સુખનું સાચું સરનામુ આ રહ્યું.. – હિતેશ રાઠોડ

આ સંસારમાં આપણે મનુષ્ય તરીકે જન્મ ધારણ કરીએ અને પછી ધીમે ધીમે મોટા થતા જઈએ અને શિશુવસ્થાથી શરૂ કરી બાળઅવસ્થા, તરૂણાવસ્થા, યુવાવસ્થા અને પ્રૌઢાવસ્થા સુધીની નિયતકાલિન સાંસારિક પ્રવૃત્તિઓમાં જેમ જેમ રત થતા જઈએ થઈએ તેમ તેમ દુનિયાદારીની સમજ આવતી જાય છે અને જાણ્યે અજાણ્યે પણ આપણી દરેક પ્રવૃત્તિનો અંતિમ હેતુ તો આર્થિક લાભનો જ રહેતો હોય છે. જેમ જેમ સાંસારિક પ્રવૃત્તિઓમાં ખૂંપતા જઈએ છીએ તેમ તેમ આપણી અંદર એક સમજ દ્રઢ થતી જાય છે કે આર્થિક રીતે સાધન-સંપન્ન થઈશું તો જ આપણે સુખ મેળવી શકીશું. વળી આમ જોવા જઈએ તો આપણી સૌની સુખની પરિભાષા બહુ જ ટૂંકી, સરળ, સાદી, અને તદ્દન સ્વાર્થી હોય છે અને તે એ કે તમે ભણો, ગણો, નોકરી-ધંધો કે કોઈપણ પ્રવૃત્તિ કરો (પછી તે પ્રવૃત્તિ કહેવાતી સેવાની કેમ ન હોય) અંતિમ ઉદ્દેશ તો એ જ હોય છે કે કોઈપણ રીતે પૈસા કમાઓ અને પૈસા ભેગા કરો તો જ આપણે સુખને ખરીદી શકીશું.

અહીં સુખને ખરીદવાની વાત એટલા માટે કરી કે બહુધા આપણી સૌની સમજ એવી હોય છે કે સુખ એટલે આપણા બેન્ક ખાતામાં બહુ બધા પૈસા હોવા, બીજા લોકો સારું કહે એવું એક મકાન (ઘર નહીં), બંગલો, કે ફ્લેટ આપણી પાસે હોય, ક્યાંય જવા માટે પોતાનું સરસ મજાનું એક વાહન હોય, આપણા સંતાનો કહેવાતી ખર્ચાળ અને ઈન્ટરનેશનલ શાળા-કૉલેજોમાં ભણતા હોય, વીક એન્ડમાં બહાર કોઈ સારી હોટલ કે રેસ્ટોરન્ટમાં ખાવા જતા હોઈએ, વળી આપણા સંતાનો ભણીગણીને કોઈ સારી નોકરી કે પોતાનો સ્વતંત્ર બિઝનેસ શરૂ કરે અને સમાજિક રીતે કહેવાતા સુખી ઘરનો દરજ્જો મેળવે, પછી આપણા સંતાનોના લગ્ન પણ સમાજમાં આપણા સમોવડિયા કે ઘણી વાર આપણા કરતા ઉચ્ચ સામાજિક દરજ્જો ધરાવતા કુટુંબના સંતાનો સાથે થાય એટલે આપણે પોતાની જાતને બીજા કરતા સુખી માનીએ છીએ. આનાથી વિશેષ સુખની કલ્પના ક્યારેય આપણા મગજમાં ઉદભવતી નથી.

સુખનો કે દુખનો આપણો ખ્યાલ સાપેક્ષ હોય છે એટલે કે આપણે બીજાઓના સુખ-દુ:ખને ધ્યાનમાં રાખીને આપણે સુખી કે દુ:ખી છીએ તે નક્કી કરતા હોઇએ છીએ. આપણા માટે સુખ એટલે આપણે જે કંઈ સુખ-સુવિધા કે સગવડો ઈચ્છીએ તે આપણને મળે એટલે આપણે સુખી અન્યથા આપણે દુખી. વાત જો આટલેથી પૂરી થઈ જતી હોત તો જે લોકો ઉપર જણાવેલ ભૌતિક સુખ-સુવિધાઓ મેળવી લે છે તે પછી તેઓ સુખી થઈ જવા જોઈતા હતા, પણ વાસ્તવમાં એમ નથી, કારણ કે સુખની આપણી પરિભાષા જ અલગ છે.

