સમયચક્ર – ઉજાસ વસાવડા

(રીડ ગુજરાતીને આ વાર્તા મોકલવા બદલ શ્રી ઉજાસભાઈ વસાવડાનો ખૂબ ખૂબ આભાર. તેઓની કલમ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છા. આપ તેમનો ujasvasavada@gmail.com અથવા મો. 9913701138 પર સંપર્ક કરી શકો છો.)

“એ સાબ… ભગવાન કે નામ પે કુછ દે દો.. ભૂખ લગી હે.”

ધ્યેય કારમાંથી અકળાઇને, “જા… ભઈ.. જા.. ભીખમંગા કંઈ કામ કરો… ભગવાને તમને બે હાથ અને પગ તો આપ્યા છે. આ સાલાઓને આદત પડી ગઈ છે. જા.. અહીંથી જતો રહે… યુ બ્લડી.. @@@”

શલાકા ધ્યેયને ટોકતાં, “આ શું બોલો છો.. ડોન્ટ રીએક્ટ લાઈક ધેટ એન્ડ ડોન્ટ એબ્યુઝ. આફ્ટર ઓલ હી ઇસ ઓલસો અ ગોડ્સ ક્રિએચર.”

ધ્યેય કાર ચલાવતાં શલાકા તરફ બે હાથ જોડતાં, “અરે… ભૂલ થઈ ગઈ.. હવે નહીં બોલું.. નાઉ ડોન્ટ બી સ્ટાર્ટ યોર લેકચર.”

શલાકા વાતને આગળ વધારતાં, “એટલે હવે હું તને જે કઈ કહું છું એ લેકચર લાગે છે! તું ભૂલી ગયો આપણો પણ સામાન્ય પરીવાર હતો, એક એક પૈસા માટે લોહી રેડવું પડ્યું છે.”

ઘ્યેય વચ્ચેથી શલાકાની વાત કાપતાં, “યસ.. ધેટ્સ વાહય… હું પોતે સામાન્ય હતો, મેં લોહી રેડયું, મેં મારા હાથ અને પગ પર જ વિશ્વાસ રાખ્યો, ત્યારે જ આજે આ ગાડી, પેન્ટહાઉસ બધું બન્યું છે. માણસ ધારે તો એ કંઈ પણ કરી જ શકે છે. અત્યારે માણસની પ્રકૃત્તિ બની ગઈ છે લાચાર બની બેઠું રહેવું. કોઈને રિસ્ક નથી લેવું, આપણે રિસ્ક લીધું, મહેનત કરી તો અત્યારે ક્યાં છીએ.. જિંદગીમાં લોકો ઍન્જોય કરતાં ત્યારે આપણે કામ કરતાં. આવા લોકોને તો પાછળ લાત મારી હાંકી કાઢવાનાં.”

શલાકાને પણ ગુસ્સો આવેલો પણ એ ગુસ્સા પર કાબૂ રાખી પોતાની વાત રાખતા શીખી હતી. “ઇનફ ધ્યેય.. મને બધી ખબર છે આઈ એમ ઓલસો વીથ યુ, અને આ પગભર થવાની જીદથી આઠ વર્ષે પણ હું મા નથી બની શકી.” શલાકા થોડી ભાવુક બની જાય છે, વાત આગળ ચલાવતાં, “આપણે એક વાત તો ન જ ભૂલવી જોઈએ ગમે તેટલા ઉપર જઈએ આપણા પગ તો નીચે જમીન પર જ રહેવા જોઈએ.”

શલાકાના પાતળા અવાજ અને થોડી લાગણીસભર વાતના લીધે ધ્યેયે સમય વરતી, “ઓકે સ્વિટ હાર્ટ… નાઉ લીવ ઇટ… ચલ થોડું હસી દે… અને મેકઅપ કરી લે આપણે પાર્ટીમાં પહોંચવા આવ્યા.”

