ત્રણ મોજમજાનાં ગીતો – યશવંત મહેતા

[આજે પ્રસ્તુત કરેલા આ ત્રણેય મજેદાર બાળગીતો શ્રી યશવંત મહેતાના પુસ્તક ‘મોજમજાનાં ગીતો’ માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે. ચકલીનું ગીત, ફરફોલો અને ભૂત બનું તો.. – ત્રણેય ગીતો બાળમનના વિવિધ ભાવ અને વિચારવિશ્વને ઉઘાડી આપે છે. ]

૧. ચકલીનું ગીત

સૌથી પહેલા મારા ઘરનો
ગોળ ઈંડા સરખો આકાર,
ત્યાં મેં માનેલું કે બસ,
આવડોક છે જગસંસાર.

પછી બન્યો મારું ઘર માળો,
તણખલા થકી જે તૈયાર;
ત્યારે મેં માનેલું કે બસ,
આવડોક છે જગસંસાર.

ઊડતાં શીખી ડાળે ડાળે,
પાન લીલાં ને કુમાશદાર;
ત્યારે મેં માનેલું કે બસ,
આવડોક છે જગસંસાર.

પણ જ્યાં ઉડી હું આકાશે,
વીંઝી પાંખો પૂરબહાર;
ત્યારે હું તો સમજી ભાઈ,
મસમોટો છે જગસંસાર.

૨. ફરફોલો

એક વાર પપ્પુના પગ પર પડ્યું ઊકળતું પાણી,
તરત જ પપ્પુડાએ પાડી રાડો તાણી તાણી

બહુ બળતરા ચાલી, પપ્પુ કરતો ઠેકા ઠેક
ઘાંટો એનો મોટો, પહોંચે શેરી-નાકે છેક!

મોટી બાએ પગ પર મસળી આપી ઘણી મલાઈ,
તો પણ જરાય ઓછી ન થઈ બળતરાની લ્હાઈ.

દાઝ્યાસ્થળે ઉપસ્યો કંઈ ફરફોલો પાણીદાર,
પપ્પુજીને વેદના મહીં રાહત નહીં લગાર.

ફરફોલો કુંવરીના જેવો – વધે દિવસ ને રાત,
પપ્પુની આંખોથી વરસે આંસુની બરસાત!

એક દહાડો લલ્લુ, દોસ્ત આવ્યો – જાણે આંધી,
પપ્પુડાને બેય હાથમાં લીધો એણે બાંધી.

કહે મુક્કાબાજીમાં પહેલો આવ્યો સાચોસાચ,
પપ્પુજીને લઈ બાથમાં કરવા લાગ્યો નાચ!

ફરફોલો કચડાયો એના પહેલવાન પગ હેઠ,
ફટાક દઈ ફૂટ્યો ફરફોલો રબરી ફુગ્ગા પેઠ.

ઘણી વેદના થઈ પપ્પુને, ચક્કરવક્કર આંખો,
પણ ફરફોલો ખાલી થઈને, બેઠો આખેઆખો.

પપ્પુ કહે કે વાહ રે લલ્લુ, આ તો ખરી નવાઈ,
પહેલવાની કરતાં તેં કીધી અક્સીર દવાઈ!

૩. ભૂત બનું તો..

મા, હું ભૂત બનું તો સારું.
ઘડીમાં અહીં, ઘડીમાં તહીં, એવા ચક્કર મારું;
આંખ મીચી ઉઘાડો ત્યાં હું પહોંચું જ્યાં પણ ધારું! – મા.

મારકણા મહેતા ટીચરને અડધી રાતે ડારું
ફરમાવું કે પપ્પુડાને રિઝલ્ટ દેજો સારું! – મા.

પેલી મીની સાથે પાનાં રમવામાં નિત હારું;
ભૂતલોકથી વિદ્યા શીખી મિનિનો મદ ઠારું. – મા.

તું છો લાવે નહીં રમકડાં, એવો મંતર મારું;
દુકાનનાં તમ્મામ રમકડાંથી મુજ રૂમ શણગારું. – મા.

સવારથી તે રાત લગી, મા, કામ ખૂટે ના તારું;
તું જાણે ના એમ બધુંયે કામ કરું પરબારું. – મા.

(રીડગુજરાતીને પુસ્તક મોકલવા બદલ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ આભાર.
‘મોજમજાનાં ગીતો’ – યશવંત મહેતા; પુસ્તક પ્રાપ્તિની વિગતો – પુસ્તક કિંમત રૂ. ૧૨૫/-, પ્રાપ્તિસ્થાન – ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધે માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪ ૪૬૬૩)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “ત્રણ મોજમજાનાં ગીતો – યશવંત મહેતા”

Copy Protected by Chetan's WP-Copyprotect.