રેવતીની સાઈકલ – ભારતીબેન ગોહિલ

(રીડ ગુજરાતીને પ્રસ્તુત વાર્તા પાઠવવા બદલ શ્રી ભારતીબેન ગોહિલનો ખૂબ ખૂબ આભાર. તેમની કલમને અનેક શુભકામનાઓ.)

લીલીબેન કામ કરતાં કરતાં રસોડામાંથી બહાર આવ્યાં. આજુબાજુ જોયું, કાનજી ક્યાંય ન દેખાતા કહે, ‘રેવતીના બાપુ, સાંભળો છો કે?’

‘શું કામ હતું બોલ ને?’ કાનજીએ ફળિયામાંથી જવાબ દીધો.

‘આ રેવતીની નિશાળેથી ઓલી રઘલાની છોકરી આવી’તી. ઈ કે રેવતીના બાપુને નિશાળે મોકલજો. મોટા સાયબે કીધું છે. તો કામે જાવ તંઈ જાતા આવજો ને.’ આટલું બોલી લીલીબેન ફરી પોતાના ઘરકામમાં વ્યસ્ત થઈ ગયા, પણ આ સાંભળીને કાનજી સ્થિર થઈ ગયો. તેને વિચાર આવવા લાગ્યા. ‘શું કામ હશે વળી મોટા માસ્તરને? આ મારી છોકરીએ કાંઈ… ના ના.. મારી છોકરી એવું કાંઈ નો કરે જેથી મને ઠપકો મળે. તો પછી શું હશે?’

‘હેં તને કહું છું…’ કાનજી બોલ્યો, વળી લીલીબેન પોતાનું કામ પડતું મૂકી આવ્યા. કહે, ‘કાંઈ ઉપાધિ જેવું નહીં હોય. જઈ આવો માતાજીનું નામ લઈ.’ પણ તોય કાનજી જગ્યાએથી હલ્યો નહીં. તે વિચારમાં ખોવાઈ ગયો. એક દિવસ દાડી પૂરી કરીને ઘેર આવ્યો ત્યારે રેવતી દોડતી દોડતી આવેલી ને કહે, ‘બાપુ… હવે આ મારી મોટી પરીક્ષા આવશે. એમાં જો મારો પેલો નંબર આવે તો મને એક સાઈકલ લઈ દેજો ને !’ દીકરીના લાડ જોઈને કાનજીએ માથું હલાવી હા ભણેલી, તેને થતું હતું કે પોતાની લાડકી દીકરીને ચાલીને નિશાળે જવું પડે છે. રસ્તો લાંબો ને એમાયે સાથે દફ્તર. જો ક્યાંકથી જૂની સાઈકલ મળી જાય તો અપાવી દઈશ. ભલે થોડીક મજૂરી વધારે કરવી પડશે તો કરીશ પણ આ છોડીને તો કાયમી નિરાંત.

તે દિવસથી કાનજી સાઈકલ ખરીદવાનો વેંત કરવામાં પડ્યો ને રેવતી બધાંની પાસે જઈ જઈને બાપુ સાઈકલ અપાવવાના છે એ વાત કર્યા કરતી. જોતજોતામાં તો આ નાનકડાં ગામના ઘેર ઘેર રેવતીની સાઈકલવાળી વાત પહોંચી ગઈ.

પરિણામ નજીક આવતું ગયું. કાનજીએ જોયું કે જેમ જેમ એ દિવસ નજીક આવતો જતો હતો તેમ રેવતીના મોં પર ઉત્સાહ વધતો જતો હતો. હરખનો તો જાણે કોઈ પાર નહીં. પણ કુદરતનું કરવું કે કાનજી સાઈકલના પૈસા એકઠા કરી શક્યો નહિ. ઉધાર આપવા કોઈ તૈયાર થયું નહીં. પરિણામની આગલી રાત્રે તે ઊંઘી શક્યો નહીં. તેને થાય કે દીકરી કહેશે, ‘બાપુ… મારો પેલો નંબર આવ્યો.’ તો હું ક્યા મોંએ કહીશ કે દીકરી, તેં તો વચન પૂરું કર્યું પણ હું સાઈકલની કિંમત…

પરિણામ જાહેર થયું. અપેક્ષા મુજબ જ રેવતી પહેલો નંબર લાવી. ‘બાપુ… બાપુ…’ કરતી ઘેર આવી. અંદર ગઈ. કાંઈ જવાબ ન મળ્યો. થોડી વારે લીલીબેન બહાર આવી નાક પર આંગળી રાખી બોલ્યા, ‘કાંઈ બોલતી નહીં. તારા બાપુને તાવ ભરાણો છે. હમણા જ જરીક ઊંઘ આવી છે.’ ત્યાં ઓચિંતા જ રેવતીની નજર સૂતેલા બાપુના પગ પર ગઈ. પહેલી જ વાર તેને બાપુના પગના તળિયા દેખાયા. પગમાં કેટલા છાલા પડ્યા હતા ! રેવતી રોજ સાંજે બાપુ બાને પૈસા આપતા તે જોતી. આજે તેને થયું કે એ પૈસા કરતા બાપુના પગના છાલા ઘણા જ વધારે છે !

