સંતકવિ તિરુવલ્લુવર – રજની વ્યાસ

(‘સકલ તીરથ જેના તનમાં રે’ પુસ્તકમાંથી સાભાર. આ શ્રેણી અંતર્ગત પાંચ પુસ્તકો છે જેમાં ભારતની સંતપ્રતિભાઓનો પરિચય અપાયો છે. આ પુસ્તકો રીડગુજરાતીને પાઠવવા બદલ અક્ષરા પ્રકાશનનો ખૂબ આભાર. પુસ્તકપ્રાપ્તિની વિગતો લેખને અંતે આપી છે.)

ભારતની દક્ષિણે કન્યાકુમારીથી સમુદ્રમાં વિવેકાનંદ શિલાસ્મારકની પાસે એક ઉત્તુંગ સ્મારક ઊભું છે તે છે સંત તુરુવલ્લુવરની પાર્થિવ સ્મૃતિ. ઉત્તર ભારતમાં જેમ વ્યાસ અને વાલ્મીકિનો મહિમા છે તેવો જ મહિમા અને તેવું જ મહાત્મ્ય છે તમિળ પ્રજામાં તુરુવલ્લુવરનું. ઉત્તર ભારતીય ધર્મગ્રંથોમાં જે મહત્વ રામાયણ – મહાભારતનું છે – લગભગ એવું જ સ્થાન દક્ષિણભારતમાં હતું ‘તિરુ-કુરુળ’નું! કવિએ તેમાં હળવા કટાક્ષ અને સહાનુભૂતિપૂર્વકના ઉપદેશો આપ્યા છે.

સંતકવિ તિરુવલ્લુવર

તિરુવલ્લુવર તો તમિળ પ્રજાના પુરુષોત્તમ પ્રજ્ઞાપુરુષ, પરમપૂજનીય ધર્મમૂર્તિ.

જો દક્ષિણત્તમ તીર્થ કન્યાકુમારીની યાત્રાએ ઘણા સમય પહેલા જવાયું હોય તો ત્યાં સમુદ્રમાં થોડે છેટે આવેલા ખડક પર સ્વામી વિવેકાનંદનું સ્મૃતિમંદિર જોવા મળ્યું હશે. અને જો હવે જવાય તો ત્યાં વધુ એક ભવ્ય સ્મૃતિમૂર્તિ જોવા મળશે – વિવેકાનંદ રૉકની બાજુમાં જ એક અત્યંત ઉત્તુંગ – બાજુના સ્મૃતિમંદિરથી પણ ઊંચી મૂર્તિ જોવા મળશે- સાધુપુરુષ તિરુવલ્લુવરની. ઉત્તર ભારતમાં શ્રી વેદવ્યાસ અને વાલ્મીકિનો જે મહિમા છે તેવો જ મહિમા તમિળ પ્રજામાં છે તિરુવલ્લુવરનો. ઉત્તર ભારતીય ધર્મગ્રંથોમાં જે સ્થાન રામાયણ – મહાભારત – ભગવદ ગીતાનું છે તેવું જ સ્થાન અને મહાત્મ્ય છે તમિળનાડુમાં તિરુવલ્લુવર રચિત તિરુ(શ્રી)કુરુળનું.

તેર પ્રકરણોમાં વહેંચાયેલા, ૧૩૩૦ જેટલા કુરળ મુક્તકો તમિળ પ્રજાનાં હ્રદયમાં અને જીવનમાં વેદઋચાઓ – ગાયત્રીમંત્રો સમા પ્રતિષ્ઠિત છે. લગભગ બે હજાર વર્ષ પૂઋવે અવતરેલા આવા પુણ્યપુરુષની જીવનકથા કોણે નોંધી – સાચવી હોય? પણ પ્રજા કંઈક જાળવે છે – થોડી હકીકતો રૂપે, ઘણી દંતકથાઓ રૂપે, પરંપરાગત લોકવારસા તરીકે. પેઢી દર પેઢીએ કહેવાતી આવેલી એ કથાઓ અને કેટલાક કૃતિગત પ્રમાણોથી શ્રી વલ્લુરના જીવનચરિત્રની રૂપરેખા ગ્રથિત થઈ શકે.

