૯૦ દિવસ – અમિત વ્યાસ

આખરે અંતિમ દિવસ આવી ગયો અને વ્યોમ વાદળોની વચ્ચે ખોવાઈ ગયો, આખા દિવસની રઝળપાટ બાદ અમદાવાદ નિંદરની ચાદર ઓઢીને સૂઈ ગયું હતું, રાત્રિના નીરવ અંધકારમાં આસ્ફાલ્ટની સડકો પર દૂર-દૂર સુધી નિયૉન લાઇટો નો દૂધિયો પ્રકાશ પ્રસરી રહ્યો હતો, ક્યાંક ક્યાંક અલપ ઝલપ વાહનોની અવરજવર વચ્ચે અનંતરાયનું મન વ્યોમને શોધવા વાદળોમાં ભટકી રહ્યું હતું, ધીમી ગતિએ જતી કારમાં ધીમા અવાજે મુકેશજીના દર્દભર્યા સ્વરમાં એક જૂનું ગીત વાગી રહ્યું હતું.. ચલ અકેલા ચલ અકેલા ચલ અકેલા, તેરા મેલા પીછે છૂટા રાહી ચલ અકેલા.. સાચે જ આખરે વ્યોમ પોતાની સ્વપ્નનગરીમાં પોતાની કલ્પનાઓની પાંખે ઊડી ગયો  હતો. અનંતરાય ગાડીની પાછલી સીટ ઉપર માથું મૂકીને છેલ્લા કેટલાક દિવસોની દોડધામભરી જિંદગીની ક્ષણોને યાદ કરતાં કરતાં તંદ્રામાં સરી પડ્યા..

નાનો પણ સુખી સંસાર હતો અનંતરાય અને સંધ્યાબેનનો, સુંદર પારેવાં જેવી રૂપાળી દીકરી ભાવિ, અને હસે તો ગાલોમાં ખંજન પડે તેવો આજ્ઞાંકિત વ્યોમ નામનો દીકરો, તણખલાની એક એક સળીઓ ગૂંથીને સુખી જીવનનો માળો બનાવ્યો હતો, નાની ઉંમરે પિતાનો હાથ પોતાના માથેથી ગુમાવ્યા બાદ જિંદગીની દરેક તડકી-છાંયડી માંથી પસાર થઈને અનુભવોનો ખજાનો એકઠો કર્યો હતો અનંતરાયે, પોતાના કુટુંબમાં ચાર ભાઈબહેનોમાં પોતે સૌથી નાના હોવા છતાં પણ પોતે નાના હોવાની અનુભૂતિ ઘરમાંથી કદી થવા પામી ન હતી. જિંદગીના સંઘર્ષોમાં સતત સાથે જ રહેતાં તેમના ધર્મપત્ની સંધ્યાબેને તેમના પગલાંમાં પોતાના પગલાં માંડીને પોતાનો પડછાયો અનંતરાયના પડછાયામાં વિલીન કરી દીધો હતો. ૨૯ વર્ષની લાંબી દડમજલ કાપીને પણ એકબીજાના સુખમાં તેઓ પોતાનું અને પરિવારનું સુખ માણતાં હતા, દીકરી ભાવિએ ફાર્મસીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું અને દીકરા વ્યોમે ડોક્ટરની ડિગ્રી મેળવી હતી. એ દિવસે અનંતરાય અને સંધ્યાબેન છૂટે મોઢે રડ્યા હતા, બાળકો પાછળ કરેલા ત્યાગ અને સમર્પણના જે બીજ વાવ્યા હતા તે આજે ઊગી નીકળ્યા હતા, સગાવ્હાલાં અને સમાજમાં માનસન્માન વધી ગયા.. પોતાના કુળદેવી અને સાંઈબાબામાં અખૂટ શ્રદ્ધા હતી તેઓને. અને આજે તેમની શ્રદ્ધાનું ફળ તેમને મળ્યું હતું.

