લગ્ન અને શ્રવણકૌશલ્ય – રતિલાલ બોરીસાગર

(પ્રસ્તુત લેખ ‘મોજમાં રે’વું રે…’ પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

‘લગ્નજીવન સુખી બનાવવાના સો ઉપાયો’ નામના એક પુસ્તકમાં મેં એક વાક્ય વાંચ્યું હતું : ઓછી સમજવાળો પતિ પત્નીને કહેશે : ‘તારું મોં બંધ કર.’ જ્યારે સમજદાર પતિ કહેશે : ‘હોઠ બિડાયેલા હોય છે ત્યારે તું ખરે જ સુંદર લાગે છે!’

પુરુષ નામનું પ્રાણી ખૂબ વિચિત્ર હોય છે. પરણ્યા પહેલાં અને પરણ્યા પછી થોડો સમય દરેક પુરુષ ઈચ્છતો હોય છે કે પત્ની બોલ્યાં જ કરે ને હું સાંભળ્યાં કરું. બોલવા માટે એ પત્નીને પ્રોત્સાહિત પણ કરતો રહે છે : ‘પ્રિયે ! તારો પ્રત્યેક શબ્દ મને એટલો મધુર લાગે છે… એટલો મધુર લાગે છે… બસ, તું બોલતી જ રહે… બોલતી જ રહે.’ પણ તકલીફ એ છે કે આ સમયગાળામાં દરેક પત્ની બહુ ઓછું બોલે છે. પતિના કાન તરસ્યા રહે છે. લગ્નના થોડા વરસ પછી પત્નીની વાક્‍ધારા શરૂ થાય છે, અસ્ખલિતપણે શરૂ થાય છે અને પતિ ‘હે પ્રભુ! તમે મને બહેરો કેમ ન બનાવ્યો?’ એવી ફરિયાદ કરતો થઈ જાય છે. આવા પતિઓ પત્નીઓને તો કશું કહી શકતા નથી; પણ સ્ત્રીની વાચળતાના ટુચકાઓ બનાવી બનાવીને ફેલાવો કરતા રહે છે. તમે નીચેના જેવા ટુચકાઓ સાંભળ્યા હશે કે વાંચ્યા હશે (કદાચ ફેલાવ્યા પણ હશે.)

* ‘અખિલ વિશ્વ ગપ્પાંકથન સ્પર્ધા’માં ક્યા ગપ્પાંને પ્રથમ ઇનામ મળ્યું તે જાણો છો?, એક સ્ત્રી હતી. તે બહુ જ ઓછું – માત્ર ખપ પૂરતું બોલતી!

* એક પરણેલા પુરુષે કહ્યું, ‘મારી પત્નીનું બંધારણનું જ્ઞાન અદ્‍ભુત છે.’
‘એવું તમે કેવી રીતે કહી શકો છો?’
‘અમારા લગ્નને વીસ વરસ થયાં છે. વીસ વરસથી ઘરમાં એ જ ‘સ્પીકર’ છે!’

* એક પરણેલો પુરુષ માંદો પડ્યો. ડૉક્ટર ઘેર વિઝિટે આવ્યા. ડૉક્ટરે કહ્યું, ‘મોં ખોલો!’ પેલા માણસે કાગળ પર લખી આપ્યું : ‘બગાસું આવે તે સિવાય ઘરમાં મારાથી મોં ખોલી શકાતું નથી. એટલે તમે કહો તો તમારી સાથે દવાખાને આવું. અથવા મને બગાસું આવે ત્યાં સુધી તમે બેસો. બીજી વારની ચા હજુ બાકી છે એટલે થોડીવારમાં બગાસું આવવું જોઈએ.’

