ગોવા : આકાશને મળીએ દરિયા પાર.. – મીરા જોશી

હૈયું કરો હળવું પ્રથમ પીંછાની જેમ,
ઊડી તમે શકશો કોઈ ફરિશ્તાની જેમ..
– સુધીર પટેલ

જીવનમાં ક્યારેક લાંબી ઉડાન ભરવા માટે પહેલા હળવું થવું પડે, લાંબો કૂદકો મારવા માટે બે સ્ટેપ પાછળ પણ હટવું પડે.. સપ્ટેમ્બરમાં કરેલ હિમાચલના ટ્રેક બાદ બીજા ટ્રેકિંગ પર જલ્દીથી જવાની, કુદરતનો ખોળો ખૂંદવાની મને અને સખી ડિમ્પલને અદમ્ય ઈચ્છા હતી. પરંતુ દિવાળીની રજાઓ અને ઉપરથી બજેટનો પ્રોબ્લેમ એટલે ફાઇનલી નક્કી થયું – જેટલું બજેટ છે એમાં એક નવા સ્થળે ફરવા જવું.. અને વિશલીસ્ટમાં જે બહુ છેલ્લે હતું એના પર પસંદગીનો કળશ પહેલો ઢોળાયો.. એ ‘ગોઆ’. ટ્રેકિંગ કરો કે ફરવા જાઓ, ધ્યેય તો વિશાળ પૃથ્વી પર ફેલાયેલી કુદરતને જોવા – માણવા – સમજવાનું જ હોય ને!

આ લેખમાં વાત કરીશ ઓછા બજેટમાં કઈ રીતે ગોવાનો મહત્તમ આનંદ લૂંટી શકાય… તો ચાલો ઉપડીએ ગોવાની સફરે.. મારી સાથે!

શરૂઆત કરીએ થોડી મૂળભૂત માહિતીથી..

