- ReadGujarati.com - http://www.readgujarati.com -

શકટનો ભાર – કેદાર ભટ્ટ

(મારા મતે કેદારભાઈ ભટ્ટ દ્વારા રીડગુજરાતીને મોકલવામાંં આવેલ પ્રસ્તુત્ વાર્તા એક રૂપક છે, એ ખરેખર કોને ઉદ્દેશીને લખાઈ છે એ વિચારી શકો? ‘શકટનો ભાર’ રીડગુજરાતીને પ્રસ્તુત કરવા માટે મોકલવા બદલ કેદારભાઈનો આભાર, તેમનો સંપર્ક તેમના મોબાઈલ નંબર +૯૧ ૯૯૯ ૮૩૩ ૬૦૬૫ પર થઈ શકે છે.)

આજ સવારથી કામે વળગ્યો હતો તે છેક અત્યારે ઘડીક શ્વાસ લેવા માટે રોકાયો અને જાળાને જોઈને એ વિચારી રહ્યો. આજ પાંચમો દિવસ થયો નવું જાળું બનાવ્યાને. હજી સુધી કોઈ ઘાત આવી નથી અને સારી એવી ઝડપથી કામ થઇ રહ્યું છે. કોઈ અવરજવર, કોઈ જનાવર કે પવનની લહેરખી, કશું જ નહિ. આટલી શાંતિ અને એકાગ્રતાથી કામ થયું છે એટલે એક-એક તાર મજબૂતીથી ગૂંથાયો છે. થોડા થોડા જીવડાં પણ ફસાવા મંડ્યા હતા. જો થોડું વધુ મોટું થઇ જાય તો આખો દિવસ ચાલે એટલે ખોરાક આસાનીથી એમાં ફસાઈ જાય અને આરામથી દિવસો વિતાવી શકાય.

આમ ને આમ બે અઠવાડિયા વીતી ગયા, વિઘ્નરહિત. જાળાનો વિસ્તાર બમણો થઇ ગયો હતો. તેને આજનો દિવસ રજા રાખવાનું નક્કી કર્યું હતું. એ પોતે બાંધેલા જાળાને એક ગર્વભરી નજરથી નિહાળી રહ્યો હતો. વિસ્તારની સાથે સાથે, જાળાની મજબૂતી અને  દેખાવ પણ દાદ માંગી લે એવા હતા. મોટા મોટા જીવડાં પણ તેમાં ફસાયા પછી છૂટી શકતા ન હતા. એક જ દિવસ માં બે-ત્રણ દિવસ નો ખોરાક જમા કરી શકે એટલી કૅપેસિટી હતી હવે આ જાળમાં. પેલા તો દિવસમાં એકવારના ભોજનની વ્યવસ્થા માંડ થઇ શકતી. હવે ત્રણ ટંકનું ભોજન કર્યા પછી પણ બીજા કોઈ ને વધેલું-ઘટેલું આપી શકાય એમ હતું.

બીજા દિવસથી તે વધારે ખંતથી જાળાના કદ અને ફેલાવો વધારવામાં લાગી ગયો. સાથે સાથે હવે તે જાળાની સુરક્ષા માટે પણ વધારે તકેદારી રાખતો. એકાદ કલાક ઓછી ઊંઘ લઈને પણ જાળાને નુકસાન ન થાય તે માટે સાવચેત રહેતો. આસપાસના એરીઆમાં આ કદનું જાળું બીજું કોઈ વિકસાવી શક્યું નહોતું. જેમને પોતાના બાપ-દાદા તરફથી જાળાઓ વારસામાં તૈયાર ભાણે મળ્યા હતા તે લોકો પણ જાળાનો વિકાસ એક હદથી વધારી શક્યા નહોતા, તેમાંના અમુક તો એ વારસાને સાચવી પણ શક્યા નહોતા. જયારે આ જાળું તો તેણે જાત-મહેનતે અને એકલા હાથે વિક્સાવેલું હતું. ધીમે ધીમે નજીકના વિસ્તારમાં રહેતા અને ત્યાંથી પસાર થનારા પણ તેના જાળાની નોંધ લેવા લાગેલા. અને એમની નજર માં રહેલું કૌતુક અને આશ્ચ્રર્ય જોઈને, તે ખૂબ પોરસાતો. હવે તેણે જાળાને એક છેડેથી નવી દિશામાં તાર ઉમેરવા શરુ કરી દીધા. તેને લાગ્યું જો આ જાળાને કાટખૂણે બીજું જાળું રચી દઉં તો એ દિશામાંથી ઉડીને આવતા જીવડાં પણ પકડી શકાય.  જોતજોતામાં બીજી તરફનું જાળું પણ તેના વિજયધ્વજની માફક લહેરાતું થઇ ગયું. ફેલાતી જતી ખ્યાતિ ના કારણે હવે તેને નજીકના એરિયામાંથી સલાહ સૂચન માટે અને પોતાનો અનુભવ વહેંચવા માટે આમંત્રણ પણ મળવા લાગ્યા. પોતે કેટલી ચીવટ, અથાક પરિશ્રમ અને સુરેખ આયોજનથી આ સિદ્ધિ મેળવી છે તે વાત તે ખુબ નમ્રતાથી લોકોને કહી તેમને પણ જીવનમાં આવા મુકામ હાંસલ કરવા પ્રેરતો. એકાદ અઠવાડિયું કે પંદર દિવસથી વધુ જે લોકોના જાળા ટકી શકતા નહતા તે લોકો તેની સામે અહોભાવથી જોઈ રહેતા અને તેના મહામુલા સૂચનો ધ્યાનપૂર્વક સાંભળતા.

પોતાની નીચે કામ કરવા માટે રાખેલા બે જણ પાસેથી કામ કઢાવી શકવાની તેની કાબેલિયતને લીધે હવે તેનું જાળું ત્રણ દિશામાં વિકસી ચૂકેલું અને તેના કદની તો કલ્પના પણ ના થઇ શકે. આવતા મહિને યોજાનાર તેની જ્ઞાતિના વાર્ષિક સ્નેહમિલનમાં તેનું સન્માન થવાનું હોવાથી અને તે અતિથિ વિશેષ હોવાથી તેના વક્તવ્યની તૈયારીમાં છેલ્લા બે-ત્રણ દિવસથી તે જાળાના ભવિષ્યના આયોજન માટે સમય ફાળવી શકતો નહતો.

આ દરમિયાન તેણે જાળું જે સોસાઈટીના પાર્કિંગ એરિયામાં વિક્સાવેલું તેના ફ્લેટ નં: D-104 માં રહેતા સતીષભાઈની કારમાં અચાનક ખામી સર્જાતા, તેમને પોતાનું જૂનું સ્કૂટર ઉપયોગમાં લેવું પડે તેવા સંજોગો સર્જાયા. D-વિંગના પાર્કિંગમાં તેમનું સ્કૂટર છેલ્લા છ મહિનાથી વિદેશમાં વસી ગયેલા મનુભાઈના સ્કૂટર જોડે ધૂળ ખાતું પડેલું. તેમણે ઘરેથી નકામો ગાભો લઇ અને આખા સ્કુટરને ઝાપટ્યું અને ઓફિસે માટે રવાના થયા.

અને તે સાથે જ કપડાંની ઝાપટોથી ક્ષતવિક્ષત થયેલા જાળાનો એક ભાગ મનુભાઈના સ્કુટરના હૅન્ડલ સાથે લબડી રહ્યો. અને તે પોતે પાર્કિંગની દિવાલના એક ખૂણામાં આઘાતવાશ સુનમુન પડી રહ્યો.

– કેદાર ભટ્ટ