હમ્પ્ટા પાસ ટ્રેક, હિમાચલ – મીરા જોશી

કોણ જાણે કેટલાયે કાળથી અખંડ ઉભા છે આ પહાડો ને વૃક્ષો.. કોણ જાણે કેટલાયે કાળથી નિરંતર વહ્યે જાય છે તૃપ્ત કરનારી આ નદી ને ઝરણાં, ને કેટલાયે સમય ખંડમાં વહેંચાઈને છૂટા પડેલા છે આ ખડકો.. અહીં આવો તો અનુભવાય કે જાણે અહીંની હવા રાહ જોઈ રહી છે, એના સાચા કુદરત પ્રેમીના આવવાની..!

ફરી એકવાર પ્રકૃતિપ્રેમી એવા અમે હું અને સખી ડિમ્પલ નીકળી પડ્યા કુદરતને ખૂંદવા, કેટલાય સમયથી પાંગરેલી એક ઝંખનાને હકીકતનું સ્વરૂપ આપવા. પણ આ વખતે ગુજરાતની બહાર. હા, હિમાચલની દેવભૂમિને અમે અમારું ટ્રેકિંગ સ્થળ પસંદ કર્યું.

બારીબારણા વિનાનું એક વિશ્વ, વનસ્પતિ અને ફૂલોની સુગંધનું એક વિશ્વ, પંખી અને પશુઓના અવાજોનું એક વિશ્વ, પહાડો અને ઠંડા ઝરણાંના નીરનું એક વિશ્વ અમારી રાહ જોઈ રહ્યું હતું કે પછી અમે વર્ષોથી આ વિશ્વ જોવાની રાહમાં હતા એ કહેવું મુશ્કેલ હતું!

‘ઇન્ટરનેશનલ યુથ ક્લબ’ એ ૨૦૦૮ થી કાર્યરત એવી ISO સર્ટીફાઈડ સંસ્થા છે જેના મારફતે અમે મહિના અગાઉ રૂ.૫૨૫૦ (મેમ્બર ફી સહિત) ખૂબ જ નોમિનલ દરે હિમાચલના સહુથી પ્રચલિત એવા હમ્પ્ટા પાસ ટ્રેકનું રજીસ્ટ્રેશન કર્યું હતું. હિમાચલના અલગ અલગ જગ્યાઓના ટ્રેકિંગ માટે ઘણી ઓનલાઈન ટ્રેકિંગ સાઈટસ ઉપલબ્ધ છે. પરંતુ વ્યાજબી ભાવ ઉપરાંત સરસ વ્યવસ્થાવાળી સાઈટ્સમાં, યુથ ક્લબ, ઇન્ટરનેશનલ યુથ ક્લબ, ઇન્ડિયા હાઈક્સ, એડવેન્ચર નેશન (જેમાં પૈસા ચૂકવવા ઇન્સ્ટોલમેન્ટ સુવિધા છે), ટ્રેક ધી હિમાલયાસ્ સાઈટ્સનો સમાવેશ થાય છે. જો તમે સૌપ્રથમ વાર વધુ દિવસો માટે ટ્રેકિંગ કરવા જઈ રહ્યા છો તો આ સાઈટ્સ પરથી ‘અથ થી ઇતિ’ સુધીની ટ્રેકિંગ માટેની દરેક નાનામાં નાની બાબતોની માહિતી મળી રહેશે. તેમજ ગુજરાતના અમદાવાદથી મનાલી ડાયરેકટ લઈ જનારી સાઈટ્સમાં જૂનુન ટ્રેકિંગ, ઇન્વીન્સીબ્લ ટ્રેકિંગ, ટ્રેક ઓન જેવી સંસ્થાઓ પણ ગુજરાતમાં સારી રીતે કાર્યરત છે.