 • જેમને વીકએન્ડ કે દિવાળી વેકેશનમાં ઓછા ખર્ચે કોઈ નવા સ્થળે તરોતાજા થવા કે શાંતિપ્રિય જગ્યાએ સમય વીતાવવા જવાની ઈચ્છા હોય, મારા મતે એમના માટે ગોવા સૌથી સરસ વિકલ્પ છે. જોકે ગુજરાત કે મુંબઈથી ગોવા દિલ્હી જેટલું દૂર તો ખરું જ પણ એક વાર પહોંચી ગયા બાદ તમને ગોવા તમારા ઘર જેવું ઢુંકડુ ન લાગે તો કહેજો મને!
 • ગોવા પશ્ચિમ ભારતમાં આવેલું, અડધા ભાગમાં અરબી સમુદ્રથી ઘેરાયેલું રાજ્ય છે. ગુજરાતના દરેક મોટા શહેરો તથા મહારાષ્ટ્રથી ટ્રેન થકી ત્યાં જઈ શકાય છે. જો તમે ટ્રેનમાં જવા ન માંગતા હોવ તો બસ પણ એક વિકલ્પ છે. પરંતુ શાંતિથી, સમયસર અને ઓછા ખર્ચે ગોવા જવા માટે ટ્રેન મારા મતે શ્રેષ્ઠ વિકલ્પ છે.
 • મિત્રો અહીં એક વાત ખાસ કહેવા માંગીશ કે જો તમે જન્માષ્ટમી કે દિવાળી જેવા તહેવારોમાં ગોવા જવાનું પ્લાનિંગ કરો છો તો ઓછામાં ઓછા બે મહિના પહેલા તમારું ટ્રેનનું રિઝર્વેશન કરાવી લેશો. કારણ કે આ સીઝનમાં ગુજરાત – મુંબઈ – દિલ્હીથી ગોવા માટે લોકોનો ઘસારો રહેતો હોવાથી મોડું કરેલું રિઝર્વેશન કન્ફર્મ થવાની શક્યતા ખૂબ ઓછી રહે છે. હા – ના કરતા અમે પણ જયારે ટ્રેનનું બુકિંગ કર્યું, કન્ફર્મ ન થવાથી જનરલ ડબ્બાની પરાણે મજા લેતા પહોંચી ગયા ગોવા.
 • માત્ર ૪૫૦-૫૦૦ રૂપિયામાં ૮૭૧ કિમીનું અંતર કાપી આપતી ટ્રેનની સુવિધાનો ઉપયોગ કરશો તો બે ફાયદા રહેશે, એક તો તમારો ખર્ચ ઓછો થશે, અને બીજું ટ્રેનમાંથી જોવા મળતા મનોરમ કુદરતી દ્રશ્યો બિલકુલ ફ્રી જોવા મળશે…! ને જો તમે કવિ કે લેખક છો તો તો આ અનુભવ તમને પેન ઊંચકવા મજબૂર કરી લેશે.. સામાન્ય રીતે હું જયારે ટ્રેનમાં હોઉં ત્યારે બહારના દ્રશ્યો જોઈને મારી સંવેદનાઓનું મનોજગત વધુ જાગૃત થઈ જાય છે અને કાગળ પર કંઈકને કંઈક ઉતરી આવે છે. એટલે જ કદાચ ટ્રેન-પ્રેમ મને વધુ છે!
 • ગૂગલ બાબાના કહેવા મુજબ ગોવામાં કુલ આઠ રેલ્વે સ્ટેશન છે. ગુજરાત અને મુંબઈથી જનાર પ્રવાસીઓએ ક્યાં ઉતરવું એ તેમણે ગોવાના કયા વિસ્તારમાં રહેવાનું નક્કી કર્યું છે એના પર નિર્ભર કરે છે. જેમ કે અમારી હોટેલ અમે ઉત્તર ગોવામાં બુક કરી હતી, એટલે ત્યાં પહોંચવા માટે થીવીમ સ્ટેશન નજીક હતું, જો તમે દક્ષિણ ગોવામાં રહેવા અને ફરવા ઈચ્છતા હોવ તો મડગાંંવ સ્ટેશન નજીક પડે.