સુખેથી દિવસો વીતી રહ્યા હતા અને અચાનક એક સવારે દીકરી ભાવીએ પોતાના બાળ સખા અતીતની સાથેના પ્રેમની ઘરમાં જાણ કરી ત્યારે ક્ષણેક માટે હ્રદય ધબકારો ચૂકી ગયું હતું અનંતરાયનું, સદાય એમના હૈયામાં વસતી દીકરીને પારકે ઘરે મોકલવી પડશે તેનો અહેસાસ તેમને અંદરથી હલાવી ગયો હતો, પરંતુ જીવનનું આ જ સનાતન સત્ય છે તે સ્વીકારતા અંતે તેઓએ ભાવિ અને અતીતના લગ્ન બહુ જ ભવ્ય રીતે કરાવ્યા અને વહાલસોયી દીકરીને હ્રદયના અંદરના  ખૂણે ભરી રાખેલા આંસુઓને આંખોમાં સંતાડીને પોતાના હાથે ખુશીથી વિદાય આપીને કન્યાદાનનું મહાપુણ્ય મેળવ્યું. સંધ્યાબેન અને અનંતરાયના પરિવારની ફોટો ફ્રેમમાં દીકરી ભાવિના ભરથાર તરીકે અતીતનું આગમન થયું હતું, પરંતુ અનંતરાયના નસીબમાં શાંતિનો શ્વાસ લેવાનો આવે એ ઘડીને હજુ વાર હતી, તકદીર અનંતરાયની પરીક્ષા કરવામાં બિલકુલ કસર છોડવા માંગતી ન હતી. દીકરી વળાવ્યાની માંડ કળ વળી હતી ત્યાં તો એક બીજો પડકાર સામે આવીને ઊભો રહ્યો, દીકરા વ્યોમે પોતાના આગળના અભ્યાસ માટે વિદેશ ભણવાની નમ્ર પણ વ્યાજબી માંગણી અનંતરાય સમક્ષ કરી, અનંતરાય પોતાના દીકરાનો આ પ્રસ્તાવ સાંભળીને ઘડીક સ્તબ્ધ થઈ ગયા, એમને પોતાનો માળો વિખેરાતો લાગ્યો પરંતુ સ્વભાવે સાલસ અને આજ્ઞાંકિત દીકરાના ભવિષ્ય માટે તેઓએ વિધાતાના આ વિધાનને સજળ નયને સ્વીકાર્યું અને તેને પ્રોત્સાહન આપતા કેનેડામાં અભ્યાસ કરવા માટે અપ્લાય કરવાની પરવાનગી આપી. અંતરમન તો આવનાર આ પડકાર કેવી રીતે પાર પડશે તેની દ્વિધામાં હતું. દીકરા વ્યોમે પણ કુળદેવી અને સાંઈબાબાને આગળ કરી પોતાની પસંદગીની કોલેજોમાં અરજીઓ કરી. હવે સમયે એનું કામ  કરવાનું હતું. અનંતરાયને આજે પણ યાદ છે તારીખ:૧૦/૧૦/૨૦૧૭, વ્યોમ ના સપનાનું પહેલું ચરણ પૂર્ણ થયું હોય એમ કેનેડામાં એણે અરજી કરેલ કોલેજમાંથી ઓફર લેટર આવી ગયો. દીકરો ખૂબ આનંદમાં હતો, આખું ઘર આનંદમાં હતું, આખા ઘરમાં ઉત્સવનો માહોલ હતો પરંતુ આ તરફ અનંતરાયના મનમાં આનંદ સાથે અજંપાની ઘડી હતી. પ્રશ્ન હવે એ હતો આ બધું કરશું કઈ રીતે? પ્રાથમિકતાના ધોરણે જે રકમ ભરવાની થતી હતી તે માટે દીકરી ભાવિ અને જમાઈ અતીતે અનંતરાયના ખભે હાથ મૂકી સાંત્વના આપી અને પોતાની પાસેથી થઈ જશે તેની ખાત્રી આપી.