હા, તો આખરે તા.૩૧/૦૭/૨૦૧૮ નો અમારી ઈંતઝારી ખતમ કરતો અને પ્રવાસની ઉત્તેજના વધારતો એ દિવસ – નહિ, ખરેખર તો રાત આવી પહોંચી. રાતના બે વાગ્યે સુરતથી દિલ્હીની નિઝામુદ્દીન એક્સપ્રેસમાં બેઠા બાદ એક અજાણ્યા શહેરમાં, અજાણી ભૂમિમાં કદમ મૂકવા અમે બંને ઉત્તેજિત હતાં. એક પછી એક સ્ટેશનો પાછળ છોડતી જતી ટ્રેન જયારે ૧લી ઓગસ્ટે સાંજે ૬.૩૦ વાગ્યે દિલ્હી સ્ટેશને પહોંચી ત્યારે મહિનો પણ બદલાઈ ચૂક્યો હતો અને અમારું વિશ્વ પણ! પણ ના હજુ તો સફર શરુ થઈ હતી. દિલ્હીના નિઝામુદ્દીન સ્ટેશન પર પહોંચ્યા બાદ ટ્રાફિકને ચીરતી ઓટો રીક્ષામાં ‘રેડ બસ’ દ્વારા એડવાન્સ બૂક કરેલી અમારી દિલ્હી ટુ મનાલી વોલ્વો ‘તનિષ્ક બસ’ અમારા બે માટે જ રાહ જોઈ ઉભી હતી. સમય સાચવવા ઓટોવાળાને વધુ પૈસા આપીને પણ અમે આખરે બસ પકડી.

આવતીકાલની સવારે મનાલીમાં હોઈશું એની કલ્પનામાં બસમાં અમારી પાંપણો ખોલ-બંધ કરતી રાત વીતી, અને જયારે આંખ ઉઘડી તો.. ઓહ ગોડ. પહેલીવાર જે માએ એના અંશનો જન્મજાત ચહેરો જોયો હોય એનું મુખ જોયું છે ક્યારેય? વિશાળ પાણીનો સમંદર જેણે સૌપ્રથમ વખત જોયો હોય એનો ચહેરો જોયો છે ક્યારેય? પહેલીવાર જેણે મધુર સંગીતની ધૂન સાંભળી હોય એનો ચહેરો જોયો છે ક્યારેય.. બસ તો જયારે પહેલીવાર અમે એ પહાડોને જોયા, એ ટેકરીઓને આટલી નજીકથી જોઈ એ ઘટનાનું વર્ણન કરવા માટે મારી પાસે શબ્દો નથી, માત્ર અનુભૂતિ છે, અને આ લખું છું ત્યારે આંખમાં ઝળઝળતાં અશ્રુ છે. વહેલી સવારે મનાલીના રસ્તે સુંદર પહાડી ટેકરીઓ, પહાડી રસ્તાઓ, પાઈનના જંગલો, ખળખળ વહેતી જતી બિયાસ નદી અને સફરજનના વૃક્ષોનો દુર્લભ નજારો માણતા અમારું ગંતવ્ય સ્થાન આવી પહોંચ્યું.

દિવસ ૧ – જોબ્રાથી ચીકા- ૧૦૧૦૦ ફૂટ

વેલ, સવારે નવ વાગ્યે પહોંચવાના ઉન્માદમાં અમારી બસ છેક સાડા અગિયારે મનાલી પહોંચી જ્યાંથી ફ્રેશ થવા માટે અમે એક કલાક માટે હોટેલમાં રૂમ લીધો, અને તરત જ હું અને ડિમ્પલ યુથ ક્લબની ઓફીસે પહોંચ્યા. જ્યાંથી અન્ય બે ટ્રેકર અમારી સાથે જોડાયા. ત્યાંથી પ્રીની પહોંચી અમારું ચાર વ્યક્તિનું ગ્રુપ યુથક્લબ દ્વારા ગોઠવાયેલી જીપમાં સવાર થઈ જોબ્રા પહોંચ્યું. પ્રીનીથી જોબ્રાના પોણો કલાક જેટલા રસ્તા પર સુંદર એવા પાઈન, મેપલ, વોલનટ અને ઓકના વૃક્ષો પથરાયેલા જોવાનું સૌભાગ્ય મળ્યું તો ૩૦થી વધુ સર્પાકાર રસ્તા પરથી નીકળતા વધતી જતી ઊંચાઈ પરથી નીચે રહી ગયેલું મનાલી શહેર આવજો કહેતું જોવા મળ્યું.. અમારી ખુશનસીબીથી અમને વરસાદના વિઘ્નરહીતનું સુંદર વાતાવરણ મળ્યું.

