પાંચ લઘુકથાઓ – રાજુલ ભાનુશાલી

(પ્રસ્તુત લઘુકથાઓ રીડ ગુજરાતીને પાઠવવા બદલ રાજુલબેન ભાનુશાલી (મુંબઈ)નો ખૂબ ખૂબ આભાર. તેમની આ લઘુકથાઓ વિવિધ સામયિકમાં પ્રકાશિત થયેલી છે. તેમની કલમને અનેક શુભકામનાઓ. આપ તેમનો rajul.bhanushali187@gmail.com અથવા 99207 77625 પર સંપર્ક કરી શકો છો.)

(૧) ચિંતા

દિવ્યાબેને દરવાજો ખોલ્યો ને અથર્વ ‘મમ્મા.. મમ્મા,’ બોલતો દોડીને અવનીને વળગી પડ્યો. એક હાથમાં પર્સ, શાકની થેલી અને બીજા હાથમાં કોર્નફ્લેક્સના પેકેટવાળા બે હાથ એના ફરતે વીંટાળીને અવનીએ થોડું વ્હાલ કરી લીધું.

એણે હાથમાંની થેલીઓ બાજુ પર મૂકી અને સોફા પર બેઠી. અથર્વ આવીને ખોળામાં બેસી ગયો. દિવ્યાબેન પાણી લઈ આવ્યા.

‘અરે મમ્મા થાકી ગઈ છે બેટા.. થોડીવાર બેસવા દે એને.. નાની પાસે આવ…’ બોલતાં દિવ્યાબેને અથર્વને તેડવાની કોશિષ કરી પણ એણે અવનીને વધુ જોરથી પકડી લીધી.

‘આજે મોડું થઈ ગયું બેટા..’ એમણે અવનીને પૂછ્યું.

‘હા મમ્મી, માર્કેટ થતી આવી. આવતીકાલ માટે શાક નહોતું અને કોર્નફ્લેક્સ પણ ખલાસ થઈ ગયેલા.. હજુ તો પરિતા પાસે જવાનું છે..એને દીકરી આવી ગઈકાલે..’

‘આપણે પરિતા આંટીના ઘરે જશું?’ અથર્વ તાળી પાડતાં બોલી ઉઠ્યો.

‘ના બેટા.. ઘરે નહિ હોસ્પિટલમાં..’

‘ઘરે જશું મમ્મા, મારે કીટન જોવી છે,’ અથર્વ ખુશ થતાં બોલ્યો.

‘અત્યારે પરિતા આંટીને મળવા હોસ્પિટલ જઈશું.. એમને નાનું બેબી આવ્યું છે ને.. ઘરે પછી જઈશું હો..’ અવની બોલી.

‘નાનું બેબી?’ અથર્વની આંખો ચમકી. એણે બે પળ કશુંક વિચાર્યું અને દિવ્યાબેનની નજદીક સરક્યો.

‘મમ્મા, પણ પરિતા આંટી પાસે તો ‘નાની’ નથી.. તો પછી એ ઑફિસ જશે ત્યારે એમના બેબીને ક્યાં મૂકીને જશે?’ એ નાનકડા ચહેરા પર ચિંતાની રેખાઓ અંકાઈ ગઈ.

અવની અને દિવ્યાબેન એકમેક સામે મોં વકાસીને જોતાં રહ્યાં!
(‘કુમાર’ સામયિકમાં પ્રકાશિત)

(૨) તરસ

આકાશમાંથી આગ વરસી રહી હતી.

રમીલાએ ઓઢણીથી સોનુના કપાળ પરથી વહેતો રેલો લુછ્યો. જનમ્યો ત્યારે કેવો દૂધ જેવો ધોળો વાન હતો અને હવે..

એણે બાટલો લીધો અને સોનુને અંબાવ્યો. કંતાન વીંટાળેલું છતાં પાણી ગરમ થઈ ગયેલું. સોનુએ બરફના ગોળાવાળા તરફ આંગળી ચીંધી. “કાલે અપાવેલોને બકા..” એ બોલી. સોનુ બેસી ગયો.

