેરીફોવર્ડ હોય, અને આ બૅલેન્સશીટ પ્રેમના પાસવર્ડથી અને અહિંસાના આગ્રહથી ખૂલે તો જીવન શક્યતાઓનો ભર્યો ભંડાર બની રહે.

(૨) સમય મળતો નથી, કરવું શું?

કાલચક્ર સતત ચાલતું ચક્ર. કાળચક્ર ન ચાલે તો? આ પ્રશ્ન જ અસ્થાને બની જાય ! એ ચક્ર થંભે તો સઘળું થંભે, અટકી જાય બધું જ. દિવસ અને રાત. સવાર અને સાંજ. ગઈકાલ, આજ અને આવતીકાલ. બધું જ થંભી જાય. સઘળું ઠપ્પ. શ્વાસનો ટ્રાફિક જામ ! ઉચ્છવાસનો રસ્તો બંધ ! પરિણામે જીવનનો જ અંત. ન બદલે તારીખિયું, ન બદલે વર્ષ. ન બદલે પળેપળ… કલ્પના જ કેટલી અસ્થાને લાગે છે, નહીં? તમે નદીના પ્રવાહને ખાળી શકો. તમે દરિયાનાં મોજાંને વાળી શકો. તમે સુસવાટા મારતા વાયુને કદાચ રોકી શકો… પણ કાળ?! ન ભૂતો, ન ભવિષ્યતિ.

વર્ષો પહેલાં રેતીની ઘડિયાળો હતી. તેમાં બે ગોળાર્ધ હોય અને વચ્ચે પાતળી ઝીણકી જગ્યા. અર્ધો ગોળ ભાગ ઉપર અને અર્ધો નીચે. એક ભાગમાંથી બીજા ભાગમાં રેતી હળવેકથી સરકતી જાય. નજર સામે પડેલ રેતી-ઘડિયાળમાં ખબર ન પડે કે ઉપરની બધી રેતી નીચે ક્યારે સરકી ગઈ ! આપણે જોતા જ રહી જઈએ ને સમયની રેતી સરકી જાય ! કદાચ, સમયનું નામ જ સરકવું હશે ! એ રોકાઈ જવા જન્મ્યો જ નથી. જે સરકે છે તે સમય છે.

આપણું સર્જન કરનારે આપણને સૌને એક ભેટ તો સરખી જ આપી છે. એ ભેટનો ક્વૉટા સૌને સરખે ભાગે વહેંચે છે. ગરીબ-શ્રીમંત, બાળક-વૃદ્ધ, આળસુ-ઉદ્યમી સૌને સવાર પડે ને ચોવીસ લાખ મળે જ મળે. સૌને બીજા દિવસની સવાર પડે ત્યાં સુધીમાં તે ચોવીસ લાખ વાપરી નાખવાની છૂટ. જો ન વાપરી શકો તો તે ગયા તમારા બૅલેન્સશીટમાંથી. કોઈ આઠ લાખ સૂઈ જવામાં વાપરે અને બાકીના સોળ લાખ આનંદ-પ્રમોદમાં. તો કોઈ વળી ચાર જ લાખ સૂવામાં ખર્ચે ને બાકીના વીસ લાખ શ્રમ-પરિશ્રમની સાર્થકતામાં ખર્ચે !! આ ચોવીસ લાખ એટલે મને-તમને-સૌને મળેલા ચોવીસ કલાક… સૌને મળે એટલા જ. નહીં એક મિનિટ વધુ કે નહીં એક મિનિટ ઓછી. ભગવાને આટલું વ્યવસ્થિત equal distribution of time કર્યાં છતાં આપણે ફરિયાદ કરીએ કે : ‘સમય મળતો નથી, કરવું શું?’ તો પછી દોષ કોનો? કહો જોઈએ. સાધો, સાંભળો, જે મહામાનવો થઈ ગયા એમને કંઈ અડતાલીસ કલાક નહોતા મળ્યા, પણ એમણે વર્તમાનની ક્ષણેક્ષણનો ઉપયોગ કર્યો તેથી મહાન થઈ શક્યા. સત્ય એ છે કે, આપણો એંસી ટકા સમય વીસ ટકા બાબતો પાછળ ખર્ચાય છે અને વીસ ટકા સમય એંસી ટકા બાબતોમાં… કેટલો સમય ક્યાં ખર્ચવો તે નક્કી કોણ કરે છે?