પ્રીનીથી જોબ્રાની પોણા કલાકની પહાડી સંગીત સાથેના જીપની સફર બાદ અમે હમ્પટા ડેમ પહોંચ્યા. અને લંચ બાદ શરુ થયો અમારો પહેલા દિવસનો ટ્રેક. ટ્રેકિંગ માટે ખાસ ખરીદેલ રકસેક બેગમાં ટ્રેકિંગ માટેનો ખુબ જ મર્યાદિત સરસામાન લેવા છતાં, અમારી બેગનું વજન અમને વધુ લાગી રહ્યું હતું, પણ હમ્પટા ડેમ પર લાગેલી જનરલ શોપમાં અમે અમારી ટ્રેકિંગ બેગમાંથી થોડો સામાન ઓછો કર્યો અને ઊજળા તડકાથી શોભતી એ છેલ્લી બપોરને વિદાય કહેતા અમારા પહેલા પડાવ ચીખા પહોંચવા ‘યા હોમ’ કહેતા ગાઈડ સહીત પાંચ જણા સજ્જ થયા.

જેમ જેમ આગળ વધતા ગયાં એમ આંખો સમક્ષ એક અજાણ્યું સુંદરતાનું વિશ્વ ઉઘડતું ગયું. બે લાકડાના પૂલ, ઝરણાઓ, અને હરિયાળા લીલા ઘાસના મેદાન થકી ચઢાણ કરતાં ઊંચા પહાડોની ખૂબસુરતીને માણતા તથા કેમેરામાં કેપ્ચર કરતાં કરતાં ત્રણેક કલાકના ટ્રેકિંગ બાદ ૧૦૧૦૦ ફૂટ ઊંચાઈ પર સ્થિત ચીખા ક્યારે પહોંચી ગયા એનો અમને ખ્યાલ જ ન આવ્યો.

અહીં જે પણ અનુભવ થઈ રહ્યો હતો એ જીવનનો પહેલો અનુભવ હતો. ટેન્ટમાં સૂવાનો અનુભવ હોય કે પહાડોને આટલા નજીકથી જોવાનો, પહાડી લોકોની માનવતાને મળવાનો અનુભવ હોય કે દસ ડિગ્રી ઠંડીને પચાવવાનો, બધું જ આગળના ટ્રેકથી અલગ, પડકારજનક છતાં ખૂબ સુંદર લાગી રહ્યું હતું. પહેલા દિવસે ચીખાના પડાવ પર ઝરણાની એકદમ સમીપ અમારો ટેન્ટ ગોઠવાયો. થથરતા હાથે રોટી, ભાત ને ચોળાના શાક સહીત લાજવાબ ખીર આરોગીને અમે ટેન્ટમાં શરણ લીધું. સ્લીપિંગ બેગમાં ટૂંટિયું વાળી, પગ છાતી સરસા લઈને ટાઢને ખાળવા કે માણવા અમે ઘરની સુંવાળપથી દૂર ખુલ્લા આકાશને ઓઢીને, ઠંડી રાત્રીનું સૌન્દર્ય માણતા ધરતીના ખોળે સૂઈ ગયા.