શલાકા અને ધ્યેય બંને સાથે ભણતા હતાં, ધ્યેયના માતા-પિતા ગરીબ હતાં. તેને બે ટંકનું ખાવા માટે રોજિંદી કાળી મજૂરી કરવી પડતી હતી. આ મજૂરીએ જ તેના માતા-પિતાનો ભોગ લીધેલો. ત્યાર બાદ ધ્યેય જમાના સાથે લડતાં અલગ અલગ જગ્યાએ મજૂરી કરી સરકારી સ્કૂલમાં ભણી આગળ આવ્યો. મનમાં એક જ ગાંઠ વાળેલી કે એક દિવસ ધનાઢ્ય બનવું છે. એ માટે બધું જ કરી છૂટવા તૈયાર હતો. કોલેજમાં એની ભણતર પ્રત્યેની રુચિ, કામ પ્રત્યેની નિષ્ઠા, તેની સાદાઈ અને ગરીબ હોવા છતાં ચહેરા પરની ખુમારીથી શલાકા મોહિત થઈ હતી. જે અંતે પરિણયમાં પરિણમી હતી. શલાકા પણ સામાન્ય કુટુંબમાં ઉછરેલી અને પરિસ્થિતિ સાથે બાથ ભીડવા સક્ષમ હતી. બંને એ સૂઝબૂઝ સાથે ધ્યેયના સપનાને મહેનતથી સીંચ્યું. શરૂઆતમાં નાની નોકરી શરૂ કરેલી અને તેના આધારે લોન મેળવી. લોનના પૈસા વડે બાજુમાં વેપાર શરૂ કર્યો. નોકરી અને વેપાર એક સાથે કરતાં વેપારમાં ધ્યાન નહોતું અપાતું એટલે થોડા સમય બાદ શલાકાએ નોકરી ચાલુ રાખી, જ્યારે ધ્યેયએ એમનું સંપૂર્ણ ધ્યાન વેપાર પર જ કેન્દ્રિત કર્યું. બંનેએ એક નાની કંપની શરૂ કરી જે પ્રગતિના રસ્તે ચડી ગઈ, અને ધીમે ધીમે એની મહેનત રંગ લાવી બંને એકબીજાને સાથ આપતાં એક મોટો મુકામ મેળવ્યો.

ધનાઢ્ય થવાની ઘેલછા, નાની ઉંમરે ગુમાવેલી છત્રછાયાએ ધ્યેયને સ્વચ્છંદી, સમાજ પ્રત્યે નિષ્ઠુર બનાવી દીધેલો. તેને ક્યાંક વાંચેલું મગજમાં ઘર કરી ગયું હતું, “જન્મે ગરીબ હોવું એ તમારો વાંક નથી, પણ મરતાં ગરીબ હોવું એ માટે તમે જ ગુનેગાર છો.” ધનાઢ્ય થયા બાદ એ દરેક ગરીબ, આર્થિક સામાન્ય વર્ગને ગુનેગાર જ સમજવા લાગ્યો. આ બાબત માટે તેને શલાકા સાથે અવારનવાર ચર્ચા થતી પણ ધ્યેયની મનમાં બંધાયેલી ગાંઠ ક્યારેય ન છૂટી. ધીરે ધીરે ધ્યેય અને શલાકા હાઈ-પ્રોફાઈલ વ્યક્તિમાં ગણાવા લાગ્યા. રોજ નાઈટ પાર્ટીમાં જવાનું, રાજકીય લોકો સાથે ઉઠકબેઠક થવા લાગી. પણ શલાકા હજુ પહેલાની જેમ જ શાંત, સૌમ્ય, સમયસૂચકતા મુજબ નિર્ણયો લેનારી હતી. ધ્યેયના સ્વભાવમાં સમય સાથે પરિવર્તન આવેલ પણ શલાકા એવીને એવી જ રહેલી. શલાકા ઘ્યેયને સાથ આપતાં જે પરિસ્થિતિઓ જોયેલી એમાંથી એક શીખ મેળવી “કોઈ જ પરિસ્થિતિ કાયમ નથી ટકવાની.”

આજે બંને એક રાજકીય નેતાને ત્યાં પાર્ટીમાં જવા નીકળ્યા હતાં અને રસ્તામાં ધ્યેયની એક માંગણ સાથે ઘટના ઘટી. નાનકડી ચર્ચા બાદ શલાકા ગળગળી થઈ જતાં ચર્ચા ટૂંકાવી હતી. બંને પાર્ટીમાં પહોંચી મોડી રાત્રે ઘરે પહોંચે છે. શહેરના પોશ એરિયામાં કરોડ ઉપરના મૂલ્યના પેન્ટ હાઉસમાં બંને પહોંચી થાકી ગયા હોવાથી સૂઈ જાય છે. ગાઢ નિદ્રાધીન અવસ્થામાં સૂતા હતાં ત્યાં અચાનક બેડ હલવા લાગ્યો. બંને સફાળા જાગ્યા ઉઠી જોયું તો બધું જ હલતું હતું.