(તિરુ એટલે તમિળમાં પવિત્ર પુરુષના નામ આગળ શ્રી વગેરેની જેમ જોડવાનો માનવાચક પૂર્વગ – સ્થળને પણ લગાડાય જેમ કે તિરુઅનંતપુરમ્)

‘વલ્લુવર જ્ઞાતિ જાતિવાચક શબ્દ છે. જે લોકો ભવિષ્યકથન ઉચ્ચારતા અથવા પૂજારીઓ હતા અથવા હાથી પર બેસીને નગારા સાથે રાજાના ઢંઢેરા સંભળાવતા તેઓ વલ્લુવર કહેવાતા. તિરુવલ્લુવર એટલે વલ્લુવર કોમના માનનીય પવિત્ર પુરુષ, તેમણે રચેલુ તિરુકુરલ એટલે કુરલોનો પવિત્ર ગ્રંથ, કુરલ એટલે મુક્તક.

આ રીતે વિચારીએ તો ‘તિરુવલ્લુવર’માં માત્ર જાતિનો જ નિર્દેશ છે, વ્યક્તિનામ નથી. તેમ ‘તિરુકુરલ’માં મુક્તકો એવો જ નિર્દેશ છે, કોઈ ગ્રંથનામ નથી. આથી એક ફ્રેન્ચ વિદ્વાન ગમ્મતથી કહે છે, ‘નામ વગરના રચયિતાનો આ નામ વગરનો ગ્રંથ છે – છતાં કેટલો મહાન – એ તમિળ પ્રજાનું દૈવત બની રહ્યો છે.

દંતકથાઓ પ્રમાણે આ શ્રી વલ્લુવર વ્યવસાયે વણકર હતા. તેઓ માયલાપોર (કલાપીનગર)માં રહેતા હતા. માયલાપોર આજે ચેન્નઈનું પરું છે અને તમિલનાડુમાં અન્યત્ર ક્યાંય નહીં – માત્ર માયલાપોરમાં જ શ્રી વલ્લુવરનું સ્મૃતિમંદિર છે. મનાય છે કે તિરુકુરલમ્ ના ઉદગાતા કવિનો નિવાસ તેની નજીકમાં જ ક્યાંક હશે. ત્યાંનો નાળિયેરીની ઘટાઓ અને નાનકડા તળાવવાળો વિસ્તાર એની રમણીયતામાં હજી પણ જાણે ‘કુરલો’ના આદિ ગુંજનને સંઘરી રહ્યો છે.

અહીંથી નજીક એવા સમુદ્રતટે, કહેવાય છે કે દેશવિદેશના ધર્મપુરુષો – ચિંતકો – યાત્રીઓ આવતા હશે અને શ્રી વલ્લુવર સાથે તત્ત્વચર્ચા કરતા તેમના ઘરમાં પત્ની વાસુકિના હાથે રંધાયેલો પ્રસાદ પામતા હશે. લોકપરંપરામાં કહે છે કે આ સતચિંતકને વિદ્વાનો – મહેમાનોને મળવા – આમંત્રવાનો ભારે શોખ હતો. આવા અતિથિ આવે તો તેમને આનંદ આનંદ થઈ જાય અને તેઓ વિદાય થાય ત્યારે દિવસો સુધી તેઓ વિષાદ અનુભવે. એકવાર તો આવો વિષાદ ન સહેવાતા તેમણે નક્કી કરેલું કે હવે આવા સંસ્કારપુરુષોની નહીં, પણ સરળ અબુધો – મૂર્ખોની દોસ્તી કરવી. શ્રી વલ્લુવરમાં હાસ્યવૃત્તિ પૂરતી અને નરવી હતી. એટલે જ તો એમણે એક કુરળમાં કહ્યું છે,

મૂર્ખાઓની મૈત્રી બહુ મીઠી
કારણ કે જ્યારે તેઓ વિદાય થાય
ત્યારે તમે આંસુ તો ન સારો.