દિવસ ૨ – ચીકાથી ભાલુકા ઘેરા – ૧૧૯૦૦ ફૂટ

બીજા દિવસનો અમારો પડાવ હતો ભાલુકા ઘેરા. ચિખાથી ૬ કલાકના ટ્રેકિંગ બાદ ૧૧૯૦૦ ફૂટ પર સ્થિત ભાલુકા ઘેરાના આ ટ્રેક અમારા માટે કઠીન હતો. સુંદર હરિયાળીઓ ને ઊંચેરા પહાડો તો હતાં જ સાથે મંદ વરસાદ અને ઝાકળમાં ફોરતાં પીળા ગલગોટા, જંગલી ફૂલો, હિમાલયન બ્લુ પોપી, ગુલાબી હિલ ગોરેનીયમ, પ્રીમ રોઝ ફૂલો, જેવા ફૂલોની મહેક ને સુંદરતા માણતા અમે આગળ વધતા જતાં હતાં. અમુક ફૂલો ને વનસ્પતિના નામો શોધવા મુશ્કેલ છે પણ પીળા, સફેદ, ગુલાબી, જાંબલી સુંદર ફૂલોનું વૃંદ આંખોને અનેરી ઠંડક આપતા હતાં. વરસાદથી મહોરતી ધરતીમાં અમારા પગલાં પાડતાં, ઝરણાનું જળ પીતા પીતા અમે સર કર્યું ભાલુકા ઘેરા.

અહીં પહોંચીને એવું લાગ્યું જાણે માની ગોદમાં સ્થાન મળ્યું! ધરતીના સુંદર દેહે ક્યારેક લીલી ચૂંદડી ઓઢેલી હોય તો ક્યારેક ખળખળ વહેતા ઝરણાની સફેદ ચૂંદડી ઓઢેલી જોવા મળે. ને પિતાના આધાર સમા આકાશે હોય પહાડની ઓથ..! ઊંચાઈ પર આવતા લાગતો થાક અને ઠંડીને લીધે ચઢી જતા હાંફ બાદ લેવામાં આવતો એ પાંચ મિનીટનો બ્રેક જીવનનો સહુથી સુંદર વિરામ લાગતો હતો! ને રસ્તામાં હળવે હળવે વરસતો મેઘ પણ જાણે અમને આગળ વધવા પ્રેરણા આપતો હતો. પગલે પગલે ઘેટાં-કૂતરા અને ઘોડાના દ્રશ્યોથી આંખોને સુંદર મલયભૂમિનું દ્રશ્ય મળતું હતું.

દિવસના ચાલતી વખતે ઠંડી આશીર્વાદ સમાન લાગતી, પણ ટ્રેક પૂરો થાય અને સાંજ પડતાં જ ફરી ઠંડી જાણે અમને આશ્લેષમાં લઈ લે! અમારા બીજા દિવસનો પડાવ ભાલુકા ઘેરામાં હતો. કહેવાય છે કે કોઈક સમયે અહીં જંગલી વરુઓ મોટા પ્રમાણમાં રહેતા હતાં માટે આ સ્થળને ભાલુકા ઘેરા કહેવાય છે. દસ ડિગ્રી ઠંડીની કેદમાં આવી ગયેલા અમે સૌ પહાડી રોટીને ભાતનો પહાડી સ્વાદ માણી (અરે હા આ દિવસે મેં અને ડિમ્પલે સહકર્મીઓ સાથે રોટી બનાવવાનો લાભ લીધો હતો!) ટેન્ટની ત્રૂટક ત્રૂટક પણ ઠંડીગાર નિંદ્રામાં પોઢી ગયા.