– આમ છતાં, લગ્નના થોડા દાયકા વીત્યા પછી દરેક પુરુષને એમ થયા કરે છે કે ‘મને ઓછાબોલી સ્ત્રી મળી હોત તો કેવું સારું થાત!’ પરંતુ જેમ શરીર સાજું-સારું હોય છે ત્યારે તંદુરસ્તીનું મહત્વ સમજાતું નથી, સ્વાસ્થ્ય સાવ કથળે પછી જ ‘પહેલું સુખ તે જાતે નર્યા’ એવી કહેવત યાદ આવે છે. પણ પછી એનો કશો અર્થ રહેતો નથી; એમ, ઓછાબોલી પત્નીનું મહત્વ સમજાય છે ખરું. પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. તો પછી શું કરવું? જીવનભર પત્ની બોલતી રહે અને પતિએ સાંભળ્યા જ કરવું? ડૅલ કારનેગીએ કહ્યું છે કે ‘લગ્ન ખુલ્લા દિલનો મામલો નથી, પણ મુત્સદ્દીગીરીનું મેદાન છે’ મુત્સદી પુરુષો જ લગ્નજીવનમાં ફાવે છે. (જોકે સાચા મુત્સદ્દીઓ તો લગ્ન જ નથી કરતા!)

એક સ્ત્રીને સાડી ખરીદવી હતી. એણે એના પતિને કહ્યું, ‘મારે સાડી લેવા જવું છે. તમે સાથે આવો. તમને ગમે એવી જ સાડી લેવી છે.’ પત્ની આવું કહે ત્યારે ડાહ્યા પતિઓ સમજી જાય છે કે પત્નીએ મોંઘી સાડી લેવાનું કાવતરું ઘડ્યું છે ને પોતાને એ કાવતરામાં સામેલ કરવા માગે છે. જોકે આ સમજણ ખાસ કામ આવતી નથી. પતિએ કાવતરામાં સામેલ થવું જ પડે છે. આ પતિ પણ પત્નીના કાવતરામાં સામેલ થયો. પણ એ મુત્સદ્દી હતો. એણે એની વ્યૂહરચના વિચારી રાખી અને પત્ની સાથે સાડી ખરીદવા ગયો. ધારણા મુજબ પત્નીએ મોંઘી સાડી પસંદ કરી, પણ પતિએ ગભરાયા વગર કહ્યું, ‘તારે લેવી હોય તો આ સાડી લઈ જ લે. મોંઘાસોંઘાનો વિચાર કરવાની જરૂર નથી, પણ તું મારો અભિપ્રાય પૂછે છે એટલે કહું છું કે, આવી સાડી માત્ર પ્રૌઢ ઉંમરની સ્ત્રીને જ સારી લાગે, પ્રૌઢ ઉંમરની સ્ત્રી આવી સાડીમાં ચોક્કસ સુંદર લાગે. ઉંમરમાં થોડી નાનીયે લાગે.. છતાં તને ગમતી હોય, અને લેવી જ હોય તો જરૂર લઈ લે. સોંઘામોંઘાનો વિચાર કરવાની બિલકુલ જરૂર નથી. એરિયર્સ હમણાં જ આવ્યું છે અને ન આવ્યું હોય તોય શું? તારી ઇચ્છાથી શું વધારે છે મારા માટે? માત્ર આ સાડીમાં તું થોડી પ્રૌઢ દેખાઈશ એટલી જ તકલીફ છે… છતાં તારે લેવી જ હોય…’ પછી શું થયું હશે, કહો જોઈએ? હા, એમ જ થયું. સ્ત્રીએ સાડી ખરીદવાનું માંડી વાળ્યું! એની ઉંમર 44 વર્ષની હતી તોય!

