- ReadGujarati.com - http://www.readgujarati.com -

સેકન્ડ ચાન્સ – ચિંતન આચાર્ય

સેકંડ ચાન્સ

Designed by Bedneyimages / Freepikવોટ્સએપમાં એક વિડીઓ મેસેજ આવ્યો. કોઈક કવિ જીવ ગરમ ચ્હાનો પ્યાલો હાથમાં લઇને બારી આગળ બેઠા-બેઠા, બહાર પડી રહેલા વરસાદ ઉપર કવિતા સંભળાવી રહ્યા હતાં. સારી હતી કવિતા, ગમી. પણ કોણ જાણે કેમ, મનના એક ખૂણે ઉદાસી ઘેરાવા લાગી. સમજાયું નહિ શું થઇ રહ્યું છે!

ખેર, મારા હાથમાં પણ ચ્હા ભરેલો કપ છે હવે. બંધ બારીના કાચમાં થઇને મે નજર બીજી તરફ નાખી. અફસોસ, બહાર વરસાદ નથી પડી રહ્યો. “એમ પણ દુબઈમાં ક્યાં ખાસ વરસાદ પડે જ છે!” મે માથું ઘુણાવી નાખ્યું એ વિચાર સાથે ચ્હાની એક ચૂસકી મારી.

આધુનિકતાથી સંપન્ન આ મેટ્રોપોલીટન શહેરની એક ઊંચી ઇમારતના અગિયારમાં માળે બેઠો-બેઠો, હું આ ભેદી શહેરને વાંચવાનો, સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છું. રમકડાંની જેમ ગોઠવેલી દંભની વ્યાખ્યા સમાન ગગનચુંબી ઈમારતો. રસ્તા ઉપર આમથી તેમ દોડી રહેલી ગાડીઓ, એક સ્ટેશન છોડીને બીજા સ્ટેશન તરફ પહોંચવાની ઉતાવળમાં મેટ્રો રેલ અને દૂર ઝબૂક-ઝબૂક કરતી લાઈટવાળું એક વિમાન, જેના પૈડાં ખૂલી ચૂક્યા છે. પણ… છે કશુંક, જે ખૂટે છે! મે એક ઊંડો શ્વાસ ભરી લીધો.

આમ તો ઘણાં સમયે મારી એકલતા સાથે નિરાંતે બેઠો છું, પણ જરા વિચિત્ર છે આ એકલતા. સમજી નથી શકતો, આ મારી ઈચ્છા છે, મારી મજબૂરી કે પછી મારી જીદ?

ચ્હાની એક ચૂસકી સાથે ફરી નજર બહાર દોડાવી. મેટ્રો રેલ બીજા સ્ટેશને પહોંચી છે, વિમાન પણ રનવેને સ્પર્શ કરી ચૂક્યું છે, પણ પેલો ખાલીપો મને હજુય અજગરની જેમ વીંટળાએલો છે. આ વખતે મે મારા મનને પૂછ્યું, ‘શું છે જે ખૂટે છે?’ ઢળતા સૂરજે આકાશમાં ફેલાવેલો સિંદૂરી રંગ મને ભાવુક બનાવી રહ્યો છે? કે પછી મારા વર્તમાન ઉપર કશુંક હાવી છે?

“હં… ભૂતકાળ! વર્તમાન ઉપર હાવી થવાનું સામર્થ્ય માત્ર ભૂતકાળ પાસે જ હોય છે.” મારા મોઢા ઉપર એક ફિલસૂફી વાળું સ્મિત આવી ગયું એ વિચાર સાથે. ફરી ચ્હાની એક ચૂસકી મારી અને શોધવા લાગ્યો બારીની બહાર, શોધવા લાગ્યો હું એ સામર્થ્ય વાન ભૂતકાળ ને…

* * *

ડિસેમ્બરની ઠંડી સવારે રજાઈ ખેંચીને જગાડતી મમ્મી, ગરમીમાં આતુરતાથી રાહ જોવાતી રવિવારની, કેરીનો રસ બનતો એટલે! વરસાદમાં બસ ભાઈબંધના બૂમ પાડવાની રાહ જોતો, અને નીકળી પડતો ભીંજાવા. સમજણ આવ્યા પછી લીધેલું પેલું પહેલું ઇન્જેકશન. દિવાળીના ફટાકડા અને ઉત્તરાયણનું રંગબેરંગી આકાશ. તહેવારની એક સોડમ રહેતી વાતાવરણમાં. રવિવાર સવારની એ ક્રિકેટ મેચ અને બૅટિંગના ઝગડા.

કોલેજ તો બસ નાટકમાં ભાગ લેવા પૂરતી જ મર્યાદિત હતી. પણ હા, બસનો પાસ કઢાવી રાખેલો; એની એકમાત્ર ઝલક જોવા. પહેલી બેંચ ઉપર કાળું જીન્સ અને ગુલાબી ટી-શર્ટ પહેરીને બેઠેલી એ છોકરીના ખુલ્લા વાળ જ્યારે ઉડેલા, ત્યારે ખાતરી થઇ હતી કે શરીરમાં ઓકસીટોસીન હૉર્મોન ખરેખર કામ કરે છે. ભરચક બસમાં ભૂલથી એની આંગળીનો સ્પર્શ થઇ જાય તો એના જ સપનાં આવતા, આખું અઠવાડિયું. ક્યારેક લવ એટ ફર્સ્ટ સાઈટ, તો ક્યારેક મુકેશના સેડ સોંગ્સ. અરે હા! પછીતો મનહર ઉધાસની ગઝલ બેસૂરા અવાજે ગાવા સુધીની નોબત આવી ગયેલી.

*

“મનહર ઉધાસ” એ નામ મને પાછો વર્તમાનમાં ખેંચી લાવ્યું. હોઠ હજુ પણ ઉપરની તરફ ખેંચાએલા હતાં. સ્મિત સાથેની એજ મુદ્રામાં, પોતાનું તાપમાન ખોઈ રહેલી ચ્હા એકસાથે ગળા નીચે ઉતારી ગયો. બારીની બહાર જોયું. સૂરજે એની લાલિમા સંપૂર્ણ પણે સમેટી લીધી છે. ચંદ્ર સોળે કળાએ ખિલ્યો છે. અને દુબઈ એની ઝાકમઝોળ રોશનીનું શક્તિ પ્રદર્શન કરી રહ્યું છે. અચાનક મારા હોઠ ફફડવા લાગ્યા.

“નયન ને બંધ રાખીને મે જ્યારે તમને જોયા છે,
તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે.”

મનહર ઉધાસ! હા, મનહર ઉધાસના કાર્યક્રમમાં જ તો મને મળી હતી એ પહેલી વાર. મારી ટ્વેન્ટીઝનો સૂરજ ઢળવા ઉપર હતો. સારી કહી શકાય એવી નોકરીને લગભગ અઢી વર્ષ થયા હશે ત્યારે.