તારીખ ૨૬ / ૧૦ / ૨૦૧૭ ના રોજ દ્વિતીય ચરણમાં પગલું માંડ્યું, ફીનો પ્રથમ હપ્તો મોકલવામાં આવ્યો, અનંતરાય માટે આ સમય જીવવો બહુ અઘરો હતો, મોટી મોટી રકમની જોગવાઇની વાતો હતી અને અનંતરાયનો પનો ટૂંકો પડતો હતો, પરંતુ સંધ્યાબેન ફરીથી તેમના ખભે ખભો મિલાવી ને અનંતરાયની સંગે ઊભા રહ્યા અને ફરીથી શરૂ થઈ અનંતરાય અને સંધ્યાબેનની સંઘર્ષ યાત્રાની નવી સફર.. અનંતરાય વિધિના આ વિધાનની સામે મંદમંદ હસી મનોમન બોલ્યા, હે વિધાતા, પરીક્ષા લેવાનું  કાર્ય તું કર એ તારું કર્મ છે, અને તારા દ્વારા લેવામાં આવનારી દરેક પરીક્ષામાં પાર ઉતરવું એ મારું કર્મ છે.. પણ આ વખતે તે મારા માટે પેપર બહુ અઘરું કાઢયું છે વ્હાલાં. પણ હાર માને એ મરજીવો અનંતરાય નહીં, હું તારી દરેક પરીક્ષામાં મારા સત્કર્મના સારા માર્ક્સ સાથે પાસ થઈશ તેની હું ખાત્રી આપું છું. “મારો વ્યોમ તેના સપનાં મારી આંખે જ પૂરા કરશે.”

દીકરીના લગ્ન પછી નાણાંંકીય રીતે તો થોડો હાથ સંકડાશમાં આવી જ ગયો હતો, અને આ તો મોટો પડકાર હતો. મગજ કોઈ રસ્તો સૂઝાડતું ન હતું, દિવસો વીતી રહ્યા હતા અને એક દિવસ, અનંતરાય અને સંધ્યાબેન નીકળી ગયા ત્યાં જવા કે જ્યાં તેમના દરેક સવાલોનો જવાબ અને દરેક સમસ્યાઓનું નિરાકરણ હતું, પોતાની માં કુળદેવીના દ્વારે, માંના ચરણોને પોતાના આંસુઓથી પખાળતાં  પખાળતાં પોતાના બાળકોના સપનાં પૂરા કરવાની એક અરજી માંના ખોળે રમતી મૂકી મન હળવુંફૂલ થઈ ગયું હતું જાણે કે તેઓના હૃદયનો ભારમાં એ પોતાના માથે ન લઈ લીધો હોય! બીજી બાજુ સાંઈબાબાની ભક્તિ અને દર્શનના ગુરૂવાર પણ ચાલુ હતા, આ જંગ હવે તો જીતવાનો જ હતો, એક સવારે અનંતરાયે પોતાના ઘરને વેચવાની વાત જ્યારે ઘરમાં જણાવી ત્યારે દીકરા વ્યોમે એ વાત પર ઘસીને ના પાડી દીધી, સાથે જ માંબાપ ને ઘર વગરના કરીને પોતાનાં સપનાં પૂરા કરવાના વિચાર પર પૂર્ણવિરામ જ મૂકી દીધો. દિવસો વીતી રહ્યા હતા, વ્યોમની આગળની મોટી ફી માટેની રકમ ભરવાનો સમય નજીક આવી રહ્યો હતો. ઘરમાંથી જે થઈ શકે તે બધું ભેગું કરવા છતાં પણ પૂરું થાય તેવી કોઈ શક્યતા ન હતી. અગ્નિપરીક્ષાનો સમય હતો. અનંતરાયને વ્યોમના આવનારા ભવિષ્યની ભીંતો ભેકાર લાગતી હતી. આવા સમયે વિરાન વિરડીમાં પાણીની છાલક સમુંં એક આશાનું કિરણ દૂરથી પ્રજ્વલિત થયું હોય તેમ વ્યોમની સ્કૂલની મિત્ર આસ્થા તેની મદદે આવી.