શલાકા ધ્યેયનો હાથ પકડી, “ધ્યેય.. મને ચક્કર આવે છે બધું હલતું દેખાય છે.” જવાબમાં ધ્યેય,”અરે.. ચકકર નહીં આ તો ભૂકંપ આવ્યો લાગે છે.” બેડ પરથી ઉઠી બેડરૂમની બારીમાંથી જુએ છે તો શહેરના ઊંચા બિલ્ડીંગ્સ પત્તાના મહેલ માફક ઢગલો થતાં હોય છે અને આખું આકાશ ધૂળોની ડમરીઓના લીધે ડોહળાઇ ગયું હોય છે. બહારથી લોકોની ચીસો કાને અથડાય છે. અને ક્ષણભરમાં ધ્યેય શલાકાનો હાથ ખેંચી ઘરની બહાર દોડે છે. પેન્ટહાઉસમાં છેક ઉપલા માળથી પગથિયાં ઉતરી નીચે પહોંચવાનું હોય છે. દોડતાં નીચે ક્યારે પહોંચી જાય તે ખબર નથી પડતી.

થોડી મિનિટ બાદ નીચે સલામત જગ્યાએ પહોંચી તેના પેન્ટહાઉસ તરફ જુએ છે ત્યાં તો સંપૂર્ણ બીલ્ડીંગ અંગ્રેજી ફિલ્મમાં ઘ્વસ્ત થતાં બિલ્ડીંગ માફક જ ધીમે ધીમે ઢગલો થતાં જુએ છે. રાતના અંધારામાં થોડીવારમાં ભયાનકતા છવાઈ જાય છે, અંધારામાં લોકો અફડાતફડી મચાવી દે છે, કેટકેટલાય લોકો વિખૂટા પડી ગયા હોય છે, આખું શહેર નાબૂદ થઈ ગયું હોય છે.

ધ્યેય શલાકાને એક ચોક્કસ જગ્યાએ બેસાડી લોકોની મદદે પહોંચે છે. પથ્થર ઉપાડી દટાયેલાં જીવિત-મૃત લોકોને બહાર કાઢવા લાગે છે. અચાનક આવેલ ભૂકંપથી બીજા શહેર સાથેના સંપર્કો તૂટી ગયાં હોય છે. જ્યાં સુધી કોઇની મદદ ન આવે ત્યાં સુધી બધા ભૂખ્યાં તરસ્યા બેઠા સહાયની રાહ જોતા હોય છે.

આ પરિસ્થિતિમાં લગભગ બે દિવસ નીકળી જાય છે. સહાયકર્તાઓ આવી પહોંચે છે. ઠેકઠેકાણે તંબુ બંધાય છે. યુદ્ધના ધોરણે બચાવકાર્ય શરૂ થાય છે. બે દિવસના ભૂખ્યા, શારીરિક અશક્ત, માનસિક આઘાતથી ભાંગી પડેલાં બધા જ તંબુમાં આશરો લઈ બેઠાં હોય છે. ધ્યેય અને શલાકા પણ આવા લોકોની વચ્ચે જ હોય છે. સહાયકાર્યવાળા લોકોને જમવાનું આપવા આવે છે, બધા લોકો લાઈનસર નીચે બેસે છે. એક પછી એક બધાને જમવાનું પીરસાય છે. ધ્યેય અને શલાકા પણ બીજા બધા સાથે લાઈનમાં બેઠા હોય છે. પણ તેના સુધી પહોંચતા સુધીમાં રોટલી ખલાસ થઈ જાય છે, ત્યાં બાજુમાં બેઠેલ વ્યક્તિ, “સાબ… આજ આપ ભી આ ગયે ના હમેરી લાઈન મેં… લો મેરી રોટી સે ખાના શુરુ કરીએ. હમકો તો ભૂખે પેટ દિન નિકાલને કી આદત હે. આપ દો દિન સે લોગો કો નિકાલ રહે થે ઇસલિયે આપકો રોટી કઈ ઝયાદા ઝરૂરત હે.”  ધ્યેય બાજુમાં જુએ છે, તો બે દિવસ પહેલા જે માંગણને અપશબ્દો કહેલા એ જ બાજુમાં બેઠો હોય છે. ધ્યેયે તેને હડધૂત કરેલ જ્યારે એ માંગણ એની માનવતા દેખાડે છે.