 • તો હોટલ બુક કરાવતા પહેલા સાઉથ અને નોર્થ ગોવા વિષે થોડુંં ગૂગલ કરી જોવું. જો તમને ફરવાના સ્થળે ઓછા લોકોની હાજરી જોઈતી હોય અને માત્ર રીલેક્ષ થવું હોય તો સાઉથ ગોવા શ્રેષ્ઠ રહેશે, જ્યાં કોલ્વા, વર્કા, પાલોએમ જેવા સુંદર બીચ આવેલા છે. તો નોર્થ ગોઆ એ લોકો માટે શ્રેષ્ઠ પસંદગી બની રહે છે જેમણે સુંદર બીચની સાથે સાથે નાઈટ ક્લબ, બજાર અને કિલ્લાઓની પણ મુલાકાત લેવી હોય. નોર્થ ગોઆ અત્યંત પ્રચલિત બાગા બીચ સહિત કાલંગુટ, અંજુના, સીન્કરીમ, કોલા જેવા બીચથી ઘેરાયેલું છે. (સ્થળો વિશેના ઉચ્ચારણ શબ્દોથી થોડા અલગ હોઈ શકે છે.) બન્ને નોર્થ અને સાઉથ ગોવામાં તમને દિવસના ૮૦૦/- રૂ. થી ઉપરની હોટલ મળી રહેશે. પરંતુ એકલા છોકરાઓએ કે ગ્રુપમાં છોકરા – છોકરીઓનું જો બજેટમાં રહેવાની વ્યવસ્થા શોધતા હોવ તો ગોવામાં ૫૦૦ રૂપિયાની આસપાસ ખૂબ સારા ‘હોમસ્ટે’ અને ‘હોસ્ટેલ’ની સુવિધા પણ મળી રહે છે!
 • જો તમે પહેલીવાર એકલા કે સપરિવાર જઈ રહ્યા હોવ અને ટ્રેન અડધી રાત્રે જે-તે સ્ટેશન પર ઉતારવાની હોય તો ગભરાવાની જરૂર નથી. અમે રાત્રીના ૩ વાગ્યે થીવીમ સ્ટેશન ઉતર્યા. તમે વિચારશો બે એકલી છોકરીઓ અને રાતના ત્રણ વાગ્યે અજાણ્યા વિસ્તારના અજાણ્યા સ્ટેશને! ડર તો થોડો અમને પણ હતો જ છતાં ડર કે આગે જીત હે કહેતા બેસી પડ્યા થીવીમ સ્ટેશને મળસ્કું થવાની રાહ જોતા.. અમારી સાથે એક ગુજરાતી પરિવાર (કદાચ સૂરતનો જ) થીવીમ સ્ટેશને ઉતર્યો હતો, અને તમારી જાણ માટે ગોવાનું કોઈપણ સ્થળ એકલા વિહરતી છોકરી કે છોકરાઓ માટે અમને અસુરક્ષિત લાગ્યું નથી.. હા તમારે તમારા સામાન અને પોતાની સલામતી માટે સચેત રહેવું પડે.
 • ગોવાનું પ્લાનિંગ કરતી વખતે મેં સહુથી પહેલા ત્યાંના જોવાલાયક સ્થળો સર્ચ કરેલા ને ત્યારબાદ અમારા સ્ટેશન કે હોટેલથી નજીકના સ્થળો કે જ્યાં આસાનીથી જઈ શકાય એની માહિતી જાણી. એ જ રીતે જો તમને ટૂર કે ગાઈડ વિના જાતે આયોજન કરીને ફરવાની ઈચ્છા હોય તો તમને જેમાં રસ હોય એ પ્રકારની જગ્યાઓ એટલે કે ઐતિહાસિક, આર્કિટેક્ચર, પ્રકૃતિ – એ રસવૃતિ મુજબ વધુ સમય વિતાવી શકાય એવા સ્થળો નોંંધી લો. કારણ, ગોવામાં અદ્ભુત પ્રાકૃતિક સૌન્દર્ય તો છે જ સાથે સાથે આર્કિટેક્ચરની દ્રષ્ટિએ પણ અદ્ભુત બાંધકામના નમૂના છે.
 • સ્વાભાવિક રીતે તમે કોઈ નવા વિસ્તારમાં ‘ફરવા’ જઈ રહ્યા છો તો ત્યાંના જાણીતા સ્થળોનો આનંદ લેવા માંગશો, હોટેલ કે રીઝોર્ટના રૂમમાં રહીને બારીમાંથી આકાશ જોવાનો કોઈ અર્થ નથી! હા, નવરાશનો આનંદ માણવા માટે કે અલગ વાતાવરણનો અનુભવ કરવો હોય તો સારા ને સુવિધાયુક્ત રિસોર્ટ કે હોટેલની પસંદગી કરી શકાય. પણ, ફરવા માટે જઈ રહ્યા હોવ તો મારા મતે માત્ર સૂવા કે જમવા માટે જ હોટલ જોઈએ! હોટલ બુકિંગ માટે આજે ઘણી વેબસાઈટ ઉપલબ્ધ છે. અમને ‘મેક માય ટ્રિપ’માં બોનસ રીવાર્ડ પોઈન્ટનો લાભ મળતો હોવાથી નેરુલ વિસ્તાર આવેલ ‘રસ્ટીક હ્ટ્સ-’ માં રૂ. ૩૭૬૦/- માં બે વ્યક્તિનું ત્રણ દિવસનું બુકિંગ મળી ગયું. ઝૂપડીની ઢબથી બનાવેલી આ હોટલ તો સરસ અને શાંત હતી જ સાથે જ હોટલના માલિકે પણ પોતાના સ્વભાવથી અમારું દિલ જીતી લીધું હતું. (આ હોટેલમાં રોકાવા માટે, ડિસ્કાઉન્ટ માટે મારો સંપર્ક કરી શકો છો!) 