કુરળમાં જાણવા મળે છે કે તેમનું લગ્નજીવન ગૃહસ્થાશ્રમના આદર્શ સમાન હતું. તે જીવન ગૃહસ્થજીવનને યોગ્ય ધર્માચરણ અને ગૃહસ્થ તરીકેની સૌ ફરજોના પરિપાલનથી ઉત્તમ કક્ષાનું હતું. વાસુકિ એ કુટુંબ કરકસરથી, સતીત્વથી, પૂરી કાળજીથી અને પ્રભુભક્તિપૂર્વક નભાવતી. એવું પણ જણાય છે કે તેમને સંતાનો હતાં, તેમને તેઓ જીવનની સંપદ લેખતાં અને વાત્સલ્યથી પાળતા. સંતાનો પ્રત્યે તેમને અપાર પ્રીતિ હતી. કુટુંબ સ્નેહસંગીતથી કલ્લોલતું હતું.

આ દંપત્તિને સંતાનપ્રીતિ જેવી જ અતિથિપ્રીતિ હતી. અતિથિઓ સ્નેહાળ સ્વાગત અને આગ્રહભર્યો આહાર પામતા. વાણીમાં માધુર્ય, પ્રત્યેક પ્રત્યે સદભાવ અને અહોભાવ, ન્યાયપૂર્ણ વ્યવહાર એમના જીવનવ્યવહારના પાયામાં હતાં. આવેગો પર સંયમ, ધર્મપાલનમાં તત્પરતા અને ધૈર્યપૂર્ણ સમુદારવૃત્તિ તેમના જીવનને પ્રસન્ન બનાવતાં.

દાનમાં ઔદાર્ય અને પરનિંદારહિતતા તથા જે કંઈ અશુભ કે દુષ્ટ હોય એનાથી વેગળા રહેવાની વૃત્તિએ આ કુટુંબજીવનને ગૃહસ્થાશ્રમના ઉત્તમ આદર્શસમું બનાવ્યું હતું. પતિને પૂર્ણતયા સમર્પિત એવી સતી પત્ની વાસુકિના અવસાનથી વલ્લુવરે અનુભવેલી હ્રદયવેદના તેમના કુરલમાં હ્રદયદ્રાવક કાવ્યરૂપે વ્યક્ત થઈ છે.

એમના વિશે દંતકથાઓ તો ઘણી છે, હોય જ. અન્ય સંતોની જેમ તેમને પણ રૂઢિચુસ્ત પંડિતોનો વિરોધ વેઠવાનો આવ્યો છે અને કસોટીમાંથી તેઓ પાર ઉતર્યા છે. કહેવાય છે કે તેમના ‘તિરુકુરલ’ને તમિળસંઘના સાહિત્યશાસ્ત્રીઓ પાસે સ્વીકાર કરાવવા તેઓ મદુરા ગયા. વાદવિવાદમાં તો સૌને તેમણે માત કર્યા, તો વિદ્વાનોએ છેલ્લો ઉપાય અજમાવ્યો – ‘મીનાક્ષી મંદિરના કુંડમાં તરતી સુવર્ણબેઠક તારો ગ્રંથ સ્વીકારે તો અમે સ્વીકારીએ.’ અને તેમણે ત્રાગડો રચ્યો. બેઠક પર બધા એવા ખીચોખીચ ગોઠવાઈ ગયા કે તિરુકુરલ માટે જગ્યા જ ન રહે. પણ દંતકથા કહે છે કે તિરુવલ્લુવર બેઠકની નજીક ગયા કે તરત જ – આશ્ચર્ય! પાટ આપોઆપ વિસ્તરી ગઈ અને વલ્લુવર ગ્રંથ સાથે તેના પર બેસી ગયા. પછી ગ્રંથ એવો ફાલવા લાગ્યો કે એક પછી એક બધા વિદ્વાનો કુંડમાં ડૂબ્યા.

