પાંચ બાળકાવ્યો – શૈલેષ કાલરિયા ‘દોસ્ત’

(આજે પ્રસ્તુત છે શ્રી શૈલેષ કાલરિયા, મુ.પો. જીવાપર, જી. મોરબી ખાતે રહેતા અને શ્રી ચકમપર પ્રા.શાળા, તા.મોરબી ખાતે સરકારી પ્રા.શિક્ષક તરીકે ફરજ બજાવતા બાળસાહિત્યના ચાહક અને સર્જક લિખિત પાંચ બાળકાવ્યો. તેમના પ્રકાશિત પુસ્તકોમાં ‘એકડો લખવાની મજા પડી’ (બાળકાવ્ય સંગ્રહ) ૨૦૧૦; ‘એક હતાં ચકીબહેન’ (બાળવાર્તા સંગ્રહ) ૨૦૧૧; ‘અવનવી બાળવાર્તાઓ’ (બાળવાર્તા સંગ્રહ) ૨૦૧૩ અને ‘આવ્યો એક મદારી’ (બાળકાવ્ય સંગ્રહ) ૨૦૧૬ સમાવિષ્ટ છે. રીડગુજરાતીને પ્રસ્તુત બાળકાવ્યો મોકલવા બદલ તેમનો આભાર અને તેમની કલમને અનેક શુભકામનાઓ. તેમનો સંપર્ક મો.નં. ૯૮૨૫૬૪૩૬૨૩ પર કરી શકાય છે.)

૧. તુલસીક્યારો

મારા ઘરમાં શોભે, રૂડો તુલસી ક્યારો.
આંગણે ઓપે રૂડો તુલસી ક્યારો. (૨)

દાદાજી તો માંજર લાવ્યા, ખંતે કરી હેતે વાવ્યા.
મારા ઘરમાં શોભે, રૂડો તુલસી ક્યારો. (૨)

કાળી કાળી માટી નાંખી, ઊંડે સુધી એને ખાંપી.
મારા ઘરમાં શોભે, રૂડો તુલસી ક્યારો. (૨)

લોટે લોટે પાણી પાયું, નાના મોટા સૌને ભાયું.
મારા ઘરમાં શોભે, રૂડો તુલસી ક્યારો. (૨)

કૂણાં કૂણાં અંકૂર ફૂટ્યા, સાલીગ્રામ સાથે પૂજ્યા.
મારા ઘરમાં શોભે, રૂડો તુલસી ક્યારો. (૨)

૨. અળસિયું

માટી ખાઈને મોટું થાય.. આ તો કેવું અળસિયું! (૨)
વાંકું ચૂંકું ચાલતું જાય.. આ તો કેવું અળસિયું! (૨)
માટી ખાઈને મોટું થાય.. આ તો કેવું અળસિયું!
લાંબું લાંબું રબ્બર જેવું.. આ તો કેવું અળસિયું! (૨)
જાણે નાનું સાપોલિયું.. આ તો કેવું અળસિયું! (૨)
રાત દિવસ વધ્યા રાખે.. આ તો કેવું અળસિયું! (૨)
સોના જેવું ખાતર આપે.. આ તો કેવું અળસિયું! (૨)
તડકો દેખી ભાગી જાય.. આ તો કેવું અળસિયું! (૨)
અડકો ત્યાં શરમાઈ જાય.. આ તો કેવું અળસિયું! (૨)
જાણે નાનું હળ ચાલે.. આ તો કેવું અળસિયું! (૨)
પાક બમણો ફૂલે ફાલે.. આ તો કેવું અળસિયું! (૨)
ખેતર પાદર જોવા મળે.. આ તો કેવું અળસિયું! (૨)
પોચી પોચી જમીન કરે.. આ તો કેવું અળસિયું! (૨)
ખેડૂત કહેતા મિત્ર મારું.. આ તો કેવું અળસિયું! (૨)
ઉછેર થાય વેપાર સારું.. આ તો કેવું અળસિયું! (૨)
માટી ખાઈને મોટું થાય.. આ તો કેવું અળસિયું!

૩. હોડી હોડી

ભઈલા મારા શોધી લાવ તું નાનું મોટું છાપું,
વરસાદ થોભે તે પહેલાં હોડી બનાવી આપું. (૨) ભઈલા મારા.

લાંબા લાંબા કાગળિયા કાતર લઈને કાપું,
કટકા ચોરસ સરખા કરવા ત્રિકોણ કરી માપું. (૨) ભઈલા મારા.

ઘસી ઘસીને ઘડી વાળી જલદી જલદી ખાપું,
શેરીએ વે’તા પાણી પર હોડી તરતી રાખું. (૨) ભઈલા મારા.

નાની-મોટી હોડી છોડી, કરું બંદર આખું,
સરરર જાતી હોડી જોઈને ઊભી ઊભી ટાપું. (૨) ભઈલા મારા.

કૂતરો દોડે હોડી પાછળ કરતો હાંપુ હાપુ,
દોડી જાતો ભઈલો બોલે, ઝાંપા સુધી હાંકુ. (૨) ભઈલા મારા.

૪. ઘોડો

તબડક તબડક આવે ઘોડો,
લાંબી ડોક હલાવે ઘોડો.
ગાડી ખેંચી લાવે ઘોડો,
સવારી સૌને કરાવે ઘોડો.
ચણા ખૂબ ચાવે ઘોડો,
હણહણે ને હસાવે ઘોડો.
દિવસ રાત જાગે ઘોડો,
તોય સૌથી આગે ઘોડો.
વફાદારી નિભાવે ઘોડો,
રાણાજીનો ચેતક ઘોડો.

૫. બગીચો

મારા ઘર પછવાડે એક બગીચો ખીલ્યો છે,
ખીલ્યો છે.. ખીલ્યો છે. મારા ઘર પછવાડે..

તેમાં વિધવિધ ફૂલો ખીલે છે,
તેમાં દેશ દેશનાં પંખી ઝૂલે છે.
મને પણ ખીલવું ગમે છે,
મને પણ ઝૂલવું ગમે છે, મારા ઘર પછવાડે..

તેમાં ભાત-ભાતનાં ઝાડ ઊગે છે.
તેમાં જાત જાતનાં ફળો ફળે છે.
મને પણ ઊગવું ગમે છે,
મને પણ ફળવું ગમે છે. મારા ઘર પછવાડે..

તેમાં જીવ જનાવર જમે છે,
તેમાં નાનાં-મોટાં સૌ રમે છે.
મને પણ જમવું ગમે છે,
મને પણ રમવું ગમે છે. મારા ઘર પછવાડે..

– શૈલેષ જે. કાલરિયા ‘દોસ્ત’

Leave a Reply to vasudevbhai patel Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “પાંચ બાળકાવ્યો – શૈલેષ કાલરિયા ‘દોસ્ત’”

Copy Protected by Chetan's WP-Copyprotect.