 • ઓછા બજેટમાં કોઈપણ સ્થળ ફરવાનો જેટલો આનંદ આવે એટલો આનંદ બહુ મોંઘીદાટ અને અતિશય સુવિધાઓની ભરમાર ધરાવતી હોટલોમાં નથી આવતો એવું મેં અત્યાર સુધી અનુભવ્યું છે. અમારી હોટલ જતી બસ નીકળી ગઈ હોવાથી અમે પહેલા વેરુલ પહોંચ્યા અને ત્યાંથી ૨ કિમી જેવું બેગ સહિત ચાલીને જ સ્થાનિકોને રસ્તો પૂછતાં ૧૧ વાગ્યે હોટેલ પહોંચ્યા. આમ, જો તમને વાહન વિના ચાલે એમ ન હોય તો ઓછા બજેટમાં ગોવા જેવા સ્થળનું પ્લાનિંગ કરવું મુશ્કેલ છે. કારણ કે ગોવા વિશાળ વિસ્તારમાં ફેલાયેલી અદ્ભુત જગ્યા છે, માટે જ વિદેશી ટૂરીસ્ટોને પણ તેનું ખાસ આકર્ષણ છે અને એથી જ ખાસ તો પ્રવાસીઓના ધસારાવાળી – રજાઓ હોય એ સીઝનમાં હોટલ અને ટેક્ષીના ભાવ વધુ જોવા મળે. માટે ડગલે ને પગલે ટેક્ષી કરવી મોંઘી પડે. જો તમને ચાલવાનો આનંદ આવતો હોય અને ચાલી શકવાની ક્ષમતા પણ હોય તો અમુક અંતર સુધી ચાલી લેવું.  
 • જો તમે પરિવાર કે મિત્રો સાથે ગ્રુપમાં ગોવા ફરવા આવી રહ્યા છો તો કાર ભાડે કરીને ફરવું ખૂબ સરળ અને સુવિધાજનક રહેશે. ઉપરાંત કોઈપણ હોટલમાં તમે રોકાયા હોય ત્યાંથી અથવા હોટેલની નજીકથી જ તમને બે પૈડાંવાળા વાહનો જેવા કે બાઈક, એક્ટિવા વગેરે ભાડે લેવાના વિકલ્પો પણ મળશે. વાહન ભાડે લેવા માટે તમારું ઓરીજનલ આઈ.ડી. પ્રૂફ અને ઝેરોક્ષ તેમજ લાયસન્સ સાથે લાવવાનું ન ભૂલશો! હું ને ડીમ્પલ બંને સાથે હોવાથી દિવસ દીઠ રૂ. ૩૫૦ ના ભાડાથી અમે એક એક્ટિવા ભાડે લીધું અને બપોરની ગરમીને હેલ્લો કહેતા નીકળી પડ્યા ગોવા ખૂંદવા..
 • ગોવાના દરેક પ્રવાસન સ્થળો પર અમુક સ્ટોલ લાગેલા જ છે, જેમ કે ચપ્પલ, હેટ-કેપ, રૂમાલ-બેલ્ટ જેવી વસ્તુઓ જો તમે ભૂલી પણ ગયા હોવ તો કોઈપણ જગ્યાએથી ખરીદવા મળી રહેશે.
 • સહુથી મહત્વની વાત – ગોવામાં તમને મહત્તમ નોનવેજ અથવા સી-ફૂડની રેસ્ટોરન્ટ જોવા મળશે. હા, સાઉથ ઇન્ડીયન – ઢોસા – ઈડલી કે ક્યારેક ગુજરાતી ને ગોવાની વિશેષ ડીશ મળી જાય. પણ છતાં સ્વાદ માટે પેટ સાથે બહુ સમાધાન ન કરવું હોય તો ઘરેથી આપણા ગુજરાતી થેપલા, મૂઠિયા, ચોરાફળી જેવો સૂક્કો નાસ્તો લઈ જવો. ઘરેથી લીધેલા થેપલાએ અમારો સમય ને પૈસા તો બચાવ્યા જ પણ બે દિવસ સુધી પેટ પણ ભર્યું