રમીલાએ ટોપલીમાં જોયું. બે ચાર કાકડીઓ વધી હતી. રોટલા માંડ નીકળતા ત્યાં રોજ પાંચ રૂપિયાનો ગોળો કઈ રીતે પોસાય? જોકે આજે ઘણી ખરી કાકડી વેચાઈ ગયેલી.

રોડની સામેવાળા ઘરમાં કોઈ મૃત્યુ પામેલું. ઘણું લોક ભેગું થયેલું. આખરે ચહલપહલ વધી અને ભીડે પ્રયાણ કર્યું.

‘ટોપલામાં છે એટલી કાકડી પૂરી થાય એટલે ઘરભેગા’ રમીલાએ વિચાર્યું. થોડીવારે સામેવાળા ઘરમાંથી બરફની પાટના ટુકડા બહાર લવાયા અને ફૂટપાથ પર ખડકી દેવાયા.

સોનુની આંખો ચમકી. એ દોડ્યો..

“સોનુ.. ના એ મડદાની..” રમીલાની બૂમ ગળામાં જ અટવાઈ ગઈ. સોનુએ એક ટુકડો ઉપાડીને ચૂસવા માંડયું હતું.

રમીલાની આંખમાંથી ગરમાગરમ અશ્રુ ખરી પડ્યું. ‘હશે.. બરફને કશું ચોંટી ઓછું જતું હોય..’ એ બબડી.
(‘કુમાર’ સામયિકમાં પ્રકાશિત)

(૩) સુગંધ

રજાઓ પૂરી થઈ ગઈ!

ફરીથી એ જ મુંબઈની દસ બાય દસની ખોલીનું ભીડભરેલું જીવન, સવારના લાગતી શૌચાલયની લાઈનો, નહાવા માટેના એક ડોલ પાણીની રોજની કિલ્લત, કાળી મેસ જેવી ચાય અને પાઉંના ડૂચા..

કાશ આજે આઠ વાળી ગાડીનું રિઝર્વેશન ન હોત ને એકાદ દિવસ વધુ રોકાવા મળત તો.. એણે વિચાર્યું.

પણ નીકળવાનું હતું, એ પણ આજે જ. મા ભાથું બનાવી રહી હતી. એ ચૂપચાપ રાંધણિયામાં જઈને ઉભો રહ્યો. “અબઘડી થઈ જાહે હો ભઈલા” બોખું મોં બોલ્યું અને કરચલીવાળા હાથ ઝટપટ ચાલવા લાગ્યા.
એ હસીને બહાર નીકળ્યો.

બહાર નીકળીને એણે ઝડપભેર હાથમાં પકડી રાખેલી કાચની શીશીનું બૂચ બંધ કરી દીધું.. જડબેસલાખ!
રખેને એક પળનોય વિલંબ થાય અને શીશીમાં પેસી ગયેલી, માના હાથે શેકાતા રોટલાની સુગંધ પાછી વળી જાય!
શીશી સાચવીને એણે ટ્રંકમાં મૂકી.

ઝભલામાં સાચવીને મુકેલા પાસપોર્ટ પર એની નજર પડી. એના પર હળવેકથી આંગળીઓ ફેરવી અને પછી બુશ્કોટની બાયથી આંખને ખૂણે બાજેલી ભીનાશ લૂછી નાખી.

(૪) તૃપ્તિ

અડધી રાત સુધી પથારીમાં પડખા ઘસ્યાં પછી પણ રામજીને ઊંઘ આવતી નહોતી.

અંધારું ફંફોસતો એ માટલા પાસે આવ્યો, કળશ્યો ભર્યો અને ગટક ગટક કરતો ગળા નીચે ઉતારી ગયો.

“કાં આજે ઊંઘ નથ આવતી? રોજ તો હુતા ભેગી હવાર પડે તમારી!” લખમીએ ઊંઘરેટાં અવાજે પૂછ્યું.