વ્યોમે  પોતાની મિત્ર આસ્થા તરફથી મદદ મળે છે તેવી વાત જ્યારે અનંતરાયને જણાવી ત્યારે સ્વમાની અનંતરાયે પારકી દીકરી પાસેથી આ પ્રકારની સહાય લેવાની ના પાડી દીધી, એ વેળા વ્યોમની સાથે ઊભેલી આસ્થાએ અનંતરાયના વાક્યને પોતાના વાક્યથી કાપતાં જણાવ્યું કે હું મારા પરિવારને જાણ કર્યા પછી જ તેઓની મંજૂરીથી જ આગળ આવી છું, અને અંકલ આ તો અમારા શાળેય સબંધોની ગરિમા જાળવવાનો ઉત્તમ સમય છે, મારા મિત્રની આંખોમાં છલકાતી ખુશી મારે મારી આંખોમાં ભરવી છે, અને આજે એ સમય મારા ભાગ્યમાં આવ્યો છે. અને સાચ્ચેજ અનંતરાય દોસ્તીની આ ઊંચાઈને મનોમન વંદી રહ્યા. સજળ નયને દીકરી આસ્થાના માથે હાથ મૂકતાં જ પોતે નત:મસ્તક થઈ ગયા.

તારીખ હતી ૩૧ / ૧૦ / ૨0૧૭ વ્યોમના સપનાનું તૃતીય ચરણ હવે પૂર્ણ થવાના આરે હતું, આવા આકરા સમયે એવી એવી વ્યક્તિઓ મદદમાં આવી  કે જેની તરફ કંઈ કહેવું  કે માંગવું  વિચાર્યુ સુદ્ધાં ન હતું , દીકરાની ફ્લાઇટની ટિકિટ માટે જેઓની સાથે લાગણીઓથી વિશેષ કોઈ સંબંધ ન હતો એવા વડીલ પણ મદદ કરી ગયા, તો દીકરા વ્યોમની મિત્રની જેમ એની સાથે ઉભા રહેવા અનંતરાયનો શાળેય મિત્ર આવીને વગર કંઈ કહે યથાર્થ મદદ કરીને શાળેય સંબંધોની ગરિમા જાળવી ગયો, સંધ્યાબેનના પરિવાર તરફથી પણ હંમેશાની જેમ યથાયોગ્ય મદદ આવી, અનંતરાય પ્રકૃતિના આ વળતા વહેણને મંદમંદ સ્મિત સાથે નીરખી રહ્યા હતા, સાથે સાથે માં અને બાબાની મરજીને વંદન કરી રહ્યા. મંઝિલ હજુ  અડધે રસ્તે હતી. આસ્થાની પહેલથી અનંતરાયના પગમાં જોમ આવી ગયું હતું. સંજોગો જોડે બાથ ભીડવાનો સમય આવી ગયો  હતો.

એક સવારે અનંતરાયે પોતાના મકાન ઉપર એજ્યુકેશન લોન લેવાની બાબતે સંધ્યાબેન તેમજ બાળકો જોડે ચર્ચા કરી અને સર્વસંમતિથી બાકીની કાર્યવાહી હાથ પર ધરવાની તજવીજ કરી, માં અને બાબાનો જ્યારે હાથ માથે હોય ત્યારે તો વ્યોમના જીવનની આ બાજી તો કોઈપણ રીતે જીતવાની જ હતી. અલગઅલગ બેંકોમાં અરજીઓ કર્યા બાદ ભારે તકલીફો અને દોડાદોડ વચ્ચે કાર્ય બહુજ ધીમી ગતિએ આગળ વધી રહ્યું હતું. બેંકોની તુમારશાહી અને તેમના વકીલોની કાગળોની માયાજાળ, અવનવા કાગળોની માંગણીઓ, આશાનું કિરણ ક્યાંય દૂર દૂર સુધી દેખાતું ન હતું આવા નકારાત્મક વાતાવરણ વચ્ચે ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા અને વિશ્વાસ ભલભલાની હિંમત તોડી નાખે, એ નાજુક ક્ષણોમાં બેન્કોના પગથિયાં ઘસતા-ઘસતા પણ અનંતરાય અને  સંધ્યાબેનનો કુળદેવી અને સાંઈબાબા પરનો ભરોસો એવો ને એવો જ અકબંધ હતો. સવારથી સાંજ અલગ-અલગ બેંકોમાં રઝળપાટ પછીની એક સવાર સોનાની ઉગી. આજે પણ અનંતરાયને યાદ છે એ તારીખ ૦૯ / ૧૧ / ૨૦૧૭ વ્યોમની એજ્યુકેશન લોન મંજૂર થઈ, અને આ દિવસ અનંતરાયના પરિવારના માટે ઉત્સવનો દિવસ હતો અને આ ઉત્સવ હરખભેર ઉજવવામાં આવ્યો. હરખના આંસુ આવી ગયા પરમાત્માનો આ મેજિકલ સ્પેલ જોઈને અનંતરાય અને સંધ્યાબેનને. મન કઇ જ માનવા તૈયાર ન હતું, અશક્ય કામ શક્ય બની રહ્યા હતા, હવે ખાલી વીઝા ફાઈલ મૂકવાની બાકી હતી. અને તારીખ ૧૫ / ૧૧ / ૨૦૧૭ ના રોજ વ્યોમના સપનાનું અંતિમ ચરણ એવી એની વીઝા ફાઈલ મૂકાઈ. હવે માત્ર કેનેડાના સ્ટુડન્ટ વિઝાની ચાતક નજરે  રાહ જોવાતી હતી. દિવસો બહુ જ ધીમી ગતિએ વીતી  રહ્યા હતા. વ્યોમની આંખો આવનારા એ  સુવર્ણ પ્રભાતની આતુરતાથી રાહ જોઈ રહી હતી.