આ મુત્સદ્દી પતિનું ઉદાહરણ છે. એ જ રીતે પત્ની મૂંગી રહે એવું દરેક પતિ ઇચ્છતો હોય છે; પણ, આ લેખની શરૂઆતમાં મેં કહ્યું છે તેમ પતિ જો ઓછી સમજવાળો હશે તો એમ કહેવાનો કે ‘તારું મોઢું હવે બંધ કર’ પણ આમ કહેવાથી પત્ની વધુ ઉશ્કેરાવાની ને બમણા જોરથી બોલવાની અને અનેકગણું બોલવાની. પણ પતિ જો શાણો હશે, સમજદાર હશે, મુત્સદ્દી હશે તો એ એમ કહેવાનો કે ‘પ્રિયે! ગુલાબની પાંદડીઓ જેવા તારા હોઠ જ્યારે બિડાયેલા હોય છે ત્યારે તું ઉર્વશી જેવી સુંદર લાગે છે.’ (પત્ની કવિ કાલિદાસ વિશે કે ‘વિક્રમોયર્શીયમ્’ નાટક વિશે ન જાણતી હોય તો, પત્નીની ઉંમર ધ્યાનમાં રાખીને, જે-તે સમયે જેમના ફોટા રોજ છાપામાં આવતા હોય એવી અભિનેત્રીઓમાંથી પણ કોઈનું નામ લઈ શકાય.) પતિ આમ કહે તો પત્ની કદાચ ભાવવિભોર બની એના હોઠ બિડાયેલા ને બિડાયેલા રાખે તે તદ્દન સંભવિત છે.

મારા પરણેલા પુરુષવાચકો આ ઉપાય અજમાવવા માગતા હોય તો એમણે બે બાબતો ધ્યાનમાં રાખવીઃ (1) એમની પત્નીઓથી આ પુસ્તક સંતાડી રાખવું અને (2) સ્ત્રી આગળ બનાવટ લાંબો સમય ચાલતી નથી. પુરુષની બનાવટ પારખી જવાની કોઈ અદ્ભુત કોઠાસૂઝ સ્ત્રીમાં હોય છે. એક યુવાને ‘સુખી લગ્નજીવન’ વિશેના પુસ્તકમાં વાંચેલું કે પત્નીનાં વખાણ કરવાની એકે તક જતી ન કરવી. એનાં લગ્ન થયાં એટલે એણે પત્નીની રસોઈનાં વખાણ કર્યાં : ‘પ્રિયે! તુવેરની દાળની સોડમ જ કેવી અદ્ભુત છે અને આ પાલકની ભાજી પણ કેવી સ્વાદિષ્ટ થઈ છે!’ આ સાંભળી પત્નીએ કહ્યું, ‘આ તુવેરની દાળ નથી, મગની દાળ છે અને પાલકની ભાજી નથી, મેથીની ભાજી છે અને બન્નેમાં મીઠું નાખતાં હું ભૂલી ગઈ છું!’ આ તકલીફ છે પત્નીઓની!

તમે સંસ્કારી પતિ હશો તો ‘તારું મોઢું હવે બંધ કર’ એમ તમારી પત્નીને તમે કહી નહિ શકો અને પ્રામાણિક હશો તો ‘પ્રિયે! તારા હોઠ બિડાયેલા હોય છે ત્યારે તું બહુ સુંદર લાગે છે’ એમ કહી નહિ શકો. એટલે ધીરજવાન શ્રોતા બનો એમાં જ તમારું કલ્યાણ છે.

ભાષાના કૌશલ્યોમાં ‘શ્રવણકૌશલ્ય’ પ્રથમ આવે છે. સાંભળવામાં કૌશલ્ય પ્રાપ્ત કરનારા જીવનમાં સુખી થાય છે. શ્રવણકૌશલ્ય પ્રાપ્ત કરવા માટેની પ્રથમ શરત છે સામી વ્યક્તિને ધીરજપૂર્વક સાંભળવી. લગ્નથી આ ગુણ અનાયાસ કેળવાય છે. લગ્નના ગમે તેટલા ગેરલાભ હશે; પણ, આ લાભ જેવો તેવો નથી. હે પરિણીત પુરુષો! લગ્નજીવન દ્વારા તમે ધીરજવાન શ્રોતા બની આ લોકમાં પરમ સુખને પામો એવી એક ધીરજવાન શ્રોતા તમને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવે છે!

[કુલ પાન ૧૪૪. કિંમત રૂ. ૧૩૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧ (૭૯) ૨૨ ૧૪૪ ૬૬૩]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “લગ્ન અને શ્રવણકૌશલ્ય – રતિલાલ બોરીસાગર”

Copy Protected by Chetan's WP-Copyprotect.