બબુ ગાંડી – સ્વાતિ મેઢ

મનુમાસીના રાજેશની જાન પોળને નાકે આવી પહોંચી. ત્યાં બેન્ડવાજાં તૈયાર હતાં. મોડી સાંજનો સમય હતો. ‘જાન આઈ ગઈ.’ પોળમાં સમાચાર ફેલાઈ ગયા અને પોળનું લગભગ બધું લોક જાનને આવકારવા દોડ્યું. પોળનો છોકરો રાજેશ નયનાને પરણીને આવી ગયો હતો. પોળને નાકેથી મનુમાસીના ઘર સુધી ખાસ્સો મોટો વરઘોડો નીકળ્યો. જાનડીઓએ ગીતો ગાયાં. હોંશે હોંશે વરઘોડિયાં પોંખાયાં. આઇસ્ક્રીમો વહેંચાયા. છેવટે બધું શાંત થયું. ઘરની પરસાળમાં કુટુંબની નજીકની સ્ત્રીઓ વચ્ચે ઘૂમટો કાઢીને નયના બેઠી હતી. એકદમ જ કોઈએ એનો ઘૂમટો ઉઠાવી.લીધો, “કેવી રૂપાળી છે મારી ભાભી,” એવું કાંઈક ન સમજાય એવું બોલીને ઘૂમટો પાછો ઢાંકી ય દીધો. બધાં હસી પડ્યાં.

“બબુ આવું ના કરાય”, મનુમાસી બોલ્યાં, “જા  ભૈ આઇસ્ક્રીમ આલશે.” બબુ ઉઠીને જતી રહી.  “આ બબુડી તે બબુડી જ.” મનુમાસી હેતથી બોલ્યાં.

“કોણ છે આ ગાંડી?” નયના મનમાં બબડી. એને એ જ ઘડીથી બબુ તરફ અણગમો થઈ ગયો.

બબુ પોળની લાડકી દીકરી હતી. નમણો ચહેરો, ચંપકવર્ણી ત્વચા અને હસતું મુખડું. કઠણ બાંધેલા લટકતી રિબીનોવાળા બે ચોટલા અને લગભગ ઘાઘરો કહેવાય એવું લાંબું સ્કર્ટ અને પાછળ એક જ બટનવાળું ફરાક પહેરીને બબુ પોળમાં ફરતી. બબુ એની માતાનું એકમાત્ર સંતાન હતી. દીકરીને જન્મ આપીને માતા થોડા જ દિવસોમાં મૃત્યુ પામી હતી. પ્રસૂતિ માટે પિયર ગયેલી અને ત્યાં જ ગુજરી ગયેલી પત્નીનો શોક કરવા એને સાસરેથી કોઈ લોકો આવ્યાં પણ એ પછી બાળકીના પિતા સુધ્ધાં ક્યારેય એની ખબર કાઢવા આવ્યા નહીં. બબુ એની માતાના માવતર પાસે રહેતી હતી. સગામાં એક માસી હતી પણ એ પરણીને દૂરના શહેરમાં રહેતી હતી. દેખાવે સુંદર આ બાળકી કુદરતના કમનસીબ અકસ્માતનો ભોગ બની હતી. એ મોટી થતી ગઈ તેમ તેમ સમજાતું ગયું કે શરીરથી વધતી જતી એ બાળકી બુધ્ધિના વિકાસમાં પાછળ હતી. એનું હલનચલન, વર્તન, હાવભાવ, ભાષા બુધ્ધિના અલ્પવિકાસને છતા કરતાં હતા. તો ય રૂપાળી અને હસમુખી બબુ એના દાદાદાદી અને આખી ય પોળના લોકોની વહાલી દીકરી હતી. પોળના રહેવાસી નાના, મોટા, ગરીબ, પૈસાદાર બધાને જ માટે એ વહાલનું પાત્ર હતી, તિરસ્કારનું નહીં.

