- ReadGujarati.com - http://www.readgujarati.com -

જીત – ઈન્દુ રાવ

હીરો ટીપટોપ તૈયાર થઈને ઘરમાંથી બહાર નીકળી સાઈકલ પર સવાર થવા જાય કે બાજૂમાંથી કોકીભાભી અચૂક ટહુકી ઊઠે, “એ હીરાલાલભાઈ! આણી કોર આવો તમને જરા મેંસની કાળી ટીલી કરી દેઉં. અમારા કુંવરને કોઈની ભૂંડી નજર ન લાગે!”

“સું તમય તે ભાભી? રોજ રોજ મારી મશ્કરી કર્યા કરો છ?” એમ હસીને બોલતો તે સાઈકલને પેડલ મારતો ફરફરાટ આસપાસનાં ગામડાં ઘૂમતો છેક સાંજે પાછો ફરતો.

હીરો જાતે ચમાર! પણ એને જોઈને કોઈ ન કહે કે એ ચમાર જાતિનો છે. દેખાવે અસ્સલ એની મા જેવો રૂપાળો! બાપ વાને શ્યામળો પણ એની માનું રૂપ જાણે કોઈ દેવકન્યા! જાણે સ્વર્ગની અપ્સરા ધરતી પર ભૂલી પડી ગઈ હોય તેવું જોનારને લાગે. હીરાને જોઈને પશો હરખાતો અને મણીને વાતે વાતે કહેતો ય ખરો “દખ થાય છે તને અને આ દીકરાને જોયન. તમાર બેઉ જણાંએ કોઈ બામણાના તો જનમ લેવાનો હતો. આપણા વાસમાં તમ બઉ જરીકય સોભતા નહીં. તદ્દન નોખાં તરી આઓ છ, ન હાચું ક્ય? મન પોતાનય તારી હાથે ઊભા રે’વાની ભૂંડી સરમય બોઉ આવ છ.”

આ સાંભળીને મણીનું મુખ શરમનું માર્યું લાલ લાલ થઈ જતું પછી પશાને મીઠો ઠપકો આપી ધમકાવતી હોય એમ બોલતી, “જો ફેર આવી વાત કરી છ તો… હું જ તમારી હાંથે ભૂંડી થઈ ન રહીસ. હાચું કહું તમ જેવા છ એવા જ મન બોવ ગમો છ.”

મણીની પ્રેમભરી મીઠી નજરથી પશો પોરસાતો ને કોઈ જોતું નથી એમ ચારે બાજુ નજર નાંખતો મણીના ગાલ પર ધીરેથી હળવી ટપલી મારી લેતો.

ચમારવાસમાં બધાંને મણી-પશાની જોડી ખૂબ ગમતી. બેઉને કોઈની સાથે ઝાઝી લપ્પન-છપ્પન કરવાની ટેવ નહીં. એમને એમનું ઘર અને એમનું કામ બે જ વહાલાં હતા. પશો ચામડું પકવતો-સૂકવતો એમાં દિવસ પસાર થઈ જતો. મણી ઘરકામમાં તથા પશાને જોઈતી મદદ કરતી રહેતી. તે ઘરમાંથી બહાર ઓછું જતી. વાસની મોટેભાગની સ્ત્રીઓ તમાકુની ખળીમાં કામ કરવા જતી. તેઓ મણીને પોતાની સાથે લઈ જવા ઘણો આગ્રહ કરતી ત્યારે મણી નમ્રતાથી કહેતી, ‘એવામની ઇચ્છા વિરૂધ્ધ ચ્યાં આઉં?’ મણી જાણતી હતી કે ખળીમાં જનારાં રૂપાળાં બૈરાંઓ અને જવાન છોકરીઓ પર માલિકથી માંડી મકડદમ સુધી સૌની અધિક મહેરબાની રહેતી. એણે એના ધણી પશા પાસેથી જ સાંભળેલું કે પેલો મજૂરો પર રૉબ જમાવનાર મકડદમ આમ મજૂરી કરનારાઓ પર ગાળોનો વરસાદ વરસાવતો હોય પરંતુ જવાન બૈરાં-છોકરીઓ સાથે છાનગપતિયાં કરતો તે કૂતરાની પેઠે લાળ પાડતો, પૂંછડી પટપટાવતો એમની પાછળ દિ’રાત ફરતો હોય છે. એટલું જ નહીં મા-બહેન ને પોતાની દીકરીઓ જેવી છોકરીઓની શરમ પણ આડે નહીં આવતી. પછી મણીને સમજાવતો હોય એમ કહેતો ‘મન ખબર છ ક તન દલમાં એમ થયાં કર છ ક હુંય ફળીમાં કામ કરીને થોડા રૂપિયા ઘર માટે એકઠા કરું. તારી મોટીમસ ભાવના ન હમજું એવો અણઘડ નહીં, પણ ખળીની દુનિયા છ ન ઈ તારા હાતર નહીં’ જોકે મણી પશાનો વિરોધ કરી કશુંય કરવા માંગતી નહોતી એટલે આંગણે બાંધેલી ભેંસ અને ઘરના કામકાજમાં તથા પશાને મદદ કરવામાં એનો આખો દહાડો ક્યાંય પસાર થઈ જતો.

