મેરી ક્રિસમસ – સુષમા શેઠ

(‘ગુજરાત ગાર્ડિયન’ વર્તમાનપત્રની ‘મિડ-વીક’ પૂર્તિમાં તા.૧૯, ડિસેમ્બર, ૨૦૧૮ના રોજ પ્રકાશિત આ નવલિકા રીડ ગુજરાતીને પ્રકાશિત કરવાની પરવાનગી આપવા બદલ શ્રી સુષમાબેન શેઠનો ખૂબ ખૂબ આભાર. તેમની કલમને અનેક શુભેચ્છા. આપ તેમનો sushmaksheth24@gmail.com પર સંપર્ક કરી શકો છો.)

ગઈ કાલ રાતથી પીટર અત્યંત ખુશ હતો. પોતાના કલેજાના ટુકડા સમી નાનકડી પૌત્રીની નાનકડી ઈચ્છા સંતોષી તેને ખુશ કરવાની પોતાની મહેચ્છા હવે પૂરી થશે તે વિચારી ઊંઘમાંય તેનું મોઢું હસુંહસું થયા કર્યું. 

સવારે ઉઠતાવેંત પોતે ખાસ પસંદ કરી ખરીદીને સાચવીને રાખેલા ફ્રીલવાળા ગુલાબી ફરાકને તેણે કબાટમાંથી કાઢ્યું. છેલ્લા છ મહિનાથી દાબડીમાં ભેગા કરી રાખેલા સિક્કા ફરી એકવાર તેની ઘરડી ચૂંચી માંજરી આંખોએ ગણી લીધાં. પૂરતા હતાં તે જોઈ પીટરને રાહત થઈ. તેણે ઘસઘસાટ ઊંઘતી પૌત્રીને માથે વહાલથી હાથ ફેરવીને તેને જગાડી.

“આજે નાતાલ છેને? ચાલ ઝટ તૈયાર થા. ચર્ચમાં જઈશું અને તું બજારમાં પેલી બેકરી બહાર ઉભી ઉભી દરરોજ જોયા કરે છેને તે મીઠી મધુરી પોચી-પોચી ફુલથી શણગારેલી ચોકલેટવાળી કેક તને અપાવું.” પોરસાઈને બોલતા પીટરે પોતાના વાંકડીઆ વાળમાં કાંસકો ફેરવતા રોઝીના હાથમાં પેલું નવું નક્કોર ફરાક પકડાવ્યું.

આંખો ચોળતી ઊત્સાહિત રોઝી આવેશમાં આવી પથારીમાંથી ઉભી થતી જ કુદવા માંડી, “સાચ્ચે દાદા?” સાંતાક્લોઝ આવીને બાળકોને ભેટ આપે એવું મિત્રોને કહેતાં સાંભળતી રોઝી સૌને વટથી કહેતી, “મારા દાદા સાંતાક્લોઝ છે.”

મમ્મી-પપ્પાના ગયા પછી મહોરું પહેર્યા વગરના દાદાને આજે પહેલી વાર આટલા હસતા જોયા. બંને દાદા-પૌત્રી થનગનતા તૈયાર થઈ ઝૂંપડી જેવા ઘર બહાર નીકળ્યા.

ભયાનક જીવલેણ ડેન્ગ્યુમાં સપડાઈ જવાથી દીકરા-વહુના થયેલ નિધન બાદ બગીચા, મેળા કે દુકાન બહાર મીકી-માઊસ, સાન્તાક્લોઝ અથવા ક્લાઊનનું મહોરું ચઢાવી બાળકોના દિલ બહેલાવવાનું કામ કરતો પીટર થોડીઘણી આવક ઊભી કરી શકતો જે મોટે ભાગે બે જણની ભૂખ સંતોષવા પૂરતી જ હતી. અચાનક આવી પડેલી એ માંદગી પીટરના વહુ-દીકરા ભેગાં, ભેગી થયેલ બચત પણ ગળી ગઈ. મા-બાપ વિનાની રોઝીને એકલ પંડે ઉછેરવાની જવાબદારી પીટરને શિરે આવી પડી. તેમનું બીજુંય ક્યાં કોઈ હતું?

થોડું આગળ ચાલતાં ગલીના નાકે રંગીન લાઇટોથી ઝબુકતું ‘સુપર બેકરી’નું બોર્ડ વંચાતાં બંનેના જોશીલા પગ થંભ્યા. પગનાં પંજાઓ પર  ઊંચા થઈ ઊભી પાનીએ રોઝીની ચમકતી આંખોએ કાચના ઝગમગતા શો-કેસમાં ગોઠવાએલી પોતાની મનગમતી કેક નીરખી. ગોળ કાચની પ્લેટમાં ગોળાકાર ઊંચી ચૉકલેટ-કેક પર પીળા, ગુલાબી ફૂલ-પાનનું આઈસીંગ, ટગર ટગર જોતી તરસતી આંખોને લલચાવતું હતું. તેના મોઢામાં પાણી આવ્યું. નાનકડી નિર્દોષ આંખો ફરી ચમકી. રોઝીના મોઢા પરનો મલકાટ જોઈ પીટરની ઘરડી આંખો રાજીરાજી! તેણે પોતાના કરચલીવાળા ચહેરા પરના નાક પાસેના મસાને હળવી આંગળીએથી સ્હેજ પંપાળ્યો.