તો આ હતા અમુક મુખ્ય મુદ્દા, હવે અમે ત્રણ દિવસમાં જોયેલા સ્થળો વિશે જાણીએ.

દિવસ-૧

ગોવા : આકાશને મળીએ દરિયા પાર.. – મીરા જોશી

પ્રથમ દિવસે થીવીમ સ્ટેશન પર ઉતરીને માપુસા શહેરની બસમાં બેઠા.
માપુસા બસ સ્ટેન્ડ ઉતરીને ફ્રેશ થઈ સામાન સહિત ચાલતા ચાલતા જ સેન્ટ જેરોમ ચર્ચ જવા નીકળ્યા. ચર્ચમાં ઈંગ્લિશ કે કોંંકણી ભાષામાં થઈ રહેલી પ્રાર્થનાના શબ્દો તો સમજવા અસમર્થ હતા, પણ વિશ્વની કોઈપણ પ્રાર્થના હોય, દરેકનો સૂર તો અંતે જીવનનો આનંદ લઈ શાંતિ પ્રાપ્ત કરવાનો જ હોય એ વાતમાં કોઈ બે મત નથી. પ્રાર્થના પૂરી થતાં ચર્ચમાં ઇસુના દર્શન માટે ગયા ને અંતરમન અલગ જ અવસ્થામાંથી પસાર થયું. ઇસુની સ્નેહ નીતરતી મૂર્તિ, તેની સમક્ષ ઉભેલા સોએક પ્રાર્થીઓના ચહેરા પર નીતરતો અદ્ભુત પ્રાર્થનાભાવ.. સવારની શરૂઆત જો આટલી શાંતિમય, દંભ દેખાડા વિના અને શુભવિચાર સાથે થાય તો સમગ્ર જીવન કેટલું શાંતિમય બની રહે..! સેન્ટ જેરોમ ચર્ચમાંથી પાછા આવતા રસ્તામાં માપુસાનાં શુક્રવાર બજારમાં ગયા. આપણા શહેરના કોઈપણ બજારની જેવું જ માત્ર શુક્રવારે ભરાતું માપુસાનું આ માર્કેટ પ્રમાણમાં મોટું, સ્વચ્છ અને વ્યવસ્થિત ગોઠવાયેલું છે. શાકભાજી, ફૂલ-ફળોથી લઈને માછલી, કરિયાણું, ક્રોકરી અને કપડા અહીં તમને વ્યાજબી દરે (ભાવતાલ તો ખરો જ) મળી શકે છે. બજાર ફરીને ત્યાંના નાનકડા રેસ્ટોરન્ટમાં કોફી ને સમોસાનો ટેસ્ટી નાસ્તો કર્યા બાદ અમે હોટલ જવા માટે બસ સ્ટેન્ડ પહોંચ્યા.

હોટેલમાં ફ્રેશ થઈને ભાડે લીધેલી એકટીવા પર પ્લાનિંગ મુજબ જ નાનકડા પણ સુંદર એવા કોકો બીચ ગયા ને ત્યાંથી અગુડા ફોર્ટ. ૧૭મી સદીમાં પોર્ટુગીઝો દ્વારા બનાવેલ અગુડા ફોર્ટ વિશાળ અને સુંદર કારીગરીનો નમૂનો છે. આ વિશાળ કિલ્લામાં તમે ફોટોગ્રાફી સહિત નાસ્તા પાણીનો બ્રેક લઈ શકો છો, ને સાંજે જતાં હોવ તો ઊંચાઈ પરથી જોવા મળતા વિશાળ દરિયાને નિહાળતા સૂર્યાસ્ત માણવાની તક ચૂકાય નહી! 

ત્યારબાદ પહોંચ્યા સીન્કરીમ બીચ. આ બીચ વિષે તો શું લખું! એટલું જ કે દરિયો માત્ર પાણીનો વિશાળ સ્ત્રોત જ નથી હોતો, જીવનના મહત્વ અને કુદરતની વિશાળતાને સમુદ્રથી વિશેષ કોઈ વસ્તુ કદાચ વર્ણવી ન શકે! ઊંચી નારીયેળીથી વીંટળાયેલો સીન્કરીમ બીચ અતિશય સુંદર છે, દેશી વિદેશી અનેક ટૂરિસ્ટથી ઘેરાયેલો, દરિયાના હિલોળાથી સતત ભીંજાતો, સાંજને ઓઢણી ઓઢવા જઈ રહેલો, રેતીની સફેદી ઓઢીને જાણે આનંદ અને માત્ર આનંદ જ આપવા માટે ઉભેલો એ કિનારો.. અહીંની સુંદરતાને માત્ર કેમેરાથી ન ઝીલતા, તમારા મન હ્રદયમાં ઝીલી લેજો, કદાચ એ અદ્ભુત ક્ષણ પરત મળે ના મળે!