 અને…આખરે એ સોનેરી દિવસ આવી જ ગયો

એ દિવસે અનંતરાય પોતાની ઓફિસે હતા અને સંધ્યાબેનનો ફોન આવ્યો. વ્યોમના કેનેડાના સ્ટુડન્ટ વિઝા આવી ગયા છે. હ્રદય જાણે કે ધબકાર ચૂકી ગયું. અને આનંદાઘાતની પળોમાંથી ક્ષણોમાં જ બહાર આવી અનંતરાયે પોતાની જૂની વેગનઆરને સેલ માર્યો. ગાડીમાં કુળદેવીની નાની છબી લગાવેલી જ હતી જેની સાથે રોજ લડતાં-ઝઘડતાં પોતાના વ્યોમની ખુશી માંગતા હતા. આજે એ ઘડી આવી ગઈ હતી. ઓફિસના કમ્પાઉન્ડની બહાર નીકળતાં જ અનંતરાય માંની છબી સમક્ષ બંને હાથ જોડીને મન મૂકીને રોઈ પડ્યાં, ઓફિસથી ઘરનું માત્ર સાત કિ.મી.નું અંતર આજે માઈલોનું લાગતું હતું.. આંખો આંસુઓથી તરબતર હતી.. પાંપણો પર આંસુઓના તોરણ બંધાયા હતા, અવિરત વહી રહેલાં આંસુઓને કારણે દ્રષ્ટિ ધૂંધળી થઈ રહી હોવાથી ગાડી ચલાવવી ભારે થઈ રહી હતી.. જેમતેમ ઘરે પહોંચીને અનંતરાય વ્યોમ અને સંધ્યાબેનને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા.. ઘરમા માત્ર ત્રણ જ જણ હતાંં પણ નિ:શબ્દ, નીરવ શાંતિ હતી.. અશક્ય કામ પૂરું થયાનો અહેસાસ અનુભવવાનો અણમોલ અવસર હતો, અનંતરાયે સ્વયંને ચૂંટણી ખણીને વાસ્તવિકતાની ખાત્રી કરી લીધી, સ્વપ્ન નથી જાણી મનોમન માં અને બાબાની મહેરને વંદન કરી રહ્યા. આજે બેવડી ખુશીનો દિવસ હતો. આજથી બરોબર એક વર્ષ પહેલા દીકરી ભાવિના લગ્ન કર્યા હતા એ દિવસે દિકરી વળાવી હતી અને આજે બરોબર એક વર્ષ પછીની એ જ તારીખ ૧૨ / ૧૨ / ૨૦૧૭ ના રોજ દીકરાને પરદેશ વળાવવાનો લેખિત પરવાનો આવી ગયો હતો. સમગ્ર પરિવારના આજે બધા જ સપનાં પૂર્ણ થઈ ગયા હતા, અનંતરાય અને સંધ્યાબેને  વિધાતાની અઘરા પેપરની પરીક્ષા આખરે સારા માર્કસે  પાસ કરી હતી.