આપણે જે સુખી થવા માટે જે સગવડો કે સુવિધાઓ મેળવી કે આપણા સંતાનોને અપાવી તે તો માત્ર આપણને ભૌતિક સુખ, મોજ-મઝા કે આનંદ મેળવવા પૂરતી જ છે. આપણે આપવામાં તો માનતા જ નથી આપણે તો યેનકેન રીતે દુનિયાનું બધું આપણી પાસે ભેગું કરી લેવામાં માનીએ છીએ. જો ક્યારેક કંઈક આપવાનું આવે તો પણ આપણે એ રીતે આપીએ છીએ કે જેથી બીજા લોકોને ખબર પડે કે આપણી પાસે કેટલું બધું છે. અહીં બીજાને કંઈક આપવાનો આપણો હેતુ આપીને અંદરથી સુખની અનુભૂતિ કરવાનો નહિ પણ દુનિયાની કેટલી સંપત્તિ, સગવડો અને સુવિધાઓ આપણી પાસે છે તેની બીજાઓને જાણ કરીને એમાંથી વાહવાહી મેળવવાનો હોય છે, એમાં સામેની વ્યક્તિને આપવાના આનંદ કરતા આપણે આપ્યું એનો ગર્વ વધારે હોય છે. અલબત્ત જે લોકો ખરેખર બીજાઓને આપવા છતાં તે પોતે આપ્યું નથી પણ પોતે માત્ર નિમિત્ત બન્યા છે એમ માની બીજાઓને આપવામાંથી આનંદ મેળવતા હોય તેવા લોકોને આ વાત લાગું પડતી નથી.

હવે સાચું સુખ શું છે અને વાસ્તવમાં સુખ કોને કહેવાય તેને સમજવાનો પ્રયત્ન એક દ્રષ્ટાંત આપીને કરીએ. ધારી લો કે તમે કોઈ કામથી એસ.ટી. બસમાં એક ગામથી બીજે ગામ જઈ રહ્યાં છો. બસ ચીક્કાર ભરેલી છે અને ઊભા રહેવાની પણ જગ્યા નથી પણ સદભાગ્યે તમને તમારી સીટ મળી ગઈ છે અને તમે મઝાથી મુસાફરી કરી રહ્યાં છો. આમ તો તમારી કોઈક શારીરિક તકલીફને કારણે તમે બહુ વાર ઊભા રહી શક્તા નથી એટલે આવી ચીક્કાર ભરેલી બસમાં પણ તમને સીટ મળી ગઈ એનો સહેજ આનંદ તમારા મનની અંદર છે. અચાનક તમારી નજર બસમાં પાસે ઊભેલી મેલા-ઘેલા વસ્ત્રોવાળી એક સ્ત્રી પર પડે છે. સ્ત્રીએ એક હાથે કેડમાં નાનકડા બાળકને તેડ્યું છે અને બીજા હાથે બસની છત પરનો ડંડો પકડ્યો છે. બસમાં સખત ભીડને કારણે બાળક સતત રડી રહ્યું છે જેને કારણે તેને છાનો રાખવાના પ્રયાસમાં સ્ત્રી બસમાં બરાબર ઊભી રહી શકતી નથી. તમારી નજરે આ દ્રશ્ય પડ્યું અને તમારા મનમાં તે સ્ત્રીને સીટ આપી દેવા અંગે મનોમંથન ચાલ્યું કારણ કે સ્ત્રીને સીટ આપી દીધા પછી તમે પોતે પણ વધુ સમય સુધી ઉભા રહી શકવાની સ્થિતિમાં નથી. જો કે લાંબી અવઢવ પછી તમે પોતાની ક્ષણિક આરામદાયક મુસાફરીમાંથી મળતા આનંદનો ભોગ આપી પેલી સ્ત્રીને પડી રહેલ અગવડ અને મુશ્કેલીને થોડી હળવી કરવા તમારી સીટ બેસવા માટે તે સ્ત્રીને આપી દીધી.

આપણે જે સુખની વાત કરીએ છીએ તે હવે શરૂ થાય છે. ચીક્કાર ભરેલી બસમાં તમને જગ્યા મળી ગઈ અને તમે તમારી સીટ પર બેઠાં બેઠાં મુસાફરીનો આનંદ લઈ રહ્યાં હતા તે આનંદ ખરેખર તો સીટ સ્ત્રીને આપી દીધા પછી ઓછો થવો જોઈતો હતો, પણ તમે અનુભવ્યું કે વાસ્તવમાં તેવું કંઈ તમને ન થયું, ઉલ્ટાનું પેલી સ્ત્રીને સીટ આપ્યા પછી તે સ્ત્રીને બસમાં બેસવાની જગ્યા મળી ગયા પછી તેનું રડતું બાળક એકદમ શાંત થઈને કિલકારીઓ કરવા લાગ્યું તેનો આનંદ તે સ્ત્રીના ચહેરા પર જોઈને તમારા અંતરાત્મામાં એક ગહન કહી શકાય એવા સંતોષ અને નિજાનંદની લાગણી થઈ જેને તમે શબ્દોમાં વર્ણવી શકતા નથી અને આ સંતોષની લાગણી પેલા સીટમાં બેસીને મુસાફરી કરવામાંથી મળતા આનંદની સરખામણીમાં તો કંઈ કેટલાયે ગણી વધારે હશે જેને તમે શબ્દોમાં વ્યક્ત નહિ કરી શકો.