દિવસ-૨

બીજા દિવસે સૌ પ્રથમ અમે પહોંચ્યા મ્યુઝીયમ ઓફ ગોવા, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કલાકારો દ્વારા બનાવેલ ચિત્રો, સ્કલ્પચર, ડો.સુભાષ કારકર દ્વારા બનાવેલ માછીમારોના જીવન વિષેના અદ્ભુત નમૂનાઓ તમને કળાની વિશાળતાનો પરિચય આપશે. માત્ર ૧૦૦ રૂ. ના દરે તમે સમય હોય ત્યાં સુધી આ મ્યુઝીયમમાં સાચવેલી કળાઓને માણી શકો છો.

ત્યારબાદ એક કલાકની ડ્રાઈવ કરીને પહોંચ્યા ગોવાના બીજા અતિમનોરમ્ય એવા અંજુના બીચ. અંજુના બીચ પર અન્ય બીચની જેમ વોટર સ્પોર્ટ નથી, પરંતુ સ્વચ્છ આકાશ અને નારીયેળીથી ઘેરાયેલો આ બીચ શાંત છે. સ્વચ્છ ભૂરા આકાશ ને ભૂરા પાણીનું સાયુજ્ય સાંધતા આ બીચનું સૌંદર્ય અમે બે કલાક સુધી માણ્યું.

અંજુના બીચ પરથી પાછા ઉતરતા જ પહેલા આવે અતિપ્રચલિત એવો ગોવાનો બાગા બીચ. જો કે અહીં જો તમે એકાંતની અપેક્ષા રાખતા હોવ તો ભૂલી જજો. કારણ ટૂરિસ્ટોમાં બહુ પ્રચલિત હોવાથી તેમજ વોટરસ્પોર્ટ અને સ્પા વગેરેની સુવિધા મળતી હોવાથી અહીં ઘોંઘાટ અને માણસોની વધુ હાજરી જોવા મળે છે. નહાવા માટે તમે સાથે લાવેલ સામાન સામાન્ય દરે બીચ પરની હોટેલ દ્વારા મૂકવામાં આવેલ બીચ-બેડ પર નિશ્ચિત થઈ મૂકી શકો છો. અમે આખરે અહીં નહાવાની ઈચ્છા પૂરી કરી ને નીકળ્યા કાલંગુટ બીચ.

કાલંગુટ બીચ પર દરિયાનો કિનારો વિશાળ લાગ્યો. અહીં પણ રેસ્ટોરન્ટ અને સ્પા જેવા વિકલ્પો મળી રહે છે. બાગા – કાલંગુટ વિસ્તાર ગોવાનો ધબકતો વિસ્તાર છે. અહીં તમને બધું જ આસાનીથી મળી રહે છે. સૂર્યાસ્તના સૌન્દર્યને નિહાળતા અમે બજારમાં જ નાસ્તો કર્યો ને પાછા વળતાં ફર્યા તિબેટીયન માર્કેટ.

જો તમને પ્રાચીન તિબેટીયન કારીગરીનો, ઘર સુશોભનનો કે એન્ટીક આઈટમ વસાવવાનો શોખ હોય તો આ માર્કેટની મુલાકાત લેવી. નાનકડું પણ આકર્ષક વસ્તુઓનું બજાર વિદેશી ટૂરિસ્ટના આકર્ષણનું કેન્દ્ર છે.

ગોવામાં વિવિધ દિવસે વિવિધ માર્કેટ ભરાય છે, શુક્રવારે ફ્રાઈ-ડે માર્કેટ તો શનિવારે સેટરડે નાઈટ માર્કેટ, તો બુધવારે અંજુના ફલી માર્કેટ ભરાય છે. અમારા માટે સેટરડે નાઈટ માર્કેટ જોવાની તક હતી, તેથી અંધારું થઈ ગયું હોવા છતાં સ્થાનિકોને પૂછીને અમે સેટરડે નાઈટ માર્કેટ પહોંચ્યા. અઢળક પ્રવાસીઓથી ભરેલું સેટરડે નાઈટ માર્કેટ અન્ય બજાર કરતા મોટું છે અને વિવિધ વસ્તુઓ વેચાણ માટે મૂકેલી હોય છે. કોઈપણ વસ્તુના વધુ ભાવ આપતા પહેલા અહીં પણ ભાવતાલ કરી જોવા. બજારમાં જ નોનવેજ ખાણીપીણીના સ્ટોલ પણ લાગેલા છે.