જે દિવસે વિઝા આવી ગયા ત્યારે વ્યોમ પણ બોલી ઉઠ્યો કે આ તો વિઝા આવી ગયા, હવે તો મારે જવું જ પડશે. એ વાક્યમાં ઘરથી દૂર જવાનો એક છૂપો ડર, પોતાનાઓ ને છોડવાનું  દુઃખ સ્પષ્ટ વરતાતું હતું, અનંતરાયને થયું કે લાવ કહી દઉં કે દીકરા રહેવા દે હજુ કંઈ વહી નથી ગયું પણ તેઓ આ બધી વાત પછી ત્યાં જવાનો આનંદ દીકરાની આંખોમાં જોઈ ને મૌન જ રહ્યા, અને આ વાત ન કહ્યાનો અફસોસ તેઓને વ્યોમના ગયા પછી દિવસો સુધી રહ્યો હતો.

છેલ્લા બે દિવસથી અનંતરાયનું મન કશ્મકશમાં હતું કે,આખા ઘરના દરેક સભ્યનું એક સપનું હતું જેને પૂરું કરવા માટે છેલ્લા કેટલાક દિવસોમાં વ્યોમના પ્રારબ્ધ અને પોતાના પુરુષાર્થ થકી એ સપનાને સાકાર કરવા અથાગ પ્રયત્નો કર્યા હતા, અને આખરે તેઓ સફળ પણ થયા હતા. પરંતુ છેલ્લા બે દિવસથી અંતરમન આળું થઈ ને પોકારતું હતું કે દીકરાને વિદેશ મોકલી તો રહ્યા છીએ પણ આ તો મારી નજરો અને પહોંચની બહાર જતો રહેશે! એને મળવું હશે, એને માથે હેતથી હાથ ફેરવવો હશે તો શું કરીશું? એક ડૉક્ટર તરીકે મને ખાવા પીવામાં ટોકશે કોણ? એની મમ્મીનું ધ્યાન રાખશે કોણ? અને જો અમારે એને મળવાનું મન થાય તો શું એટલું સરળ હશે હવે એને મળવું? પરદેશની વાત હતી ત્યાંના કાયદાઓ મુજબ એક મા-બાપને પોતાના દીકરાને મળવાની વાત હતી, અને આ જ વાત અનંતરાયને હવે રહી રહી ને કોરી રહી હતી. તેઓને થતું હતું કે આ કાર્ય કરીને ક્યાંક કોઈ મોટી ભૂલ તો નથી કરી નાખીને, જીવનભરની મૂડી ને આજે દાવ પર લગાડી દીધી હતી, મન-મસ્તિષ્કમાં સૂનકાર વ્યાપી ગયો હતો. અસમંજસની આ પરિસ્થિતિમાં તેઓ પોતાની વ્યથા વ્યક્ત કરવા સહારો શોધી રહ્યા હતા અને દીકરાના જતા પહેલાં જ દીકરાના વિયોગનું ડૂસકું અનંતરાયને અનાયાસ આવી ગયું. પરંતુ દીકરાના સુંદર ભવિષ્યને ધ્યાનમાં લઇ તેમજ જતાં જતાં ક્યાંક એ ઢીલો ન પડી જાય એ માટે એમણે આવતાં ડૂસકાંને ખાળી  દીધું.. 