તમે પોતે તમારા ખપનું ભોગવી લો અને તેનો સંતોષ મેળવી લો પછી બીજાને આપી દો તેમાંથી જે આનંદ મળે બસ તેને જ કહેવાય સુખ અને તેનાથી આગળ વધીને  કહીએ તો તમારી પાસે વધારાનું હોય અને આપો તેના બદલે તમારું હોય તે આપી દો અને તે આપ્યા પછી તમને જે પરમ આનંદની અનુભૂતિ થાય તેને જ સાચું સુખ કહેવાય અને તે સુખ તમારા હૃદયના ઉંડાણમાંથી પ્રગટ થાય છે તેથી તેની તોલે કોઈપણ ભૌતિક સુખ કે સગવડ આવી શકે નહીં.  સુખની કોઈ ચોક્કસ પરિભાષા કરવી બહુ મુશ્કેલ છે તો પણ એક લીટીમાં કહેવું હોય તો કહી શકાય કે તમારી સામાન્ય જરૂરિયાતો સંતોષાઈ ગયા પછી જે શેષ બચે તે કોઈક જરૂરિયાતમંદને આપવાથી તમારા અંતરાત્મામાં આનંદનો જે અહેસાસ થાય તેને સુખ કહી શકાય. અર્થાત્ સુખનો સંબંધ ભોગવવા કરતા આપવા સાથે વધારે છે. તમે કોઈ સગવડ-સુવિધાઓ ભોગવો તેમાંથી ચોક્કસ તમને એક પ્રકારનો આનંદ મળતો હોય છે પણ તે ક્ષણિક હોય છે લાંબો સમય ટકતો નથી. સગવડ-સુવિધાઓ ભોગવી લીધા પછી જેવા તમે તમારા રૂટિનમાં આવી જાઓ કે તરત તમને તમારું જીવન સાવ બોરિંગ લાગવા માંડે છે. આવો આપણે પણ ભૌતિક સુખની લ્હાયમાં દુ:ખી ન થતાં ઈશ્વરે આપણને જે કંઈ આપ્યું છે તેમાંથી થોડું જરૂરિયાતમંદોને નિસ્પૃહ ભાવે આપીએ અને આપણે પોતે અંદરથી સુખી થઈએ અને બીજાઓના દુ:ખમાં આંશિક ઘટાડો કરવામાં નિમિત્ત બનીએ તો જ “બહુજન હિતાય બહુજન સુખાય” નો જીવનમંત્ર સાચા અર્થમાં ચરિતાર્થ થશે.

– હિતેશ એસ. રાઠોડ; સરગાસણ, ગાંધીનગર


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ગ્રેફાઇટમાંથી ગ્રેફીન શોધનારાને નોબલ પરિતોષિક – કિશોર પંડ્યા
સૂનું માતૃત્વ – ફિરોઝ મલેક Next »   

12 પ્રતિભાવો : સુખનું સાચું સરનામુ આ રહ્યું.. – હિતેશ રાઠોડ

 1. sandip says:

  “ભૌતિક સુખની લ્હાયમાં દુ:ખી ન થતાં ઈશ્વરે આપણને જે કંઈ આપ્યું છે તેમાંથી થોડું જરૂરિયાતમંદોને નિસ્પૃહ ભાવે આપીએ અને આપણે પોતે અંદરથી સુખી થઈએ અને બીજાઓના દુ:ખમાં આંશિક ઘટાડો કરવામાં નિમિત્ત બનીએ તો જ “બહુજન હિતાય બહુજન સુખાય” નો જીવનમંત્ર સાચા અર્થમાં ચરિતાર્થ થશે.”
  ખુબ સરસ્……..
  આભાર્…………….

 2. Gujju Tech says:

  ખુબ જ સરસ

 3. jitu j limbachiya says:

  Very hard , but very true

 4. ગમતીલો વિષય. સુખ અને આનંદ બે અલગ વસ્તુ હોય છે. બન્ને માટે દરેકની વ્યાખ્યા પણ અલગ હોય છે – બહુ જ અલગ.
  આથી આ બાબત ( કે કોઈ પણ બાબત !) સર્વ સામાન્ય નિયમ ન હોઈ સકે. સનાતન સત્ય એક જ છે.

  દર ક્ષણે, દરેક જગ્યાએ દરેક વસ્તુ સતત બદલાતી રહે છે !!!

 5. surendra sheth says:

  હિતેશભાઈ
  આપની વાત સાચી છે, ઉપરાન્ત કોઇપણ કામ ધન્ધો કે નોકરી ઘરાક નુ હિત કરવાથી પણ સુખ આપે છે.

 6. Kalidas V.Patel { Vagosana } says:

  હિતેશભાઈ,
  સુખની સાચી વ્યાખ્યા આપી. આભાર.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 7. Karuna Talati says:

  Nice thinking for happiness

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.