સર વૉલ્ટર રેલેને કોઈએ પૂછ્યું : ‘તમે આટલું બધું કામ કેવી રીતે કરો છો?’ રેલેએ જવાબ આપ્યો : ‘મારે જે કામ કરવું હોય તે કામ હું એ જ પળે કરી નાખું છું…’ એક વાર અળસિયાના કુંવરને શેષનાગની કન્યા જોડે લગ્ન કરવાનું મન થયું. લગ્નનું માગું નાખ્યું. શેષનાગને ઈચ્છા નહોતી. પણ એમણે કહ્યું કે ચાર મહિના થોભી જાઓ. ચોમાસું ચાલે છે, માગશરમાં વિચારીશું. અળસિયાં રાજી થઈ ગયાં કે લગ્નની હા પાડી, પણ કુદરતનો નિયમ છે કે શ્રાવણનાં અળસિયાં ભાદરવામાં જીવતાં રહે??

પણ થાય છે કેવું? એક માણસે પોલીસ સ્ટેશને ફોન કર્યો : ‘મારી કારનું સ્ટિયરિંગ, ત્રણ પેડલ્સ અને બધાં મીટર કોઈક કાઢી ગયું છે.’ પછી એમણે ફરી ફોન કર્યો : ‘ના આવશો. બધું જડી ગયું છે. સોરી, પણ હું જ ભૂલથી પાછળની સીટ પર બેસી ગયો હતો.’ સમયનું સંચાલન કરવા આગળની સીટ પર બેસવું પડે, નહીં તો બધું ખોવાઈ જાય… ડૉ. હરીશ પારેખ કહે છે કે : સમયનું આયોજન એટલે સત્યમ્‍, શિવમ્‍, સુંદરમનો સરવાળો.

(૩) મારી નિષ્ફળતા માટે જવાબદાર કોણ?

જીવી જવું એ જ માત્ર જીવનનો મકસદ નથી, પરંતુ અંતઃ પરિપૂર્ણતાને ખોજવી તે જીવનનો ઉદ્દેશ્ય છે. જીવન ભરચક્ક હશે ત્યારે તમે નિષ્ફળતાના શિકાર નહીં બનો. જ્યારે તમે કોઈ સાથે સરખામણી કરશો ત્યારે તમને સામે તમારી નિષ્ફળતાનો માર્ગ દેખાવા લાગશે. કારણ સરખામણીમાં એકનું વધુ સારું હોવું ફરજિયાત છે. એ બહેતર શોધવાની રમત છે, સરખાપણું તારવવાની રીત નથી… હું મને નિષ્ફળ અથવા ઓછો સફળ લાગું છું, કારણ હું સતત-સતત Comparisonમાં જીવું છું…. તું કેવી છો અને હું કેવો છું? તારી પાસે શું છે અને મારી પાસે શું છે? તને આ કેમ મળ્યું અને મને આ કેમ ન મળ્યું? આ સારું કે પેલું? કાલે વધુ મઝા આવી હતી કે આજે? પિત્ઝામાં જમાવટ થાય કે રોટલામાં…? આ પ્રશ્નોનું વાવાઝોડું આપણી આસપાસ ફૂંકાયા જ કરે છે, જે આપણને આપણી નિષ્ફળતાનો અહેસાસ કરાવ્યા જ કરે છે… પણ આ પ્રશ્નો ક્યાંથી આવ્યાં, બહારથી? ના, ભાઈ, ના. બહાર પરિસ્થિતિ છે, તેના વિશેના પ્રશ્નો તો અંદરથી આવે છે. બહાર છે તે જીવી જવું છે, અંદરથી જે આવે છે તે અંતઃપરિપૂર્ણતાની પારાશીશી છે !