દિવસ ૩ – ભાલુકા ઘેરા ટુ હમ્પ્ટા ટોપ

વહેલી સવારે સાડા પાંચે ઊંઘ ઉડી ગઈ. આંખ ખૂલે એ પહેલા અહીં કાન ખૂલી જાય છે, કોઈક આછા અવાજો કાને અથડાય છે, ધ્યાન કેન્દ્રિત કરતાં જાણું છું કે આ તો વરસાદ! નીચે કાર્પેટ, ઉપર ટેન્ટનો આધાર અને ચારે તરફ પહાડો, ઠંડીનો પ્રદેશ અને ઉપરથી ઝરમર વરસાદ.. બહાર જવાની ઈચ્છાને રોકી ન શકતા હું ને ડિમ્પલ ટેન્ટની બહાર ધ્રુજતા ધ્રુજતા નીકળ્યા અને જોયું તો ઈશ્વર જાણે કે પીંછી લઈને કંડારવા બેઠો હતો! દૂર પેલા હિમાલયના પહાડ પર વિસ્તરેલું સફેદ ધુમ્મ્સ, ધીમે ધીમે ઉઘડતી જતી સવાર અને સંપૂર્ણ વાદળી આકાશ! ધીરે ધીરે ફેલાતો જતો હલકો ઉજાસ અને ચારે તરફ નિશ્ચલ શાંતિ..!

ખેર, આટલી સુંદર સવારને પણ ગુડ મોર્નિંગ કહેતા અમે તૈયાર થયાં. વેલ હિમાચલના ટ્રેકમાં નહાવાનું તો હોય નહી, થીજી દેતાં ઠંડા ઝરણાંમાં જેમ-તેમ બ્રશ કરીને અમે ઠંડીથી બચવા બબ્બે ટીશર્ટ પર ગરમ વસ્ત્રો ધારણ કર્યા, રોજની જેમ હાથે અને મોં પર ગ્લીસરીન – ગુલાબજળ, ક્રીમ લગાવ્યા. હમ્પ્ટા ટોપ પર પહોંચવાના આજના દિવસે અમે વહેલા નીકળવાના હતાં. અમારા ટેન્ટની સાથે અન્ય ટ્રેકિંગ કંપનીઓના ટ્રેકરો અને સહકર્મીઓના પણ ટેન્ટ લાગ્યા હતાં. સહુથી ચેલેન્જીંગ એવા ટ્રેકના ત્રીજા દિવસનું ઊંચાઈવાળું ચઢાણ શરુ કરતાં પહેલા અમે ભરપેટ નાસ્તો કર્યો. અલગ અલગ શહેરથી હમ્પટા પાસ સર કરવા આવેલા દરેક વ્યક્તિનો આત્મવિશ્વાસ કાબિલ-એ-તારીફ હતો.

હા, તો તમને હમ્પટાના ટોપ પર લઈ જતાં પહેલા આ ટ્રેકની થોડી જાણકારી આપી દઉં. હિમાલયના પીર પાંજલ રેંજમાં સ્થિત હમ્પ્ટા નામનું ગામ છે, જે ૪૨૭૦ મીટરની ઊંચાઈએ સ્થિત છે. હમ્પટા પાસ એ લાહોલની ચંદ્રા વેલી અને હિમાચલની કુલુ વેલીને જોડતો વચ્ચેનો પાસ છે. મોટાભાગે ભરવાડો પોતાના ઘેંટાઓને ચરાવવા માટે અહીં આવે છે. બેઝ કેમ્પ જોબ્રાથી ચીખા, ભાલુકા ઘેરા પસાર કરી હમ્પ્ટા પાસ પહોંચી શકાય છે. જો કે હમ્પટા પાસ ટ્રેકની ખાસિયત એ છે કે મંઝિલ કરતાં ત્યાં સુધી પહોંચવાની મુસાફરીમાં જ વધુ સુંદરતા છે. ખડકો, ઝરણા, ધોધ, પાઈનના વૃક્ષો, જંગલી ફૂલો સહિત અનેક રંગબેરંગી ફૂલો અને વનસ્પતિની સુવાસ, ઘાસથી પથરાયેલા મેદાનો સહીત ઊંચેરા પહાડોથી શોભતો આ પ્રદેશ અદ્ભુત લાગે છે. ૧૪૦૦૦ ફૂટની ઊંચાઈ પર સ્થિત હમ્પટાના ટોપ પર પહોંચવાના સફરમાં સહુથી વધુ ઠંડી (૬-૭ ડીગ્રી) અને ઊંચાઈવાળું ચઢાણ આવે છે. ઘણા કેસમાં ઓક્સીજન લેવલ ઓછું હોવાથી તકલીફ થઈ શકે છે, પરંતુ ઈશ્વરકૃપાથી અમારા ગ્રુપમાં કોઈને ઓક્સીજનની તકલીફ નહોતી નડી.