“હા, શેઠને ન્યાં આજે બવ ખવાઈ જ્યું, શેઠાણી થાળી ભરીને આઈટેમું આપી જ્યાં’તાં તે તરસ જતી જ નથ,” એ બોલ્યો.

લખમીએ પતિના મુખ પર એક વહાલભરી નજર નાખી અને પડખું ફરીને સૂઈ ગઈ.

એ પડખું ફરી ગઈ એટલે રામજીએ હળવેકથી સ્ટવની પાસે રાખેલા વાડકા પરથી છીબલું હટાવીને આંખો ખેંચીખેંચી જોવા પ્રયત્ન કર્યો કે ક્યાંક બુંદીની લાડુડીઓ પર કીડીઓ તો નથી ચઢી ગઈ ને?

ક્યાંથી ચઢે, લખમીએ નીચે પાણી ભરેલી અડારી રાખી મૂકી હતી.!

એણે રાહતનો શ્વાસ લીધો.

આઠ દિવસના કામે આવવા જવાનાં બસભાડા માટેનાં અલગ રાખેલા પૈસામાંથી બુંદી ખરીદી હતી અને લખમીને કહ્યું હતું કે શેઠના ઘરે જમવા બેઠો ત્યારે લાલિયા માટે ગપચપ ખિસ્સામાં સરકાવી લીધેલી!

પણ શેઠને ત્યાં તો આખો દિવસ ઢસરડા કરાવ્યા પછી પાણીનોય વિવેક કર્યા વગર રજા આપી દેવામાં આવી હતી.

“સવારના જયારે એ દીકરાને ખૂબ ભાવતી બુંદીનો વાડકો ધરશે ત્યારે એની આંખો કેવી ચમકી ઉઠશે” એ કલ્પના કરતો એ બેફીકર ઊંઘી રહેલા દીકરા પાસે આવ્યો..

એના માથે સ્નેહથી હાથ ફેરવ્યો… સંતોષનો લાંબો ઓડકાર ખાધો અને પાછો પોતાની જગ્યાએ આવી શાંતિથી સુઈ ગયો.
(‘શબ્દસેતુ’ સામયિકમાં પ્રકાશિત)

(૫) શ્વેતા

સહેજ બારણું ખોલીને એણે બહાર ડોકિયું કરી લીધું. કોઈ બારણાંની આડાશે છુપાયું તો નથીને.. કોઈ નહોતું!
હાશ..!

સામેની ગલીમાં તો જવું છે, હમણા પલક ઝપકતાં જ પહોંચી જઈશ. એટલામાં ડરવાનું શું?

જરાય અવાજ ના થાય એ રીતે તે બહાર નીકળી. સાચવીને દરવાજો બંધ કર્યો.

પહેલું પગલું ભર્યું, બીજું.. ત્રીજું..

બસ, વધુ આઠ દસ.. ને, પહોંચી જવાશે.

એણે ઝડપ વધારી.

ધબ્બ..ધબ્બ..ધબ્બ..

બબ્બે દાદરા એકસાથે કુદાવતું કોઈક નીચે ઉતરી આવ્યું.

શ્વેતા ફફડી ઉઠી!

એણે ડોકું ફેરવ્યું. ત્યાં સુધીમાં તો બે હાથ તદ્દન નજદીક આવી ગયા હતાં.

એ બે ડગલા પાછળ ખસી.પણ, ઘણું મોડું થઈ ચૂક્યું હતું.

હાથ એને આંબી ગયા હતાં, અને એમની મુઠ્ઠીમાંનો ગુલાલ એના અસ્તિત્વ પર ફંગોળાઈ ચૂક્યો હતો. અને વળતી જ પળે, શ્વેતા રંગો પહેરીને પતંગિયું બની ગઈ!
(‘શબ્દસેતુ’ સામયિકમાં પ્રકાશિત)

– રાજુલ ભાનુશાલી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

10 thoughts on “પાંચ લઘુકથાઓ – રાજુલ ભાનુશાલી”

Copy Protected by Chetan's WP-Copyprotect.