બબુ પાસે વિશેષાધિકારો હતા.પોળના કોઈ પણ ઘરના ખુલ્લા બારણાંમાંથી ઘરમાં ઘૂસી જવાનો, કોઈ પણ વ્યક્તિને તું કહીને બોલાવવાનો. બધાને  એ કાકા, બાબો, બેબી, કાકી, ભૈ, ભાભી કહેતી. એ સિવાયનાં સંબોધનો એને બોલતાં આવડતા ન હતા. સવારમાં દાદી એને પરાણે નવડાવી, માથું ઓળી પાવડર છાંટી, આંખમાં મેંશ આંજી, ચોખ્ખાં ફરાક અને સ્કર્ટ પહેરાવી દે. એટલી વાર પૂરતી બબુ ઘરમાં હોય. બાકીનો સમય એ પોળના કોઈના પણ ઘરમાં હોઈ શકે. ઘરમાં થતી રસોઈમાંથી રોટલી, ભાખરી કે ગોળપાપડી, ફૂલવડી કાંઈ પણ ઉઠાવી લઈને એ ઘરની બહાર દોડી જાય અને આવતા જતા લોકોને રોકીને  “લે, આ પરસાદ ખા.” બોલીને ખવડાવે. ભલભલા શેઠીયા, વડીલો, સાહેબોને રોકીને એ ખવડાવે. એ લોકો હસીને પરસાદ લે અને ખાય પછી “હવે જા.” એવો હુકમ બબુ કરે ત્યાર પછી જ એ લોકો જઈ શકે. દાદીઓ દાદાઓના દેવમંદિરોમાં ઘૂસીને ઘંટડી વગાડીને “દાદી જે જે કર… દાદા જે જે કર.” કરીને ભગવાનને પગે પાડવા હુકમ કરે. જે જે એટલે સાષ્ટાંગ દંડવત અને દાદી દાદાઓ પગે વા હોય ને નીચા ન પડી શકાતું હોય  તો ય હસતે મોઢે બબુનું કહ્યું માને. ખડકીને દરવાજે અંદરબહાર આવજા કરવી અને ચોકઠા વચ્ચે ફેર ફુદરડી રમવું, પગથિયે ચડીને કૂદકા મારવા એ બબુની પ્રિય રમતો. બબુ જેની સાથે નજર મળે તેની સામે મુક્ત હાસ્ય કરતી. આમ જ આખો દિવસ પોળમાં રમતી બબુને રાત પડે પોળનું જ કોઈક એને ઘેર પહોંચાડી આવે ત્યારે જ ઘેર જાય.

એવી આ બબુએ નવોઢા નયનાનો ઘૂમટો ઉઠાવી લીધો એ વાત પોળમાં સૌને માટે હસવાની, હસી કાઢવાની વાત બની પણ એની આ હરકત નયનાને ન ગમી. એને ચીઢ ચડી’તી. એને બબુ નહોતી ગમતી. પોળમાં સૌ કોઈ આ અબુધ કિશોરીને નભાવી લેતું. બબુ આખી પોળની જવાબદારી હતી. એની પાસે કોઈને કશી જ અપેક્ષા નહોતી પણ નયના એને ન જ સ્વીકારી શકી.

રાજેશે નયનાને સમજાવી, પોળના બીજા લોકોએ પણ નયનાને સમજાવી. મનુમાસીએ તો નયનાની માફી માગી પણ નયના બબુને ધિકકારતી. બબુ સામે આવી જાય તો એને છણકો કરતી, બહુ નજીક આવી જાય તો ધક્કો ય મારી દેતી. બબુ પણ સમજી ગઈ હતી કે  કે આ ભાભીને બોલાવવી નહીં.પછી તો નયનાએ પુત્રને જન્મ આપ્યો. બાળકનું નામ પાડ્યું પિંકો. નયના પિંકાને બબુથી દૂર રાખતી. એ બબુને ગાંડી ગણતી, કહેતી ય ખરી, “આવી આ ગાંડી.” બબુય સમજી ગયેલી કે પિંકાને અડકવાનું નહીં. લાગણીની ગેરહાજરીની સમજ બબુને ય હતી.

એક સાંજે પોળમાં સૌને ગભરાવી મૂકે એવું કંઈક બન્યું. મનુમાસીનું ઘર પોળમાં વચ્ચોવચ હતું, ચોકઠામાં. જૂના વખતનું સાંકડું પણ ત્રણ માળનું મકાન. ઘરમાં ત્રીજે માળ એક ઓરડો અને અગાસી, બીજે માળ એક ઓરડો અને છજું અને નીચે એક ઓરડો અને બહાર એક મોટો ઓટલો. આ ઓટલો મનુમાસીની પડોશી સખીઓ સાથેની કાયમી બેઠક. બપોરે અને રાત્રે ત્યાં મંડળી જામતી. એ દિવસે બપોરની બેઠક પૂરી થવામાં હતી. રાજેશને રજા હતી. એ અને નયના એમની મેડીના છજામાં બેઠા હતા. પિંકો પાસે રમતો હતો.

અચાનક જ પિંકો છજાના કઠેડા પર ચડ્યો અને ચડ્યો એવો જ ગબડ્યો. રાજેશે બૂમ પડી, “એ ય પિંકો પડ્યો!” નયના સફાળી દોડી. નીચેથી મનુમાસીએ બૂમ પાડી, “શું થયું અલ્યા?” ચોકઠામાં રમતાં બાળકો બોલ્યાં, “એ પિંકો ઉપરથી પડ્યો.”