“તારી થવા વાળી ભાભી આવવાની છે દોસ્ત આજે, ગમે ત્યાંથી પાંચ ટિકિટની વ્યવસ્થા કરવી પડશે” બસ એમ જ, અમસ્તું કહી દીધેલું મેં મારા દોસ્ત સમીરને. કોક મીડિઆ કંપનીમાં કામ કરતો હતો એ.

જ્યારે હોલ પાસે ભેગા થયા ત્યારે, ચાર જાણીતા ચહેરાઓ વચ્ચે પેલા એક અજાણ્યા ચહેરાને મારી આંખો તાકી રહી હતી. “જાઓ તમે બંને બહાર જઈને ચ્હા પી આવો, એ બ્હાને એકબીજા સાથે વાત પણ થાય.” કાર્યક્રમના બ્રેકમાં વડીલોએ એમની ફરજ બજાવતા કહ્યું હતું અમને.

ચ્હા પીતાં-પીતાં એને ઈમ્પ્રેસ કરવાનો કોઈ મોકો છોડ્યો નહોતો મે. પણ, લાંબા વાળ અને મોટી પારદર્શક આંખો વાળી એ છોકરી પરે હતી બધાથી. નિખાલસ અને તદ્દન નાદાન, પતંગિયાં જેવી ચંચળ, નિર્દોષ. જે મનમાં હતું એજ મોઢા ઉપર. બસ બોલતી જાય અને હસતી જાય.

“પૈસા આપી દેજો” ચ્હા લીધાં પછી હું ખિસ્સામાં હાથ નાખું એ પહેલા જ મને કહી દીધેલું એણે. આશ્ચર્ય સાથે કોણ જાણે કેમ મને હસવું આવી ગયેલું.

“અરે! મનેતો તમારું નામ જ ખબર નથી!” ખૂબ હિંમત ભેગી કરી, એની આંખમાં આંખ નાખી પૂછ્યું હતું મે.

પણ એતો ગરમ ચ્હા થી દાઝી ગયેલી જીભ વિષે ફરિયાદો કરવામાં વ્યસ્ત હતી. ફરિયાદી બકબક બંધ થઇ એટલે, ગાલ ઉપર ઢળી પડેલી વાળની લટ કાન પાછળ સરકાવતાં બોલી હતી, “સંધ્યા… સંધ્યા નામ છે મારું.” પછી શરમાઈને ફરી હસી નાખેલું એક વાર.

કદાચ લગ્ન માટે છોકરા જોવાની શરુઆત મારાથી જ કરી હતી. એની મોટી – પારદર્શક, આત્મવિશ્વાસથી ભરેલી આંખો મને વારંવાર આકર્ષિત કરી રહી હતી.

“આઈ નાઈધર સ્મોક નોર ડ્રીંક” એક કાંકરે બે પક્ષી મારવાની ગણતરીથી મે અંગ્રેજીમાં મારા વખાણ મારા જ મોઢે એની આગળ કરી નાંખેલા, તે પણ એના પૂછ્યા વગર!

*

વાંઊ.. વાંઊ.. કરતી પુર ઝડપે નીકળેલી એમ્બ્યુલન્સનો તીખો અવાજ ભૂતકાળ વીંધીને મારી બારી સાથે અથડાયો. મારા વર્તમાનની ચાડી ખાતો ખાલીખમ ચ્હાનો કપ મારા હાથમાં છે. પણ મોઢા ઉપર મસમોટી મુસ્કાન. મે માથું ધુણાવ્યું અને હસી પડ્યો ખડખડાટ. તે વખતે કરેલી બેવકૂફીનું ભાન જાણે આજે થયેલું મને. ફરી બારીની બહાર નજર નાખી. વિમાનના આવજો હવે ઘટ્ટ થવા લાગ્યા છે. મેટ્રોની ફ્રિકવન્સી ઓછી થવા લાગી છે અને રોડ ઉપર દોડતી ગાડીઓની સંખ્યા પણ. દૂર ગગનચુંબી ઇમારતોની પાછળ અચાનક ચાલુ થયેલી આતશબાજીએ મને થોડાં વર્ષો પહેલાના ઝળહળાટમાં પહોંચાડી દીધો.

દિવાળીમાં મરચી બોમ્બ સળગાવ્યા બાદ, “આદિ….આદિ….” ની બૂમ પાડતી એ આખા પરિવારની હાજરીમાં વળગી પડેલી મને. પણ બોમ્બ ફૂટી ગયા પછીની નીરવ શાંતિનું સાચું કારણ સમજાતા, સ્વભાવગત શરમાઈને હસી પડેલી; તે પણ મારા ખભા ઉપર માથુ નાખીને. હા ભાઈ, ગોલ્ડન ડેય્સ ચાલતા હતાં અમારા. સગાઈ અને લગ્ન વચ્ચેના એ જૂજ દિવસો ખરેખર, ગોલ્ડન ડેય્સ જ હોય છે.

એક અજાણી વ્યક્તિને મર્યાદિત સમયમાં આખે-આખી વાંચી લેવાના પ્રયત્નોના ગોલ્ડન ડેય્સ. જાણે કે એ કોઈ રોમેન્ટીક નવલિકા ન હોય! એનો ગમો, અણગમો, આદતો, એના સપનાં, એનો ભૂતકાળ… બધુ જ જાણી લેવું હતું મારે, ટાઈમ લેપ્સ ફોટોગ્રાફીની જેમ. પણ એને જરાય ઉતાવળ નહોતી. સંધ્યાતો બસ એ ક્ષણને જીવવા માગતી હતી, માણવા માગતી હતી. મારા સવાલોનો અંત જ ન આવે. ફોનના અંતમાં એ બસ એક વાત કહેતી, “યુ નો આદિ, આઈ લવ યુ!” પછી હસી પડતી ખડખડાટ.

“આદિત્ય સંગ સંધ્યા” પીળા સોનેરી રંગની કંકોતરી ઉપર લાલ અક્ષરથી લખ્યું હતું. કેવી અસામાન્ય હતી એ લાગણી. મારા હાથમાં મારા જ લગ્નની કંકોતરી હતી. રાજકોટવાળા કાકા, નાગપુરવાળા ફોઈ અને મહેસાણાવાળા માસી, ઘર આખો દિવસ ભરેલું રહેતું. ચ્હાના કપ વારંવાર ખાલી થતા અને ભરાતા. પણ અમે બંનેતો જાણે આ આખીય ગતિવિધિથી પરે હતાં. તે દિવસે પણ રોજની જેમ સવારે ચાર વાગ્યા સુધી ફોન ઉપર વાત કરેલી અમે.

“શું મેડમ, તમારી કંકોતરીના કંઈ ઠેકાણા છે કે? અમારે તો આવી ગઈ આજે. ગોલ્ડન કલરની છે” મારા છોકરા પક્ષ વાળા અહમને છાવરતા પૂછ્યું હતું મે.

“ગોલ્ડન? અરે-રે, વેરી અન-રોમેન્ટીક!” કહીને ખડખડાટ હસી પડેલી એ.

