સૂનું માતૃત્વ – ફિરોઝ મલેક

સૂર્યના કિરણોમાં પણ એક અલગ જ પ્રકારનું કૌવત છુપાયેલું હોય છે. જ્યાં પ્રસરે ત્યાં આશારૂપી પ્રકાશનો જાદુ ફેલાય જાય છે. વહિદાના ઘર આંગણે સૂર્યપ્રકાશ બરાબર પોતાની માયા પાથરી રહ્યો હતો. બહાર ઓટલા પર બેસી શાકભાજી સમારી રહેલી વહિદાના ગાલ સૂર્યપ્રકાશથી ચમકી રહ્યાં હતાં. પરંતુ હૈયામાં કોઈ ઘેરી વેદના કોરાઈ રહી હોય, તેમ તેના મુખ પર નિરાશા ડોકિયું કરી રહી હતી. હાથમાં પકડેલી તુવેરની શીંગો એની મેળે જ જાણે યાંત્રિક રીતે છોલાતી જતી હતી. વહિદાનું મન તો જાણે કોઈ બીજે જ ઠેકાણે ઉડ્ડયન કરી રહ્યું હતું.

‘અમ્મી…..’ કહેતીક નાની રફિયા વહિદાને ગળે વળગી ગઈ. વહિદાએ રસોઈનો ચમચો બાજુ એ મૂકી, ‘મેરી પ્યારી બેટી’ કહી રફિયાને ગોદમાં બેસાડી, ચૂમીઓથી નવરાવી દીધી. છાતી સરસા ચાંપીને વહિદા જાણે માતૃત્વની ઉંચાઈને-ગરવાઈને માપી રહી હતી. અને રફિયા માતૃવાત્સલ્યનું અમૃત પીતી તૃપ્તિથી આંખો બંધ કરી લેતી હતી. મા દીકરીના નિર્દોષ પ્રેમનો લય ત્યારે તૂટતો, જ્યારે મોટી દીકરી તરન્નુમ શાળાએથી ઘરે આવતાં માતાને ‘અમ્મી ભૂખ લગી હૈ’ કહી દફતર ખીંટીએ ટીંગાડી ને થાકેલા સ્વરે પણ રૂઆબભેર માને વિનવણી કરતી.

‘મેરી બેટી આ ગઈ સ્કૂલ કો જાકર? ઠહર જા ખાના બન જાયે તો અમ્મી અભી દેતી હે તુમ્હે.’

‘અમ્મી જલદી ખાના બનાના ચાહિયે ના?’ કહેતી તરન્નુમ ખુરશી પર પગ લટકાવી બેસી ગઈ. વહિદા દીકરીને માથે હાથ ફેરવી ઝટ રસોઈ પૂરી કરવામાં લાગી ગઈ. વહિદાને ખબર હતી કે દીકરીને કકડીને ભૂખ લાગી હશે. પણ દારૂડિયો કંગાલ પતિ હામિદ પાસે આજે રસોઈ માટે પૈસા માંગતા શરીરે અને એથીયે વધુ આત્માએ કેટલો માર સહ્યો છે. એ આ નાદાન દીકરીને ક્યાંથી ખબર હોય? આખા ફળિયાની સામે વહિદાને મા-બેન વાળી કરી નાંખનારો હામિદ મોડે મોડે માંડમાંડ વીસ રૂપિયા વહિદાને મોઢે મારી ગયેલો. એ જ વીસ રૂપિયાની ખીચડી અને વહિદાના અશ્રુઓ આજે હાંડલામાં રસોઈ બની રસાઈ રહ્યાં હતાં.

‘વહિદા એ ય વહિદા!’

‘હંઅઅ..’ કહેતા વહિદા દિવાસ્વપ્નમાંથી બહાર આવી.