પોળમાં બૂમાબૂમ થઈ ગઈ, ‘રાજેશભૈનો પિંકો છજા પરથી પડ્યો’. જોકે પિંકો પડ્યો નહોતો. છજાના કઠેડાની નીચેની તરફ કોઈ ખીલા કે વળીમાં પિંકાનું ટીશર્ટ ફસાઈ ગયું હતું. પિંકો લટકી રહ્યો હતો. ‘પિંકાને ઉતારો કોઈ’ બૂમાબૂમ થઈ રહી. બેચાર છોકરાઓ ધરાર રાજેશની મેડી ચડી ગયા. છજામાંથી હાથ લંબાવીને પિંકાને પકડવા કોશિશ કરી. પણ પિંકો એટલો પાસે ન હતો.

‘હાય, હાય, મારો પિંકો. કોઈ બચાવો મારા પિંકાને,’ મનુમાસીએ ઠૂઠવો મૂક્યો. નયનાભાભી રડતાં રડતાં સૌને વિનવવા લાગ્યા. પિંકો અધ્ધર લટકે છે. ત્રણેક વર્ષનું બાળક હેબતાઈ ગયું છે. મમ્મી મમ્મી પપ્પા પપ્પા ચીસો પડે છે. જોતજોતામાં આખી પોળ ઉમટી પડી. ટીવી પર ફિલ્મો જોતાં લોકો બહાર આવી ગયા. નોકરીથી ઘેર આવતા લોકોની ભીડ પણ એમાં ભળી. ‘દોરડું લાવો, દોરડું’, વળી બૂમાબૂમ. કેટલાક યુવાનો પિંકાને કઈ રીતે ઉતારી શકાય એ વિષે ટેકનિકલ ચર્ચા કરે છે. તારણ કાઢે છે, ‘ટીશર્ટ ચીરાઈ જશે એટલે એ નીચે આવવાનો’.

‘અલ્યા નીચે ચાદર લઈને ઊભા રહો. પિંકો પડે એટલે ઝીલી લેવાય.’ કોઇકે વ્યવહારુ સૂચન કર્યું.

‘ચાદર ના ચાલે, જાડી શેતરંજી જોઈએ.’ બીજા એકે સૂચનમાં સુધારો કર્યો. એ જ વખતે પોળના એક ધનવાન, નિવૃત્ત સજ્જન સાંજનું ફરવા જવા નીકળ્યા હતા. એમણે સૂચન કર્યું, ‘ફાયરબ્રિગેડ બોલાવો’.

‘એ તો કરાય પણ લાયબંબો અંદર કઈ રીતે આવે? નાકેથી ચોક્ઠા સુધી ગલી છે.’ ફાયરબ્રિગેડનું વાહન પોળમાં આવી શકે, ન આવી શકે, અગાઉ કયા કયા પ્રસંગે પોળમાં ફાયરબ્રિગેડ આવી હતી. આસપાસની કઈ પોળોમાં કઈ કઈ કટોકટીમાં ફાયરબ્રિગેડે શું શું કરેલું, કઈ કઈ પોળોના દરવાજા પહોળા છે, સાંકડા છે મુંબઈમાં બહુમાળી મકાનમાં લાગેલી આગમાં ફાયરબ્રિગેડ કેટલું પાણી છાંટીને આગ બુઝાવેલી. દિલ્હીમાં, બેંગલોરમાં, ન્યૂયોર્કમાં ફાયરબ્રિગેડોએ કરેલા પરાક્રમોની કથાઓ ચર્ચાઇ. ફાયરબ્રિગેડ આવે તો પિંકાને નીચે ઉતારવા કયા સાધનનો ઉપયોગ કરી શકે. એ લોકોની સીડીઓ કેટલી લાંબી હોય છે એ વિષે પણ માહિતીની આપલે થઈ. ઉપસ્થિત સૌ લોકોનું સામાન્ય જ્ઞાન વધ્યું.

આ તરફ મનુમાસી રડે છે, નયનાભાભી રડે છે. રાજેશ બેબાકળો બની ગયો છે. મનુમાસીની બહેનપણીઓ એમને દિલાસો આપે છે. પોળના સગપણે દેરાણી, જેઠાણી થતી યુવાન સ્ત્રીઓ પોતપોતાનાં છોકરાં સંભાળતી નયનાને શાંત રાખવા મહેનત કરે છે. ‘પિંકો પડ્યો, હમણાં પડ્યો’. કેટલાક લોકોનું ધ્યાન ત્યાં પણ છે.