“રોમાન્સતો આમ પણ મરણ પથારીએ જ છે હવે” હું ખુદની સાથે વાત કરતો હોઉં એમ બોલાઈ ગયેલું.

“હું સમજી નહી!” એના અવાજ માં કુતુહલ અને આશ્ચર્ય હતાં. મે વાત ટાળવાનો પ્રયત્ન કર્યો પણ, આખરે મારી ફિલસૂફી એને જણાવવી પડેલી.

“યુ નો બેબી, મારું એવું માનવું છે કે લગ્ન એ રોમાન્સનો અંત છે. મેરેજ એન્ડ્સ રોમાન્સ!” હું કોઈ વક્તાની જેમ બોલી ગયોલો. બે ઘડી અમારી વચ્ચે ચોસલાં પડે એવી શાંતિ સ્થપાઈ ગઈ હતી.

“આદિ” એ રોકાઈ “તમને એવું તો નથી લાગતુંને કે આપણે ઉતાવળ કરી રહ્યા છીએ?’ એના અવાજમાં ગંભીર મક્કમતા હતી. “આપણા આ લગ્ન….”

“ઓહ કમોન, શું ગાંડા જેવી વાત કરે છે?” એ વાક્ય પૂરું કરે એ પહેલા જ હું બોલ્યો હતો.

“એક મિનિટ આદિ.” ફરી એવી જ મક્કમતા “ધીસ ઇઝ વેરી ઈમ્પોર્ટન્ટ. મહત્વના નિર્ણયો એકજ વાર લેવાય. હજી પણ સમય છે. કારણ કે…” એ રોકાઈ “કારણ કે, હું સેકન્ડ ચાન્સમાં નથી માનતી.”

*

કાનની પાછળ થઇને ગરમ પરસેવાનો એક રેલો મારી ગરદન સુધી પહોંચ્યો. “સેકન્ડ ચાન્સ” આ બે શબ્દોએ પાછો મને દુબઈના ગરમ રણમાં ફેંકી દીધો. મે ગરદન ફેરવી એરકંડિશન તરફ જોયું. એ પણ મારી ઉપર અટ્ટહાસ્ય કરી રહ્યું હતું. પરસેવો સાફ કરી, મે બારીની બહાર જોયું. સોળે કળાએ ખીલેલો ચંદ્ર, જૂન મહિનામાં અચાનક પ્રગટ થયેલા આચ્છા કાળા વાદળોની પાછળ ધીમે-ધીમે સરકી રહ્યો હતો. “બીજી ચ્હા પીવી પડશે” મનમાં બબડતો હું રસોડા તરફ ગયો. ફ્રીઝમાથી દૂધની બોટલ લઇ ગેસની સગડી ઉપર પડેલી તપેલીમાં થોડું દૂધ ઠાલવ્યું. સફેદ દૂધની એ સાદગી મને એક સુંદર પ્રસંગમાં તાણી ગઈ.

મારો અને સંધ્યાનો હાથ દૂધથી ભરેલા તાસકમાં હતો. ગોર મહારાજ, લગ્ન પ્રસંગની છેલ્લી વિધિ, એટલે કે રૂપિયો રમાડવાની વિધિ પતાવવાની ઉતાવળમાં હતાં. અમારા બંનેનો સ્કોર સરખો હતો. સાતમી અને છેલ્લી વાર ગોર મહારાજે સિક્કો દૂધથી ભરેલા તાસકમાં નાખ્યો હતો. અમે બંનેએ એકસાથે સિક્કો પકડેલો. મારી આંગળીઓની પકડ ઢીલી થઇ રહી હતી, સંધ્યાએ ગરદન ફેરવીને જોયું તો મારો આખોય પરિવાર “આદિ…આદિ…આદિ” ની બૂમો પડી રહ્યું હતું. ચક્રવ્યૂહમાં ફસાયેલા અભિમન્યુ જેવું જ અનુભવ્યું હશે સંધ્યાએ ત્યારે. એ જરા હસી, પછી સિક્કો એના હાથમાંથી છોડી દીધેલો. ફક્ત થોડાક કલાકો પહેલાં પોતાના ઘર -પરિવારને છોડીને આવેલિ એ છોકરી, ખડખડાટ હસી રહી હતી. એનો ઉત્સાહ, મારા પરિવારના ઉત્સાહમાં ભળી રહ્યો હતો.

પહેલાં માળે ફૂલોથી સજાવી રાખેલા રૂમમાં જવા માટે પહેલેથી જ એક શરત નક્કી થઇ હતી. તો શરત મુજબ મારે સંધ્યાને મારા બે હાથમાં ઊંચકીને રૂમમાં લઇ જવાની હતી.

એને ઊંચકવાના પહેલા પ્રયત્નમાં જ્યારે મને નિષ્ફળતા સાંપડી, ત્યારે લાલ રંગનું ભરાવદાર પાનેતર પહેરેલી, અપ્સરા જેવી દેખાતી એ છોકરી; એની પાતળી કમર ઉપર બે હાથ મુકી પારદર્શક આંખો મટકાવતી મારી સામે જોઈ રહેલી. પછી, “નો સેકન્ડ ચાન્સ” એમ કહી ખડખડાટ હસતી રૂમ તરફ દોડી હતી. અને પાછળ હું પણ.

લગ્ન ને ત્રણ મહિના થાય હતાં.

“સંધ્યા…સંધ્યા…સંધ્યા…” ખુશખુશાલ, બૂમો પાડતો હું રસોડામાં જઈને સંધ્યાને વળગી પડેલો.

“આ શું કરો છો આદિ? એના ગાલ ઉપર ગુલાબી રંગ ફૂટી નીકળેલો.

“યુ નો સંધ્યા, તુ મારા માટે ખુબજ લકી છે. કંપની મને મુંબઈ ટ્રાન્સફર આપે છે. આઈ એમ સો હેપ્પી. ગીવ મી હાય ફાઈ” મે મારો હાથ હવા માં ઉછાળેલો. સંધ્યાનો હાથ પણ હવામાં ઊંચો થયો પછી સ્થિર થઇ ગયેલો. મોઢા ઉપર ભેગી થયેલી ખુશી અને શરમનુ મિશ્રણ અદૃશ્ય થઇ ગયેલું.

“શું થયું સંધ્યા? તું ખુશ નથી?”

“ના-ના આદિ એવું નથી પણ, તમે જેટલું કમાઓ છો એટલું આપણા માટે ઘણું છે. આપણા લગ્નને ત્રણ મહીના જ થયા છે. મને આપણા પરિવાર સાથે સમય ગાળવાનો મોકો જ નથી મળ્યો. મને મુંબઈ આવવામાં જરાય વાંધો નથી પણ, બે-ચાર વર્ષ પછી વિચારીએ તો?” એ સડસડાટ બધું બોલી ગયેલી.