‘કબકી આવાજ દે રહી હું, પતા નહીં ચલતા તુજે? સુનતી ક્યું નહીં? બહેરી હે ક્યા? જબ દેખો તબ ખોઈ ખોઈ રહેતી હે. મુજે રઈશ સે કહેના પડેગા કિ ઈસ પાગલ કો પાગલખાને લે જા, વર્ના હમારા તો ભલા હી હો જાયગા…’ સાસુની એવી કંઈ કેટલીયે ખરી ખોટી વહિદા મૂંગે મોઢે સાંભળતી રહી. આ બધુ સાંભળવાની રોજની. અરે! આખા જન્મારાની હવે આ જ આદત પડી ગઈ હતી. નમાઈ વહિદાને સાસુમાં ‘મા’નો પ્રેમ કદી મળી ના શક્યો. હૈયાની દાબડીમાં દર્દ વધી જતાં પાણી છલકાઈ આંખોને કિનારે અશ્રુ રૂપે ટપકી જ જતાં, પણ જન્મી ત્યારથી અશ્રુઓ આંખોની બંધ પાંપણની અંદર ગળી જવાની કળા વહિદાએ હસ્તગત કરી લીધી હતી.

આજથી છ એક મહિના પહેલાં તો વહિદા પોતાના પહેલા પતિ હામિદથી છૂટી થઈ હતી. ગરીબ ઘરની વહિદા રંગરૂપમાં કંઈ જાય એવી તો ન હતી. પરંતુ દરિદ્રતાની ઓથા હેઠળ રંગરૂપને તો ગૂંગળાવાની જ કિસ્મત મળી હોય છે ને! વહિદાના મુફલિસ અબ્બુએ બને તેમ જલદી નિકાહના હિસાબે વહિદાના ચટ મંગની પટ બ્યાહની જેમ હામિદ જેવા સાયકલ રિપેરીંગ કરતા મામૂલી માણસ સાથે નિકાહ પઢાવી દીધા હતા.બે ચાર વરસ તો લગ્ન જીવન બધુ બરાબર ચાલ્યું. વહિદાએ આ સમય દરમિયાન તરન્નુમ અને રફિયા જેવી સુંદર બે દીકરીઓને જન્મ આપી માતૃત્વની ગરવાઈ પણ હાંસલ કરી લીધી હતી. સમય વીતતાં કોણ જાણે ક્યાંથી હામિદ દારૂની બુરી સંગતે ચઢી ગયો. કામકાજ કરતાં મહેનતુ હામિદને દારૂ વધુ ને વધુ ખેંચવા લાગ્યો. હામિદનું કામમાં હવે કેમે કરી ચિત્ત ચોંટતું ન હતું. તે થોડા દિવસોમાં તો ઘરમાં ખાવાના પણ ફાંફાં પડવા લાગ્યા. આ બાજુ બન્ને દીકરીઓ મોટી થતી હતી. ખર્ચા કહે મારું કામ અને દારૂ કહે મારું કામ. નશામાં ધૂત હામિદની ગાળગલોચ અને લુખ્ખી દાદાગીરી દિવસે દિવસે વધવા લાગી. હવે છડેચોગ તે વહિદાને મારવા પણ લાગ્યો હતો. વહિદાનું સ્વાભિમાની મન ઠોકર ખાઈ અપમાનિત થઈ રહ્યું હતું. દીકરીઓ માની હાલત જાણતી હોવા છતાં ચૂપ રહી રડ્યાં કરતી હતી.

એક દિવસ હામિદ ખૂબ દારૂ ઢીંચીને આવ્યો અને નજીવી બાબતે વહિદા સાથે જીભાજોડી અને ત્યારબાદ મારામારી કરી, વહિદાને ફળિયા વચ્ચે ખેંચી લાવ્યો. વહિદા રડતી ગઈ. વાતનું વતેસર ના કરવા કકળતી, હાથ જોડતી કાકલૂદી કરતી ગઈ. પણ હામિદને એવું જનૂન ચઢ્યું હતું કે, ‘તલાક,તલાક,તલાક…’ના ગગનભેદી નારા લગાવ્યા પછી જ તેણે હાશકારો લીધો. તેણે એકવાર પણ ના વિચાર્યુ કે આ ગરીબ ઘરની ગભરુ ગાય જેવી વહેદાના શા હાલ થશે? વહિદાની ફારગતી થઈ ગઈ. એ ગામ આખાએ જાણ્યું. ગામના ડાહ્યાં લોકોએ વહિદાને જરાયે વિલંબ વિના તેના બાપના ઘરે પહોંચતી કરી. વહિદાએ પ્રાણની જેમ ગળે વળગાડેલી બન્ને દીકરીઓને જાલિમ હામિદે છીનવી લીધી હતી- ‘યે મેરી લળકીયાં હે, તું અપને બાપકે ઘર સે નહીં લાઈ થી, કે લે કર ચલી. ફૂટ યહાં સે, ઓર અપના મુંહ કાલા કર. મૂડકે કભી વાપિસ નહીં આના ઈધર.’