પશાના ઘરમાં વસ્તી ત્રણ જ માણસની! ત્રણેય ખૂબ સુખેથી રહેતાં હતાં, વાસની સ્ત્રીઓને મણીની અદેખાઈ આવતી હોય એવું એમના વાણી-વર્તન દ્રારા મણી અનુભવી શકતી હતી. જો કે ડાહી મણી ક્યારેય પોતાનો વિવેક ચૂકતી નહીં. એ અન્ય સ્ત્રીઓની જેમ મજૂરીએ નહોતી જતી એનું અભિમાન એના આચારમાં ક્યારેય દેખાડતી નહીં. ઉલ્ટાનું એ વધુ નમ્ર બન્યે જતી હતી. પોતાની વાસની બહેનો પ્રત્યે એના દિલમાં ઊંડી દયા-પ્રેમની લાગણી હતી. આથી પાસ-પડોસનાં છોકરાંઓને એમની માની ગેરહાજરીમાં બોલાવીને સીંગ-ચણા કે મમરા, સુખડીનો એક ટુકડો વહેંચતી ને છોકરાં પ્રેમથી ‘મણીકાકી મણીકાકી’ કહેતાં એની આસપાસ, ઝૂમખાની જેમ વીંટળાઈ વળતાં. જો કે પશાને આ બધું ઓછં માફક આવતું પણ મણીની ખુશીમાં એ એની ખુશી પ્રગટ કરતો.

મણી-પશાનો દીકરો હીરો એના નામ પ્રમાણે સાચેસાચ હીરો નીકળ્યો હતો. તે ભણવામાં અત્યંત તેજસ્વી હતો. શાળામાં એના વિનયી-નમ્રતાભર્યા વાણી-વર્તનને લીધે તે સૌ શિક્ષકોનો માનીતો બની ગયેલો. મેટ્રિક સુધીનું શિક્ષણ એણે પછાત જાતિ અને હોંશિયાર વિદ્યાર્થી હોવાથી બે પ્રકારની સ્કોલરશીપ મેળવીને લીધેલું. એના શિક્ષકોએ ક્યારેય એના વ્યવહારમાં એને એવું નહીં દેખાડેલું કે તે પછાત-દલિત જાતિનો છે. જો કે હીરો પોતે પોતાની જાતિ પ્રત્યે પૂરો સભાન હતો. આથી એના વર્તનમાં ક્યારેય કોઈની સાથે ઉદ્ધતાઈ કે આછકલાઈ દેખાડી નહોતી.

જો કે એક પ્રસંગ હીરાને જીવનભર યાદ રહી ગયેલો. એ નવમા ધોરણમાં હતો ત્યારે એક નવો વિદ્યાર્થી નામે નિમેષ દાખલ થયો.વર્ગશિક્ષકે એને હીરા જોડે બેસાડ્યો. નિમેષને હીરો પહેલી નજરે ગમી ગયેલો. એટલે ખુશ થઈને એ બેઠો. રિસેસમાં નિમેષે હીરા જોડે મિત્રતા બાંધવાના હેતુથી વાતચીત શરૂ કરી. હીરાએ નિખાલસપણે કહ્યું કે પોતે ચમાર જાતિનો છે. રિસેસ પૂરી થતાં ક્લાસમાં જતાંવેંત નિમેષ પોતાનું દફતર લઈને ઊભો થઈ ગયો અને શિક્ષકને ગુસ્સાથી બોલ્યો, ‘સર, હું નવો છું એમ જાણીને તમે મને જાણી જોઈને અભડાવી દીધો. તમે લોકો મને ઓળખતા નથી કે હું કોનો દીકરો છું તે? તમને સૌને ખબર પડશે ને ત્યારે…’