“સંધ્યા, ઇટ્સ નોટ અબાઉટ મની. મુંબઈ ઓપોર્ચ્યુનીટીઝની ખાણ છે. હું મારા કરિયર માટે આ કરી રહ્યો છું. આપણા ભવિષ્ય માટે! મુંબઈ ઇઝ માય ડ્રીમ સીટી. અને અમદાવાદ ક્યાં દૂર છે? આવતા રહીશું વાર તહેવારે.” હું કોઈ નાના બાળકને ફોસલાવતો હોઉં એમ સંધ્યાને સમજાવી રહ્યો હતો

મોઢા ઉપર એક ફિક્કું સ્મિત અને મનમાં અઢળક પ્રશ્નો સાથે એણે હા પાડેલી. તે દિવસ પછી સંધ્યા ઘણીવાર ઊંડા વિચારોમાં ખોવાયેલી રહેતી. મુંબઈ જવા વિષેના નિર્ણયનો અણગમો સંધ્યાના વ્યવહારમાં સ્વાભાવિક થવા લાગેલો. અમારા મૌન પણ ક્યારેક એક બીજા સાથે વિવાદ કરી લેતા. બોલ્યા વગર પોતાની અસંમતિ જાહેર કરવાના પ્રયત્નો અસફળ રહ્યા એટલે ચોખ્ખે-ચોખું, ફરી એકવાર મુંબઈ જવાના નિર્ણય વિષે મને વિચારવા કહેલું એણે. પણ હું મક્કમ પણે એમ માણતો કે પરિવર્તન સ્વીકારવામાં વાર તો લાગે જ. સંધ્યા ભણેલી-ગણેલી વ્યક્તિ છે, એટલે એક વાર મુંબઈ આવશે પછી બધું ગોઠવાઈ જશે.

આખરે એ દિવસ આવી ગયો. હું અને સંધ્યા અમદાવાદથી મુંબઈ જતી ફ્લાઇટમાં બેઠાં હતાં. મારા ઉત્સાહનો પાર નહોતો. અને સંધ્યાનો ઉત્સાહ માર ઉત્સાહની પાછળ ઢસડાઈ રહ્યો હતો. હર્યાભર્યા પરિવારમાં ઉછરેલી એ છોકરી, લગ્નના ચોથા જ મહીને એક એવા શહેરમાં આવી પહોંચેલી જ્યાં પડોશીનો અર્થ દરવાજા ઉપર લગાવેલી નેમ-પ્લેટ સુધી મર્યાદિત હતો.

શરૂઆતમાં મુંબઈએ ખુબજ આનંદ કરાવેલો. મુંબઈના દરિયા કિનારા, લિન્કિંગ રોડ અને ફેશન સ્ટ્રીટની ખરીદી, નવી-નવી રેસ્ટોરાં, મૂવીનો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો… ખુબ મઝા પડતી. વરસાદમાં લોંગ-ડ્રાઈવ ઉપર નીકળી પડતા. દરેક વિકેન્ડ ખુશીઓથી ભરાઈ જતો. લગભગ એક વર્ષ લગ્નની રંગીન મીણબત્તી સુગંધ ફેલાવતી રહી.

સમયનો કાંટો મુંબઈની જીવનશૈલી ની માફક ફૂલ સ્પિડમાં દોડવા લાગ્યો હતો. પછીતો ઉત્તરાયણની રજાઓ ગણેશચતુર્થીમાં સમાવા લાગી અને પાંચ દિવસની દિવાળી માત્ર બે દિવસની થઇને રહી ગયેલી. પણ હું જોશમાં હતો, કેરિયર, સક્સેસ, ઇન્ક્રીમેન્ટ, ફોરેન ટુર, વર્કોહોલીકનું બિરુદ અને બોસની ચાપલૂસી. નવથી પાંચ ની સરળ નોકરી ક્યારે બાર કલાકની થઇ ગઈ મને ખબર જ ના પડી.

“આઈ લવ યુ બેબી.” કહીને સવારે આઠ વાગ્યે ઘરેથી નીકળ્યા પછી “કેટલા વાગ્યે આવશો? જમવા શું બનાવું?“ પૂછવા આવેલા સાંજે પાંચ વાગ્યાના મેસેજનો જવાબ હું બે કલાક પછી આપતો. “સોરી બેબી, મીટીંગમાં હતો. જે બનાવવું હોય તે બનાવ.” દિવસમાં એક વખત પતિ સાથે જમવાનો આગ્રહ રાખતી સંધ્યા હવે મારી સાથે મોડી રાત્રે દસ વાગ્યે જમવા લાગી હતી. જમ્યા પછી રાત્રે બેડરૂમમાં એણે વાત કરવાની શરુઆત જ કરી હોય, ત્યાં મારા નસકોરાં બોલવા લાગતાં. સમય વિતતો ગયો અને કેરિયરનો દબાવ વધતો ગયો.

વિકેન્ડમાં સંધ્યા સવારથી જ ઉત્સાહમાં હોય. તિજોરીમાંથી એના નવા કપડા ત્યારે જ બહાર નીકળતા. મેકઅપ કરીને એ મને રીઝવવા મારી આગળ પાછળ ફર્યા કરે, પણ મારુ માથું લેપટોપમાં ઘૂસેલુ રહેતું. ખડખડાટ હસતી, નિખાલસ સંધ્યા હવે મૂંગી રહેવા લાગી હતી. સાંજે ઘરે આવ્યા પછી અમારી વચ્ચે વાત કરવા જેવું લગભગ કશું રહેતું નહિ. સંધ્યા પોતાને વ્યસ્ત રાખવાના ઘણાં પ્રયત્ન કરતી પણ, ઘરની ચાર દીવાલોની બહાર સંધ્યા સાથે જો કોઈ વાત કરવા વાળું હતું તો, શાકવાળો, દૂધવાળો કે પછી કરિયાણાવાળો. લગ્ન પહેલાનો એનો આદિ ખોવાઈ રહ્યો હતો. એકલતા ધીરે-ધીરે સંધ્યાનો ભરડો લઇ રહી હતી.

લગ્નને લગભગ બે વર્ષ થઇ ચૂક્યા હતાં. અમે ધીરે–ધીરે યંત્રવત જીવનના બીબામાં ઢળવા લાગ્યા હતાં. હું હજુ પણ બર્થડે અને મેરેજ એનીવર્સરી યાદ રાખી શકતો હતો. એટલે નીરસ, યંત્રવત જીવનના વાદળો પાછળથી કોક વાર ખુશીનો સૂરજ ડોકિયું કરી લેતો. દિવસો વીતતા ગયા અને પરફેક્ટ કપલનો ભ્રમ ધીરે-ધીરે ઓગળવા લાગ્યો. ચર્ચા ક્યારે ઝઘડામાં અને મતભેદ ક્યારે મન-ભેદમાં બદલાવવા લાગ્યા ખબર જ ના રહી.

એ મને કાયમ યાદ કરાવતી “હર્યુંભર્યું ઘર છોડીને આપણે અહીં આવ્યા છીએ. મે તો તમને કીધેલું એક વાર ફરી વિચારી જોવો, પણ તમે!”