“પે…લી ચોકલેટવાળી કેક આપોને.” કેક તરફ આંગળી ચીંધતા લઘરવઘર ડોસાએ પોતાનો સંતાડી રાખેલો મેલો બટવો, ઢીલા શર્ટના ખિસ્સામાંથી કાઢતા કહ્યું, “મેરી ક્રિસમસ.”

“મેરી ક્રિસમસ.” વળતું અભિવાદન કરતા કાઉન્ટર પાછળ ઊભેલ શખ્સે કેક કાઢી આપતા પહેલાં સ્હેજ કડક અવાજે અવઢવતા કહ્યું, 

“ખબર છે? ચાલીસનો એક પીસ થશે.” 

“આપું.” કહી પીટરે કાઉન્ટર પર બટવો ખાલી કર્યો. 

એક, બે, પાંચ, દસના સિક્કા ગણતાે પેલો મૂછમાં હસ્યો. “છત્રીસ છે.” તેણે મોટેથી કહ્યું.

“ફરી ગણ બેટા. મેં તો ચાલી ગણેલા.”

“ના દાદા. જુઓ.” કહી પેલાએ એક એક કરી રુપિયા ગણાવ્યા. છત્રીસ જ હતા. ડોસાએ ધ્રુજતા હાથે બટવો ઊંધો કરી ખંખેર્યો. કશું જ ન નીકળ્યું. પૌત્રીની માફક તેનોય પનો ટૂંકો પડ્યો.

પૌત્રીને આંગળીએ ઝાલી તે નિરાશ વદને બેકરીશોપની બહાર નીકળ્યો. માસૂમ રોઝી ઘડીક દાદાની આંખમાં ધસી આવેલા તગતગતા આંસુને તો ઘડીક કેકને તાકતી રહી. કાચની પારદર્શક કેબિનમાં રિવોલ્વીંન્ગ ખુરશી પર બેઠેલા બેકરીશોપના માલિકની બે પાણીદાર આંખો પણ પીટરનું મુખારવિંદ અપલક નીરખતી રહી.

“કાલે ખવડાવીશ હોં. આજે ઈસુએ મારી પ્રાર્થના ન સાંભળી.” કહી રોઝીને ગાલે હથેળી ફેરવી તેને પટાવતો પીટર જાણે પોતાના જ લાચાર મનને મનાવતો હતો. સાંન્તાનું હસતું મહોરું ચઢાવી બાળકોને હસાવતો પીટર પોતે હસવાનું ભૂલી ગયેલો.

ઘરે પહોંચી સુનમુન બેસી રહેલા પીટરને પોતાના કાચા ગણિતનો અકારણ થાક વરતાયો. તેવામાં કાને હર્ષાવેશે કિકિયારી પાડતી પૌત્રીનો આનંદિત અવાજ અથડાયો, “દાદા એ દાદા… જો ગોડે તારી પ્રાર્થના સાંભળી. આવ, જો આપણા બંને માટે મો… ટી કેક મોકલી.” રોઝીના નાનકડા હાથમાં, લાંબો પાતળો સાંન્તાક્લોઝનું મહોરું પહેરી બારણે ઊભેલો શખ્સ સુપર બેકરીનું એક મોટું ખોખું પકડાવતો હતો. ખોલીને જોયું ત્યારે બંનેની આંખો પેલી મઘમઘતી તાજી ચૉકલેટ-કેક જોઈને પહોળી થઈ ગઈ. વળી ઉપર લખેલું ‘મેરી ક્રિસમસ.’

“કોણ છે ભાઈ તું? આ કોણે મોકલી? કેટલા આપવાના?” પીટરના સવાલનો જવાબ ન મળ્યો. તે હસતો રહ્યો. “આપવાનું? આનું હાસ્ય બીજું કશું નહિ.” તેણે નાનકડી રોઝી સામે જોતા કહ્યું. અવાક્ ડોસો સજળ નેત્રે ઈસુનો આભાર માનતો એ લાંબા પાતળા અજાણ્યા શખ્સને પીઠ ફેરવી જતો જોઈ રહ્યો.

પછી તો દર વર્ષે નાતાલમાં નિયત સમયે ચૉકલેટ-કેક બારણે આવી જવાનો ક્રમ ચાલુ જ રહ્યો. રોઝી કે દાદા એ બેયમાંથી એકેય જાણી ન  શક્યું કે સુપર બેકરીમાંથી આવતી ચૉકલેટ-કેક મોકલતું કોણ હતું અને શા માટે! શું ક્યાંકથી ઈશ્વર સ્વયં… કે સાક્ષાત સાંન્તા?

*****

તે દિવસે જ્યારે પીટરડોસો  ખિન્ન હ્રદયે દુકાનના પગથિયા ઢીલા પગે ઉતરતો હતો ત્યારે સુપર બેકરીનો લાંબો પાતળો માલિક પોતાના મનમાં ઊંડો ઉતરી ગયેલો, ત્રીસ વર્ષ જુના ભૂતકાળમાં સરકીને ગરકાવ થતો.