ધ્યેયને પોતે કહેલા શબ્દો મગજમાં ઘૂંટાયા કરે છે. પસ્તાવો થાય છે, શલાકાની ફિલોસોફી પણ યાદ આવે છે. માંગણ પાસેથી રોટલી ખાવાનો વારો આવ્યો હોય છે. મનોમંથન કરતાં નિષ્કર્ષ પર આવે છે, “ગરીબ ક્યારેય ગુનેગાર નથી હોતો, ઘણી વખત પરિસ્થિતિ પણ જવાબદાર હોય છે. મહેનત કરતા પણ કર્મોનાં લેખા જોખા મુજબ ઘણાને પછડાટ મળતો હોય છે જેથી એ ઉપર આવી શકતા નથી” જ્યારે કોકને ધ્યેયની માફક ઉપર આવવા ઇશ્વરીય મદદ પણ મળતી હોય છે. માત્ર પુરુષાર્થથી કંઈ નથી મળતું સાથે પ્રારબ્ધ જરૂરી હોય છે.

શલાકા ધ્યેયની પીઠ પર હાથ ફેરવતા માત્ર એટલું બોલી, “ધીસ વીલ ટુ પાસ.. પરિસ્થિતિ કાયમ ટકવાની નથી. અને આપણે જીવનની શરૂઆત પહેલેથી કરીશું, ફરી આપણે મહેનત કરીશું.” શલાકાના આશ્વાસનથી ધ્યેયમાં જોમ આવે છે. ભૂકંપની પરિસ્થિતિમાંથી બહાર નીકળ્યાં બાદ તેની કંપનીની જમીન વેચી નાખે છે. ફરી નવો વેપાર, નવું સાહસ હાથે ધરે છે.

નવા વેપારને બેઠો કરી નફો કમાતાં ચાર વર્ષ જેવું પસાર થઈ જાય છે. પણ હવે ધ્યેયનો જિદ્દી સ્વભાવ બદલાઈ ગયો હોય છે તેમજ એ દરેક માણસ સાથે મૃદુતાપૂર્વક વ્યવહાર કરવા લાગ્યો હોય છે.  ભૂકંપના લીધે ધ્યેયના માનસ પર પણ ભૂકંપ આવ્યો હોય છે અને માનસ પટલ પર વિચારોનું નવનિર્માણ થાય છે.

બાર વર્ષ બાદ ધ્યેય અને શલાકાને ઘરે પારણું બંધાય છે શલાકા એની ફિલોસોફી ધ્યેય પાસે વ્યક્ત કરતાં, “સમય કોઈનો નથી હોતો, ઈશ્વર ધારે તો રાયને રંક અને રંકને રાય કરી શકે છે.  સમયચક્ર પ્રારબ્ધ અને પુરુષાર્થની ધરી પર ફરી બ્રહ્માંડ પરના જીવસૃષ્ટિનું સંચલન કરતું હોય છે.”

ધ્યેય બે હાથ જોડી, “હા… મારી… સ્વીટહાર્ટ… યુ એન્ડ યોર ફિલોસોફી ઇસ ઓલવેઝ રાઈટ..”


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous પારિજાત પેલેસ – રક્ષા શુક્લ
૯૦ દિવસ – અમિત વ્યાસ Next »   

11 પ્રતિભાવો : સમયચક્ર – ઉજાસ વસાવડા

 1. Sangita chavda says:

  Nice story

 2. Gayatri karkar says:

  ખુબ જ સરસ વાર્તા.

 3. Bhavesh joshi says:

  ફિલોસોફિ નો મર્મ ખુબજ અસરકારક રિતે રજુ કર્યો. વાર્તા નિ ઝડપ થોડિ વધારે ચ્હે.

  Moral is fact.

 4. Kalidas V. Patel {Vagosana} says:

  ઉજાસભાઈ,
  સારી વાર્તા આપી. ખરેખર …
  સમય બહુત બલવાન હૈ … નહિ મનુષ્ય બલવાન.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 5. Jigar Thakkar says:

  Very nice..!
  Simple plot but eye opening.

 6. મનસુખલાલ ગાંધી says:

  બહુ સરસ વાર્તા..

 7. Ravi Dangar says:

  સારો પ્રયાસ……….

 8. તરંગ ભાલચંદ્ર હાથી says:

  ઉજાશભાઇ,

  ખૂબ મજા આવી, પ્રયાસ પણ સારો.

  સાથે સાથે શીખ પણ

  લખતા રહેજો.

  તરંગ બી. હાથી

 9. sanjay g says:

  વાર્તા સારી છે.
  આ વાર્તા ત્યાં જ પુરી કરી શક્યાં હોત, જ્યાં માંગણ ધ્યેયને ખાવાનું આપે છે

 10. Sureshsinh A. Solanki says:

  ભવિષ્ય ના ગર્ભમાં શું છે તે કોઈ જણાતું નથી.
  સરસ વાર્તા

 11. shraddha kansara says:

  ખુબ સરસ વાર્તા.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.