“પહેલો જ છોકરો જોઈને હા પાડી દીધાનો પસ્તાવો થાય છે હવે? થોડી રાહ જોઈ હોત તો સારું થાત કેમ? હું કટાક્ષ કરતો.

“આદિ તમે શું બોલો છો તમને ભાન છે?” એનો અવાજ ધ્રુજવા લાગતો.

“યસ મેડમ. હું મહત્ત્વાકાંક્ષી વ્યક્તિ છું. આખો દિવસ પૂંછડી પટપટાવતો તારી નજર સામે બેસી રહેવામાં મને રસ નથી!” મારી જમણા હાથની પહેલી આંગળી ગુમાનમાં આવી જતી. પછી, એ મને બે હાથ જોડી દેતી અને ધડામ.. બેડરૂમનો દરવાજો પછડાતો! બેડરૂમ એના તમામ ડૂસકાં પોતાનામાં સમાવી લેતો અને હું ડ્રોઇંગ રૂમમાં સિગારેટના કશ મારવા લાગતો. હા, મુંબઈએ સિગારેટ પીતો કરી દીધેલો મને.

પછી તો ઘણી વાર આવા દરવાજા પછડાતાં. પણ, અમારા ઝઘડા પરપોટાથી પ્રભાવિત હતાં. જન્મે પછી ઝાઝું જીવે નહિ. પહેલી સિગારેટ પત્યા પછી મારા અહમને અડધો કલાકથી વધારે પંપાળી નહોતો શકતો હું. મારા કહેલાં શબ્દો પછી મને જ ડંખવા લાગતાં. “કેટલા ઉદ્ધત થઇ જઈએ છીએ આપણે ગુસ્સામાં?” હું વિચારતો, પછી બેડરૂમનો દરવાજો ખખડાવતો અને “સોરી બેબી” લખેલું એક કાગળ સરકાવતો દરવાજા નીચેથી.

એ બહાર આવતી. એની પાતળી કમર ઉપર બે હાથ જમાવી, એની પારદર્શક ભીની આંખોમાં ગુસ્સો ભરી મારી સામે જોતી, પછી હસી પડતી ખડખડાટ. હા! એ સાચું હતું. ભલે ગમે તેટલાં ઝગડા થતાં અમારી વચ્ચે, ગમે તેટલાં દરવાજા પછડાતાં; પણ મારો પ્રેમ જરાય ઓછો નહોતો થયો. એ રીસાતી, રડતી અને હું એને મનાવી લેતો. અને હમેશની જેમ એ મને કહેતી “યુ નો આદિ, આઈ લવ યુ!”

લગ્નને ત્રણ વર્ષ પૂરા થઇ ચૂક્યા હતાં.

“આદિ…આજે મમ્મીનો ફોન આવ્યો હતો” શનિવારની એક બપોરે સંધ્યાએ કીધેલું.

“હં…” મારી આંખો લેપટોપના સ્ક્રીનને તાકી રહી હતી અને આંગળીઓ કી-બોર્ડને હંફાવી રહી હતી.

“આપણે હવે ફેમિલી શરુ કરવા વિષે વિચારવું જોઈએ” એ ઉત્સાહથી બોલેલી.

મારી આંગળીઓ અચાનક રોકાઈ. ઝટકાથી લેપટોપ બંધ કર્યું અને રીતસરનો ઘાંટો પાડેલો.

“હુ ધ હેલ ઇઝ યોર મોમ ટુ ઇન્ટરફીયર ઇન અવર મેટર?” મારા મગજની નસો લોહીના દબાણથી ફૂલી ગઈ હતી. હું બોલતો રહ્યો…“અને જો વધારે એકલતા લગતી હોય તો શરીરને તકલીફ આપો અને નોકરી કરવાનું શરુ કરો. પોસ્ટ ગ્રેજ્યુએશન માત્ર માં-બાપ ને ખુશ કરવા કર્યું છે?” બોસના હાર્શ ઈ-મેઇલનો બધો ગુસ્સો સંધ્યા ઉપર નીકળી ગયેલો તે દિવસે.

ફરી એક વાર દરવાજો પછડાયો… ધડામ, ફરી એક વાર “સોરી બેબી” લખેલું એક કાગળ બેડરૂમમાં સરક્યું, પણ તે દિવસે દરવાજો ના ખૂલ્યો.

થોડો સમય વીતી ગયો. અમારા એક બીજાને મનાવવાના પ્રયત્નો નિષ્ફળ થવા લાગ્યા હતાં. સંધ્યાએ નોકરી શરુ કરી દીધી હતી. દિવસો વીતતાં ગયા. અમારા ઝગડા ઓછા થતા ગયા, અને સાથે વિતાવતા હતા એ સમય પણ. એ પણ હવે મોડે સુધી ઓફિસમાં બેસતી. અમારા જમવાના સમય બદલાઈ ચૂક્યા હતાં. સવારની ચ્હા પણ ક્યારેક એકલા પીવી પડતી. અમે બંને પોત પોતાની નોકરીને વરી ચૂક્યા હતાં. અમારી વચ્ચે સંવાદો ખૂટવા લાગ્યા હતાં. હજુય ક્યારેક મૂવી સાથે જોઈ લેતા પણ એની ચર્ચા નહોતી થતી, રેસ્ટોરાંમાં સાથે જમી લેતા, શોપિંગમોલમાં સાથે જતા પણ અલગ-અલગ ખરીદી કરતા. ના અમે એક બીજાનો હાથ પકડતા, ના વરસાદમાં લોંગ ડ્રાઈવ ઉપર જતાં, ના એક બીજાને પૂછતાં “કેવો રહ્યો દિવસ? આજે શું કર્યું?” લગ્ન રૂપી રંગીન, સુગંધિત મીણબત્તી જાણે ધીરે-ધીરે પીગળી રહી હતી.

પહેલાં અમે અઠવાડિયામાં બે દિવસ સાથે ગાળતાં, તે ધીરેધીરે એક દિવસમાં બદલાઈ ગયો. પછી અડધો દિવસ, પછી કશું જ નહિ. અમે ના દોસ્ત રહ્યા હતાં ના પતિ-પત્ની. શાસ્ત્રોક્ત વિધિથી કરેલું લગ્ન લીવ-ઇન રીલેશનમાં બદલાઈ ચૂક્યું હતું. અમારા વચ્ચેની મૌનની દિવાલ દિવસે-દિવસે જાડી અને મજબુત થવા લાગી હતી. પ્રેમની વ્યાખ્યા રોમાન્સ માંથી બદલાઈને બેડરૂમના પલંગની ચાદરમાં પડેલી સલવટો સુધી મર્યાદિત થઇ ગઈ હતી. મારી ફિલસૂફી સાચી પાડવા લાગી હતી કદાચ, “મેરેજ એન્ડ્સ રોમાંસ!”