પરિસ્થિતિ નિષ્ફળતા માટે જવાબદાર નથી જ. આપણું મન નિષ્ફળતાના અહેસાસનું માધ્યમ છે. જ્યારે મારું મન સ્વીકારી લે કે હું નબળો, ત્યારે હું નક્કી નબળો. મન મને અંદરના સ્વર્ગ કે અંદરના નર્ક તરફ દોરી જઈ શકે. છરી ભયાનક નથી. જો તેનાથી શાક સુધારો તો ! પણ એ જ છરી કોઈના પેટમાં હુલાવી દો તો? આપણું મન તો છરી છે. તમને છરીનું મૅનેજમેન્ટ કરતાં ફાવી જાય તો જીવન સાર્થક… બહાર જે બને છે તેને અંદર કેમ મોકલાય છે? પરિસ્થિતિને જડતાથી, ગુસ્સાથી, દર્દથી, હતાશાથી જોઈ અને સ્વીકારી તો અંદર પણ આ જ જડતા-ગુસ્સો-પીડા-હતાશા પહોંચ્યાં… પણ, ‘જે બન્યું તે બન્યું. તેમાં નિયતિ જવાબદાર છે…’ એવું સ્વીકારીને અંદર મોકલ્યું તો મન પણ એ જ બેકગ્રાઉન્ડનો સ્વીકાર કરશે. આ પ્રેક્ટિસ વારંવાર કરીશું તો આપણા મનને સારપ સ્વીકારવાની ટેવ પડી જશે.

તમારા બૉસે તમને ઠપકો આપ્યો, તે તમારું મન કેવી રીતે લે છે? ક્રોધથી, દ્વેષથી, બદલાની ગણતરીથી કે ઠપકાના શબ્દો સ્વીકારાયા તો અંદર આગ પેદા થશે… એ જ ઠપકાને સ્પષ્ટતાથી, પ્રેમથી, કશુંક શીખવાની ભાવનાથી લીધા તો સુધરવાની શક્યતા પ્રગટ થશે. જ્યાં સુધી આપણું મન શીખવાની તત્પરતા નહીં દાખવે ત્યાં સુધી આપણે જીવનમાં પ્રગતિ નહીં કરીએ; હા, વૃદ્ધ થતા રહીશું ખરા, પણ એવા ને એવા, વારંવાર નિષ્ફળ જનારા અને પરિસ્થિતિને દોષ દેનારા આપણે ! અનુભવ શું છે? તમને થયેલ પડકારના જવાબમાં તમારી લાગણી એટલે અનુભવ… લાગણી નકારાત્મક તો આગળ પણ નકાર જ નકાર ! Act પછી React છે, તો React પછી પણ Act છે તે ભૂલવા જેવું નથી. વર્તન છે તો વર્તનનું કારણ છે અને વર્તનની અસર પણ છે… વર્તનની અસર બીજા વર્તનનું કારણ બની શકે ! આમ, તમે જોવા-અવલોકવા-અનુભવવા મુક્ત હોતા જ નથી. મુક્ત નથી તે શીખતું નથી. જે શીખતું નથી, તે નિષ્ફળ જાય છે… તો મારી નિષ્ફળતા માટે જવાબદાર કોણ? સ્થિતિ, સંજોગો, મિત્રો, બનાવો… કે હું પોતે?

મુલ્લા નસરુદ્દીન ભારે નમ્ર છતાં કડક માસ્તર. એક પરીક્ષાખંડમાં સુપરવિઝન કરી રહ્યા હતા. મુલ્લા ઊંચા અવાજે બોલી ઊઠ્યા : ‘પાછલી સીટ પર બેઠેલા વિદ્યાર્થી અંદરોઅંદર ચિઠ્ઠીની લેવડ-દેવડ બંધ કરી દે. આ પરીક્ષા છે, કંઈ તમાશો નથી.’ એક વિદ્યાર્થીએ કહ્યું : ‘સર, આ ચિઠ્ઠીઓ નથી, પણ બાવન પત્તાં છે. અમે પત્તાં રમીએ છીએ.’ મુલ્લાએ નમ્રતાપૂર્વક કહ્યું: ‘હું મારી ભૂલ માટે દિલગીર છું…’ આપણે મુલ્લા નસરુદ્દીનના ફૉલોઅર નથી શું?

[કુલ પાન ૧૬૮. કિંમત રૂ. ૧૮૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “અર્વાચીન પ્રશ્નોપનિષદ – ભદ્રાયુ વછરાજાની”

Copy Protected by Chetan's WP-Copyprotect.