દીકરીઓ વિના વહિદાની હાલત ખૂબ જ કફોડી થઈ ગઈ હતી. પોલીસ કચેરીના દ્વાર ખખડાવવાની વહિદાની તીવ્ર ઈચ્છા હતી. પરંતુ ગરીબ પિતા આ બધી જંજાળમાં ન પડવાની દીકરીને ખાસ સલાહ આપતા. અને વહિદાને એમ કહી સમજાવતા કે, ‘બેટી હમ તેરા ભી બોજ ઊઠા નહીં શકતે, તેરી બેટિયોં કા બોજ કેસે ઉઠા પાયેંગેં? રહેને દે વો ભી ઉસકા બાપ હે, બડી હોયેંગી તો ઢુંઢતી ચલી આયેગી.’ વહિદાને આ બધી વાત સો આને સાચી લાગતી હોવા છતાં દીકરીઓની ચિંતા સતાવતી રહી. દારૂડિયો બાપ છે કાલે સાવકી મા માથે થોપી દેશે. દીકરીઓનું જીવન પાયમાલ કરી દેશે. સમજાતું નહોતું કે ક્યાં જાય? કોને પોતાની પીડા કહે? આખી દુનિયા એને પેરેલાઈઝ્ડ થયેલી દેખાતી હતી. એનું માતૃત્વ આવા દબાતા,રીબાતા અસ્તિત્વ સામે બંડ પોકારી રહ્યું હતું.

દીકરીની ફારગતી ને પોતાની બદકિસ્મતી સમજી માંડમાંડ પોતાનું અને અભાગી દીકરીનું પૂરું કરતાં પિતાને ચાર મહિના થયા ન થયા ને બીજી શાદી કરીને દીકરીનું ઘર વસાવવાની ચટપટી ચાલી રહી હતી. વહિદાની લાખ ‘ના’ છતાં પિતા અડગ રહ્યા અને રિશ્તેદારોમાં શાદીની વાત મૂકી. વાત આવી કે તરત જ દીકરીને ખૂબ જ સાદાઈથી પરણાવી પણ દીધી. વહિદા ખૂબ જ કરગરી કે પોતે બે માસૂમ દીકરીઓની ‘મા’ છે. દીકરીઓને તેની જરૂરત છે. પણ ગરીબીની માર ખાધેલા બાપે વહિદાની એકના સાંભળી. મજબૂરીના દુપટ્ટામાં મોઢુ છુપાવી વહિદા કમને બીજા સાસરે પહોંચી ગઈ.

એકની એક દીકરીને પરણાવીને પરવારી ગયેલા રઈશ અનસારીની હાલત હામિદ કરતાં સારી કહી શકાય એવી ખરી. આખા ઘરમાં મા-દીકરા વિના ત્રીજી કોઈ વ્યક્તિની હયાતી નહીં. પરંતુ દીકરીઓથી દૂર રહી વહિદાનું મન જરાયે ગોઠવાતું ન હતું. પોતાના મનની વેદના વહિદાએ એક વખત સારો મોકો જોઈ દીકરીઓને હામિદના ચુંગલમાંથી છોડાવવાની અને પોતાની સાથે રાખવાની વાત રઈશને કરી જોયેલી. પણ રઈશે તો ધરાર ના જ પાડી દીધેલી.વહિદાને રહેલી એક આશા પર પણ પાણી ફરી વળ્યા હતા.
* * *
ચંદ્ર ચાંદની રેલાવી મલકી રહ્યો હતો. બારીમાંથી ચાંદની ઘરમાં રેલાઈ રહી હતી. પરંતુ વહિદાના મનમાં ઘોર અંધકાર છવાયેલો હતો. આંખોમાં ઉંઘ આવી ને તરત જ ચાલી જતી હતી. વારે વારે દીકરીઓ બોલાવી રહી હતી…