વેલ, માત્ર સંધ્યાનો વાંક શું કરવા કાઢું? હું પણ મારી જીદ નહોતો છોડી શકતો. મારા અસ્તિત્વ ઉપર એક પરત જામવા લાગી હતી. ક્યારેક મારી એકલતાને ઉજવી લેતો, તો ક્યારેક સંધ્યાની ગેરહાજરીને કોસતો. અમારી વચ્ચે વધી ગયેલા અંતર અને બગડી રહેલાં સંબંધોનું દુખ કરતો. સંધ્યા સાથે પ્રસરતો ખાલીપો મને વ્યાકુળ કરવા લાગ્યો હતો. સંધ્યા સાથે ન વિતાવી શકતો એ સમય હવે ઓફિસની બીજી છોકરીઓ સાથે વિતાવવા લાગ્યો હતો હું. બપોરે ઓફિસની કેન્ટીનમાં થતો સામાન્ય લંચ, ઓફિસ પત્યા પછી ઓફિસની બહાર વાળા બીઅર બાર સુધી કેવી રીતે પહોંચી ગયો મને ખબર જ ન રહી. હા, મુંબઈએ મને પ્રસંગોપાત પીતો પણ કરી દીધેલો. મારું મન મને છેતરવા લાગ્યું હતું. સમજી નહોતો શકતો કે વાંક કોનો છે? પછી વિચારતો, સંધ્યા પણ આવુ જ અનુભવતી હશે કદાચ! એની પણ વિટંબણા આવી જ હશે. અમારા પરિવારોએ બગડતા સંબંધોને સુધારવાના ઘણાં નિષ્ફળ પ્રયત્નો કાર્ય, પછી હથિયાર મૂકી દીઘેલાં.

એક રવિવારે એની આંખોની ગંભીરતા એના હોઠ ઉપર ઉતરી આવેલી. કેટલાય સમયથી ખડકાઈ રહેલાં વિચારોને એણે વાચા આપવાનું નક્કી કર્યું હતું. “એકલતા, મતભેદ, સંબંધ, સમય, જોઈન્ટ બેંક અકાઉન્ટ, વકીલનો ફોન નંબર…” એ બોલી રહી હતી, મક્કમતાથી. એના હોઠ ફફડતા હતાં પણ મને જાણે કશું જ નહોતું સંભળાતું. હું શૂન્યમનસ્ક બસ એની ભીંજાયેલી પારદર્શક આંખોમાં જોઈ રહ્યો.. લગ્ન પછીના એ તમામ પ્રસંગો એની આંખોમાં ઉતરી આવેલા.

મને “નિંદા ફાઝલી” સાહેબની બે પંક્તિઓ યાદ આવેલી તે વખતે.

मुमकिन हे सफ़र हो आसां, अब साथ भी चल कर देखें
कुछ तुम भी बदल कर देखो, कुछ हम भी बदल कर देखें|

ખેર, છૂટાછેડાના પેપર સાઇન થઇ ગયા. સાથે વિતાવવાની મુદ્દતનો છેલ્લો દિવસ હતો, અથવાતો એમ કહું કે છેલ્લી રાત હતી. વીજળીના કડાકા સાથે વાદળ બહાર ફાટ્યું હતું, પણ મન મારું ભીનું હતું. મે ગીફ્ટ કરેલી ગોલ્ડન બોર્ડરવાળી બ્લેક સાડી પહેરીને છેલ્લી વાર સંધ્યા આવી હતી તે ઘરમાં. બારીમાંથી આવેલી એક હવાની લહેરકી એના ખુલ્લા વાળ ઉડાડી ગઈ. હું બસ એને જોતો રહ્યો. એટલા મતભેદ પછી પણ મે એને પ્રેમ કરવાનું જાણે છોડ્યુ જ નહોતું ક્યારેય. પણ એની મક્કમતા, મારા પ્રત્યેના એના પ્રેમ ને નિષ્ક્રિય કરી ચૂકી હતી. સંધ્યા માટે પણ એ સહેલું નહીં જ હોય. એના પણ હશે અમુક વાજબી કારણો, થોડા સાચા થોડા ખોટા. મારા મનના દરિયામાં રીતસરની ભરતી આવેલી.

“આદિ… બને તો તમારા પોતાનાં માટે થોડો સમય કાઢજો.” એની પારદર્શક આંખોમાં થોડી લાલાશ હતી અને લાલાશમાં થોડા આંસુ. મને એવું લાગ્યું જાણે મારું હૃદય મુઠ્ઠીમાં લઇને કોઈએ ભીંસી નાખ્યું હોય.

“સંધ્યા, તને એવું નથી લાગતું કે આપણે ઉતાવળ કરી રહ્યા છીએ?” મે લગભગ રડમસ અવાજે પૂછેલું

મે પહેરાવેલી એંગેજમેન્ટ રીંગ એણે આંગળીમાંથી પરાણે કાઢી અને નીચે ટેબલ ઉપર મૂકી. મે ઝુકીને રીંગ લીધી, માથું ઊંચું કરીને જોયું ત્યાં સુધી સંધ્યા ત્યાંથી ચાલી ગઈ હતી. ધડામ.. ફરી એક વાર દરવાજો પછડાયો પણ, આ વખતે બેડરૂમનો નહોતો.

* * *

બ્રહ્માંડમાંથી સીધો ધરતી ઉપર પટકાયો હોઉં એમ હું વર્તમાનમાં આવી પહોંચ્યો. દૂધ ઊભરાઈ ચૂક્યું હતું. બર્નરમાંથી નીકળતી જ્વાળાઓ પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા સંઘર્ષ કરી રહી હતી. મે ઘડિયાળ સામે જોયું. રાતના બે વાગ્યા છે. મે એક કપ ચ્હા બનાવી અને પાછો બારી આગળ ગોઠવાઈ ગયો. આચ્છાં કાળા વાદળાં ઘટ્ટ થઇ ચૂક્યાં છે. ચંદ્ર એનું તેજ ખોઈ રહ્યો છે. મેટ્રો રેઇલ વિરામની ઘોષણા કરી ચૂકી છે. ટ્રાફિક સિગ્નલ ઉપર બસ હવે માત્ર એક ગાડી આવીને રોકાઈ છે. અને ઘરેરાટ કરતા વિમાનના પૈડા રનવે ઉપર અથડાઈને સફેદ ધુમાડો કાઢી રહ્યાં છે. એ ધુમાડાની ધૂંધમાં મને અતીત દેખાવવા લાગ્યું.

“દુબઈ જાને વાલી એમિરેટ્સ એર-લાઇન્સ કી ફ્લાઇટ…” મુંબઈ ઐરપોર્ટ ઉપર એક તરફ ફ્લાઇટ વિષેની માહિતી અપાઈ રહી હતી, અને એજ ઐરપોર્ટ ઉપર અડધી રાત્રે હું દુબઈ જતી ફ્લાઈટના બૉર્ડિંગ એનાઉન્સમેન્ટની રાહ જોઈ રહ્યો હતો. છૂટાછેડા ને લગભગ ત્રણ વર્ષ થઇ ચૂક્યા હતાં. મારી ટ્રાન્સફર દુબઈ થઇ હતી.