હીરો તુરંત નિમેષની માફી માંગતા રડમસ અવાજે બોલ્યો, ‘ભાઈ, તું શાયેબ જોડે ઝઘડો ન કર. તું અહીં જ બેસ. હું છેલ્લી પાટલીએ બેસું છું. પણ મને મારી જાતિ વિશે કોઈ ઘસાતું બોલે એ જરીકય ન ગમતું. અમેય માણસ છીએ ન…’

તેમના સાહેબ નિમેષને બોધપાઠ શીખવવા માંગતા હતા પરંતુ નિમેષનાં પિતાજી ગામમાં નવી ખુલેલી સ્ટેટ બેંકની શાખાના મેનેજર હતા. એમની સાથે સંબંધો બગાડાય નહીં એટલે તેઓ ચૂપ રહ્યાં. નિમેષ જુદી જુદી રીતે હીરાને પજવતો રહ્યો પરંતુ હીરામાં ભારે સહનશક્તિ હતી, આમ તો એ મનમાં અકળાતો પણ એને ખબર હતી કે ક્યાં રાજા ભોજ ને ક્યાં ગંગુ તેલી? નિમેષનું અભિમાન પરીક્ષાના પરિણામ સુધી ચાલ્યું. હીરાએ ક્લાસમાં એનું પ્રથમ સ્થાન ટકાવી રાખ્યું હતું જ્યારે નિમેષ ચાર વિષયમાં ફેલ થયો હતો! વળી એણે ઘરે જઈને કીધેલું કે મને જાણી જોઈને પેલા હીરાને કારણે નાપાસ કર્યો છે. નિમેષના પપ્પાએ એના ક્લાસમાં જતાં બૂમ પાડીને પૂછ્યું, ‘કોણ છે એ હીરો જેને કારણે મારા દીકરાને નાપાસ કર્યો?’ હીરો બીતા બીતા ઊભો થયો. એણે નિમેષ ના પપ્પાને પ્રણામ કર્યા. એનું પ્રેમાળ દયામણું મુખ જોઈ નિમેષના પપ્પનો ગુસ્સો ઊતરી ગયો હતો. એમણે પ્રિન્સિપાલને નરમાશથી પૂછ્યું, ”સાહેબ! મને મારા દિકરાની ઉત્તરવહી બતાવશો?”

‘કેમ નહીં, ચાલો ઓફિસમાં.’ પ્રિન્સિપાલ એમ બોલી એમને ઓફિસમાં લઈ ગયા. દીકરાના પેપર જોઈ તે નિમેષ પર ખૂબ ગુસ્સે ભરાયા પણ હવે ઘેર જઈ વાત! એમ વિચારી મૌન રહ્યા.

નિમેષ પરિણામ પછી એકદમ બદલાઈ ગયો. ધીરેધીરે એ હીરાનો પાક્કો દોસ્તાર બની ગયો. હીરાના મનમાં એક વાત અંકાઈ ગયેલી ‘નિમેષના પપ્પા મને જોઈને શાંત કેમ થઈ ગયા હશે? એણે એની માને એ વિશે પૂછ્યું તો એની મા ખુશ થતી બોલી, ‘દીચરા! તું છે જ એવો. તન જોય ન કોન પરેમ ન ઉપજ?’

‘મા! એનો જસ તારા માથ છ ન!’