તો ત્રીજા દિવસના ચઢાણમાં પગની જ નહિ પરંતુ સમગ્ર શરીરની પૂરેપૂરી શક્તિ ખર્ચાઈ ગઈ. વરસાદ, હાડ થીજાવી દેતી ઠંડી અને ઊંચાઈવાળા ચઢાણ સામે સશક્ત રહી ચાલતા રહેવું એ જ અમારા માટે પડકાર હતો. દૂર દૂર માત્ર ઝાકળ હતી, અને પાછળ નજર કરતાં એક સુંદર પ્રકૃતિ હતી જે અમારા પાછા ફરવાની જાણે કે રાહ જોઈ રહી હતી. પરંતુ અમુક ફીટ પર પહોંચતા જ ગ્રૃપમાંના બે સભ્યોની ઠંડી સહન કરવાની શક્તિ ઓછી પડવા લાગી. તો સામી તરફ હમ્પ્ટા પાસનું વાતાવરણ પણ ઘુમ્મ્સમાં વીંટળાઈ જવા માટે તત્પર લાગ્યું. આગળ જવામાં મુશ્કલી થઈ શકે એ જાણી ગાઈડે અમને પાછા વળવાનું સૂચન કર્યું. અને માત્ર ૨૦૦ મીટરનું અંતર છોડી અમે એક પહાડ સર કર્યો, અને ઉતરાણ શરુ કર્યું.

તસ્વીરોમાં એક સરખો લાગતો આ આખો પ્રદેશ ડગલેને પગલે નાવીન્ય લઈને આંખ સામે ઉભરે છે. હમ્પટાના ટોપ સુધી ન પહોંચી શક્યા એ છતાં અમારું મન તૃપ્ત થતું જતું હતું, કારણ અમે જે જોયું એ અવિસ્મરણીય હતું. હમ્પ્ટા પાસથી ભાલુકા ઘેરા પહોંચી, ઠંડી અને વરસાદથી બચવા અમે ફટાફટ ટેન્ટની શરણે થયા અને સાંજે હિમાચલની એક આખરી સાંજને આંખોમાં ભરવા બહાર નીકળ્યા. અલગ અલગ ટ્રેકિંગ સાઈટ પરથી આવેલા ઘણા ટ્રેકરના ટેન્ટ ભાલુકા ઘેરામાં લાગેલા હતાં. સાંજે દોઢેક કલાક સુધી અમારા ગાઈડ અને ટ્રેકિંગ સાથી સાથે હિમાચલની, અહીંના રહેવાસીઓની, એમની જીવનચર્યાની અવનવી વાતો કરતાં અમારા જમવાનો સમય થયો. રોટલી, મિક્સ સબ્જી અને કસ્ટરડ આરોગીને (એક વાત કહું? – ઠંડીથી બચવા અહીં પહેલીવાર મેં એક સિપ બીયર પણ ટ્રાય કર્યું!) તો રાત્રે ફરી એ જ ઠંડીએ અમને પોતાના આશ્લેષમાં ઘેરી લીધા, અને હું ને ડિમ્પલ ગીતો ગાતા નિંદ્રાદેવીને શરણે થયાં.