બીજે દિવસે સવારે ઊંટ, સોનું અને રણ પ્રદેશ માટે ઓળખાતા એવા દુબઈ શહેરમાં હું હતો. દુબઈની ગગનચુંબી ઈમારતો, રોડ ઉપર દોડતી મોંઘી ગાડીઓ, સ્વચ્છતા અને આખી દુનિયા માંથી ઉમટી પડેલાં લોકોએ, છૂટાછેડા પછી પહેલી વાર મને જરા રોમાંચનો અનુભવ કરાવેલો. કંપનીએ આલીશાન બિલ્ડીંગ માં “ટુ બી એચ કે” ફ્લૅટની વ્યવસ્થા કરી હતી.

સમય વિતતો ગયો, મારા જીવનનું એક વર્ષ મે દુબઈને આપી દીધેલું. પાંચ વર્ષ પહેલાનો આદિત્ય ઘણો બદલાઈ ગયો હતો. સંધ્યાએ છેલ્લે કહેલી વાત મે ખરેખર આપનાવી હતી. પોતાની જાત માટે સમય કાઢતો થયેલો હું. નોકરી ઉપરાંત, સવારે જોગિંગ, સાંજે ક્લબમાં ટેનિસ અને વિકેન્ડમાં મૂવી. નો સ્મોકિંગ, નો ડ્રીન્કીંગ, બધું નિયમિત હતું.

એક દિવસ, ફોનની રીંગ વાગી. “હેય આદિત્ય, સમીર બોલું છું, સમીર બક્ષી અમદાવાદથી. યાર, દુબઈ આવું છું આવતા ગુરૂવારે. અરિજિતનો લાઇવ કોન્સર્ટ ઓર્ગેનાઇઝ કર્યો છે મારી કંપનીએ, હું જ બધું સંભાળવાનો છું. તને સમય હોય તો મળીશું.” એ લખેલું વાંચતો હોય તેમ બોલી ગયેલો. સમીર બક્ષી, એક માત્ર વ્યક્તિ જે મારો અને સંધ્યાનો કોમન ફ્રેન્ડ કહી શકાય.

કોન્સર્ટ પછી રાત્રે ડીનરમાં વર્ષો પહેલા થયેલા મનહર ઉધાસના કાર્યક્રમની વાત નીકળી, સમીરે વ્યવસ્થા કરી આપેલી ફ્રી ટીકીટની, સંધ્યા સાથેની પહેલી મુલાકાતની, લગ્ન જીવનના ઉતાર ચઢાવની અને છૂટાછેડા વિષે ફરી એક વાર વિચાર કરવા સમીરે અમને બંનેને આપેલી સલાહની.

“હજી ભૂલ્યો નથી એમને? છેક અહીંયાં સુધી પહોંચી ગયો એની પાછળ!” સમીર સિગારેટના ગોટા બનાવતો બોલેલો.

“વોટ?” મને રીતસર ગુઝ્બંપનો અનુભવ થયેલો.

“સંધ્યા.. સંધ્યા દુબઈમાં છે? ક્યારે? ક્યાં? શું કરે છે એ? તને કેવી રીતે ખબર?” મારો શ્વાસ ફૂલવા લાગેલો.

“રીલેક્સ – રીલેક્સ, હેપ્પી દિવાળી અને હેપ્પી બર્થડે પુરતી જ મર્યાદિત, પણ મારા સંપર્કમાં છે સંધ્યા. દોઢ વર્ષ પહેલા એક જોબ ઓફર સ્વીકારી હતી એણે. હમણાં ઇન્ડિયા ગઈ છે. પણ દસ દિવસ પછી પાછી આવવાની છે. કોક ઇન્ડિયન કંપનીમાં એચ આર મેનેજરની જોબ છે. મને વધારે ખાસ કંઈ ખબર નથી.” છેલ્લો કશ મારી, સિગારેટ બૂટ નીચે મસળતા બોલેલો સમીર.

“ઓહ ખરેખર?” મારા ચહેરા ઉપર આનંદ અને નર્વસનેસ સાથે ઉતરી આવેલાં.

“મે ફેસબુક ઉપર એને શોધવાનો…”

“સંધ્યા નથી ફેસબુક ઉપર” મારી વાત કાપીને સમીર બોલેલો.

એકવાર તો થયું, માંગી લઉં સંધ્યાનો કોન્ટેક્ટ નંબર સમીર પાસે, પણ હિંમત નહોતી ચાલી.

ખેર, સમીર તો ચાલ્યો ગયો. આઠ મહિના વીતી ગયા હતાં. પણ મારી ઊંઘ હરામ થઇ ગયેલી. હું હવે દુબઈની દરેક સ્ત્રીમાં સંધ્યાને શોધવાનો પ્રયત્ન કરતો. હું સંધ્યાને શોધી નહોતો શક્યો, પણ એના જ વિચારો આવ્યાં કરતાં.

શું કરતી હશે સંધ્યા? બીજા લગ્ન કરી લીધા હશે? કે પછી બોયફ્રેન્ડ? હું યાદ આવતો હોઈશ એને? ગરમ ચ્હા પીતી વખતે હજી પણ જીભ દાઝી જતી હશે? હોરર મુવી જોતી વખતે ઓશીકું ઢાંકી દેતી હશે મોઢાં ઉપર? સાડીની પાટલી અરીસામાં જોઈ ને વાળતી હશે? કપાળે બિંદી લગાડતી વખતે હજુ પણ એની પાંપણો ફરકતી હશે? એમ જ હસતી હશે, ખડખડાટ? આજે પણ મંદિરની આરતી ઉત્સાહથી ગાતી હશે?

* * *

“અલ્લાહ હુ અકબર અલ્લાહ…..હુ અકબર” સવારની અઝાનનો અવાજ મારા કાને અથડાયો અને હું પાછો મારા ખાલીખમ વર્તમાનમાં આવી પહોંચ્યો. ઠંડી ગાર ચ્હા, કપમાંથી મારી સામે જોઈ રહી છે. મે બારીની બહાર નજર કરી, જૂન મહિનામાં અચાનક પ્રકટ થયેલા છુટ્ટા છવાયાં વાદળોએ આકાશ ને સંપૂર્ણ પણે પોતાના વશમાં કરી લીધું છે. મે ઘડિયાળની નોંધ લીધી. સવારના સાડા ચાર વાગ્યા છે.

“જોગિંગ પર જવાની વાર છે.” હું મનમાં બોલ્યો. અરે, જોગિંગથી યાદ આવ્યું. બસ ગયા શુક્રવારની જ વાત છે. રોજની આદત મુજબ, સવારે છ વાગ્યે હું મારી આલીશાન બિલ્ડીંગની સામે આવેલા વિશાળ ગાર્ડનમાં બનાવેલા જોગિંગ ટ્રેક ઉપર જોગિંગ કરી રહ્યો હતો. અને અચાનક… અચાનક જાણે મારું હૃદય ધબકારો ચૂકી ગયું. પિંક સ્પોર્ટ શુઝ, બ્લ્યુ ટ્રેક અને સફેદ ટી-શર્ટ પહેરેલી એક સ્ત્રી; હાથની આંગળીઓ પગના અંગુઠાને અડાડવા મથી રહી હતી.