બેકરી શોપની પોતાની નાનકડી ઓફિસની કેબિનમાં બેઠો બેઠો તે સામી દિવાલે ફ્રેમ કરી મઢાવી રાખેલ સાન્તાક્લોઝના માસ્કને તાકતો રહ્યો. માસ્ક આરપાર દેખાઈ વર્ષો પહેલાની નાતાલની હાડ થીજવી દેતી સાંજ.

બગીચા બહાર લાલચટ્ટક કપડાં અને કેપવાળા ‘મેરી ક્રિસમસ’ બોલતા સાન્તાક્લોઝને પીપરમીંટ અને ભેટ આપતો જોઈ માનો હાથ છોડાવી એક બાળક તે લેવા સામે રસ્તે દોડ્યો. તેની પાછળ દોડતી મા ધસમસતી બસની અડફેટે આવી જઈ ઘાયલ થતી લોહીલુહાણ એક તરફ ફંગોળાઈ. કારમી ચીસથી ધ્રુજી ઊઠેલા વાતાવરણમાં કંઈ સમજાય તે પહેલા પેલા સાન્તાક્લોઝે દોડી જઈ બાળકની માને ઊંચકી લીધી અને દોડતા જઈ તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડી. પોતાની પાસેના બધા પૈસા ડોક્ટરને આપતા કહેલું, “હું તેમને નથી ઓળખતો.” 

પરંતુ માસ્ક કાઢી રહેલ એ વ્યક્તિના વાંકડીયા વાળ, માંજરી આંખો અને નાક પાસેનો મસો આજેય એ બાળક ઓળખી ગયો. ઘાયલ માના સાજા થતાં સુધી હેતથી બાળકને સાચવનાર, કોળિયો ભરાવનાર સાંન્તાક્લોઝ એ નબાપા બાળક માટે ભગવાન થઈને આવેલો અને પછી ક્યાંક શહેરની ભીડમાં ખોવાઈ ગયો. તે વખતે જો તેણે રસ્તા વચ્ચે પડેલી માને ઊંચકીને તાત્કાલિક હોસ્પિટલભેગી ના કરી હોત તો? તો…

કેબીનની દિવાલે મઢાવીને લટકાવી રાખેલ સાન્તાક્લોઝના માસ્કને કહેતો હોય તેમ તેને એકીટશે તાકતો સુપર બેકરીનો માલિક બોલ્યો, “તમને કેટલાય શોધ્યા. છેક આટલા વર્ષે આજે મળ્યા. હાશ! હવે મારા મનને ચેન અને સંતોષ પ્રાપ્ત થશે. કેટલાય સાંતાક્લોઝના  માસ્ક ઊતરાવી જોયા પણ પેલી દિલોદિમાગમાં કોતરાઈને અંકિત થયેલી મુખાકૃતિ આજે આમ અચાનક દેખાઈ. બસ દિલથી આભાર માનવો હતો.”

તેટલી વારમાં તો ડોસો તેની આંખ સામેથી ઓઝલ થઈ ગયો. ઝડપથી બહાર નીકળી ડોસાનો પીછો કર્યા બાદ પૂછપરછ કરી માલિકે તેની બધી જ હકીકત જાણી લીધી.

*******

દસ વર્ષ બાદ ખાટલો પકડેલ અશક્ત ડોસાએ મરતા પહેલાં દર વર્ષે કેક મોકલનારનો ભેદ જાણવાની ઉત્સુકતાથી જ્યારે રોઝીને સુપર બેકરીમાં દોડાવી, “જા તપાસ કર. છેલ્લા દસ દસ વરસથી દર નાતાલે ચોકલેટ-કેક કોણ મોકલે છે? માલિકને જાણ હોવી જ જોઈએ.” ત્યારે વીલે મોઢે પાછી ફરેલી રોઝી એટલું જ બોલી, “મેં સુપર બેકરીમાં જઈ માલિકને ઘણું પૂછ્યું દાદા, તો તેણે ભીંતે ટાંગેલી સાંન્તાના માસ્કની ફ્રેમ બતાવી બસ હસ્યા કર્યું.”

પીટરના દેહાંત બાદ સુપર બેકરીના કાઉન્ટર પાછળ ઊભા રહી નોકરી કરતી સદાય હસતી રોઝીને હવે તેની અતિ પ્રિય ચૉકલેટ-કેક પગના પંજા ઊપર ઊભા રહીને નથી જોવી પડતી. એ તો તે દરરોજ જુએ છે અને ગ્રાહકોને પીરસે છે પરંતુ…

પરંતુ પેલી દર નાતાલે ઘરે આવતી ‘મેરી ક્રિસમસ’ લખેલી ચૉકલેટ-કેકનું રહસ્ય હજુય અકબંધ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

27 thoughts on “મેરી ક્રિસમસ – સુષમા શેઠ”

Copy Protected by Chetan's WP-Copyprotect.