એ સાંભંળી મણીએ એને છાતી સરસો ચાંપી દીધેલો. એ વખતે દીકરાએ નાંખેલો મણ જેવો ઊંડો નિસાસો મણીથી અજાણ્યો નહોતો રહ્યો. આથી એ મોટેથી બોલી ઊઠેલી, ‘છ ન દીચરા, એક દન તું મોટો શાયેબ બનવાનો એ નક્કી છ!’ આ સપનું એણે પશામાં ય જગાડેલું, એટલે મેટ્રિકનું રિઝલ્ટ આવ્યું ત્યારે હીરો પંચાવન ટકાએ પાસ થયેલો. એની ખુશી એમણે આખા વાસમાં દરેક ઘેર પાંચ-પાંચ પતાસાં વહેંચીને વ્યક્ત કરેલી.

હીરાને આગળ ભણવાની ઘણી હોંશ હતી. પરંતુ જાણે ઈશ્વરને એ માન્ય ન હોય એમ પશો અચાનક ભારે બીમારીમાં પટકાયો. એની દવા પાછળ બધી બચત ખરચાઈ ગઈ. હીરાની ભણવાની ધખના મનની મનમાં રહી ગઈ. હીરાને કામધંધે વળગવું પડે તેવી સ્થિતિ આવી પડી.

હીરાના જન્મ પહેલાથી હીરાના વાસમાં એક ક્રિશ્ચિયન ડૉક્ટર ઈમાનુએલ નિયમિત બે બે દિવસને આંતરે વાસમાં આવે ને લોકોને ઘેર-ઘેર ફરીને માંદાઓને દવા આપવા જાય. મણી-પશાને એ ડૉક્ટર પર ભારે વિશ્વાસ હતો. એનું કારણ એ હતું કે હીરો ત્રણ વર્ષનો હતો ત્યારે એને મગજનો તાવ ચઢી ગયેલો તે વખતે ઈમાનુએલ ડૉક્ટરે તાત્કાલિક સારવાર આપી મરતા હીરાને બચાવેલો. એ વખતે એની કાલીઘેલી બોલીથી ડૉક્ટરને હીરા પ્રત્યે જે વહાલ ઉપજેલું એ વહાલ હીરો જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ વધતું ચાલેલું, કારણ હીરો સમજણો થયા પછી ડૉક્ટરની બેગ ઊંચકી એમની સાથે સૌના ઘેરઘેર ફરતો. એનેય ધીમે ધીમે કઈ બીમારીમાં કઈ દવા આપવી એ આવડી ગયેલું. આથી પશાની બીમારી વખતે હીરાએ ખડે પગે જે રીતે એના બાપુજીની સેવા-ચાકરી કરી એ જોઈ ડૉક્ટર ઈમાનુએલ ખુશ થઈ ગયા અને પોતાના કંપાઉન્ડર તરીકે નોકરીએ રાખી લીધો. કારણ ઉંમરને કારણે એમનાથી વધુ દોડધામ થતી નહોતી.

પછી ડૉક્ટર-કંપાઉન્ડરનું મોબાઈલ દવાખાનું સાઈકલ પર સવારથી સાંજ સુધી આસપાસના ગામડાઓના દલિત વાસમાં ઘુમતું રહ્યું. ડૉક્ટર ઈમાનુએલે એની દાક્તરી વિદ્યાની આવડત અને હોંશિયારી જોઈને એને આર.એમ.પી. દાક્તરી ભણાવડાવી. એટલું જ નહીં સમય જતાં પોતાની સઘળી દાક્તરી વિદ્યા હીરાને શિખવાડી દીધી ને પોતે સિત્તેર વર્ષની વયે પહોંચતા નિવૄતિ લઈ લીધી. હવે સર્વ ગામડાના દલિતવાસમાં હીરો ‘હીરાલાલ દાક્તર’ તરીકે પંકાવા લાગ્યો. ઈમાનુએલ ડૉક્ટરની નિઃસ્વાર્થ સેવાનો પ્રભાવ હીરાલાલમાં દેખાતો હતો. ગરીબ લોકોની સેવા એ જ સાચો ધર્મ એ ડૉક્ટર ઈમાનુએલનો સિદ્ધાંત –જીવનસૂત્ર હીરાએ પોતાના જીવનમાં અપનાવી લીધું હતું. આથી મણી-પશાને તે કહેતો આપણા જીવવા પૂરતું મળી રહે છે એટલે વધારે લોભ કરવો સારો નહીં!’ પણ દીચરા તને ય ભગવાને બે છોકરાં આલ્યાં છ તે એનો વચાર કરવો પડે ન!’ મણી આવું કહેતી ત્યારે તે કહેતો, ‘મા! આજ દન હુંધી ભગવાને આપણ ન હાંચવ્યાં છ ન તો હવ પછી નહીં હાચવ? ચંત્યા ન કર! દાક્તર ઈમાનુએલે મને માણહની સેવા કરતાં પરભુની સેવા કરતાં શિખવાડ્યું છ એટલે પરભુ બધું સારું કરસે!’