“સંધ્યા…” નાભિ માંથી નીકળેલો એ શબ્દ, મારા હૃદયને ઢંઢોળી મોઢામાંથી બહાર નીકળી ગયો. મારું મોઢું અને આંખો બંને ખુલ્લા રહી ગયાં. રીતસર ગૂઝબમ્પનો અનુભવ થયેલો મને.

એના કપાળ ઉપરથી સરકેલો પરસેવાનો રેલો, ગાલ ઉપર ઢળી પડેલી વાળની લટને ભીંજવી રહ્યો હતો. વહેલી સવારના કુણા તડકામાં એના ગુલાબી ગાલ સોનાની જેમ ચળકી રહ્યા હતાં. હા, ઉંમર સાથે શરીર થોડું ભરાવદાર થયું હતું. પણ આજેય એટલી જ સુંદર લાગી રહી હતી સંધ્યા. એ વિશાળ ગાર્ડન એક ક્ષણ માટે મનહર ઉધાસના લાઇવ કોન્સર્ટમાં બદલાઈ ચૂક્યું હતું.

અચાનક અમારી નજર એક થઇ. અને એક સ્કૂલ સ્ટુડન્ટની જેમ, મે મોઢું ફેરવી લીધું; ઉપર આકાશ તરફ. પછી આંખના ખૂણેથી સંધ્યાને જોવાનો પ્રયત્ન કર્યો. એણે એ જોયું, અને હસી પડી ખડખડાટ, હંમેશની જેમ!

ગાર્ડનના કેફેમાં ત્રણ કલાક વાતો કરેલી અમે તે દિવસે. અલક-મલક ની જૂની વાતો. મનહર ઉધાસના લાઇવ કોન્સર્ટથી માંડીને મુંબઈના વરસાદમાં થતા લોંગડ્રાઇવ સુધી, અને ઘણું બધું. અમે દોસ્ત બની ગયા હતાં તે વખતે. લગભગ બે કલાક પછી ખુબજ જ હિંમત ભેગી કરીને મે પૂછેલું એને…

“લગ્ન…. લગ્ન કર્યાં ફરી વાર?”

એની મોટી-પારદર્શક આંખો તાકી રહેલી મને થોડી વાર, પછી બોલી “ના નથી કર્યા. વિચારતો આવ્યો હતો એકવાર પણ, પછી થયું કે “સોરી બેબી” લખીને બેડરૂમના દરવાજા નીચેથી કાગળ સરકાવવા વાળું મળશે કોઈ?”

“હજી યાદ છે તને?” હું ગદગદ થઇ ગયેલો.

“હું કશું ભૂલી નથી!” એનો અવાજ મક્કમ હતો.

“હું દરરોજ આવુ છું અહીંયાં, સવારે છ વાગ્યે. અને તું?” મે વાતાવરણ હળવું કરવાનો પ્રયત્ન કરેલો.

“તમે કાયમ મોડા પડો છો આદિ. હું પણ નિયમિત આવુ છું, પણ તમારા કરતા વહેલી, પાંચ વાગ્યે. આજે જરા મોડું થઇ ગયું.” એ કટાક્ષ હતો કે પછી બીજું કંઈ, હું સમજી ન શક્યો.

“ક્યારેક મોડું સારા માટે થતું હોય છે” હું ફિલ્મ ના કોઈ ડાયલોગની જેમ બોલ્યો હતો.

પાંચમી વાર કોફી ઓર્ડર કરી. કપ આપતા મારો હાથ સ્પર્શી ગયેલો એના હાથને. એ કશું બોલી નહોતી. એટલા વર્ષો બાદ પહેલી વાર મળેલા છતાં, કોણ જાણે કેમ જરાય સંકોચ નહોતો નડ્યો અમને. કદાચ એના નિખાલસ સ્વભાવને કારણે જ!

“હું સામેની બિલ્ડીંગમાં જ રહું છું.” મારી બધી હિંમત ભેગી કરીને મે એની મોટી-પારદર્શક આંખોમાં જોયું.

“ઠીકઠાક કમાઈ લઉ છું. બે વ્યક્તિ સારી રીતે રહી શકે એટલું ઘર પણ છે. એન્ડ યુ નો સંધ્યા, આઈ નાઈધર સ્મોક, નોર ડ્રીંક.” મારા ગળામાં જાણે કશુંક અટકી ગયું હતું. એનો હાથ મારા બે હાથની વચ્ચે હતો અને મારી આંખોમાં થોડી આશા.

ડાબી બાજુ સહેજ ગરદન ઝુકાવી એ મારી આંખોમાં જોઈ રહી, એકીટશે! એની આંખોમાં મારા માટેનો ભારોભાર પ્રેમ જોઈ શકતો હતો હું.

એક ઊંડો શ્વાસ ભર્યો એણે… “આદિત્યના અસ્તની ક્ષણોને સંધ્યા કહેવાય છે. આદિત્ય અને સંધ્યાનું મિલન કાયમ અંધકારમાં વિલીન થઇ જાય છે. અને એમ પણ હું “સેકન્ડ ચાન્સ” માં નથી માનતી, એ તો તમને ખબર જ છે આદિ!” એની મોટી પારદર્શક આંખોમાં થોડી લાલાશ હતી અને લાલાશમાં થોડા આંસુ. મારા હાથમાં ફસાયેલો હાથ એણે ધીરેથી પાછો ખેંચી લીધો.

મન તો થયું કે “ફરાઝ” ની પેલી બે પંક્તિઓ સંભળાવી દઉં.

जुदाइयां तो मुकद्दर हे फिर भी जाने सफ़र
कुछ और दूर जरा साथ चलके तो देखें.

ખેર, આટલી સ્પષ્ટ ના પાડ્યા છતાં પણ તે દિવસે એને મારો ઘર નંબર, બિલ્ડીંગનું નામ અને બિઝનેસ કાર્ડ આપીને આવ્યો છું. કદાચ એનું મન બદલાઈ જાય. પણ વિચિત્ર છે અમારી જિંદગી, ના અમે એક બીજાની સાથે રહી શક્યા, ના એક બીજા વગર!

અચાનક વીજળી ચમકી, વરસાદના ટીપાં મારી બારી ઉપર અથડાવવા લાગ્યાં, જાણે મને બોલાવી રહ્યા હોય. વોટ્સએપ ઉપર આવેલી કવિતા સાંભળ્યા પછી મનના ખુણે ઘેરી વળેલી ઉદાસીનતા, વરસાદી પાણી સાથે ધોવાઈ રહી છે. જૂન મહિનામાં અચાનક આવેલા ચમત્કારિક વરસાદથી હું આશ્ચર્યચકિત છું! અને ત્યાં જ દરવાજાની ડોરબેલ વાગી. મે ઘડિયાળ સામે જોયું, પાંચ વાગ્યા હતાં…

* પૂર્ણવિરામ *

– ચિંતન આચાર્ય