“એય પછી ચાદરનું શું થયું?” કોલાહલ વચ્ચે કોઈને યાદ આવ્યું. “ચાદર નહીં શેતરંજી, જાડી જાજમ જેવી.” બીજા કોઈએ સુધાર્યું.

“એય જાજમ કોના ઘરમાં છે?” વળી ચર્ચા ચાલી. કોના ઘરમાં જાજમ હતી, હવે નથી. હોય તો કેવી હાલતમાં છે, ‘એવા એ’ આલે ખરા કે નહીં? વળી થોડો ઇતિહાસ ચર્ચાયો, કથાઓ કહેવાઈ. આખરે આ સેંકડો વર્ષ જૂના શહેરની એટલી જ જૂની પોળનો ઇતિહાસ પણ હોયને?  આવા પ્રસંગોએ જ નવી પેઢી એ ઇતિહાસ જાણે, અને એને જીવતો રાખે.

ત્યાં કોઈનું ધ્યાન ગયું. “જો તો ખરા, પિંકો હલતો નથી.”

“હાય હાય બચારો પિંકો, કેવડો નાનો હતો નહીં?” બે ચાર નિસાસા.

“હાય હાય રે, મારો પિંકો રે – મારો લાલો, મારી આંખનું રતન, મારા હૈયાનો હાર, મારા કુળનો દીવો રે -” મનુમાસીએ પોક મૂકી.

પિંકો લટકતો હતો. હાથપગ હલાવીને થાકેલું એ બાળક હાલતું અટકી ગયું હતું. થોડી વારે એ પાછો હાલવા માંડ્યો. “એ જીવે છે, જીવે છે. હાશ, જે મા’દેવજી!” લોકોએ નિરાંતનો શ્વાસ લીધો.

છજાના કઠેડાના ખીલે પિંકો લટકે છે. આસપાસ જમીન પર, ઘરોની બારીઓ, ગેલેરીઓ, અગાસીઓમાંથી એને નીરખી રહેલી પ્રજા. પોળમાં એ દિવસે અનોખુ દશ્ય સર્જાયું હતું. પિંકો હાથપગ ઊછળતો હતો, એનું ટીશર્ટ ચીરાતું હતું. પૂરેપુરું ચીરાઈ જાય એટલે એ નીચે પાડવાનો હતો. બધા એ થવાની રાહ જોઈ રહ્યા હતા.

આ આખા નાટક દરમ્યાન બબુ તો હાજર હોય જ. બબુ બબડ્યા કરતી હતી, “આવો આ પડી જશે.” પિંકો લટકતો હતો ત્યાં જ એ ઊભી રહી હતી, એને ખસેડવા પ્રયત્ન કરનારાઓને  ધક્કો મારીને આઘા કાઢતી હતી. “જા ને હવે.”

એટલામાં પિંકાનું ટી-શર્ટ સાવ જ ચીરાઈ ગયું. આંખના પલકારામાં પિંકો ખીલા પરથી છૂટીને નીચે પડ્યો. ત્યાં જ ઊભી રહેલી બબુએ પોતાનું ઘેરદાર સ્કર્ટ ઊંચું કરીને પિંકાને ઝીલી લીધો. પિંકાને પડતો જોનારા સૌ સ્તબ્ધ બનીને જોઈ રહ્યા. સ્કર્ટમાં ઝીલેલા પિંકાને લઈને બબુ ત્યાં જ બેસી પડી. પછી હળવેથી પિંકાને ઊંચકીને ઊભી થઈ, સ્કર્ટ સરખું કરીને નયના પાસે ગઈ,  “લે ભાભી તારો પિંકો, હાચવ.” આટલું બોલીને સ્કર્ટ ફરી એક વાર ખંખેરીને બબુ ભીડ વચ્ચે ચાલતી થઈ.

બબુ, ગાંડી કહેવાતી બબુ, પિંકાને બચાવનાર બબુ, ખરેખર ગાંડી હતી?

હવે સમજવાનો વારો નયનાનો હતો.