હીરાલાલ દાક્તરનું આ દાકતરી સુખ ડૉક્ટર ઈમાનુએલની માફક ઝાઝો સમય ન ચાલ્યું. ગામડાંઓમાં ભણેલા દાકતરોનો પગપેસારો થયો. એમાં એના ગામમાં એક એમ.બી.બી.એસ. ડીગ્રીધારીએ આવીને નાનકડું દવાખાનું ખોલ્યું. જો કે દલિતવાસના લોકોને પોતાના સેવાવ્રતી દાક્તર હીરાલાલ પર ભારે ભરોસો હતો એટલે પેલા નવાસવા આવેલા ડિગ્રીધારી દાક્તર પાસે કોઈ જતું નહીં. વળી એ દાક્તરને ખબર હતી કે વધુ બીમારી આવા લોકોમાં જ થતી હોય છે એટલે કમાવું હોય તો આવા લોકો જ અહીં આવવા જોઈએ. પણ એ અશક્ય હતું. હીરાલાલની હાજરી આ ડૉક્ટરના માર્ગમાં કંટકરૂપ હતી. એ કાંટો કઈ રીતે દૂર કરવો એ વિશે બળપૂર્વક વિચારવા લાગ્યો.

નવા દાક્તરે હીરાલાલ જોડે ભાઈબંધી કેળવવા માંડી. પોતાની પાસે આવતાં દવાનાં સેમ્પલએ હીરાલાલને ખુશી ખુશી આપવા માંડ્યો. આથી અમુક દર્દીઓને હીરો પોતે જ નવા દાક્તર પાસે મોકલી આપવા લાગ્યો. પશા-મણીને દીકરાની નવા દાક્તર સાથેની દોસ્તી કઠતી હતી. પરંતુ ભણેલા હોંશિયાર દીકરાને એ વધુ સમજાવી ન શકતાં માત્ર વાત-વાતમાં એટલું કહેતાં,
‘દીચરા, એ રીયા ઊંચી જાતના ભણેલા દાક્તર અન તું તો બેટા…’

‘હીરો! હસતાં હસતાં કહેતો , ‘બોઉ ભણેલાંઓ ન નાતજાત કશું નડતું નહીં. એમના દવાખાનામાં ગાંધીબાપુ અને મધરટેરેસાના કેટલા સરસ ફોટા ટીંગાડ્યા છે તે જો જો! ન એ છ એટલે હવ કોઈ ન સહેરમાં દોડવું પડે છે ખરું? મન હમજાઓ છ ક ‘દીચરા,ભરુસે જ વા’ણ ચાલ છ’ અને તમ બેઉ તો…’

‘હા, હા દીચરા, તારી આગળ અમ બેઉ ભોઠ જ કે’વાઈએ. પણ આ તો ચેતતા રહીએ તો હારું!’

એ વાતને સાત-આઠ મહિના વીત્યા હશે. ત્યાં એકવાર અડધી રાતે સામેની હારમાં રહેતા પાંચાએ આવીને હીરાના બારણાં ખટખટાવ્યાં ને કહ્યું, ‘હીરાલાલ, ભાઈ! જલ્દી મારા ઘર ચાલો ને મારા દીચરાને બચાવો. નહીંતર આ મગજનો તાવ એન ભરખી ખાશે!’