‘અમ્મી… અમ્મી… નીંદ નહીં આતી હે, મેરે પાસ આઓ મુજે ગોદી મેં સોના હે તેરે…’

‘અમ્મી ભૂખ લગી હે, કબ ખાના દોગી? દેખો મેરે પેટ કિતના અંદર ચલા ગયા હે…’

‘હમ લોગ નાનુ કે ઘર કો કબ જાયેંગે? વહાં નાનુ કી બકરીઓ કે સાથ ખેલેંગે. બડા મજા આએંગા…’

‘અમ્મી આજ સ્કૂલ મે વો શફિકા મુજે ચિઢા રહી થી, ઓર ધક્કા દે કર ભાગ ગઈ…’

‘અમ્મી આજ દેરીસે જાને કી વજે સે ટિચરને મુજે કિલાસ કે બાહર ખડા રખ્ખા થા…’ નાની મોટી બન્ને દીકરીઓના સ્વર ચારેબાજુથી વહિદાને ઘેરીને પોતાની આપવીતી સંભળાવી રહી હતી. વહિદા બેબાકળી બની પથારીમાં બેસી ગઈ. છ સાત મહિનાની જમા થયેલી, દબાવેલી, થંભેલી વેદનાઓ આજે પહાડ બની વહિદાના હૃદયને ભારે ભરખમ બનાવી રહી હતી. વહિદાએ આંખો બંધ કરી. આંખોમાંથી તેજ આંસુઓની ધારા પૂરઝડપે વહી નીકળી. રડવું તો ખૂબ મોટા અવાજે હતું. આજુબાજુની દિવાલોને છૂટ્ટી પોક મૂકીને હૃદયની વેદનાની જાણ કરવી હતી. પણ ડૂમાના છોડને છાતીના પાટિયા નીચે દાબી, હોઠ ફેલાવી રડવા સિવાય કોઈ છૂટકો પણ ક્યાં હતો? નવા પતિને આંસુ સાથે કોઈ નિસ્બત ન હતી. આગળ જ્યારે પણ બાળકોને યાદ કરી આ રીતે રડતી ત્યારે તે કહેતો કે- ‘સો જા ઓર મુજે ભી સોને દે. તેરે આંસુ દેખને કે વાસ્તે તુજે નહીં લાયા હું. તેરે બાપસે શરત કરકે લાયા થા કે અકેલી મેરે ઘર આયેગી. ઓર તુ મુજે ખુશ રખેગી. બચ્ચોં કી જંજટ મુજે નહીં ચાહિયે. ટાઈમ કે હિસાબ સે ચલના શીખ. આગે સે યે નાટક મુજે નહીં ચાહિયે. રોના હે તો તેરે બાપકે ઘર જાકર રો…’ રઈશ વહિદાને ઘણુ ઘણુ કહેતો સંભળાવતો રહેતો હતો. એક માનું આ હળાહળ અપમાન જ હતું.

પગમાં પેસી ગયેલો કાંટો નીકળે નહીં ત્યાં સુધી પીડા આપતો રહે, તેમ આજે યાદોરૂપી કંટકો શરીરમાં શૂળ બની ભોંકાય રહ્યા હતા. વહિદાનું માતૃત્વ આજે વિફર્યું હતું. પોતાના બાળકોના હાલ કેવા હશે? કઈ હાલતમાં બન્ને લાડકવાયી રહેતી હશે. કોઈ મારતું તો નહિ હોય ને? કોઈ તકલીફમાં હશે તો કોને કહેશે? પોતાના વિના એમની પરેશાની સાંભળનાર હતું પણ કોણ? બાપ તો હતો ન હતો બરાબર. એક માની કેવી મૂંઝવણ? નાજુક વેલ જેવા બાળકોને જૂનાએ પોતાને સોંપ્યાં નહીં ને નવાએ સ્વીકાર્યા નહીં. મજબૂરી, દરિદ્રતા અને મૂંઝવણભરી પરિસ્થિતિ વચ્ચે માતૃત્વની આકરી કસોટી થઈ રહી હતી. યાદોના વમળ વચ્ચે વહિદાને સંબંધોના સૌ બંધન તોડી નાંખવાની આજે ચાનક ચઢી હતી.