દિવસ ૪ – ભાલુકા ઘેરા ટુ જોબ્રા

ફાઈનલી આજે ઉતરાણનો દિવસ આવી પહોંચ્યો હતો. ભાલુકા ઘેરાથી પાછા વળતી વેળાનું ઓઝલ થતી જતી કુદરત, જેણે અમને પોતાનામાં સમાવ્યા એ મલયભૂમિને ભારે મનથી અલવિદા કહેતા અમે વળતું ટ્રેકિંગ શરુ કર્યું. એક સત્ય હકીકતથી અચરજ થશે પરંતુ ૫૦ કિમી જેવું ચાલવા છતાં એક પણ દિવસ અમને પગ નથી દુઃખ્યા, જાણે કે પગને વહેવાનો લય મળી ગયો હતો! ચાર દિવસીય ટ્રેકમાં અમે સતત નવી ઉર્જા અનુભવી છે, નવા ખડકો અને નવી દિશામાંથી આવતા નવા નઝારા, વનસ્પતિ અને ફૂલોની નવી ખૂશ્બુએ નવી યાદો કંડારી છે. જાણે કે એ હિમાચલની ભૂમિએ અમને વશમાં કરી લીધા હતા. વળતી વખતે આખી રાત પડેલા વરસાદના લીધે પાછા ફરતા હિમાચલની ધરતીના કાદવમાં ખૂંપાવાનું પણ સૌભાગ્ય મળ્યું. સમગ્ર ચાર દિવસ દરમિયાન જે ઝરણાંના પાણીથી અમને સતત ચાલવાની શક્તિ મળી, એ ઠંડા પાણીનો સ્વાદ કોઈપણ મિનરલ વોટરની તોલે ન આવી શકે! સતત પાંચ-છ કલાક ચાલ્યા બાદ અમે અઢળક સ્મૃતિઓ, અઢળક ફોટા અને અઢળક આનંદ લઈને હિમાચલમાં ખુદના અસ્તિત્વના પગલા પાડીને હમ્પટા ડેમ પહોંચ્યા!

કોની ઈચ્છા ન હોય, જ્યાં સવારે આંખ ખૂલે ને નજર સામે પહાડોમાં વસેલું આકાશ મળે, ઊંચેરા હિમાલયનો નજારો મળે, ઝાકળથી ભીંજાયેલા ફૂલો જોવા મળે, કર્ણપટ પર પંખી અને નદીનો ઘૂઘવાટ મળે! જીવનની એવી સ્વર્ગસમી ત્રણ સવાર અમને ભાગ્યથી મળી, જેમાં નિરંતર જિંદગી હતી, ઈશ્વરની નજીક પહોંચ્યાનો એક સંતોષ હતો. સમગ્ર ટ્રેકના ચાર દિવસમાં અમે ઘર – પરિવાર – ફોન નેટવર્કથી દૂર હતાં, અમારી ચારેતરફ હતી અમને વીંટળાઈ વળેલી કુદરત, હિમાચલ.. આખરે કોઈક અજાણ્યા પ્રદેશને પોતાનો બનાવીને આવવું એનું નામ જ તો પ્રવાસ!

સૌન્દર્ય અને પવિત્રતાથી મહોરતી ધરતીમાં પાડેલા અમારા એ પગલાં ભૂંસાઈ જશે પણ હિમાચલની મલયભૂમિએ અમારા અંતરમનમાં પાડેલા પગલાં આજીવન કંડારાયેલા રહેશે. હ્રદયમાં એ અવિસ્મરણીય સ્મૃતિઓનું પોટલું બાંધીને એ પવિત્ર પ્રદેશને અલવિદા કહેતા અમે ભારે પગલે પાછા ફર્યા.

હિમાચલના અદ્ભુત, અવિસ્મરણીય સ્વર્ગીય સુંદરતામાં અમે પાડેલા પગલાંઓને શબ્દચિત્ર આપવાની મારી આ કોશિશ આપને ગમશે એવી આશા સહ..

– મીરા જોશી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

27 thoughts on “હમ્પ્ટા પાસ ટ્રેક, હિમાચલ – મીરા જોશી”

Copy Protected by Chetan's WP-Copyprotect.