હીરો,મણી –પસો સહુ પાંચાના ઘેર દોડી ગયાં. હીરાએ તાવ ઉતારે ઈન્જેક્શન આપ્યું પણ પળવારમાં પાંચાનો દીકરો ઢીલોઢસ થઈ ગયો. એની નાડી ધીરે ધીરે ધીમી પડી જવા લાગી. હીરો શીયાંવીયાં થઈ ગયો. એણે જોયું કે પાંચાનો દીકરો હવે આ દુનિયા છોડી…. છોકરો લાકડા જેવો કડક બની ગયો હતો. હીરો હતપ્રત થઈ ગયો. હીરાના હાથે આજ લગણ જસ જ લખાયેલો હતો પણ આ ઘડીએ … પાંચાના ઘરનાં તથા પાસપડોસ હીરા પર તૂટે પડ્યાં. વાસનાં બે-ત્રણ જણ દોડીને પેલા ઊંઘતા ડીગ્રીધારી ડૉક્ટરને જગાડીને બોલાવી લાવ્યા, એ ડૉક્ટરને તો ‘ભાવતું’તું ને વૈધે કીધું!’ એણે આવીને જબ્બરનો હોબાળો મચાવી મૂક્યો. ‘આ તમારા હીરાલાલે ઈન્જેક્શન આપવામાં ગફલત કરી લાગે છે.’ એટલું જ નહીં છાનાંમાનાં વાસના જુવાનિયાઓને ઉશ્કેર્યા ‘આ તો ખૂન કેસ કહેવાય જલ્દી પોલીસ કેસ થવો જોઈએ.’

મણી મોટે મોટેથી રડતી હતી. પશો અવાચક બની ગયો હતો. હીરાની વહુ પાંચાને કાલાવાલા કરતી કહેતી હતી. “ એમનો જરાય વાંક નહીં. તમારા પગે પડું એમને માફ કરો…”

પણ એનું સાંભળવા કોઈ તૈયાર નહોતું ત્યાં ખળીમાંથી રાતવાળીએ ગયેલાં મજૂરો આવી પહોંચ્યાં. એમાં હીરાની કોકીભાભી પણ હતી. વાસના લોકો શહેરમાંથી પોલીસને બોલાવવાની તજવીજ કરતાં હતાં અને પેલો ડિગ્રીધારી ડૉક્ટર એ કામમાં વધુ રસ લેતો જોઈ કોકીએ એના પતિને કહ્યું,

‘એ..ય સાંભળો. મને દાળમાં કંઈક કાળુ લાગી રે’યું છ. નહીંતર હીરાલાલભાઈ એનો ભાઈબંધ છ તોય આપણા માણહ ન પોલીસ જેલમાં પૂરસે તો એમન કોઈ નહીં છોડાવી સક. એમના બચારાન મરવા વારો આવસ. આપણા લોકન કસી ખબર પડ છ ખરી!’

એનો પતિ ધીરેથી બોલ્યો, ‘ચૂપ મર હવ!’

કોકી શાંત ન રહી શકી. તે ગુસ્સામાં આવી ગઈ. એણે પેલા શાહુકાર ડિગ્રીધારી દાક્તરની ગળચી પકડીને બોલી, ‘નીચ! અમ હઉ તારી બદદાનત જાણી જ્યાં છ- તન એમ હસ ક હીરાલાલ જેલમાં જાય એટલે માર ટંકસાળ! પણ સાંભળી લે. એ અમારો ભગવાન છ. અન તન ખબર નહીં પણ પેલા ક્રિશ્ચિયન દાકતર ઇમાનુએલે વારસામાં આલી છ. એમની ભક્તિ એમનો વાળ વાંકો નહીં થવા દે. અન પાંચાભાઈ તમન ય આપણા હીરાલાલમાં વશ્વાસ નહીં એ તમારા દીચરા ન…’

‘હઠો એક પા હવે’ દંડો પછાડતો પોલીસ બોલ્યો, ‘ સર! આ રહ્યા વગર ડિગ્રીએ બની બેઠેલા ડૉક્ટર ભણી ફરીને બોલ્યા, ‘મારે તમારી સાથે થોડી વાત કરવી છે.’

ત્યાં પાંચાની મોટી દીકરી દોડતી આવીને બોલી, ‘હેંડો બાપા! આપણો ભયલો જીવ છ!’

પોલીસ ઇન્સ્પેક્ટર નિમેષ મનમાં બબડ્યા, ‘હીરા આજે ય તારી જ જીત થઈ.’

– ઈન્દુ રાવ

(‘શબ્દસૃષ્ટિ’ સામાયિકના નવેમ્બર ૨૦૦૩ના અંકમાંથી સાભાર)