બાળકોથી વિખૂટા પડી છેલ્લા છ મહિનામાં તો વહિદાની દુનિયા બિલકુલ રંગવિહીન થઈ ગઈ હતી. તેની સહનશક્તિ જવાબ આપી ચૂકી હતી. હવે તે કોઈનીયે રોકે રોકાઈ એમ ન હતી. પવન અને પાણી બન્નેની તાસીર જ એવી હોય છે કે, પ્રમાણભાન ભૂલે તો ભલભલા બંધનો તોડી ભલભલું અનિષ્ટ સર્જી શકે એવી ક્ષમતા તેની પાસે હોય છે. વહિદાએ લોકલાજ અને શરમ લહેજાની ઓથ હેઠળ ઘણું બધુ સહન કરી લીધું હતું. આંધીની જેમ તેની મમતાએ મહિનાઓ જૂના બંધ બારણા ખોલી નાંખ્યા હતાં. તરત જ ચૂપકીદી જાળવી વહિદા રઈશના ઘરનો ઉંબરો ઓળંગી ગઈ. સવારનો કૂકડો પહેલી બાંગ પોકારે તે પહેલા તો વહિદાએ રઈશનું તંગદિલી ભર્યું આંગણું છોડી દીધું હતું. ચાર પાંચ કિલોમીટરને અંતરે હામિદનું ઘર હતું એટલે જોશ, જુસ્સા સાથે ઉંચકાયેલા વહિદાના કદમોમાં એક અલગ જ પ્રકારની ઝડપ હતી.

સવારના આઠેક વાગ્યા હશે કે વહિદા હામિદના ઘર આંગણે આવી પહોંચી. ઘરની બાહર પોતાની દીકરીઓનું બાળપણ વાસણોના બોજા હેઠળ ધોવાતુ જોઈ તે કંપી ગઈ. લીમડાના વિશાળકાય વૃક્ષની પાછળ તે લપાઈ બધુ જોતી રહી. ઘરની લગભગ બહાર જ કહી શકાય એવી નળની નીચે બન્ને માસૂમ દીકરીઓ એકબીજા સામે જોતી જોતી વાસણો સાફ કરી રહી હતી. વહિદાના હૈયામાંથી નિ:સાસો નીકળી ગયો- ‘અરે હાય હાય! મારા કાળજાના કટકા! તમારા આ હાલ? ક્યાં એ માનો દુલાર અને ક્યાં આ ધુત્કાર!’