વિદાયનો દિવસ તારીખ ૧૦ / ૦૧ / ૨૦૧૮

આજે ઉજાણીનો પ્રસંગ હતો, એક સામાન્ય ઘરનો દીકરો પોતાની પાંખો ફેલાવીને આકાશ પામવા નીકળ્યો હતો, આજે ઘરમાં ઉલ્લાસનું વાતાવરણ હતું. જવાનો સમય થઈ રહ્યો હતો. આવનારાં સગાવ્હાલાં પોતાની સૂઝબૂઝ પ્રમાણે સલાહ સૂચનો આપી રહ્યા હતા, આ બધાથી દૂર બેઠા બેઠા અનંતરાય વ્યોમને  નિહાળી રહ્યાંં હતાંં, એની આંખોમાં એનાં સપનાં ઘૂઘવાટ કરી રહ્યાંં હતાંં, એ ફ્રેશ થઈને ઘરની પૂજામાં માતાજીના દર્શન કરીને બહાર આવ્યો ત્યારે આંખોમાં સમાવી રાખેલા આંસુઓની ભીનાશ વર્તાતી હતી, જે જાણેઅજાણે અતીતની નજરમાં આવી ગઈ જાણે કે તેને કહી રહી હોય કે હું આખા ઘરની જવાબદારી હવે તને સોંપીને જાઉં છું અને અતીત વ્યોમને ભેટીને રડી પડ્યો, એ ક્ષણો હતી કે એક બહેનથી ભાઈ દૂર જઈ રહ્યો હતો, બહેનને તો જાણે એના શરીરનું એક અંગ જુદું થઈ રહ્યું હતું, માંથી દીકરો અને પિતાથી પુત્ર લાંબા સમય માટે અલગ થઈ રહ્યા હતા, પણ આ બધી જ પળોમાં વ્યોમ ખૂબ જ મક્કમ હતો. આંખોમાંની ભીનાશ લુપ્ત થઇ ગઇ હતી, અને ક્ષણોમાં જ વ્યોમ એકદમ મજબૂત થઈને બધાને સાંત્વન આપી રહ્યો હતો. ગણત્રીની પળો હતી હવે પરિવાર સાથે વીતાવવાની, ઘરના ઉંબરા ને પગે લાગીને વ્યોમ પરિવાર સાથે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યો, ઈમિગ્રેશન માટે જતાં જતાં વ્યોમ પાછું વળીને બધાને જોઈ રહ્યો, પોતાના પંજાની બાકીની ચાર આંગળીઓ ને શોધવા તેની આંખો ફરી રહી હતી, અનંતરાયનું વ્યાકુળ મન ઉડીને તેને ફરીથી બાથમાં લેવા થનગની રહ્યું હતું ફ્લાઇટનો સમય થયો, ઘરના સૌને પગે લાગીને માતૃભૂમિને અલવિદા કહીને વ્યોમ નીકળી  પડ્યો પોતાની મંઝિલને પામવા. નજરથી દૂર થયો ત્યાં સુધી  સહુ એને જોતા રહ્યા અને વ્યોમ વાદળોની વચ્ચે ખોવાઈ ગયો. વ્યોમ નજરોથી ઓઝલ થતાં જ અનંતરાય અને સંધ્યાબેન નો છેલ્લા મહીનાઓથી રોકી રાખેલ આંસુઓનો બંધ તૂટ્યો.  ભાવિની આંખોમાં આંસુઓનો દરિયો હીલોળા લઈ રહ્યો હતો. ધૂંધળી દ્રષ્ટિએ એની આંખો દૂર-દૂર વાદળોમાં પોતાના ભાઈને શોધી રહી હતી..

કદાચ વાચકમિત્રોને થતું હશે આમાં કંઈ નવું નથી દરેક ઘરમાં બાળકો વિદેશ જાય છે. હા, કદાચ આપ સૌ સાચા હશો. પરંતુ શૂન્યમાંથી સર્જન કરીને ઉભા થયેલા પરિવારની આ વાત છે, સંવેદના છે. આ વાત એ પરિવારની છે કે જે માત્ર અને માત્ર લાગણીઓથી જ જોડાયેલું હતું. જેણે ક્યારેય આવા અરમાનો, આવા સપનાં જોયા જ ન હતા અને આ તો એક પરિવારના હૈયાની વેદના હતી, આ લાગણી તેમને જ અનુભવાય જેમણે પોતાના મુખના કોળિયા કાઢીને બાળકોને જમાડ્યા હોય અને કદી પણ પોતાની નજરોથી અલગ ન થવા દીધા હોય, જ્યારે એ પોતાનાથી દૂર થાય છે ત્યારે અહેસાસ જરૂર થાય છે

– અમિત વ્યાસ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

49 thoughts on “૯૦ દિવસ – અમિત વ્યાસ”

Copy Protected by Chetan's WP-Copyprotect.