દિવસ-૩  

ત્રીજા દિવસનો અમારો પ્લાન હતો દૂધસાગર ધોધ જવાનો. દૂધસાગર ધોધ જવા માટે ટેક્સી કે બસ દ્વારા તમે કુલેમ સુધી પહોંચી શકો. ત્યાંથી ૧૦ કિમીના અંતરે આવેલ દૂધસાગર જવા માટે જીપમાં જવું પડે. આમ આવવા જવાના થઈને ૫ કલાક જેવું એટલે કે અડધા દિવસ જેટલો સમય હોય તો તમે દૂધસાગર જઈ શકો. સવારે ૭ વાગ્યે નીકળી ગયાં હોવા છતાં અમે ત્યાં જવા માટે મોડા પડ્યા માટે નક્કી કર્યું કે ઓલ્ડ ગોવા જઈએ. ગોવાના કેપિટલ પણજીથી કોઈપણ સ્થળે જવા માટે બસ મળી રહે છે.

તો દોઢેક કલાકની બસ મુસાફરીના અંતે પહોંચ્યા ઓલ્ડ ગોવા, બસ સ્ટેન્ડ પર ઉતરીને પહેલા તો ઢોસાથી પેટ પૂજા કરી અને પછી ચાલતા ચાલતા ફેમસ ચર્ચ ‘બાસ્લિકા ઓફ બોમ જીસસ, સી કેથેડ્રલ- વ્હાઈટ ચર્ચની મુલાકાત લીધી. આ બંને અદ્ભુત ચર્ચ સામસામે જ આવેલા છે. બાંધકામની દ્રષ્ટિએ આ ચર્ચ વિશ્વમાં બેનમૂન છે. ઓલ્ડ ગોવામાં જ બીજા અનેક ચર્ચની પણ સમય હોય તો તમે મુલાકાત લઈ શકો છો.

ચર્ચની ભવ્યતાને માણ્યા બાદ અમે પહોંચ્યા મીરામાર બીચ. અહીં મુખ્યત્વે બોટિંગ કરાવવામાં આવે છે. ગોવાની દરેક જગ્યાની ખાસિયત છે કે અહીં દરેક વસ્તુમાં ભાવતાલ માટે રકઝક થાય છે. ડીમ્પલને બોટિંગની ઈચ્છા હોવાથી અમે બે વ્યક્તિના ૭૦૦ માંથી અંતે ૫૦૦ રૂ.માં એક કલાકની બોટસફર કરી. બોટની અંદર તમને ડ્રીંક, દરિયાના હિલોળે થીરકવા માટે મ્યુઝીક સીસ્ટમ, અને ફિલ્મોના શૂટિંગ થયેલા સ્થળો અને ડોલ્ફિન માછલી બતાવાય છે. એક કલાકની બોટિંગ સફરમાં દૂધસાગર ન જઈ શકવાનો અફસોસ વિસરાઈ ગયો અને વેસ્ટર્ન સંગીતના તાલે ખૂબ નાચ્યા. ઉછળતી ડોલ્ફિન જોઈ, જો કે એનો ફોટો કે વિડીયો ન લઈ શકાયો.

ત્યારબાદ સમય હોવાથી ત્યાંથી દસેક મિનીટના અંતરે આવેલ સિંઘમ ફિલ્મથી પ્રસિદ્ધ ડોના પોલા જોવાનું નક્કી કર્યું. જો કે અહીં આવવા માટે હું નહિ કહું કારણ ડોના પોલા અડધા કિમીમાં વિસ્તરેલી નાની એવી બ્રીજ જેવી જગ્યા છે, હા વોટર એક્ટીવીટી અહીં કરાવવામાં આવે છે.