~+~

– સ્વાતિ મેઢ,

સરનામું: ૧૦/૧૧૫, પરિશ્રમ એપાર્ટમેન્ટ્સ, વિમાનગર પાસે, સેટેલાઈટ રોડ, અમદાવાદ.૩૮૦૦૧૫ ટેલીફોન – ૦૭૯ ૨૬૭૪૫૮૩૬ વોટ્સ એપ: ૮૯૮૦૦૦૧૯૦૪ મોબાઈલ: ૯૭૨૪૪૪૨૫૮૬, email: swatejam@yahoo.co.in


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous શકટનો ભાર – કેદાર ભટ્ટ
પાંચ બાળકાવ્યો – શૈલેષ કાલરિયા ‘દોસ્ત’ Next »   

14 પ્રતિભાવો : બબુ ગાંડી – સ્વાતિ મેઢ

 1. Chintan Acharya says:


  વાહ… બાબુના પ્રેમમાં પડીજવાય એવું વર્ણન.
  પોળ આંખ સામે જીવતી થઈ ગઈ.
  Predictable હોવા છતાં આગળ વાંચવાની ઇચ્છા થાય તેવી વાર્તા.
  અદ્ભુત લખાણ. બીજી વખત વાંચવાની ગમે તેવી વાર્તા. આનંદો!!!
  બીજી વાર્તા જલ્દી લાખો અને share કરજો!

  આભાર.

  -ચિંતન આચાર્ય

  • swati medh says:

   આભાર ભાઇશ્રી, હું પણ મારી બાળપણની આ સખી બબુને ભૂલી શકી નથી. એટલે જ આ એનું ચરિત્ર ચિત્રણ. વાર્તા તમને ગમી આભાર ફરી એક વાર. બીજી પણ વાર્તાઓ છે. જોતા રહેજો અને વાંચજો મને ય ગમશે.

 2. Ashish Dave says:

  Beautiful story… nice narration, my sister’s name is also babudi…

 3. asha buch says:

  Really beautiful story babu is great

 4. S Parmar says:

  they say, don’t judge a book by its cover and in fact, that is exactly we all do. I love the description of babu.. strong sense of personality.. nice little story

 5. Gujju Tech says:

  ખુબસ સરસ

 6. Ravi Dangar says:

  સાચી ઘટના લાગે છે………………..????????

 7. swati medh says:

  ના ઘટના કાલ્પનિક છે.બબુ સાચી છે.બાળપણની બહેનપણી. વર્ષો પછી એવી જ એક બીજી બાલિકાને જોઈ ને બબુ યાદ આવી ગઇ અને વાર્તા લખાઇ ગઇ

 8. ઉર્વી હરિયાણી says:

  બબુ જેવી જીનેટિક ખામીના કારણસર જન્મતી ઘણી વ્યક્તિઓ આપણી આસપાસ હોય છે.આવી વ્યક્તિઓમાં સામાન્ય બુદ્ધિશક્તિ ઓછી હોવા છતાં પોતે કોને પસંદ /નાપસંદ છે એ તરત કળી લે છે. અહમ્ જેવું કંઈ હોતું નથી એમને,સરળ અને નિષ્પાપ એ હદ સુધી કે કોઈનું કપટ પણ નથી કળી શકતી.પરિણામે ઘણીવાર ગેરવર્તનનો ભોગ આસાનીથી બની જાય છે.વાર્તા કાલ્પનિક હોવા છતાં મનોભાવોને નીરૂપવામાં સ્વાતિ બેન મેદાન મારી ગયા છે.ખૂબ ખૂબ અભિનંદન.

 9. yusuf rangooni says:

  it good to write somthing

 10. Vaishali Maheshwari says:

  Simple yet so beautiful. I enjoyed reading this story. You have said that Babu character is one of your friend’s personality. You have described her so well. It made us feel as if she is standing right in front of our eyes. She seemed to be lacking some mental growth, but she also understood feelings and emotions. She went to everyone where she got love and stayed away from Nayana and her kid. This story teaches that we are all God’s creations and should be accepted and loved equally. But unfortunately, not everyone in society understands the same, but fortunately, many do understand.

  • Vaishali Maheshwari says:

   And also the “podd” is well-described. The warmth and the affection that the people of “podd” showed to Babu are inexplicable. The end of the story is predictable, yet, it was interesting to read until the end. I would love to read more stories from you. Thank you, Ms. Swati Medh, for writing this and sharing with us.

 11. PRAFULBHAI MACWAN says:

  નાનેી વિચારધરા વાડા ગાનડા હોઇ છે.
  સરસ લાગયુ આ વાર્તા વાચ્રીને.

 12. Kalidas V. Patel {Vagosana} says:

  સ્વાતિબેન,
  મજાની વાર્તા આપી.
  ઘણીવખત સમાજ જે ને ગાંડા ગણી હડધૂત કરતો હોય છે, તે લોકો ઘણા ડાહ્યા અને પરોકપારી હોય છે.
  કાલિદાસ વ.પટેલ {વાગોસણા}

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.