નૂતન વર્ષના નવલા પ્રભાતે.. – સંપાદકીય

રીડગુજરાતીના સર્વે વાચકો, સહયોગીઓ અને સર્જકોને તનવર્ષ ૨૦૭૫ના અભિનંદન….

આજથી શરૂ થતું સંવત ૨૦૭૫નું વર્ષ સૌને લાભદાયી નીવડે તેવી શુભકામનાઓ. રીડ ગુજરાતીના વાચકો, લેખકો, મિત્રો, પ્રકાશક મિત્રો, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદરૂપ થનાર સૌને સાલમુબારક. આ નવું વર્ષ સૌનાં માટે સુખ, શાંતિ ને સમૃદ્ધિનો સંદેશ લઈને આવે તેવી પરમતત્ત્વ પરમેશ્વરના ચરણોમાં અભ્યર્થના.

વીતી ચૂકેલાં વર્ષ તરફ નજર નાખું છું તો ખ્યાલ આવે છે કે વાચકોની અપેક્ષાઓ સંતોષવામાં ક્યાંક કચાશ રહી ગઈ છે. નવા વર્ષે ફરિયાદ નહિ પણ દિલની વાત કરવી છે. રીડગુજરાતીને નિયમિત સમય ફાળવવાનો કરેલો નિર્ણય બદલાતા જીવનપ્રવાહમાં ક્યાંક ધોવાઈ ગયો! પણ આ નવા વર્ષે નવીન ઉત્સાહ, જોમ સાથે વાચનદીપને પ્રજ્વલિત રાખી નિયમિત બનવાનો શુભ સંકલ્પ કરવો જ રહ્યો…

ફેસબુક ને વોટ્સઅપ પર વાચનના નામે લોકો સમક્ષ જે પીરસાય છે તેમાં ગુણવત્તા કેટલી? આ સવાલ ઘણા ભાવકોને મૂંઝવે છે. તો આ નવા વર્ષે એક શુભકાર્ય હાથ ધરીએ… સત્ત્વશીલ સાહિત્યને ઓળખીએ, ને એને એના યોગ્ય વાચક સુધી રીડ ગુજરાતીના માધ્યમથી પહોંચાડીએ. જો તમે એવું કંઈક વાંચો છો, જે અન્ય જે તમારા દિલમાં દીપ પ્રગટાવી જાય છે તો તમે અમને મોકલી આપો. રીડ ગુજરાતીના નિશ્ચિત નિયમોમાં જે કૃતિ યોગ્ય જણાશે તો ચોક્કસ પ્રકાશિત કરવામાં આવશે. આંગળી ચીંધવાનું પુણ્ય આ વર્ષે કરીએ. રીડગુજરાતીના ફેસબુક પેજને ધમધમતું કરવાનો આ વર્ષે અમે પ્રયત્ન આદર્યો છે, અન્ય સોશિયલ મિડીયા પ્લેટફોર્મમાં પણ આવો જ પ્રયત્ન કરવો છે. રીડગુજરાતીના લેખો અનેક વોટ્સએપ ગૃપમાં / ફેસબુક પેજમાં એના સંધાન વગર ફરતા હોય છે ત્યારે રીડગુજરાતી પોતે જ સદવાંચનનો રસથાળ પીરસતી આ કૃતિઓ સોશિયલ મિડીયામાં વહેંચે એ ઈચ્છનીય પણ છે.

સૌ વાચકો, મિત્રોનો આ પ્રસંગે આભાર વ્યક્ત કરું છું. અવનવા ઉદ્દભવતા પ્લેટફોર્મ વચ્ચે પણ રીડગુજરાતી આજે અડીખમ છે, તેના મૂળમાં મૃગેશભાઈની વર્ષોની મહેનત, રીડગુજરાતી માટે લેખની પસંદગી તથા એનું સ્તર અને વાચકોનો પ્રેમ છે. નિવૃત્ત થવાની ઉંમરે પણ સતત વાચન કરી રીડગુજરાતી માટે ઉત્તમ સર્જનની પસંદગી કરનાર ધનંજય કાકાના ચરણોમાં મારા વંદન. કાકા, તમારા સહકાર વગર આ યાત્રા કઠિન છે, એ હકીકત છે. જીજ્ઞેશભાઈની મહેનતને હું આ સમયે સ્મરી લઉં. પરિવાર અને નોકરી ત્રાજવામાં સંતુલન જાળવી રીડગુજરાતી માટે સમય ફાળવવો એ જરા પણ નાનીસૂની વાત નથી. આ કપરી કામગીરી માટે જીજ્ઞેશભાઈને અભિનંદન. રીડગુજરાતી માટે કૃતિઓ નિઃસ્વાર્થભાવે ટાઈપ કરી આપતા અનેક મિત્રોનો પણ આ ક્ષણે આભાર માનવો છે, નવા વર્ષમાં એમની મહેનત પણ વધવાની છે.

સૌનો સાથ અને સહકાર આમ જ પ્રાપ્ત થતો રહે તેવી આજના દિવસે દિલથી ઈચ્છા અને ઈશ્વરના શ્રીચરણોમાં અભ્યર્થના… ફરીથી સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ…

– સોનિયા ઠક્કર

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “નૂતન વર્ષના નવલા પ્રભાતે.. – સંપાદકીય”

Copy Protected by Chetan's WP-Copyprotect.