સાંજ થઈ ગઈ હોવાથી હોટેલ પરત જવા પણજી પહોંચ્યા. બસ સ્ટેન્ડની બહાર જ એક વેજ હોટેલ મળી અને પેટપૂજા કરી. આગળ કહ્યું તેમ ગુજરાતી ડીશ માટે અહીં સ્વાદની માથાકૂટમાં પડવું નહિ. પણજીથી જ ફરી બસમાં બેઠા અને હોટેલ પહોંચ્યા. તો આ રીતે રૂ.૫૦૦૦ (એક વ્યક્તિ)ની અંદર અમે ગોવા જોયું, જાણ્યું ને માણ્યું.  

ગોઆના અદ્ભુત છ બીચ, ઐતિહાસિક રોનક એવો અગુડા કિલ્લો, શાંતિનો પર્યાય એવા ત્રણ ચર્ચ, પોતાના શહેરમાં હોવાની અનુભૂતિ કરાવતા બજારો, મસ્તીના તાલે દરિયાની સંગ થિરકવાની મોજ આપતી બોટિંગની સફર, કળાકારીનું ઉચ્ચતમ દ્રષ્ટાંત એવું ગોવાનું મ્યુઝીયમ ને ત્યાંના હંમેશા મદદ માટે તત્પર એવા સ્થાનિકો, બસની શિસ્તતા ને શહેરની સ્વચ્છતા, બધું જ એક સુંદર ચિત્રની જેમ દિલમાં કંડારાઈ ગયું. છેલ્લા દિવસે જાણે ત્રણ દિવસ પણ ગોવા માટે અમને ઓછા લાગ્યા. હજુ એક દિવસ, એક નહિ તો અડધો દિવસ પણ જો મળી જાત તો પેલા સીન્કરીમના બીચને ભેટી આવીએ.. ત્યાંના સૂર્યોદયને આંખોથી ચૂમી લઈએ. પણ આપણે જિંદગી પ્લાનિંગથી જીવતા શીખી ગયા છીએ ને એટલે આમ ગમે ત્યારે ગમે તે કરવું જાણે માફક નથી આવતું!

ખેર, સુરત પરત થતી અમારી ટ્રેન મરુસાગર એક્સપ્રેસે જાણે અમને પાછળ છૂટી રહેલા ગોવાના અફસોસમાંથી રાહત આપી. લાંબી સુરંગમાંથી પસાર થતી ટ્રેનમાં ઉલેચાતું અંધારું ને ફરી આવતો પ્રકાશ, ટ્રેનના દરવાજા પર બેસીને જોયેલ સૂર્યાસ્તનું સૌન્દર્ય મઢ્યું આકાશ પણ ક્યારેય નહિ ભૂલાય.

જીવન શું કરવા મળ્યું છે અથવા આપણા જીવનનો અર્થ શું છે એ વિષે પ્રશ્ન થાય ને તો દરિયા પર આવી કિનારા પર બેસીને ઉગતા કે આથમતા સૂર્યને જોઈ લેવો. દરિયો પ્રેરણાનો સ્ત્રોત છે. દરિયાના તરંગો જાણે કહે છે, કંઈપણ કરો પણ મહત્વનું છે, રેતીને ભીંજવવી.. એક એક વહેણ નવી રેતીને સ્પર્શે છે અથવા એ જ રેતીને અલગ રીતે સ્પર્શે છે.. જીવનની એક-એક ક્ષણો પણ નવી છે, પ્રેમના મોજાઓ સ્થગિત ના થવા જોઈએ, અવિરત તમારા જીવનની આનંદ નામની રેતીને સ્પર્શવા જોઈએ..!

આ લેખ વિષે આપના અભિપ્રાયો તથા નીચેની હોટેલ વિષે જાણવા અથવા ડિસ્કાઉન્ટ માટે મારા ઈમેલ પર સંપર્ક કરી શકો છો. હોટેલ RUSTIC HUTS, NERUL GOA. Call  – 7875236134, Mail ID – meerajoshi1993@gmail.com

– મીરા જોશી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

18 thoughts on “ગોવા : આકાશને મળીએ દરિયા પાર.. – મીરા જોશી”

Copy Protected by Chetan's WP-Copyprotect.