ટૂંકા મુક્તકો સ્મરણમાં રાખવા સહેલાં, એવી રચનાઓનીય પરંપરા હતી. ‘ધમ્મપદ’ના સૂક્તો જાણીતાં છે, તો વલ્લુવરથી હજારથીય વધુ વર્ષ પછીનાં કબીર-નાનકે દોહા-સાખીને, તો જ્ઞાનેશ્વર – એકનાથ – તુકારામ વગેરેએ ઓવી-અભંગોને માધ્યમ તરીકે યોજ્યા હતાં. આ સાથે જાપાનનાં હાઈકુ પણ યાદ આવે.

‘તિરુકુરલ’ કુરલોનો સંગ્રહ છે. તેમનેે એકસામટાં વાંચી જવાનાં નથી, એકએક વાંચી મમળાવવાનાં છે. તેમની અર્પણા કરી ચિંતન કરવાનું છે. તેમાં દિવ્ય અનુભવ છે, તત્વજ્ઞાન છે – વ્યવહાર જીવનની સમજણ છે. ડહાપણ છે. જીવનપોષક તેમ જ ઉદ્ધારક અમૃતબિન્દુઓ છે. દક્ષિણ ભારતીય ભાષામાં વ્યક્ત થયેલો એ સમગ્ર ભારતની પ્રજાનો જ નહીં, માનવમાત્ર માટેનો જીવનમાર્ગદર્શક વિચારવારસો છે. પ્રત્યેક કુરળ એક સોનામહોર છે. જો આપણે આજેય એને ઓળખી – પ્રમાણી – આચરી શકીએ તો.

(કન્યાકુમારી પાસે મહાસાગરમાં બહાર ઊપસી આવેલા બે ખડકો પરના એક પર વિવેકાનંદ મેમોરિયલ છે, જ્યારે નજીક આવેલા બીજા ખડક પર ૧૩૩ પ્રકરણ વાળા ‘તિરુકુરલ’ ગ્રંથના કર્તા સંત કવિ તિરુવલ્લુવરની ૧૩૩ ફીટ ઊંચી પ્રભાવશાળી પ્રતિમા છે.)

પુસ્તકપ્રાપ્તિની વિગતો – ‘સકલ તીરથ જેના તનમાં રે’ શ્રેણી ભાગ ૧ થી ૫, પ્રકાશકઃ અક્ષરા પ્રકાશન, ૧૧, ગ્રેઈન માર્કેટ, ભાલકિયા મિલ કમ્પાઉન્ડ, અનુપમ સિનેમા સામે, ખોખરા, અમદાવાદ – ૩૮૦૦૦૧, ફોન ૦૭૯ ૨૨૯૩૬૯૧૮.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous અર્વાચીન પ્રશ્નોપનિષદ – ભદ્રાયુ વછરાજાની
ત્રણ મોજમજાનાં ગીતો – યશવંત મહેતા Next »   

4 પ્રતિભાવો : સંતકવિ તિરુવલ્લુવર – રજની વ્યાસ

  1. I SAW THIS SITE AND BIT DISAPOINTED, SHOWING SIZE OF BOTH STATUES!!

    ONE KNOWN INTERNATIONALY WHILE OTHER ONLY REGIONALY.

  2. બહુ જ સરસ માહિતી . માત્ર નામ જ સાંભળ્યું હતું , પણ આ બધી ખબર જ ન હતી. ખુબ ખુબ આભાર.

  3. Gayatri karkar says:

    nice one

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.