રેવતી કંઈ પણ બોલ્યા વિના ઓરડામાંથી પાછી ફરી. પણ ત્યાર પછી તેણે ક્યારેય બાપુ પાસે સાઈકલની માગણી કરી ન હતી. જો કે ત્યારથી રેવતીમાં અચાનક આવેલું પરિવર્તન કોઈથી અજાણ્યું ન હતું. સદાય ઉછળકૂદ કરતી રેવતી અચાનક ધીરગંભીર બની ગઈ હતી. કારણ માત્ર રેવતી જાણતી હતી ! કાનજી તો એમ જ માનતો હતો કે રેવતીની ગંભીરતા સાઈકલ ન મળવાને કારણે હતી.

એટલે જ કાનજી મનમાં કોચવાતો હતો. તેને થયું રેવતીએ કદાચ નિશાળમાં બધાને વાત કરી હશે કે મારો પહેલો નંબર આવશે તો મારા બાપુ મને સાઈકલ અપાવશે પણ હું ન દઈ શકયો… ને નિશાળવાળા રેવતીને આ કારણસર ગંભીર થયેલી માનતા હશે તો નક્કી મને ઠપકો દેશે… ને કહેશે તેવડ ન હોય તો દીકરીને વાયદો જ ન કરાય ને !

પતિને વિચારે ચડેલા જોઈને લીલીબેન તેની પાસે ગયા ને કહે, ‘જરાય મોળું મન કર્યા વગર જઈ આવો.’ ત્યાં અચાનક કંઈ યાદ આવ્યું ને લીલીબેન કહે, ‘હા… એ છોકરી કાંઈક સાઈકલ સાઈકલ કરતી’તી. પણ જે હોય તે… તમે જાવ તો ખબર પડે.’

સાઈકલનું નામ પડતા જ કાનજી માથે જાણે વીજળી પડી હોય તેમ ઝાટકો લાગ્યો. જેની બીક હતી તે જ સામે આવ્યું.

બીતો બીતો કાનજી નિશાળે પહોંચ્યો. નક્કી કર્યું કે કોઈ કાંઈ કહેશે તો કહી દઈશ કે હું તેને ગમે ત્યારે સગવડતા થશે ત્યારે સાઈકલ અપાવી જ દઈશ. તમારી એ હોંશિયાર છોકરી મારી તો લાડકી દીકરી છે ને !

તે નિશાળના પગથિયાં ચડ્યો. પોતાના તૂટેલા – ફૂટેલા ચપ્પલ ઓફિસની બહાર ઉતાર્યા. કોઈ જોઈ ન જાય તેમ એક બાજુ. ને ‘આવું સાહેબ’ કરતો ઓફિસમાં ગયો. તેણે જોયું કે હેડ-માસ્તરની સાથે એક નવા સાહેબ પણ બેઠેલા.

કાનજી હાથ જોડીને ઉભો રહી ગયો. હેડમાસ્તરે પેલા સાહેબને કહ્યું, ‘સાહેબ… આ કાનજી. તમે એને મળવા માગતા હતા તે. આ રેવતી આમની દીકરી.’ ‘અચ્છા અચ્છા…’ કરતા પેલા સાહેબ કાનજી સામે જોઈ રહ્યા. ચાર ચાર આંખો કાનજી સહન કરી શક્યો નહીં… તેની આંખો આપોઆપ જ ઢળી ગઈ. થોડી વાર મૌન છવાઈ ગયું.

મોટાસાહેબ કહે, ‘કાનજી… આ સાઈકલનું શું છે?’ કાનજી ચૂપચાપ ઊભો રહ્યો. સાહેબે ટેબલ પરથી એક કાગળ લીધો ને કહે, ‘સરકાર તરફથી દીકરીઓને મળતી સાઈકલ રેવતીને પણ મળી છે. તેણે સહી સાથે શું લખ્યું છે તે વાંચ.’ ને પછી તેણે કાગળ લંબાવ્યો. કાનજી ઘડીક કાગળ સામે ને ઘડીક બંને સાહેબો સામે જોઈ રહ્યો. પછી હળવેથી કહે. ‘સાહેબ…મને વાંચતા નથી આવડતું પણ મારી દીકરીથી કાંઈ લખાઈ ગયું હોય તો તેને બદલ હું માફી માગું છું…. હવે પછી ભૂલ નહીં કરે… એને માફ કરી દો.’ ને આટલું બોલતા તો કાનજીની આંખમાં આંસુ આવી ગયા.

જોઈ પેલા અધિકારી સાહેબ ઊભા થઈ ગયા ને કાનજીની પીઠ પર હાથ મૂકી કહે, ‘કાનજી, તારી દીકરીએ એવું કાંઈ નથી લખ્યું કે તારે માફી માગવી પડે. એણે પોતાની સહી કરીને નીચે લખ્યું છે…

– આ સાઈકલ મને મળી છે. મારા બાપુ આઘે કામ કરવા જાય છે. હું તેને રોજ મૂકવા જઈશ ને પછી નિશાળે આવીશ. હવે મારા બાપુને કોઈદી’ પગમાં છાલા નહીં પડે.

સાહેબનો આભાર.

કાનજી….તું નસીબદાર છો કે આવી દીકરીનો બાપ છો. ને મારે એટલે જ તને મળવું હતું. બહુ આનંદ થયો મળીને.’

આટલું સાંભળતા તો કાનજીની આંખો ફરી વાર ભીંજાઈ આવી. પણ પહેલા આવેલા લાચારીના આંસુનું સ્થાન હવે દીકરી પરના પ્રેમ અને ગર્વની લાગણીએ લઈ લીધું.

– ભારતીબેન ગોહિલ

Leave a Reply to Tanvi Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

13 thoughts on “રેવતીની સાઈકલ – ભારતીબેન ગોહિલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.