‘એય હરામી લડકિયોં! ચલો જલદી સે બરતન ધો લો. એક દુસરે કા મુંહ ક્યા દેખ રહી હો? અંદર કપડે ભી પડે હે. કોન તુમારા બાપ ધોએગા? મેં સમજ હી નહી પાતી કે તેરે અબ્બુને ક્યા ઈસી બોજ કો ઝેલને કે લિયે મુજ સે નિકાહ પઢા થા ? તૌબા! તૌબા. તુમ હરામીઓ સે તો..’ કહેતી કદરૂપીને પણ સુંદર કહેવડાવે તેવી લઘર વઘર વેશમાં કોઈ સ્ત્રી કર્કશ અવાજમાં બરાડા પાડી રહી હતી. કદાચ હામિદની નવી પત્ની હશે. એમ વહિદાને લાગ્યું. જેવી તે ઘરમાં ગઈ કે વહિદા દોડીને બન્ને બાળકો સામે ઉભી થઈ ગઈ. માતાને જોતાં જ બન્ને એકી અવાજે- ‘અમ્મી….અમ્મી તું આ ગઈ?’ દોડીને બન્ને માને ગળે વળગી ગઈ. મા દીકરીઓ એકબીજાને ભેટી ખૂબ રડ્યાં. નાની રડતાં રડતાં બોલી- ‘કહાં ચલી ગઈ થી અમ્મી? તુજે યાદ ના અઈ હમારી? હમ દોનું તો રોજ તુમે યાદ કરતી થી. એક પલ બી નહીં જાતા એસા કે તુમે યાદ ના કિયા હો.’ તરન્નુમે પણ પોતાનો સુર પૂરાવ્યો- ‘..ઓર હા અમ્મી? નઈ મા રોજ હમકો પીટતી હે, ગાલિયાં બી દેતી હે, ઢેર સારા કામ કરાતી હે ઓર ગલતિયા હોને પર બાલ પકડકર ઘસીટતી હે’ ઘણી ફરિયાદો હતી. ઘણા રૂદન હતાં. બન્નેએ મા આગળ ઉભરો ઠાલવી દીધો. વહિદાનો આત્મા આ બધું જોઈ સાંભળી થથરી ગયો. આંખોમાંથી આંસુનો દરિયો ઉછળી ગયો. બન્નેને માથે હાથ ફેરવતી, બન્નેને માથે ચૂમીઓથી વ્હાલ વરસાવતાં, આંખો લૂછતાં વહિદા ઉભી થઈ. બન્ને વ્હાલસોઈ દીકરીઓના હાથ સજ્જડ રીતે પકડી બોલી.- ‘ચલો મેરી બચ્ચીયાં! અબ ચાહે જો હો, મૈ તુમ્હારા સાથ કભી નહીં છોડુંગી. ચલો મેરે સાથ. ચાર ઘરોં કે બરતન ધો લુંગી, પર તુમ્હે નહીં છોડુંગી. મુજ સે જો બન પડેગા મૈ કરુંગી, જરૂરત હુઈ તો પુલિસ કે પાસ બી ચલી જાઉંગી. અબ હમારા રાસ્તા હમ ચુનેંગે બચ્ચોં. જિસે પસંદ ના હો વો ભાડમે જાયે.’

રિશ્તેદારીની કડવી રાહ છોડીને વહિદાએ પોતાના સંતાનો સાથે એક નવી જ રાહ પર મક્કમ પગલા પાથર્યા. ધૂળની ડમરી સાથે ઉડતાં પવનમાં આજે કોઈ અજબ જ વેગ, આત્મવિશ્વાસ અને જોમ ફેલાઈ રહ્યાં હતાં. ધીરે ધીરે ઉગ્ર બની રહેલો સૂર્યનો પ્રકાશ વધુ તેજ હતો કે ધૂળની ડમરીઓ સાથે ફૂંકાતો પવન વધુ ઝડપી. એ કળી શકાય એમ ન હતું.

(રીડ ગુજરાતીને પ્રસ્તુત વાર્તા મોકલવા બદલ ફિરોઝ મલેકનો ખૂબ ખૂબ આભાર. તેમની કલમ ઉત્તરોત્તર પ્રગતિ સાધે એવી શુભકામનાઓ. આપ તેમનો alfiyahmalek@yahoo.com અથવા 90333808081 પર સંપર્ક કરી શકો છો.)


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous સુખનું સાચું સરનામુ આ રહ્યું.. – હિતેશ રાઠોડ
લગ્ન અને શ્રવણકૌશલ્ય – રતિલાલ બોરીસાગર Next »   

6 પ્રતિભાવો : સૂનું માતૃત્વ – ફિરોઝ મલેક

 1. VERY GOOD STORY !!
  ‘MATRUTVA’NA VARVU SVRUPNI KABILEDAD RAJUAAT !!! I

 2. Urvi says:

  Story is good n feel that it’s near to truth

 3. Neha says:

  Very nicely narrated..Heart touching story…

  • Sureshsinh A. Solanki says:

   વાહીદા આ નિર્ણય પેહલાં લેવો જોઈએ, પરંતુ પાછળ થી લીધેલો નિર્ણય પણ કાબિલે દાદ છે.

 4. Kalidas V.Patel { Vagosana } says:

  મલેકસાહેબ,
  સરસ વાર્તા આપી.
  ખરેખર, ઝુલ્મોને સહેતા રહેવું એ પણ ખોટું જ છે ને ?
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.